મૌત સે ક્યા ડરના

01 Jun, 2017
12:00 AM

કાન્તિ ભટ્ટ

PC: theallium.com

મૃત્યુ કેરું સ્વરૂપ જો, સાચું માનવ પ્રીછશે.

દ્વાર નવજીવન તણું, જાણી નિરંતર રીઝશે,

દીઠું જીવનતત્વ સનાતન,

સત્ય પ્રકાશિયું રે લોલ,

અમરપણું પ્રગટ્યું પછી તત્ક્ષણ,

મૃત્યુ મરી ગયું રે લોલ.

નરસિંહરાવ દિવેટિયા

2003ના કુંભમેળામાં આવેલા સૌરાષ્ટ્રમાં પંચાગ્નિ અખાડા ધરાવતા ગોપાલાનંદજી મહારાજ અને જૂના અખાડાના સચિવ નરેન્દ્રગિરિજી મહારાજની તબિયત તપાસવા આયુર્વેદના વૈદ્ય ડૉ. પંકજ નરમ ગયેલા. ત્યારે નરેન્દ્રગિરિજી મહારાજને મેં પૂછ્યું, અહીં આતંકવાદી ત્રાટકે તો?

નરેન્દ્રગિરિજીએ કહ્યું, તો ફિકર નથી. ભગવાન શંકરની પ્રસાદી સમજીને મૃત્યુને સ્વીકારી લઈશું. અમે મૃત્યુથી નથી ડરતા. મૃત્યુ એ નવજીવનનું દ્વાર છે. આતંકવાદ જીવન કે મૃત્યુનો કર્તા નથી.

સ્ટોઈક્સથી માંડીને પ્લેટો સુધીના ફિલોસોફરોએ અશ્રુવિહીન દુનિયાની કલ્પના કરી છે. તેમણે મૃત્યુ વખતે પણ ન રડવામાં ગૌરવ માનવાનું કહ્યું છે. ઓશો રજનીશે તેમના મૃત્યુ પછી સંન્યાસીઓને ઉત્સવ મનાવવા કહેલું. કુંભમેળાના તમામ સાધુ મોતને માથે લઈને ફરે છે. સ્વામી વિવેકાનંદજી માત્ર 39 વર્ષ જ જીવ્યા હતા. તેઓ ટૂંકું પણ ઉદ્દાત જીવન જીવ્યા હતા.

આજે ઘણાં કુટુંબોમાં મોટરવાહનોના અકસ્માતમાં જુવાન લોકો ભરખાઈ જાય છે. જગતમાં યુદ્ધ કરતાં આજે મોટરવાહનમાં વધુ મોત થાય છે. શેક્સપિયર કહે છે કે મૃત્યુ એ કોઈ શોકનો અવસર નથી. મરનારને કુદરતે ફરમાન કર્યું છે કે જીવનના કોઈ નવા રાહની નવી શોધ માટે તારે દુનિયામાંથી જવાનું છે. એટલે આપણે મૃત્યુનો શોક ન કરવો જોઈએ. પણ પાછળ જે જીવન બચ્યું છે એ જીવનની પરવરિશ કરવી જોઈએ. ટ્રાફિક, વાહનો, વૃદ્ધ, બીમારી, અકસ્માતમાં હિંસક મોત થાય ત્યારે અમુક મરણોની ચર્ચા કરીને બીજે દિવસે આપણે વાહનમાં મુસાફરી કરતા જઈએ છીએ અને એમ જ હોવું જોઈએ. મૃત્યુ માણસને કંઈ પણ કરતાં રોકી નથી શકતું, કારણ કે મૃત્યુથી ડરીને જીવવાનું માણસ નથી શીખ્યો. મૃત્યુ અચાનક ઝડપી લે છે.

અમેરિકાની મિન્ટમાંથી 50,000 ડૉલરના નાની કિંમતના સિક્કા લઈને એક આર્મ્ડ ટ્રક જતી હતી. હાન્ડ આર્કેલિયન નામનો એ ગાર્ડ એ કારની ચોકી કરતો હતો. પાંચમી ફેબ્રુઆરી, 1986ની વાત છે. સિક્કાના ઢગલા પર લહેરથી ગાર્ડ બેઠો હતો. એકાએક ડ્રાઈવરે સામેના વાહનથી બચવા માટે બ્રેક મારી. સામેનું વાહન બાલબાલ બચી ગયું. ટ્રકનો ડ્રાઈવર બચી ગયો, પણ કોણ જાણે શું થયું કે ટ્રકનો એક દરવાજો ખૂલી ગયો. સિક્કાના ઢગલા નીચે સિક્કાનો ગાર્ડ દબાઈને મરી ગયો. ઑલિવર જેમ્સ નામના ફિલસૂફ પત્રકારે તો મૃત્યુ પર એક મહાનિબંધ લખ્યો છે. એમાં લખ્યું છે, તમે ઈચ્છો છો કે તમારો દીકરો કે તમારી વિધવા ઉત્તમ સિદ્ધિ મેળવે? તો પછી સમયસર મરી જાઓ.

આ વાક્ય જરા ક્રૂર લાગે છે, પણ પત્રકાર તરીકે ઑલિવર જેમ્સ કેટલાક વાસ્તવિક દાખલા આપીને કહેવા માગે છે કે મરનારો તેના પછી જીવનારને એક ચેલેન્જ ફેંકે છે.

ઑલિવર જેમ્સે એન્સાઈક્લોપીડિયા ઑફ બ્રિટાનિકા અને અમેરિકન એન્સાઈક્લોપીડિયાના મહાન લોકોના જીવનવૃત્તાંતનો અભ્યાસ કર્યો છે. 600 મહાન પુરૂષોના જીવનમાંથી ત્રીજા ભાગના મહાન લોકોએ નાનપણમાં તેમનાં માબાપ ગુમાવેલાં કે પત્નીએ તેનો પતિ ગુમાવેલો. એ મૃત્યુના અવસર પછી પુત્ર, પુત્રી કે પત્નીની જબ્બર પ્રગતિ થાય છે.

બ્રિટિશ વડા પ્રધાનોમાંથી 35 ટકા વડા પ્રધાનો તેમ જ 34 ટકા અમેરિકન પ્રમુખોનાં માતા કે પિતા તેમના બાળપણમાં ગુજરી ગયાં હતાં. એક પત્ની તેનો પતિ જીવતો હતો ત્યાં સુધી ડિપ્રેશનના રોગની અનેક દવા કરવા છતાં સારી ન થઈ, પણ પતિના મૃત્યુથી તેની સામે પડકારો આવ્યા. કોણ જાણે પતિના વિયોગથી એક મહાન શક્તિ સર્જાઈ. તેનું ડિપ્રેશન વગર દવાએ ચાલ્યુ ગયું.

મહાત્મા ગાંધી અને લિયો ટૉલ્સટૉય એ બન્નેના પિતા બાળપણમાં ગુજરી ગયેલા. હિટલર, સ્ટેલિન, નેપોલિયને પણ નાનપણમાં માતા કે પિતા ગુમાવેલાં. ડાર્વિન કહી કયા છે કે ઈશ્વરની ક્રૂરતા પાછળ ઉમદા હેતુ હોય છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.