સમાજમાં લગ્નેતર સંબંધનું પ્રમાણ કેમ વધી ગયું છે?

30 Nov, 2017
07:00 AM

કાન્તિ ભટ્ટ

PC: intoday.in

આજે ભારતની સૌથી મોટી સમસ્યાઓ શી છે? અમદાવાદમાં કોમી હુલ્લડો? પકિસ્તાન સામેનું યુદ્ધ? અગર શેરબજારની મંદી?

ના.

આ બધા પ્રશ્નોને તો સમય એટલે કે વિધાતા ઉકેલીદેશે પણ અમદાવાદ, રાજકોટ, દિલ્હીથી માંડીને મુંબઈ સુધીના સમાજમાં લગ્નેત્તર સંબંધો અને છૂટાછેડાનું પ્રમાણ ભયજનક રીતે વધ્યું છે. સંબંધોમાં જવાબદારી રહી નથી. વેપારમાં, પ્રેમમાં અને લગ્નમાં સંબંધો બટકણા અને લજામણીના છોડ જેવા કે દેખાવનાં નિતફૂલી ફૂલ જેવા ગંધ વગરના રહ્યા છે.

તાજેતરમાં જમનાદાસ જીવરાજાણી નામના જ્યોતિષશાસ્ત્રીએ મને કહ્યું કે, “મારી પાસે મહત્તમ સમસ્યાવાળા લોકો લગ્ન છૂટાછેડા અને આડા સંબંધોના આવે છે.”

મુંબઈની એક 68 વર્ષની સ્ત્રી તેના 70 વર્ષના વરને છોડીને ગુજરાતી ચાલી ગઈ છે. તે સ્ત્રીને તેના પિતા તરફથી અઢળક મિલકત મળી છે એટલે ભાઈઓએ તેની બહેનને આ ઉંમરે છૂટાછેડા લેવા બાધ્ય કરી અને સ્ત્રીને પણ નહીં કમાતા પુરૂષની કિંમત નહોતી.

21મી સદી યુવાનો માટે એક ધબકતી સદી છે પણ તેના ધબકારોમાં વાસના અને સંબંધોની વૈવિધ્યની લાલસા છે. મુંબઈમાં અતિપૈસાદાર પિતાની પુત્રીઓ પરણીને ત્રીજે કે છ્ઠે મહિને પિયરે ચાલી જાય છે. અમદાવાદનાં હુલ્લડો કાળાંતરે શમી જશે પણ સમાજની બેશરમી અને સ્વાર્થી સંબંધોનાં ઘરઘરાઉ હુલ્લડો વધુ વિષમ બનશે.

બિરલાની પુત્રીએ લગ્ન કર્યા પછી છઠ્ઠે મહિને છૂટાછેડા લઈ લીધા હતા. બિરલાની પુત્રીએ પતિની ઐસીતૈસી કરીને બીજા અબજપતિના પુત્ર સાથે લગ્ન કરી લીધાં. એક જમાનામાં તેલપળીનો વેપાર કરનારા અહમદ મિલવાળાના વડીલોની એક ભણેલી પૌત્રીએ લગ્ન પછી થોડા મહિનામાં તલ્લાક લીધા અને બીજા કોઈ ગુજરાતી સાથે લગ્ન કરવાનો વિચાર કરતી હતી. ખટાઉ કુટુંબની નિશા ખટાઉ નામની પુત્રીએ લગ્ન પછી ટૂંકા ગાળામાં છૂટાછેડા લીધા છે અને તેણે બીજાં લગ્ન કર્યાં છે.

જોકે કે.કે. મોદી નામના ઉદ્યોગપતિની પુત્રી લગ્ન કરીને થોડા મહિના પછી પિતાને ઘરે આવી ત્યારે આવી ત્યારે કહી દીધું, “તારો સંસાર સાસરામાં છે. તારી બેગ લઈને આવી છે. તારું ઘર આ નથી. તારું ઘર શ્વશુરગૃહ છે. ત્યાં પાછી ચાલી જા.”

ધ સ્પેક્ટેટર નામના બ્રિટનના જાગ્રત મેગેઝીને લખ્યું છે કે, આજે ઈનસેસ્ટ (સગોત્ર સેક્સ સંબંધો) એડલ્ટરી સંબંધો વધી ગયા છે. સમાજમાં સેક્સનો અતિરેક થઈ ગયો છે. ન થવાનું ઘણું બધું થાય છે.

રવિવારે પ્રગટ થતા લંડનના ઓબ્ઝર્વરે તો સરસ આંતરરાષ્ટ્રીય મથાળું મારેલું : ધેર આર નો લિમિટ્સ અર્થા આજે કોઈ મર્યાદા નથી. “દિલ માગે મોર” એ તો કોલાના પીણાવાળાની જાહેરખબર છે પણ આજે તો દરેક વર્તણૂકમાં માનવી અને ખાસ કરીને સ્ત્રીઓની માંગણીઓની, ભોગવૃત્તિની મર્યાદા રહી નથી. લંડનનું અખબાર પૂછે છે, “શેની મર્યાદા રહી નથી?” પતે જવાબ આપે છે કે, માનવીની અલ્લડ વર્તણૂકની લિમિટ રહી નથી. લોભ, સ્વકેન્દ્રીયતા, ક્રૂરતા, લેસિરિવસનેસ (કામુકતા), ઈન્ડિફરન્સ (ઉપેક્ષા-ઉદાસીનતા) વગેરેએ માઝા મૂકી છે. પશ્ચિમના દેશોનો મૂડીવાદ બિઝનેસ મેનેજમેન્ટ, ઈન્ફોટેક અને બીજી વિજ્ઞાનની વાતો અપનાવી તે તો સારી વાત છે, પણ ત્યાંના અવગુણો પણ જથ્થાબંધ રીતે ભારતમાં આવ્યા છે.

કેન રસેલ નામના હૉલિવુડના નિર્માતાએ 73 વર્ષની વયે એક સ્ત્રી સાથીદાર માટે જાહેરખબર આપી છે. તેને આ ઉંમરે આત્માનો સાથી જોઈએ છે. તને આત્મીય દોસ્તી કરવી છે. કેન રસેલ ત્રણ વખત પરણ્યો છે. આઠ બાળકોનો જુદી જુદી પત્નીથી પિતા થયો છે તે વાત મહત્ત્વની નથી. તેણે એક વાસ્તવિક ફિલ્મ બનાવી છે. માત્ર 30 મીનિટની ફિલ્મમાં પાદરીની કથા છે. આ પાદરી ગણિકાઓને સુધારવાની ઝુંબેશ ઉપાડે છે. આખરે તે પોતે જ ગણિકાઓ સાથે આડા સંબંધો બાંધે છે. એ પાદરીને કોર્ટે કંઈ કર્યું નહીં. ઈશ્વરે ન્યાય આપ્યો. તેણે જંગલમાં કોઈ જોઈ ન જાય તે રીતે એક સ્ત્રીને મળવા-ભોગવવા બોલાવી. હિંસક જનાવરે તે પાદરીને ફાડી ખાધો.

આપણા ધર્મોપદેશકો અને મહાત્માઓ પણ પ્રેક્ટિકલ બની ગયા છે. મુંબઈના એક ફિલોસોફરનો ગુજરાતી શિષ્ય સિંગાપોરમાં કૌભાંડ કરીને કમાતો હતો. તેણે એક બીજા ગુજરાતીને છેતર્યો. ગુરુએ કહ્યું, “તેં કંઈ ખોટું કર્યું નથી. તે માણસનાં કર્મના ફળ ત ભોગવે છે. તું માત્ર તેનો નિમિત્ત બન્યો છે!”

યહૂદી અને ખ્રિસ્તી ધર્મમાં છૂટાછેડાને સ્થાન જ નથી પણ આજે યહૂદી અને ખ્રિસ્તી ધર્મગુરૂઓ શું કરે છે? અનેક અમેરિકનો છુટાછેડાની પીડાદાયી વાતને કેવા ઉત્સવ કરે છે? તેની માંડીને વાત કરું.

બાર્બરા નામની એક બાઈ 25 વર્ષના લગ્નજીવન પછી ફીલ યેનીગગ્રોથ નામના પતિ સાથે છૂટાછેડા લીધા. પછી 25 વર્ષના લગ્નના અંતને ધામધૂમથી અને “સાંસ્કૃતિક” (!) રીતે ઊજવ્યો.

પાપ એ પણ જાણે પુણ્ય અને ઉત્સવનું કામ બની ગયું છે. એ છૂટાછેડાવાળા યુગલે સેરિમની ઑફ પાર્ટિંગ એટલે કે લગ્નના અંતની ઉજવણીની કંકોતરી છપાવી. તે પાર્ટીમાં તેમણે બન્નેએ 25 વર્ષ પહેલાં લગ્ન કરેલાં તે સમયનાં ભવ્ય સમારંભની વિડિયો મહેમાનોને બતાવી. તે ઉપરાંત મિત્રોના મેળાવડામાં ટી.એસ. ઈલિયટનાં કાવ્યો વાંચી સંભળાવી છૂટાછેડા જેવા શરમજન્ય કૃત્યને સાહિત્ય સંસ્કૃતિની કલઈ લગાવી. ઈલિયટનું કાવ્ય આવું હતું :

યુ આર એ પાર્ટ ઑફ મી, આઈ એમ એ પાર્ટ ઓફ યુ.

અર્થાત્ તું મારા અસ્તિત્વનો એક ભાગ છે અને હું તારી જિંદગીનો એક ભાગ છું. ઠાલા શબ્દો.. આજે હું મુંબઈના પ્રેમીઓને કહું છું કે પ્રેમપત્રો લખવાનાં પાખંડ કરશો નહીં. એ પ્રેમપત્રો ભવિષ્યમાં તમારો પ્રેમી તમને બ્લેકમેઈલ કરવામાં વાપરશે.

અમેરિકાનો પ્રસંગ પાછો સાધીએ તો એ યુગલે પછી બધા મહેમાનોની સાથે મળીને એક ફિલ્મ જોઈ, “થેલ્મા એન્ડ લુઈસ” નામની ફિલ્મમાં બે સ્ત્રીઓ માફિયા બનીને કેમ પુરૂષને હંફાવે છે તેવી વાર્તા છે. એ છૂટાછેડા સમારંભમાં પછી ભાગ લેનારાં બીજા યુગલોએ, જે છૂટાછેડા લઈ રહ્યાં હતાં તે છૂટા થનારા પતિનાં વખાણ કર્યાં અને પતિએ પત્નીના સારા સારા ગુણોનાં વખાણ કર્યા. દંભની પરાકાષ્ઠા હતી. વાચક કહેશે કે પરદેશની આ વાત અહીં શું કામ પીરસો છો?

એટલા માટે કે 5-10 વર્ષોમાં પરદેશમાં જે થાય છે તે અમદાવાદ-મુંબઈમાં આવશે. 30 વર્ષ પહેલાં પેરીસમાં વાઈફ સ્વેપિંગ થતું હતું, એટલે કે રાત્રે પતિઓ અને પત્નીઓનું મિત્રમંડળ મળે પછી પતિ-પત્નીની અદલાબદલી એક રાત પૂરતી કરે. એ વાઈફ સ્વેપિંગ ઉર્ફે કી-ક્લબ આપણા દેશમાં પણ આવી ગઈ છે. તેને લગતી ફિલ્મ પણ હિન્દીમાં આવી ગઈ છે. (“અનફેઈથફુલ”)

વકીલો છૂટાછેડા બચાવતા નથી. ચગાવે છે. પત્નીની પડખે ચઢીને કેટલાક વકીલો તે સ્ત્રી સાથે જ સંબંધોમાં પડે છે. અમેરિકાના વકીલો અલગ ઓલાદના છે. તે છૂટાછેડાવાળી પત્નીને કહે છે, “તારા પતિ પાસે અઢળક મિલકત છે તે હું તને અપાવી દઉં તો મને તેમાં 50 ટકા ભાગ ફી રૂપે મળવો જોઈએ. છૂટાછેડાના દુઃખદ પ્રસંગમાંથી કેટલાક વકીલો કમાય છે. એક યુગલે છૂટાછેડાનો ભવ્ય ઉત્સવ ઊજવ્યા પછી બન્નેએ એકબીજાને માફ કર્યા. એ પછી બન્નેને જે અનુભવ થયો અને પોતે છૂટાછેડા લઈ કેટલાં સુખી થયાં છે તેને લગતું પુસ્તક સંયુક્ત રીતે લખ્યું. તેનું નામ છે. હિલિંગ ડાયવોર્સ અર્થાત્ લગ્નમાંથી પેદા થયેલાં દુઃખોનો ઈલાજ અમે છૂટાછેડા લઈને કર્યો અને કેવાં સુખી છીએ તેનું વર્ણન કરે છે! આ પરાંત એ પુસ્તકમાં છૂટાછેડાના ઉત્સવની કેવી કેવી રીતે ઉજવણી કરવી તેની ડઝનેક રીતો બતાવી છે.”

યુનિટેરિયન યુનિવર્સાલિસ્ટ એસોસિયેશન નામનું એકસો વર્ષ જૂનું મંડળ છે. તેની સ્થાપનામાં અમેરિકન પ્રમુખ થોમસ જેફરસને ભાગ લીધેલો. તે મંડળ છૂટાછેડાને રોકવા માટે યોજાયેલું. તે મંડળ હવે 100 વર્ષ પછી છૂટાછેડાનો ઉત્સવ યોજી આપે છે! આ મંડળે 2.10 લાખ યુગલોને રચનાત્મક છૂટાછેડા (!) લેવરાવ્યા છે.

ઘણાં ચર્યો અને પાદરીઓ છૂટાછેડામાંથી કમાણી કરવા માટે છૂટાછેડા માટેના ખાસ આશીર્વાદ આપતી વિધિ કરાવે છે. યહૂદી લોકોમાં તો છૂટાછેડાને પાપ મનાતું. કાનૂન પણ કડક હતા પણ અમેરિકાના કુલવર સિટીના યહૂદી ધર્મગુરુ છેલ્લાં 30 વર્ષથી છૂટાછેડા કરાવી આપે છે. ઈઝરાયલથી ખાસ ડાયવોર્સ ટૂર યોજીને યહૂદીઓ અહીં આવે છે. આ ગુરુ કહે છે કે છૂટાછેડા પાપ નથી પણ માત્ર સંબંધોની નિષ્ફળતા છે. પીડાદાયી પણ છે પરંતુ પાપ તો નથી જ ! આ તેમનું લોજિક છે. ખ્રિસ્તી પાદરીઓ તો છૂટાછેડાની મરજી બતાવનાર યુગલોની ઊંડી તપાસ કે પંચાત કરતા નથી. લગ્ન સાંધી દેવાના ઉપચાર બતાવતા નથી.

કેટલાક ક્રિસ્તી પાદરીઓએ રીતસર છૂટાછેડાની નવી વિધિ જ ઘડી કાઢી છે. તે મુજબ બધાં ધાર્મિક છૂટાછેડા લેવા માંડ્યાં છે.

અમેરિકામાં ખ્રિસ્તી કે યહૂદી ધર્મના જુદા જુદા વાડા છે. મેથોડિસ્ટો, એપિસ્કોપેલિયન્સ, યુનિટેવિરન્સ, રિફોર્મ જ્યુઝ અને યુનાઈટેડ ચર્ચ ઑફ ક્રિસ્ટ. આ તમામ પંથોવાળા જૂના જમાનામાં છૂટાછેડાને પાપ માનતા હતા. હવ તેમના 14 લાખ સભ્યો છે. તેમને છૂટાછેડા લેવા હોય તો દસ મિનિટની સેરિમની (વિધિ) કરાવી આપે છે.

હવે નવો પવન છે. લગ્ન કરતી વખતે કારકિર્દીવાળી સ્ત્રી “ગાર્ડિયન” મેગેઝીનના કહેવા પ્રમાણે પરસ્પર “સેક્સ” માટેના ટાઈમટેબલને મંજૂર કરે છે. તે પ્રમાણે જ શરીરસંબંધ કરવાનો રહે છે. લંડનમાં સી.બી. પટેલ નામના ગુજરાતી “એશિયન વૉઈસ” નામનું અંગ્રેજી સાપ્તાહિક ચલાવે છે. તેમાં ગુજરાતી છોકરીના પ્રશ્નોનો મીતા રસિક પૂજારા જવાબ આપે છે. તેને એક છોકરી પ્રશ્ન પૂછે છે, “મારા વાળ ટૂંકા છે અન મારા થનારા પતિને લાંબા વાળ ગમે છે. મારે શું કરવું?” જાણે પતિ કોઈ જીવતીજાગતી સાથીદાર નહીં, પણ તેના વાળને પરણતો હોય!

લંડનના ટાઈમ્સ દૈનિકમાં ડૉ. થોમસ સ્ટટાફોર્ડ આમ તો આરોગ્યની કટાર લખે છે, પણ તેમાં હવે પોતાની પત્નીને બીજો મિત્ર ભોળવીને ભગાવી ગયો તેવી સમસ્યા આવે છે.

બ્રિટનમાં આજે કુંવારી બ્રિટિશ સ્ત્રીઓ, જેણે કોઈ પરણેલા પુરૂષ સાથે સેક્સ સંબંધ બાંધ્યો છે તેમાંથી 30 પુરૂષોનાં લાંબા લગ્નો તોડાવીને તેવી સ્ત્રી સાથે લગ્નો કર્યાં છે. જોકે ઈતિહાસમાં આવું બનતું જ રહ્યું છે. સર વિલિયમ હેમિલ્ટને તેમના ભત્રીજાની પત્નીને પોતાના સાહિત્ય અને વિદ્વત્તાની જાળમાં નાંખીને પતિથી છૂટી કરાવી હતી.

ડૉ. થોમસ સ્ટાટફોર્ડે એક તાજ્જુબીવાળો દાખલો આપેલો. તેમની પાસે એક બેવફા પત્નીથી મગજનું સમતોલપણું ગુમાવેલો અગ્રેજ પતિ આવ્યો. આ અંગ્રેજનો એક ઈટાલિયન મિત્ર હતો. લંગોટિયો મિત્ર હતો. આપણે જેને અણવર કહીએ છીએ તેને અંગ્રેજીમાં બેસ્ટમેન કહે છે. અંગ્રેજી મુરતિયાએ તેના ઈટાલિયન મિત્રને બેસ્ટમેન (અણવર) બનાવ્યો.

લગ્નની વેદી ઉપર જ બ્રિટિશ મિત્રે તેના અણવરને કહ્યું (ચર્ચમાં), “હું જાણું છું કે મારી પત્ની લ્યુસિયાનું તારા તરફ પણ આકર્ષણ છે. તેને તું ગમે છે, પરંતુ કોઈ વખત તું તેની સાથે આડા સંબંધ રાખે ત્યારે મહેરબાની કરીને મને કહેતો નહીં!”

સલમાન ખાન, શાહરૂખ ખાન અને માધુરી દીક્ષિતની આ કક્ષાની નવી ફિલ્મ આવી રહી છે. દેવદાસમાં આવાલવ ટ્રાયેંગલની વાત છે. આજે દેવદાસની કથા ગલીએ ગલીએ સાંભળવા મળે છે.

મહારાષ્ટ્રમાં આવું બન્યું છે. મંડપમાંથી અણવર જ કન્યાને ભગાવી ગયો. હવે તો પશ્ચિમના મનોવિજ્ઞાનીઓને પગલે પગલે ભારતના સાઈકિયાટ્રિસ્ટો (અમુક જ) યુગલોને કહેવા માંડ્યા છે કે પતિ-પત્નીએ લગ્નમાં ઉષ્મા આણવા માટે થોડીક બહારની અફેર (લફરાં) કરી લેવી જોઈએ અને તેમાં નૈતિક દ્રષ્ટિએ કંઈ ખોટું નથી! દુનિયા જાણે ઊંધે માથે ચાલી રહી છે. લંડનના સન્ડે ટાઈમ્સની લેખિકા મિલાની ફિલિપ્સ કહે છે કે બ્રિટનની માફક અમેરિકામાં કુલ લગ્નો થાય છે, તેમાંથી 45 ટકા છૂટાછેડામાં પરિણમે છે. અમેરિકામાં કુલ બાળકો જન્મે છે તેમાંથી 33 ટકા લગ્ન બહારના સંબંધોમાંથી પેદા થયેલાં બાળકો છે. બ્રિટનમાં આ પ્રમાણ 40 ટકા છે.

મુંબઈ શહેરમાં એક 13 વર્ષ જૂનો કિસ્સો હતો. તેમાં ધનિક કુટુંબના જયસિંહ મણિલાલ દોશીએ તેના સાઢુભાઈની જુવાન રૂપાળી પુત્રી નયના કાપડિયા ઉપર બળાત્કાર કરેલો તેવો કેસ આવ્યો હતો. માનવીને ધન, બંગલા, કાર અને માત્ર કીર્તિથી જ પેટ ભરાતું નથી. એ પછી વાસનાનો કીડો સળવળે છે.

“ઈન્ડિયા ટુડે”ના પ્રકાશકો અમેરિકન મેગેઝીન “કોસ્મોપોલિટન”ની ભારતીય આવૃત્તિ પ્રગટ કરે છે. તેમાં સ્ત્રીએ પુરૂષને કેમ પટાવવો કે પુરૂષે સ્ત્રીને કેમ પટાવવી તેની કળા શીખવતા લેખો આવે છે.

તમે જાણતા હસો કે પેરીસમાં “સ્કૂલ ઓફ સિડક્શન” નામની સ્કૂલ ચાલે છે. તમાં પુરૂષને કેમ આકર્ષવો અ સ્ત્રીને કેમ આકર્ષવી તેની કળા શિખવાડાય છે. જૂની રાજાશાહીની વારસદાર પ્રિન્સેસ હરમીન ફ્લેરમોન્ટે આ સ્કૂલ શરૂ કરી છે. તે સ્ત્રીઓને સલાહ આપે છે કે તમારે પુરૂષને વિહવળ બનાવવો હોય તો પ્રથમ મિલન પછી તમારે પ્રથમ ફોન ન કરવો. જો પુરૂષ પ્રથમ ફોન કરશે તો માનવું કે તે લપેટાયો છે! 

મુંબઈનો ફોકલેન્ડ રોડ રૂપજીવિનીઓ માટે પ્રખ્યાત હતો. હવેત્યાં વિડિયો ગેમ પાર્લર, બિયર બાર અને બીજી કંપનીઓ ખૂલી ગઈ છે. એટલે વિડિયો ગેમમાં પૈસા જીતનાર પછી રંગરેલિયામાં નજીકમાં જ પૈસા ખર્ચી શકે છે.

અમદાવાદમાંથી કદાચ કોમવાદ જશે, હુલ્લો શમશે, પણ વાસનાનું આ હુલ્લડ કે આડા સંબંધો કે મિત્રોને છેતરવાનું છૂપું યુદ્ધ ચાલુ જ રહેવાનું છે. અહીં જે માહિતી આપી છે તે બહુ નાની ટકાવારીના સમાજને લાગે પડે છે પરંતુ તેનો ચેપ મધ્યમ વર્ગમાંથી ઉચ્ચ મધ્યમ વર્ગને લાગે જ છે.

ખરેખ અત્યારનો કાળ એક પરિવર્તનકાળ છે. સંક્રાંતિકાળ છે. ટ્રાન્ઝિશન છે. તે સારા માટે છે અને ખરાબ પણ થઈ શકે છે. નવા વિચારો, નવી સ્ફરણાઓ અને બધું જ નવું નવું.

નવી ટેકનોલોજી અને સૌથી ઉપરવટ તો નવી જ જાતના આડા સીધા સામાજિક સંબંધો. આ બધા નવા સંબંધોથી પશ્ચિમની દુનિયા નવો આકાર લેશે, તેમાં ભારતદેશ ભળ્યો છે, પરંતુ આપણા દેશનો સમાજ અલગ-અલગ સ્તર પર જીવે છે પણ તેમાં નવી દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ અને મુંબઈની હાઈ સોસાયટી ભળી ગઈ છે. પ્રેમપત્રો લખીને કે ન લખીને ઝૂર્યા કરવાનો સમય ચાલ્યો ગયો છે.

મોબાઈલ ફોન પર બે-ત્રણ વખત ટ્રાય કર્યા પછી ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડ ન મળે તો કંઈ નહિં. ઈ-મેઈલનો સંબંધ મળી જાય છે. ઈન્ટરનેટ ઉપર ચેટિંગ કરીને કલાકો સુધી ઈલુ-ઈલુ કર્યા પછી પણ સંબંધો તૂટતાં વાર નથી લાગતી. હજુ તો જે વ્યક્તિને મળ્યા નથી એવી વ્યક્તિ સાથે પળવારમાં પ્રેમ પણ થાય છે. અને ક્ષણમાં તૂટી પણ જાય છે.

એમ તો પછી મેડિટેશનનું ભૂત ચાલુ છે. ડિસ્કોમાં જવાની જરૂર નથી. નૃત્યુમાં સ્ત્રી સ્વાવલંબી બની છે. સ્ટેમસેલ રિસર્ચ પછી ગર્ભાધાનમાં સ્ત્રીને હવે પ્રશ્નોની જરૂર નહીં પડે તે રીતે મનોરંજન, ઈશ્ક અને મહોબ્બતમાં પુરૂષ જરૂરી રહેશે કે બિનજરૂરી બનશે તે નક્કી નથી.

નૃત્ય કરવા વેસ્ટર્ન સ્ટાઈલનાં સ્ટેપ હવે શીખવાનાં નથી. તમે કોઈની સાથે આઉટ ઑફ સ્ટેપ થઈ જાઓ તે વદુ સારી ફેશન છે. આઉટ ઑફ સ્ટેપ થતાં સ્ત્રીનો પગ પુરૂષના અંગૂઠા ઉપર પડી જાય છે. સ્ત્રી “સોરી” નહીં કહે. દાંડિયારાસ લેતાં લેતાં તમારી નિકટ તમારી ગર્લફ્રેન્ડ આવે અને તમને સામા દાંડિયાને તાલ આપ્યા વગર ચાલી જાય તેવું બની શકે છે. એકલા એકલા દાંડિયારાસ લેતાં શીખવું પડશે.

ગામડામાં આખું ગામ, આખું જૂથ સાથે સાથે દાંડિયારાસ લેતું. સાથે રાશે રાસ લેતું. 50-60-70ના ઝૂંડમાં એકતાલે રાસ લેવાતા પણ મુંબઈના નવરાત્રિના મેદાનમાં 4-4, 6-6 અને 8-8ના ઝૂંડમાં જ જુદા જુદા લોકોના જ રાસ લેવાય છે. દસ વર્ષ પછી બધાં જ એકલાં એકલાં નાચતાં હશે. પાર્ટનર્સ વિલ હેવ ટુ રલ્ન ફેન્સી લોનલી ફૂટવર્ક. કોઈ દિલની લગનવાળું નાચનારું – જીવનારું નહીં મળે.

નવરાત્રિમાં કે બીજા મનોરંજનમાં પહેલાં પુરૂષ કહેતા કે બહુ કામ રહે છે, થાકી જવાય છે, તું એકલી જા. હવે સ્ત્રી પણ કહેશે કે “મને બહુ કામ રહે છે, જા તું તારે, કોઈ પાર્ટનર શોધીને દાંડિયારાસ લેતો થઈ જા.”

પુરૂષ જાણે ધીરે ધીરે રિજેક્ટ થતો જાયછે. અમદાવાદમાં, દેશનાં બીજાં ઘણાં શહેરોમાં હવેતો પત્નીથી પીડાયેલા પુરૂષોનાં સંગઠનોમાં આવતા પુરૂષોની ફરિયાદો સાંભળવા જેવી હોય છે.

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં રહેતા ચિંતામણભાઈ નામના એક મિલ કારીગરને તેની પત્ની રોજ મારતી. પતિ ઘરે મોડો આવે તો રોજ ઝઘડા થતા. પત્નીથી પીડાયેલા ચિંતામણભાઈએ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. પત્નીથી રિબાયેલા આવા અનેક પતિઓ હવે આગળ આવી રહ્યા છે. દેશમાં પણ પત્નીપીડિત પુરૂષોનાં સંગઠનો ચાલે છે.

પુરૂષ પહેલાં વેરાયટી શોધતો. હવે સ્ત્રીને વેરાયટી જોઈશે. બ્રિટનના વયોવૃદ્ધ નવલકથાકાર ડોરિસ લેસિંગ 81 વર્ષની વયે એડનબરોના બુક ફેસ્ટિવલમાં સ્ત્રીઓને કહે છે કે હવે પુરૂષોની દયા ખાઓ. આજે પુરૂષ બચાડો થઈ ગયો છે.

જોકે હજી પણ પુરૂષ બધાં જ ક્ષેત્રે બચાડો નથી. પત્રકારત્વ અને ટેલિવિઝનમાં પુરૂષને ખસેડીને સ્ત્રી આવી રહી છે ણ હજી માલિકો અને મેનેજરો પુરૂષો છે. તંત્રીઓ પુરૂષ છે. છતાંય સ્ત્રી તંત્રી વધતી જાય છે.

મુંબઈના એક સેક્સોલૉજિસ્ટ કહે છે કે સ્ટેટસમાં અને આર્થિક લાભોમાં હજી પુરૂષનો હાથ ઊંચો છે, પરંતુ સેક્સની બાબતમાં પુરૂષ પાછળ રહી ગયો છે. પાછળ પડવા માંડ્યો છે, એટલે શું? તેના બે અર્થ લેવાના છે. સેક્સ એટલે કે જાતીય સંબંધ. સ્ત્રી જ્યારે પોતાના પ્રેમી કે પતિ સિવાયના પુરૂષ સાથે જાતીય સંબંધ કે સુંવાળા સંબંધ બાંધે તો પુરૂષ હલબલી જાય છે પણ સ્ત્રી તેનો પુરૂષ આવું કરી જાય તો તે બહુ હલબલી જતી નથી. તેથી પુરૂષ નબળો થઈ રહ્યો છે તે વાત સાચી. પુરૂષને તો પોતાનો સ્ત્રીનો માલિકીભાવ તૂટવાનો બહુ ડર લાગે છે. સામે પક્ષે સ્ત્રી તેના અસર મિજાજમાં પાછી આવી રહી છે. વેલણનું સ્થાન હવે મોબાઈલે લીધું છે. ઑફિસના કામકાજમાં પણ પુરૂષોને હંફાવી દે છે. એક જમાનો હતો જ્યારે પુરૂષ સ્ત્રીને છૂટાછેડા માટે ધમકાવતો હતો. આજે સ્ત્રીઓ સામેથી કોર્ટના દરવાજો પુરૂષના હાથમાં પકડાવી દે છે.

સ્ત્રી જ્યારે લગ્નેત્તર સંબંધ રાખે ત્યારે સ્ત્રીને પોતાને આત્મવિશ્વાસ છે કે તેના સંબંધોમાં તે પાકી છે. સદીઓથી સ્ત્રીઓએ પતિઓના ખોટા અંજામ સહ્યા છે. પુરૂષોની બેવફાઈ સહન કરી છે. પુરુષને સ્ત્રીની બેવફાઈની કોઈ પ્રેક્ટિસ જ નથી. તેથી હવે પુરૂષ દયાપાત્ર બનશે.

ઇંગ્લેન્ડમાં સૌ પ્રથમ સ્ત્રી હક માટે લડાઈ જાગેલી ત્યારે સ્ત્રીઓની હાકલ હતી, “વૉટ ફૉમ વીમેન એન્ડ ચેસ્ટિટી ફૉર મેન” અર્થાત્ સ્ત્રીઓને મતાધિકાર આપો અને પુરૂષને વફાદારીની ફરજ પાડો. આજે સ્ત્રી-પુરુષના સંબંધોનાં ડાયનેમિક્સ (સમીકરણો) બદલાઈ ગયાં છે. સ્ત્રીને જોકે હજી આ પ્રકારની છૂટ મળી નથી પણ સ્ત્રી હવે આવી છૂટ લેતાં ડરતી નથી.

એક નવી પેઢી હવે તૈયાર થાય છે. તે નવી પેઢીમાં સ્ત્રી અને પુરુષ બન્ને સરખાં બે-વફા થઈ શકશે. પુરૂષ અપેક્ષા નહીં રાખે કે તે નોકર કરીને ઘરે આવે ત્યારે પત્ની રાહ જોઈને અને ચા તૈયાર રાખીને ઊભી હશે. રસોડું સ્ત્રી-પુરુષનું હશે. રસોડાની રાણી શબ્દ જૂનો થઈ જશે. એમ છતાં પુરુષને સ્ત્રી વગર ચાલવાનું નથી અને સ્ત્રીને પુરુષ વગર ચાલશે નહીં.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.