સ્ત્રી આત્મસન્માન જાળવે તો હરહાલતમાં સુંદર છે

23 Jun, 2016
12:00 AM

કાન્તિ ભટ્ટ

PC:

આજે સ્ત્રીને જરૂર હોય તો બીજાને ખુશ કરવા સુંદર ચહેરાની નહીં પણ તગડા આત્મવિશ્વાસ અને આત્મસન્માનની જરૂર છે. ભલે તે કોઈની ન બને પણ તેને પોતાની તો બનવું જ જોઈએ, કારણ કે પોતાની પાસે જ આખરે તેણે આવવાનું છે. અને તે માટે આત્મસન્માન રાખવું બહુ જ જરૂરી છે. ખાસ તો સ્ત્રી હોય કે પુરુષ તેણે બીજાના માપદંડથી પોતાને માપવાની જરૂર નથી. પોતાની દૃષ્ટિએ પોતાનું સેલ્ફએસ્ટીમ જાળવવું. કવિ ઈકબાલની એક ગઝલ યાદ રાખવા જેવી છે.

અપને મન મેં ડૂબકર
પા જા સુરાગે જિન્દગી
તૂ અગર મેરા નહીં બનતા
ન બન અપના તો બન
'તું જેમ છો તેમ જ આવ ચાલી
શોહના ઠઠારા સબ છોડ ખાલી'

આ મિન પિયાસી નામના કવિની પંક્તિ છે. ઝવેરચંદ મેઘાણીએ પણ શ્યામ રંગની છોકરીને વધુ પસંદ કરી છે કહે છે, 'ગામના માણહ મૂરખા રે એને કાળવી કે'તા રે, હું કે'તો કૃષ્ણકલી કૃષ્ણકલી કૃષ્ણકલી રે...' બન્ને કવિઓની આવી ગેરંટી છે છતાં આજે સ્ત્રીઓ અને હવે ધીરે ધીરે જુવાન પુરુષો પણ પોતે જેવા છે તેવા પોતાની જાતને સ્વીકારતા નથી. શ્યામ છે તેને ગોરા થવું છે.  પાતળા છે તેને થોડા ભરાવદાર થવું છે. અને જે ખરેખર ભરાવદાર અને ભારેખમ છે તેને પાતળા દેખાવું છે. બે કવિઓ ઉપરાંત પશ્ચિમના ફિલસૂફ હેરીયટ બીચર સ્ટોએ પણ ભાર દઈને આદેશ લખ્યો છે, 'જો તમે જે સ્થળે, જે સ્થિતિમાં અને જે પ્રકારે જીવો છો તેમાં તમે સુખી નહીં હો તો બીજા કોઈ પણ હાલત કે બીજી કોઈપણ સ્થિતિમાં કે બીજે સ્થળે સુખી રહેવાના નથી. સ્ત્રી-પુરુષો પોતાના જે રૂપ કે જે પ્રકારનાં શરીર માતા-પિતાએ કે ઈશ્વરે આપ્યાં છે તે રંગ રૂપ સ્વીકારતાં નથી. એટલે આજે ભારતમાં પણ પશ્ચિમની માફક મેદ ઉતારવાનો કે સૌંદર્ય વધારવાનો ધંધો ખીલ્યો છે.

ઓસ્કાર વાઈલ્ડે લખેલું કે બાળકો શરૂમાં તેમનાં મા-બાપને બિનશરતી પ્રેમ કરે છે. જેવાં છે તેવાં ચાહે છે. પછી સમજણાં થાય ત્યારે મા-બાપને જજ કરવા માંડે છે. અને પછી મોટે ભાગે બાળકો તેનાં મા-બાપના દેખાવ માટે, તેમનાં બીજાં કર્તવ્યો માટે કદી માફ કરતાં નથી. 'મમ્મી, તું આજે બહુ ફાઈન દેખાય છે' એમ કહેનારી મુંબઈની દીકરી પાંચ વર્ષ પછી કહેવા માંડે કે, મમ્મી, તું એકદમ ભદ્દી લાગે છે. મુંબઈના એક મનોવૈજ્ઞાની કહે છે કે, મા-બાપ પોતે જ તેમનાં બાળકને તેઓ છે તેવાં સ્વીકારતાં નથી. 'મારો બાબો કે બેબી 13 વર્ષનાં થયાં છે. પણ તેમની ઊંચાઈ હજુ વધુ નથી.' અભણ ગુજરાતી સ્ત્રી પણ અંગ્રેજીમાં કહે છે કે ડૉક્ટર, મારી બેબીની હાઈટ વધારવા શું કરવું? અગર તો મારી બેબી જુઓને એકદમ તાડ જેવી થઈ ગઈ છે. મારો દીકરો મોટો થયો છે. હજી તેનો અવાજ તીણો અને છોકરી જેવો છે. ફોનમાં કોઈને જવાબ આપે છે તો તેને બેબી સમજે છે - બાળક સમજે છે. મા-બાપ તેમનું બહુમાન કરતાં નથી. મોટા થઈ તે મા-બાપનાં શરીરનાં ટીકાકાર બને છે. પચાસ વર્ષ પહેલાં મુંબઈમાં કોસ્મેટિક સર્જન કે કોસ્મેટોલોજીસ્ટ જેવા શબ્દો સંભળાતા નહોતા. આજે સુસ્મિતા સૈન, ઐશ્વર્યા રાય અને યુક્તા મુખી વિશ્વસુંદરી બને છે એટલે ચહેરાના દેખાવની અસંતોષની માત્રા વધી જાય છે. બ્યુટી ઈન્ડસ્ટ્રીની ચીજોની ખપત વધે છે. જિમ્નેશીયમમાં વજન ઉતારનારાની સંખ્યામાં 15 ટકા વધારો થાય છે. લોરીયલ જેવી મલ્ટીનેશનલ બ્યુટી પ્રોડક્ટ વેચનારી કંપની ભારતમાં મોટે પાયે આવી છે. રૂ. 35 અબજનો બ્યુટી પ્રોડક્ટનો ધંધો છે, તે 2003માં રૂ. 50 અબજનો થઈ જશે તેમ અમેરિકાનું બિઝનેસ વીક કહે છે. 19મી જૂન 2000ના અંકમાં બિઝનેસ વીક ભારતીય વિશ્વસુંદરીના ફોટો સાથે ભારતમાં બ્યુટી ઉદ્યોગની ચર્ચા કરે છે. સાયીકએટ્રીસ્ટો પાસે વધુ ને વધુ સૌંદર્યની ભૂખથી પીડાતી છોકરીઓ અને પોતાના ગાલના ખીલ કે શરીરની ચરબીની ફરિયાદ કરનારી 'દર્દી' બનીને આવે છે. બ્યુટી ક્લાસીસને બદલે હવે લાગે છે કે મુંબઈમાં જુદી જાતના વર્ગો માત્ર સ્ત્રી માટે જ નહીં પણ પુરુષો માટે પણ ખોલવાની જરૂર છે. જેમાં શીખવવું જોઈએ તેમ જેવા છો તેવા તમારી જાતને સ્વીકારતાં શીખો.

પુરુષોને પણ સલમાન ખાન જેવું મસલદાર થવું છે. અમેરિકાના 'યુ.ટી.એન.એ રિડર' નામના મૂલ્યનિષ્ઠ મેગેઝીનમાં લખ્યું છે કે પહેલાં સ્ત્રીઓ પોતાની ચરબી ઘટાડવાની ફિકર કરતી અને લિપોસકશન દ્વારા ચરબી ઉતારતી. પણ 1992થી 1997માં પુરુષો લિપોસકશન કરાવતા હોય તેવા (યાંત્રિક ક્રિયા દ્વારા ચરબી કાઢી નાખવી) કિસ્સા વધતા જાય છે અને ત્રણ ગણા થઈ ગયા છે. 'અમેરિકન સોસાયટી ઓફ પ્લાસ્ટિક એન્ડ રિકન્સ્ટ્રક્ટીવ સર્જન્સ' નામનું અમેરિકાનું તબીબી મંડળ કહે છે કે 1997માં પુરુષોએ ચરબી ચુસાવવા માટે (લિપોસકશન) 13 કરોડ ડૉલર ખર્ચેલા અને નાઝ રિશેવીંગ, આંખોના નેત્રની સર્જરી વગેરેમાં પુરુષોએ 9 કરોડ ખર્ચેલા.

આ બ્યુટી ઉદ્યોગ પણ અમેરિકાના અને હવે આપણાં અસંતોષમાં વધારો કરે છે. ઈન્ટરનેટમાં પામ બીચ પ્લાસ્ટિક સેન્ટરની વેબ સાઈટ જોવા મળે છે. 'તમે ઉંમરમાં જુવાન છો, આ સમાજમાં તમે ઝડપથી આગળ વધીને ટોચે પહોંચીને તમારો વટ પાડી શકો છો પણ... પણ... પણ જુઓને તમારી આંખ નીચે કાળાં ધાબાં છે, તમારી કમરમાં ચરબીના વળ પડે છે. તમે પરફેક્ટ થવા અમારા ક્લિનિકમાં આવો. આવી જાહેરાતો તમારો અસંતોષ વધારે છે. સેલ્ફ એસ્ટીમને ઘટાડે છે. લિપોસક્શનથી ચરબી ચુસાવવામાં જોખમો ઊભાં થયાં છે. કેલિફોર્નિયાનું મેડિકલ બોર્ડ કહે છે કે ચરબી ઘટાડવા જતાં દરેક 5000માંથી એક દર્દી મરણ પામે છે. ચરબીવાળા કે વધુ પડતા વજનવાળા કે પતલા પુરુષને 'દર્દી' કેમ કહેવામાં આવે છે? કોસ્મેટિક ઉદ્યોગ અને જિમ્નેશિયમ ઉદ્યોગે આપણને બધાંને દર્દી બનાવી દીધા છે. ખીલવાળી છોકરીઓ ડૉક્ટર પાસે આવીને તેમનું સેલ્ફ એસ્ટીમ ઘટાડીને આપઘાત કરવાનો વિચાર કરતી હતી તેવો એકરાર કરે છે.

લંડનના 'ઓબ્ઝર્વર' નામના રવિવારીય બ્રોડશીટ સાપ્તાહિકમાં નિગેલા લોસન લખે છે કે જ્યારે પુરૂષ સવારે તેના ઘરના અરીસામાં જુએ છે ત્યારે પોતે સુકલકડી છે અને બીજો પુરુષ ભરાવદાર છે. મસલદાર છે અને જોરદાર છે, તેવું ધારીને પોતાનું જાણી જોઈને અવમૂલ્યન કરે છે. સ્ત્રી પણ આવું જ વિચારે છે. પોતે જાડી પાડી છે તેવી સરખામણી કરીને રોજ સવારે પોતાનું અવમૂલ્યન કરે છે. બ્રિટનના 'સ્લીમીંગ મેગેઝીન'એ એક સર્વેક્ષણ કર્યું. તેમાં ઓવર-વેઈટ સ્ત્રીઓનાં અને પુરુષોનાં વલણની ચર્ચા કરી છે. સ્ત્રીઓના સર્વેક્ષણમાં માલૂમ પડ્યું કે પોતાના ઓવર વેઈટ માટે સ્ત્રીઓ પોતે જ પોતાની જાતને ધિક્કારે છે. પોતાના માટે પુઅર સેલ્ફ એસ્ટીમ રાખે છે... અને પોતે શરીરે સ્થૂળ છે તેથી જ પોતાની જાતની ઓછી કિંમત આંકે છે. પોતે પતલી થઈ શકતી નથી અને 5 કિલો વધુ વજન છે એટલે જ કામમાં સફળ થતી નથી તેમ માને છે. તે વધુ પડતા વજનથી ડર્યા કરે છે. તેનાથી શરમાયા કરે છે. સામાજિક મેળાવડામાં જાય તો તેને લાગ્યા કરે કે તમામ લોકો તેની ચરબી તરફ જ જુએ છે. આવા નીચા સેલ્ફ એસ્ટીમને મારવા પછી સ્ત્રીઓ જે તે ચીજો ખાવા ઉપર ત્રાપડ મારે છે. આમ એક વિષચક્ર ચાલે છે. પોતાનું શરીર ગમતું નથી, સાસુ ટકટક કરે છે, બાળકો પણ મમ્મીનાં ઓવર વેઈટની ટીકા કરે છે. એટલે એવી મમ્મી પછી રસોડામાં જાય ત્યારે જે હાથમાં આવે તે ખાય છે.

'સાઈકોલોજી ટુ-ડે' નામના મેગેઝીને અમેરિકન સ્ત્રીઓનું સર્વેક્ષણ કર્યું તો માલૂમ પડ્યું કે ચોથા ભાગની સ્ત્રીઓને તેમનાં સ્તનના કદ વિષે સખત અસંતોષ રહેતો હતો. 13 વર્ષ પછી પાછું સર્વેક્ષણ થયું તો સ્ત્રીઓનાં સ્તનનાં કદ તો એવાં ને એવાં જ હતાં પણ સ્તનના કદનો અસંતોષ વધીને ત્રીજા ભાગની સ્ત્રીઓમાં આવ્યો છે. આજે સ્તનના કદનો અસંતોષ સીમા પાર તો થઈ ચૂક્યો છે. ભારતમાં પણ અડધોઅડધ સ્ત્રીઓ એવી હશે જે પોતાના જ છે તે સ્તનની સાઈઝથી અસંતુષ્ટ છે કે તેને સ્તનનાં વત્તાઓછા કદની શરમ છે.

પિતા તરીકે, માતા તરીકે જો તમને જ તમારી જાતમાં વિશ્વાસ ન હોય તો તમે તમારાં બાળકો, શિષ્યો કે વાચકોમાં કેમ વિશ્વાસ જગાડી શકશો? તમારાં બાળકોમાં આત્મવિશ્વાસ જગાડવા તમારો પોતાનો આત્મવિશ્વાસ ઊંચો રાખો. તમે તમારા શરીરની અપૂર્ણતાઓ વિષે વિચારવાનું છોડી દો. તમારા જાડા પતલા હોવાની વાતને તડકે મૂકી દો પછી તમારી પાસે એટલી બધી શક્તિ બચેલી રહેશે કે પછી બીજાં રચનાત્મક કામો તમે વધુ વખત કરી શકશો. આજે આત્મવિશ્વાસ એ સૌથી વધુ મોટી મૂડી છે. તમારી ચરબીની ચિંતા કરવામાં એ આત્મવિશ્વાસની મૂડીનો બિલકુલ ખર્ચ ન કરો.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.