નસીબ આડેનું પાંદડું ફરે એટલે રોડપતિ કરોડપતિ બને છે!
શુક્રાચાર્યે 'ભાગ્ય' વિષે સરસ વાત હતી :
અનુકુલે સદા દૈવે,
ક્રિયાલ્યા સુફલા ભવેત્.
અર્થાત્, માણસ ભલે અલ્પ પ્રયાસ કરે પણ જો નસીબ પાધરું હોય તો એ નાનકડો પ્રયાસ પણ ફળદાયી નીવડે છે. આપણે જોઈએ છીએ કે જગતમાં ઈશ્વરની કૃપા કહો કે વિધાતાની કૃપા પ્રાપ્ત કરનારા ભાગ્યવાન માણસો એકાએક સફળતા અને સિદ્ધિના ઊંચા શિખરે પહોંચી જાય છે. સખત પુરુષાર્થ અને બળવાન નસીબના કારણે કેટલીક વ્યક્તિઓએ ઊંચી સિદ્ધિ મેળવી છે. તેના કેટલાક દાખલા જોઈએ :
સૌ પ્રથમ નજરે ચઢે છે ઉદ્યોગપતિ રૌનકસિંઘ. કુદરત કસોટી કરે છે અને પછી નસીબના દરવાજા ઝડપથી ખોલી પણ આપે છે. તેનો જીવતો દાખલો રૌનકસિંઘનો છે. ભારતના ભાગલા પડ્યા પછી રૌનકસિંઘ ખિસ્સામાં એક પૈસો પણ લીધા વગર ભારત આવ્યા. એ પછી તે ધીમે ધીમે એકડે એકથી શરૂ કરીને કરોડપતિ-ઉદ્યોગપતિ બની ગયા. નવી દિલ્હીમાં એક નિરાશ્રિત બનીને આવેલા રૌનકસિંઘે એક સ્ટીલ ટ્યૂબના વેપારીને ત્યાં પટાવાળા-કમ-કારકુન-કમ સેલ્સમેનની નોકરી સ્વીકારી લીધી. એ પછી શેઠનો વેપાર વિકસ્યો. તેની સાથે રૌનકસિંઘ સ્ટીલ ટ્યૂબનો વેપાર શીખી ગયા. 1955માં રૌનકસિંઘ નાનો-નાનો વેપાર કરીને થોડા પૈસા ભેગા થયા એટલે ઓરિસ્સામાં કાલિંગા ટ્યૂબ નામની કંપનીના તેઓ એજન્ટ હતા તે કાલિંગા ટ્યૂબના સ્થાપક અને રાજકારણી બીજુ પટનાયક સાથે મતભેદ થયો એટલે રૌનકસિંઘ પાસે ટ્યૂબની એજન્સી હતી તે પાછી ઝૂંટવી લીધી.
બીજુ પટનાયકની સ્ટીલ ટ્યૂબને સમગ્ર ભારતમાં મૂકનારા રૌનકસિંઘને વિશ્વાસઘાતનો અનુભવ થયો. પણ રૌનકસિંઘે સ્ટીલ ટ્યૂબના ભારતભરના વેપારી સાથે મીઠા સંબંધો બાંધેલા તેથી નિરાશ ન થયા. પોતે જ મિત્રો પાસેથી પૈસા ઉછીના લઈને ટ્યૂબનું કારખાનું નાંખવા સંકલ્પ કર્યો. એ પછી પૈસા એકઠા થયા ત્યારે 1959માં રૌનકસિંઘે ભારત સ્ટીલ ટ્યૂબ નામની કંપની સ્થાપીને પોતાનું કારખાનું શરૂ કર્યું. સ્ટીલ ટ્યૂબ બનાવવા માટે પશ્ચિમ જર્મનીની ડસેલફોર્ડ ખાતેની મેન્સમેન નામની કંપનીના ટેકનિકલ સહયોગ માટે અને નાણાંકીય મદદ માટે કરાર કર્યા. એ પછી પોતાની કંપનીને પબ્લિક લિમિટેડ કંપની બનાવી. બરાબર એ સમયે જ પાછો તેને જર્મન કંપનીએ 'દગો' દીધો. જર્મન કંપનીએ ભારત સ્ટીલ પ્રોજેક્ટો માટે ભારત સરકારને પણ મદદ કરેલી એટલે જર્મન કંપની પાસે વધારે નાણાં બચેલાં નહીં, તેથી આખો ટેકનિકલ સહયોગનો પ્લેન પડતો મૂક્યો. આખરે રૌનકસિંઘ ઊડતે વિમાને જર્મન શહેર ડસેલફોર્ડ ગયા. જર્મન કંપનીને ખૂબ સમજાવી પણ જર્મન માલિકો માન્યા નહીં. રૌનકસિંઘ નિરાશ થઈ ગયા.
રૌનકસિંઘે પોતાની ગમગીની દૂર કરવા ડસેલડોર્ફના જર્મન-બિયર બારમાં જઈને વ્હિસ્કીના ડબલ પેગ મંગાવ્યા. તે સમયે એક અમેરિકન યુગલે આ યુવાન ભારતીયનું ડિપ્રેશન જોઈ લીધું. અમેરિકન માણસને આ અજાણ્યા સરદાર પરત્વે સહાનુભૂતિ થઈ. અમેરિકન માણસ જાણી ગયો કે આ માણસ નિરાશ થયો છે અને ગમગીનીને ભૂલવા, દારૂમાં નિરાશાને ડૂબાવવા કોશિશ કરે છે. અમેરિકન પત્નીએ આવીને રૌનકસિંઘને હળવેકથી પૂછ્યું, 'વ્હોટ ઈઝ ધ મેટર યંગમેન?' આ અમેરિકન મહિલા કોઈ એક સદ્ધર પિતાની પુત્રી હતી. યોગાનુયોગ અમેરિકામાં સ્ટીલ ટ્યૂબની સૌથી મોટી કંપની એબે એટના-મશીન કંપનીનાં ચીફ એક્ઝિક્યુટીવ એન.ડી. એબેની તે પુત્રી હતી. તેણે રૌનકસિંઘને આશ્વાસન આપ્યું અને તેને ન્યૂયોર્ક આવવાનું આમંત્રણ આપ્યું. રૌનકસિંઘના ચહેરા ઉપર ચમક આવી. ઘડીભર તો તેને વાર્તા જેવું લાગ્યું. તેણે મહિલા પર વિશ્વાસ કરીને ન્યૂયોર્કની પ્લેનની ટિકિટ કપાવી. ભારતમાં સ્ટીલ ટ્યૂબની ડિમાન્ડ કેટલી બધી છે તેનો ખ્યાલ એણે એટેનાને આપ્યો. આખરે આ અમેરિકન કંપનીએ રૌનકસિંઘની ભારત સ્ટીલ ટ્યૂબની કંપનીને 1963માં ટેકનિકલ સહયોગ આપવાનું સ્વીકાર્યું. સપ્ટેમ્બર, 1963માં રૌનકસિંઘના નસીબ આડેથી પાંદડું ખસી ગયું.
પરદેશમાં આ પ્રકારે કોઈ વિદેશીને દારૂના બારમાં અજાણી વ્યક્તિ મળે અને હતાશ જિંદગીમાં આશાનું કિરણ મળે અને ડૂબતાને તરવા માટે આશાનું કિરણ મળે તેવું ઘણી વખત નહીં પણ કોઈવાર બને છે. તે પછી ભારત સ્ટીલ કંપનીના વિસ્તરણ માટે તેમણે ઘણી કોશિશ કરી. તેમણે અગાઉ સંજય ગાંધીના મારૂતિ કાર પ્રોજેક્ટ સાથે જોડાવા પણ પ્રયાસ કરેલો. રૌનકસિંઘને તેની કંપનીનું વિસ્તરણ કરવું હતું. વળી એપોલો ટાયર્સ નામની તેની બીજી કંપનીનું મેનેજમેન્ટ જનતા સરકારે લઈ લીધું હતું. પાછા તેઓ તકલીફમાં મુકાયા. જનતા સરકાર ઊઠી ગઈ ત્યારે રૌનકસિંઘ પાછા ચમકમાં આવી ગયા હતા.
લાહોર-પાકિસ્તાન નજીકના દાસકા ગામે જન્મેલા રૌનકસિંઘ શરૂમાં ત્યાંની રેલવેમાં કર્મચારી હતા. ભાગલા પડ્યા ત્યારે તેના ખિસ્સામાં બે રૂપિયા પણ નહોતા. લાહોરમાં તેના પિતાના મિત્ર ભારતીય રેલવેમાં નોકરી કરતા હતા. લાહોરમાં મેટ્રિક થયેલા એટલે મિત્રે તેને ભારતીય રેલવેની નોકરી લાગવગ લગાવીને આપવા બોલાવેલો પણ ત્યારે તેની પાસે ટ્રેનની ટિકિટના બે રૂપિયા પણ નહોતા. એટલે તેણે મેટ્રિક પાસ થઈને સ્ટીલ ટ્યૂબ કંપનીમાં માત્ર રૂપિયા 8ના પગારથી નોકરી સ્વીકારેલી. રોજ 40 માઈલનો પ્રવાસ કરીને ગામડે ગામડે ફરીને ખેડૂતોને સિંચાઈ માટે સ્ટીલની ટ્યૂબો વેચતા હતા. એક રાત્રે જ્યારે તેઓ સ્ટીલ ટ્યૂબનો સ્ટોર્સ સંભાળતા એકલા બેઠેલા ત્યારે કોઈ ખેડૂત તકલીફમાં આવેલો તે વોટર પાઈપની ટ્યૂબ વેચવા આવ્યો. ખેડૂતને પૈસાની ખૂબ જરૂર હતી. રૌનકસિંઘે એ પાઈપ ખરીદીને પછી તેને બીજે દિવસે વેચી દીધો. તેમાંથી તેને રૂા. 1000નો નફો મળ્યો. એ નફાનો ઉપયોગ કરી બીજી ચીજોનો વેપાર કર્યો. તેમાંથી રૂા. 15000ની કમાણી થતાં તે સ્ટીલ ટ્યૂબના ઉદ્યોગપતિ બન્યા અને એ પછીના એક જમાનામાં તે ભારત સ્ટીલ ટ્યૂબ, એપોલો ટાયર્સ, ભારત ગિયર્સ અને રોનક શિપિંગના સ્થાપક બન્યા. ડસેલફોર્ડ શહેરમાં વિધાતાએ તેને એક અમેરિકન યુગલના સંપર્કમાં મૂક્યા એટલે નોકરમાંથી ઉદ્યોગપતિ બની ગયા.
નસીબ બાબતમાં વિખ્યાત નાટકકાર વિલિયમ શેક્સપિયરે સરસ પંક્તિ લખી છે. 'માનવી જીવનમાં એક મોટો પ્રવાહ આવે છે, પણ એ પ્રવાહ માનવીને ઊંચે ચઢાવે છે, પણ એ તકદીરનો રેલો ન આવે ત્યાં સુધી માનવી ગોથાં ખાય છે.' નસીબની દેવી ઘણાને ન્યાલ કરે છે. અશોકકુમાર માત્ર ફિલ્મ લેબોરેટરીના કર્મચારી હતા. એ પછી છેલ્લે સુધી એવરગ્રીન-સદાબહાર હીરો ગણાયા હતા.
ચૌધરી ચરણસિંઘનો પુત્ર અજીતસિંઘ કમ્પ્યૂટરનો નિષ્ણાત બની અમેરિકા ગયો, ત્યાં નિષ્ફળ ગયેલો. પણ પિતા ચૌધરીના મરણ પછી ભારત આવ્યો ત્યારે લોકદળનો નેતા બનીને પ્રધાન બની ગયેલો. નવલ તાતા એક અનાથ બાળક હતા. નસીબની બલિહારી જોઈ લો કે અનાથ આશ્રમમાંથી તેને ઉછેરીને મોટો કરી તેના હાથમાં રતન તાતાએ આખી કંપની સોંપી દીધી.
ભાગ્યદેવીનો ચમત્કાર ગજબનો હોય છે. છેલ્લે એક કિસ્સો સાંભળો, જે તમે કદાચ નહીં જાણતા હો. આજે લાર્સન ટોબ્રો બ્લુચીપની કંપની ગણાય છે એ કંપની કોની છે? કોણ તેના જનક છે? આજથી લગભગ 62 વર્ષ પહેલાં બે ડેનિશ ઈજનેરો ભારતની સફરે આવ્યા. એકનું નામ હૉકલાર્સન અને બીજાનું નામ સૉરેન ટેબ્રો. આ બંને ડેન્માર્કના ઈજનેરો માત્ર ફુરસદ ગાળવા હોટેલમાંથી મુંબઈની મહાલક્ષ્મીની રેસકોર્સમાં ગયા. ત્યાં મોટો દલ્લો જીત્યા. તેમાંથી બંનેએ લાર્સન એન્ડ ટોબ્રો નામની ઈજનેરી કંપની ખોલી. આજે તો આ ઈજનેરી કંપની ભારતીય હાથોમાં છે. ગરવારે કંપની પ્લાસ્ટિકની ચીજોના મોટા ઉદ્યોગપતિ છે, પણ મૂળ તો બી.ડી. ગરવારે વિશ્વયુદ્ધ પહેલાં સેકન્ડ હેન્ડ મોટરકારના વેપારી હતા. તેમણે 400 જૂની કારો વિદેશથી મંગાવી અને યુદ્ધ ફાટી નીકળ્યું. આ 400 મોટરો આવી તે છેલ્લી શીપમેન્ટ તરીકે આવી. તેમાંથી બી.ડી. ગરવારે લખપતિ બની ગયા અને તેમાંથી જૂની મોટરકારના વેપારીને બદલે ઉદ્યોગપતિ બની ગયા.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર