ટોચની જગ્યા તમારી રાહ જુએ છે
ચેલેન્જ
એક ટોચની જગ્યા છે, જે તમને ચેલેન્જ કરે છે
અને તે ટોચ તમારી રાહ જોઈને ઊભી હોય છે
તમારે તો માત્ર ત્યાં પહોંચવાનો પુરુષાર્થ કરવાનો છે
ડેનિયલ વેબસ્ટર
સ્વામી ચિન્મયાનંદે એક સુંદર પ્રેરણાદાયી સૂત્ર અમને આપેલું. ‘આપણી લાચારી માટે થોડુંક વિચારવું પણ તે વિશે વારંવાર વિચારીને વધુ વખત લાચાર રહેવાનું નથી. તમે જગતનાં ઘણાં પરિબળો સામે થોડાક નિરાધાર છો જ અને તે વિશે જાગ્રત રહેવું સારું છે, પરંતુ તમારામાં જે આંતરિક શક્તિ છે તે વિશે જ સતત વિચારીને આત્મવિશ્વાસ રાખવો તે હજારગણું સારું છે. જિંદગીમાં તમને સતત પડકારો આવ્યા કરશે.’ સ્વામીજીની આ વાત સાચી છે.
જીવન કાંઈ ફૂલની પથારી જેવું નથી. મોટા ભાગના લોકો, જેને તમે ટોચે જુઓ છો તેમનાં જીવન સંઘર્ષમય વીત્યાં પછી જ તે ટોચે પહોંચ્યા છે. અમેરિકામાં 18મી સદીમાં જન્મેલા ડેનિયલ વેબસ્ટર એક સાધારણ યુવકમાંથી 18મી સદીમાં અમેરિકાના વિદેશ સચિવ બનેલા. પુરુષાર્થ થકી. મહાન ફ્રેંચ ફિલસૂફ વૉલેયરે કહેલું કે આ જીવનનો પંથ કાંટાઓથી ભરેલો છે. એ પંથ ઉપર કાંટાથી ડર્યા વગર તેની ઐસી તૈસી કરી શાંતિથી ચાલ્યા જવા જેવો કોઈ સુંદર ઈલાજ નથી, પરંતુ એ કાંટાઓનો વિચાર કર્યા કરીને તે માર્ગને શેઢે ઊભા રહીને કાંટાઓનો સતત વિચાર કર્યા કરીને તેટલા પ્રમાણમાં તમે જ્યારે ડરી ડરીને પગલાં ભરો ત્યારે તમને કાંટા વધુ ઈજા કરે છે. એ કાંટાઓની ઐસી તૈસી કરો. હું મલેશિયા હતો ત્યારે ત્યાં મોટા ભાગના સાહસિક વેપારીઓ માટે એક મલેશિયન ભાષાના બે શબ્દો ખૂબ વપરાતા હતા. ‘તાડા ફડુલી’ - કોઈ જ વાંધો નહી, પરવા નહીં, પહોંચી વળીશું, મુશ્કેલી આવવા દો. જો આમ તાડા ફડુલી કરીએ તો કાંટાની શક્તિ ક્ષીણ થઈ જાય છે.
35 વર્ષ પહેલાં મારા મેગેઝિનમાં અમે ‘પસીનાની સુગંધ’ નામની કટાર ચલાવતા ત્યારથી આવી રીતે મુશ્કેલીઓ અને અવરોધોને તાડા ફડુલી કહેનારા ડેનિયલ વેબસ્ટર જેવા ભારતીય અને વિદેશીઓના જીવનનો મેં અભ્યાસ કર્યો છે. ‘ચાંદામામા’ નામનું મેગેઝિન ડુંગળીના વેપારી બી.એન. કોન્ડારેડ્ડીએ શરૂ કર્યું ત્યારે તેની સૌ મજાક કરતા હતા. ડુંગળીના વેપારમાંથી જ તેણે ચાંદામામાનું ભવ્ય પ્રેસ ઊભું કરેલું અને પછી ફિલ્મ નિર્માતા બનેલા. બે ભવ્ય સ્ટુડિયો ઊભા કરેલા.
અહમદ ઑઈલ મિલના મૂળ અહમદભાઈ માથે તેલના ડબ્બા ઉપાડીને શેરીએ શેરીએ ફરીને ‘તેલપળી’ની બૂમો પાડી તેલ વેચતા હતા તેમાંથી પ્રખ્યાત બ્રાન્ડ બનાવી. એસ.કુમાર તરીકે મશહૂર થયેલા કાપડના મારવાડી બંધુઓ ખભે કાપડના તાકા ઊંચકીને ઘરે ઘરે કાપડ વેચતા હતા તે આખરે મિલમાલિક થયા. એમાના એક ભાઈની પુત્રી બિરલાના પુત્ર કુમાર મંગલમ્ સાથે પરણેલી.
જ્હૉન ડી. રોકફેલરનું નામ તમે સાંભળ્યું છે. રોકફેલર ચૌદ વર્ષના હતા ત્યારે તેની ગરીબીને ટાળવા રીચફોર્ડથી હિજરત કરીને ક્લિવલેન્ડમાં આવ્યા. શરૂ શરૂમાં તો રોકફેલર ઘાસના વેપારી હતા. ઘરે ઘરે ફરીને અનાજ વેચતા યુવાન થયા. પછી તો તેણે ક્રૂડતેલના સાહસમાં પડીને સ્ટાન્ડર્ડ ઑઈલ નામની મશહૂર કંપની ઊભી કરીને રોકફેલર યુનિવર્સિટી પણ સ્થાપી, યુવાનીમાં તે એટલા બધા આકર્ષક સોહામણા હતા કે એક નહીં ઘણી છોકરીઓ તેના દેહલાલિત્યથી આકર્ષાઈને તેમને પ્રેમ કરવા આવતી. પછી પરણવાનું નામ પડે ત્યાં તેની ગરીબી જોઈને તેને પરણવાની ચોખ્ખી ના પાડતી. પણ તેમને આ વાતનું મહેણું લાગતાં સખત પુરુષાર્થ કરીને ઘાસ-અનાજનો વેપાર છોડી રોકફેલર ક્રૂડતેલના વેપારી બન્યા અને શરૂમાં તે રૂા. 500 કરોડની રકમ તો ધર્માદામાં વાપરતા. તેને નહીં પરણનારી છોકરી જે જે મુરતિયાને પરણેલી તે તેનો ધર્માદો ખાઈને ભણેલા! ઈસુખ્રિસ્ત જન્મ્યા ત્યારનો સમય ગણીએ તો 1978 સુધીમાં તો રોકફેલરે દરેક મિનિટદીઠ રૂા. 6ની રકમ ધર્માદામાં ખર્ચેલી! પણ જ્યારે તેની ગરીબ હાલત હતી ત્યારે ઘાસના વેપારમાં ખાસ કંઈ મળતું નહીં એટલે તે જમીનમાંથી બટાટા ખોદવાના કલાકના 15 પૈસાથી મજૂરી કરતા.
તેઓ તે દિવસો મરતા સુધી ભૂલ્યા નહોતા. રોકફેલરની માતા મરઘીઓ પાળીને ઈંડાં વેચતી. આવી ગરીબી યાદ રહે તે માટે રોકફેલરે 8000 એકર જમીન ખરીદી અને તેમાં મરઘીપાલન શરૂ રાખ્યું. રોકફેલરે એક પાઈની કમાણી હરામની કરી નહોતી. તે જીવ્યા ત્યાં સુધી તો તેના પુત્રો ધન થકી છકી ગયા નહોતા. એસ. કુમારવાળા અભય કુમારજી મને અવારનવાર મળતા. તેમના કાપડના વેપારના પરસેવાના દિવસો યાદ કરતા એના પુત્રોને પછીથી અમેરિકા ભણવા મોકલેલા. પુત્રોને સખત મહેનતના સંસ્કાર આપેલા. મુંબઈના બીજા યુવાનો કૉલેજમાંથી સીધા નાચગાનની ક્લબમાં જતા. પણ અભયકુમાર કાસલીવાલનો પુત્ર સીધો પિતાની મિલમાં જતો અને ત્યાં મજૂરી જેવું કામ હોય તો તે પણ કરતો. રોકફેલરે પણ તેના પુત્રોને સખત પુરુષાર્થના સંસ્કાર આપેલા. પુત્રોને ખિસ્સાખર્ચી માટે મફતમાં પૈસા આપતા નહીં. તેમના મરઘીપાલનની એસ્ટેટ આડે કાંટાની વાડ બનાવવા માટે દીકરાને કલાક દીઠના 10 ‘પેની’ (ત્યારનું ચલણ) આપતા. રોકફેલરનો પુત્ર કામ કરીને થાકે પછી તે વાયોલિન વગાડે અને તેમાંથી પણ રોકફેલરની માતા તેના પૌત્રને વાયોલિન વગાડવાના અઢી પેન્સ આપતી. (અમેરિકામાં ત્યારે ઈંગ્લેન્ડનું ચલણ શરૂમાં ચાલતું-પાઉન્ડ,શિલિંગ, પેન્સ, પેની).
જ્યારે પણ હું ક્રિકેટર ચેતેશ્વર પૂજારાનું નામ સાંભળું છું ત્યારે હું ચેન્નઈમાં હતો ત્યારના દિવસો યાદ આવે છે. મદ્રાસ તરીકે ઓળખાતા આ શહેરમાં પૂજારા અટક પ્રખ્યાત થઈ ગઈ હતી. તે પૂજારાનું નામ એમ.એલ. પૂજારા હતું. આ પૂજારા મૂળ કચ્છના અંજાર ગામના વતની હતા. તેના પિતા ગુજરાન કરવા કચ્છથી બંગાળના ખડગપુર શહેર સુધી ગયા. ત્યાં એક નાનકડી કરિયાણાની દુકાન કરીને તેલપળી પણ વેચતા. પણ દુકાન ચાલી નહીં. એટલે જે સામાન હતો તે એક નાનકડી પેટીમાં ભરીને મદ્રાસ આવ્યા. ત્યાં તેના દીકરાને રૂા. 20ના પગારથી નોકરી અપાવી. પણ તેમાંથી પૂરું થતું નહીં એટલે પૂજારાનો પુત્ર કાગળની મિલોનો કચરો એકઠો કરવા માંડ્યો. શેરીએ શેરીએ ફરીને પસ્તી ખરીદવા માંડી. પછી તેના શેઠ પાસેથી રૂા. 2000 ઉછીના લઈને કાગળનું કારખાનું નાખ્યું!
આજે ઘરે ઘરે ટીવી સામે બેસીને ગૃહિણીઓ દૂર બેઠાં ટીવીને ચાલુ-બંધ કરી શકાય તેવા રિમોટ કંટ્રોલ વાપરે છે. આ રિમોટ કંટ્રોલ બનાવનારા એસ.એલ. ભટ્ટી હોંગકોંગથી મુંબઈ આવ્યા ત્યારે મને મળેલા. તેના પુરુષાર્થની કહાણી કહેલી. હોંગકોંગથી મુંબઈ આવવું પડ્યું પછી છ મહિના સુધી બેકાર રહ્યા. ઘણા મિત્રો પાસેથી મદદ માગીને રૂા. 5000માં રેડિયો રિપેરિંગની દુકાન શરૂ કરી. તેમાંથી ટી.વી. સેટનો અભ્યાસ કર્યો. પોતાનું સ્ટાન્ડર્ડ ટીવી બનાવ્યું અને ઈલેક્ટ્રોનિક્સનું કારખાનું નાખ્યું.
આપણે વિદેશના વાર્તાકાર ચાર્લ્સ ડીકન્સનું નામ અને વાર્તા વાંચીએ છીએ. આજના નવાસવા લેખકો તો તેની કૃતિ તંત્રીને મોકલે અને સપ્તાહમાં ન છપાય ત્યાં ઊંચાનીચા થાય છે. મારો પ્રથમ લેખ અને પછી વાર્તા ‘મુંબઈ સમાચાર’ને આપ્યા પછી છ મહિને છપાયેલા. ચાર્લ્સ ડીકન્સ વાર્તા લખ્યા પછી ડઝનેક તંત્રી પાસે ગયા અને તેમની વાર્તા ન છપાઈ એટલે તે વાર્તા કચરાના ડબ્બામાં ફેંકી આવ્યા. એક તંત્રી મૉર્નિંગવૉક કરવા ગયા ત્યાં આ વાર્તા લઈને વાંચી. પોતાની વાર્તા છપાઈ તે જાણીને ચાર્લ્સ ડીકન્સ ઉત્તેજિત થઈને જોરથી રડવા લાગ્યા અને તે આખી રાત સૂઈ શકેલા નહીં. તેમણે પછી આઠ વાર્તાઓ લખી. તે છપાઈ પણ એક સેન્ટ જેટલો પુરસ્કાર પણ મળેલો નહીં. આખરે નવમી વાર્તા માટે ત્યારે રૂા. 6 મળેલા (તે સમયના રૂપિયા છ) આજે એ જ ચાર્લ્સ ડીકન્સનાં પૂતળાં મંડાય છે એમની એક અપ્રકાશિત વાર્તા પછી છપાઈ ત્યારે રૂા. સાડા છ લાખની રકમ તેના મરણ પછી તેના વારસદારને મળેલી! આ ચાર્લ્સ ડીકન્સનો સંઘર્ષ જાણવા જેવો છે.
ડીકન્સ તેની ગરીબીને કારણે માત્ર ચાર ધોરણ ભણી શક્યા. ઘર ચલાવવામાં દેવું વધી જતાં ડીકન્સના પિતાને જેલ પડી. જેલ બહાર ડીકન્સની માતા દીકરાને પાળી શકી નહીં તેથી નાનકડો ગુનો કરી હાથે કરી જેલમાં ગઈ. ત્યાં જેલનું ખાવાનું ડીકન્સને મફત મળતું. ડીકન્સે તેના કુટુંબના નિભાવ માટે તેના પ્રિય પુસ્તકો વેચી દેવાં પડ્યાં ત્યારે ડાયરીમાં લખ્યું કે, ‘મારું હૃદય ત્યારે બંધ પડતું પડતું રહી ગયું.’ ડીકન્સે બુટપોલિશ બનાવનારા કારખાનામાં લેબલ લગાડવાની મજૂરી પણ કરી. આ સંઘર્ષકથાને ચાર્લ્સ ડીકન્સે તેની નવલકથા ‘ઓલિવર ટિ્વસ્ટ’માં ચિત્રિત કરી છે. માત્ર માતા-પિતાને નિભાવવા તેણે લગ્ન કર્યું પણ તેઓ તે બાઈને 23 વર્ષ સુધી પત્ની તરીકે ચાહતા નહોતા. છતાં પ્રેક્ટિકલ કારણોસર નિભાવી. પછી છૂટાછેડા આપ્યા ત્યારે ડીકન્સે તેણે શરૂ કરેલા મૅગેઝિનમાં પોતે યુવતી ઉપર કરેલા અન્યાયનો એકરાર કરેલો!
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર