જિંદગી શું છે? : માયાનગર છોડીને પ્રેમનગર જવાની મંઝિલ!
જિંદગી માયા અને મુસાફિર
છોડ મુસાફિર માયાનગર, અબ પ્રેમનગર કો જાના હૈ
ઈસ દુનિયા કી ડગર બડી હૈ જીવન કા ન ઠીકાના હૈ
આલમ સારા જા રહા હૈ તેરા દિન ભી આ ગયા હૈ
પ્રેમ કા સૌદા કરલે મુસાફિર પીછે નહીં પછતાના હૈ
માયા રસ કા જૂઠા સપના, સબકા બંધ છુડાના હૈ
- પંકજ મલિક
હાઉ ટુ લિવ? જિંદગીને કેમ જીવી જવી તેનો રાહ એક પુરાણું પુસ્તક બતાવે છે. જિંદગી કેમ જીવવી? જિંદગી આખરે શું છે? તમને ઈશ્વરે આ અવનિમાં શું કામ મોકલ્યા છે? આવા પ્રશ્નોના જવાબ ભૂતકાળમાં એરિસ્ટોટલ, એપીક્યુરસ જેવા ફિલસૂફોથી માંડીને ઓશો રજનીશ તેમ જ અમુક ફ્રેંચ ફિલૉસૉફરોએ આપ્યા છે. હમણાં મારા હાથમાં એક પુસ્તક આવ્યું છે તે ફ્રેંચ ફિલૉસૉફર માઈકલ ‘દ મોન્ટેને છેક 1570માં લખેલું. તે એક ફ્રેંચ શહેરનો મેયર હતો પણ 37ની ઉંમરે તેણે મેયરપદ છોડી દીધું. પછી તેણે પુસ્તક લખ્યું ‘હાઉ ટુ લિવ’, કેમ જીવવું? આવો પ્રશ્ન કરીને પોતે જ તમને કહે છે કે તમારે કેવી જિંદગી જીવવી તે તમને કોઈ શીખવી શકે નહીં. ધાર્મિક નેતા અને મેયર તરીકે હું પોતે જ સાવ ખોટી શિસ્તનાં ધોરણોમાં જીવન જીવવાનું ભૂલી ગયો છું, પછી મારી આંખ ઊઘડી કે ઈશ્વર તો બિચારો તમને પેદા કરી ક્યાંય ખોવાઈ ગયો છે. તમારે તમારી રીતે અલ્લડ બનીને જીવવું, કોઈ બીજાએ નક્કી કરેલા ધોરણ પ્રમાણે નહીં.
(1) તમે જિંદગીમાં એક વખત તો પ્રેમમાં પડજો જ. પણ એક વાતનો ખ્યાલ રાખજો કે એવરી લવ સ્ટોરી ઈઝ એ પોટેન્શિયલ ગ્રીફ સ્ટોરી. અર્થાત્ દરેક પ્રેમકથા આખરે તો પીડાની કથા બની જવાની છે. પ્રેમ કરો ત્યારે પીડા માટે તૈયાર રહેજો.
(2) ગ્રીકના એથેન્સ શહેર નજીક સામોસમાં જન્મેલા એપીક્યુરસ નામના ફિલસૂફે કહેલું. જીવનની ફિલસૂફી શું છે? તેવા સવાલના જવાબ હું આપું છું કે કોઈપણ ફિલસૂફીનો હેતુ માનવીને સુખી કરવાનો હોય છે. આનંદ પમાડવાનો હોય છે. તે ટ્રાન્કવિલિટીમાં આખરે જીવવાનો જ છે. તે પરમ શાંતિનો ઈચ્છુક હોવો જરૂરી છે. તેણે આશા સાથે તોફાની જિંદગીને ભેટવાનું છે. કોઈપણ ભયની કલ્પનાથી દૂર રહેવાનું છે અને આ બધા દરમિયાન ધ્યાન રાખે કે ભલે મિત્રોનું ટોળું ન રાખે પણ એક-બે મિત્રો એવા રાખે જેને તે ખુશ રાખે, અને મિત્રો તેને ખુશ રાખે. મિત્ર વગર રામ કે કૃષ્ણનેય ચાલ્યું નથી.
(3) એપીક્યુરસના એક ચેલાને પૂછવામાં આવ્યું કે તમારા ગુરુ પાસેથી જિંદગીનો શું મકસદ શીખ્યા? તો તેણે કહ્યું કે, ‘અમુક જણ કહે કે આટલું ધન બસ છે, આટલી કીર્તિ બસ છે તો એવી બીજાની મર્યાદાને નજરઅંદાજ કરજો.’ તમારે પોતે નક્કી કરવું કે તમારે માટે ઈનફ શું છે. જો કોઈ બે ઘોડા રાખતો હોય તો ભલે તે રાખે કારણ કે ઘણા લોકો પાસે બે ઘોડા હોય તો પણ ઈનફ હોતા નથી. તો તમારે માટે ઈનફ શું છે તે તમારે જ નક્કી કરવું. અને જો તમારી ઈચ્છા પ્રમાણે ન મળે તો ઝટ ભૂલી જવું. કારણ કે આખરે તો માણસે, શાંતિથી જીવવાનો મકસદ રાખવાનો છે. જ્યારે તમારામાં ઈનરપીસ-આંતરિક શાંતિ હોય છે ત્યારે તમે પોતે ભગવાનની જેમ જીવો છો. બુદ્ધ શું કામ ભગવાન મનાયા? તે ભરપૂર આંતરિક શાંતિથી રહ્યા. તેમને કોઈ અબળખા જ નહોતી.
(4) ઉપરનું ધોરણ ઓશો રજનીશને લાગુ કરીએ તો રજનીશ વિશે બીજા ગમે તેમ માને પણ તેમનામાં અદ્દભૂત આંતરિક શાંતિ હતી. જ્યારે અમેરિકાથી પાછા ફર્યા અને સૌપ્રથમ પ્રેસ કોન્ફરન્સ જુહૂના એક જયપ્રકાશ નામના ભક્તના બંગલામાં રાખી ત્યારે મને પત્રકાર તરીકે પહેલો પ્રશ્ન પૂછવાની છૂટ આપી. મેં તેમની ભૂતકાળમાં ટીકા કરેલી તે રજનીશ જાણતા હતા, પણ મારા પ્રશ્નોના જવાબો જે શાંતિથી અને જે ક્ષમાભાવથી આપતા હતા ત્યારે પ્રતીતિ થઈ કે તે ખરેખર ભગવાનનું બિરુદ પામવા લાયક હતા.
(5) ‘વ્હોટ ઈઝ ધ લાઈફ ઑફ ઍક્સલન્સ’ આવો પ્રશ્ન એરિસ્ટોટલના શિષ્યને પુછાયો. તો તેના ગુરુ પાસેથી શિષ્ય વ્યક્તિત્વને નિખારવાના જે જે ગુણો શીખ્યો હતો તેણે કહ્યું ‘જિંદગીમાં બીજા લખી ગયા હોય તેવા મોરલ વર્ચ્યુને પાળવા તમે બંધાયેલા નથી.’ તમે જો જિંદગીમાં નૈતિકતા અને અનૈતિકતાની પંચાતમાં પડવા જાઓ તો તમે સાવ ઈનએક્ટિવ થઈ જાઓ છો અને આખરે સુખી થવાને બદલે દુઃખી થાઓ છો. ખરેખર તો તમને સતત પ્રવૃત્તિમાંથી સુખ મળવું જોઈએ અને આવી પ્રવૃત્તિ કરતી વખતે જિંદગીની કેટલીક લકઝરીની અપેક્ષા રાખો તે ગેરવાજબી નથી. થોડું ધન, થોડી કીર્તિ, થોડોક ‘આડોઅવળો આનંદ’ એ બધું જ વાજબી છે. આખરે જિંદગી શું છે? તમારે જો ઈશ્વરને આનંદસ્વરૂપ માનવા હોય તો તમારે પોતે આનંદસ્વરૂપ થવું જોઈએ. આનંદસ્વરૂપ રહેવું જોઈએ. લાફઈ ઈઝ એ ચાન્સ ગિવન ટુ અસ ટુ ટેસ્ટ અસ વ્હેધર વી શુડ બી વિથ ગોડ એન્ડ હિઝ પ્લેઝર પ્રિન્સિપલ! જો ઈશ્વર આનંદસ્વરૂપ છે તો તમે પણ આનંદ માણો.... હા, એટલું ખરું કે તમારા અંતરાત્માને અનુસરો, તમારો આત્મા પીડાતો હોય તેવી વાત કે વર્તણૂકમાં નહીં પડો. બાય પ્લેઝર યુ શુડ અન્ડરસ્ટેન્ડ-એબસન્સ ઑફ પેઈન ઈન ધ બૉડી એન્ડ એબસન્સ ઑફ ટ્રબલ ઇન ધ સાઉલ.
(6) તમે ફિલસૂફીનાં પુસ્તકો વાંચ્યાં જ હશે અને તેમાં જ્યાં પૉલ સાર્ત્ર, સોરેન, કિર્કગાર્ડેં, આર્થર શોપેન હાયર અને ફ્રેડરિક નિત્સેનાં નામો સાંભળ્યાં છે. મારા ચેતનાની ક્ષણેના લેખોમાં આ તમામ અસ્તિત્વવાદી (એક્ઝિન્ટેન્શિયાલિસ્ટો) વિશે લખી ગયો છું. તે તમામની એક જ ફિલસૂફી હતી કે દરેક સ્ત્રી કે પુરૂષે પોતે જ પોતાના જીવનનો અર્થ પેદા કરવો જોઈએ. કોઈ સુપરનેચરલ ગૉડ કે નીતિશાસ્ત્રના કર્તાઓ કે બીજી ઓથોરિટીના નિયમોથી તમારે મુક્ત રહેવાનું છે. તો? તમારે માટે નૈતિકતા કે આચારનીતિ કે એથિકલ વર્તણૂકનું કોઈ બંધન ન હોવું જોઈએ. તમારે માટે જીવન એક એકશન છે. તમને મનપસંદ માન્યતા કે પ્રવૃત્તિ કરવાની છૂટ છે. તમને યોગ્ય લાગે તે નિર્ણય લેવાની છૂટ છે. તેઓ આવી છૂટ લેતા શીખ્યા એટલે તરી ગયા.
સોરેન કિર્કગાર્ડે તો ધડામ દઈને કહી નાખેલું કે આ જિંદગી કંઈ નથી. લાઈફ ઈઝ ફુલ ઓવ્ એબસર્ડિટી. અર્થાત્ આપણા તમામનું જીવન અસંગતિથી ભરેલું છે. અવારનવાર આપણે અર્થહીન વર્તણૂક કરીએ છીએ. વિવેકશૂન્ય થઈ જઈએ છીએ. ઓ.કે., તો તેમાં શરમાવાની જરૂર નથી. તદ્દન સાદો દાખલો, તમારાં માતા-પિતા ગુજરાતી માધ્યમના શિક્ષણના આગ્રહી હોય પણ બહારથી ગુજરાતી માધ્યમનો આગ્રહ અગર દુરાગ્રહ રાખી તેમનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવે છે. એ એબસર્ડિટી જ છે ને? સોરેન કિર્કગાર્ડ કહી ગયા છે કે દરેક માણસે પોતાનાં મૂલ્યો પોતે જ નક્કી કરવાં. ખરેખર આ દુનિયાને ડગલે ને પગલે ખુશ કરવા જાઓ તો તે કદી ખુશ થવાની નથી. એ દુનિયાને તો ખરેખર ‘નાખુશ’ કરીને જ તમે તેને વાસ્તવમાં ખુશ કરો છો! સોરેન કિર્કગાર્ડ આ જગતને ‘ઈનડિફરન્ટ વર્લ્ડ’ કહેતા. દુનિયા જો વિરક્ત છે, જો ઉદાસીન છે, તો તમે શું કામ તેને સુખી કરવા દોડો છો?
આર્થર શોપેન હાયરને પણ પુછાયેલું, ‘વ્હોટ ઈઝ ધ મીનિંગ ઑફ લાઈફ’ તેનો જવાબ હતો કે, ‘લાઈફ રિફ્લેક્ટ્સ વન્સ વીલ એન્ડ ધેટ વીલ (લાઈફ) ઇઝ એન. એઈમલેસ, ઈરરેશનલ પેઈનફુલ ડ્રાઈવ.’ મને આ જવાબ શ્રેષ્ઠ લાગ્યો છે. જિંદગીનો કોઈ મકસદ નથી. તમે દુનિયાને ગમે તેટલી ખુશ કરવા જાઓ તમારે પીડાવાનું જ છે. એટલે જીવનનો કોઈ અર્થ ઢૂંઢ્યા વગર જલસાથી રહો! આ મારું અર્થઘટન છે. પણ સૌથી શ્રેષ્ઠ જવાબ હોય તો પંકજ મલિકના ઉપરના ગીતની એક પંક્તિ છે. ‘પ્રેમ કા સૌદા કરલે મુસાફિર.’ જિંદગીમાં કડવાશ ઓછામાં ઓછી અને પ્રેમ મહત્તમમાં મહત્તમ. આ એક જ જીવનનો ધ્યેય હોવો જોઈએ. સતત પ્રેમના સોદા કરતા રહો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર