નારીનો યુગ આવી ગયો છે
ઈટાલીની ફ્લોરેન્સ યુનિવર્સિટીના કુલ પ્રોફેસરોમાંથી માત્ર 10 ટકા જ મહિલા પ્રોફેસરો છે તેથી ઈટાલીના શાસકોને ચિંતા થાય છે કારણ કે ઈટાલીની રિસર્ચ સંસ્થામાં 30 ટકા સ્ત્રીઓ સંશોધન ખાતાનાં વડા તરીકે કામ કરે છે. 'આઈ વિલેજ' નામની સ્ત્રીઓ માટેની જ ઈન્ટરનેટ સર્વિસ સફળ રીતે શરૂ કરનારી એક સ્ત્રી છે. કેન્ડાઈસ કાર્પેન્ટર તે સ્ત્રી માટેની વેબસાઈટની ચીફ છે. તેની આસિસ્ટન્ટ નાન્સી ઈવાન્સ એડિટર ઈન ચીફ છે. બંને મલ્ટી મિલીયોનેર બન્યાં છે અને પરણવા માગતાં નથી. ન્યૂયોર્કના સ્ટોક એક્સચેન્જમાં આઈ: વિલેજના શેરો ક્વોટ થાય છે. નેસડેક નામની અમેરિકાની સ્ટોક એક્સચેન્જમાં સફળ રીતે રૂ. 270 કરોડનો ઈસ્યુ મૂકનારી રિડિફ ડોટ. કોમની ત્રણ ભાષાની ઈન્ટરનેટ ન્યૂઝ સર્વિસની ચીફ એડિટરો મહિલાઓ છે. બ્રિટનમાં સૌથી વધુ સરક્યુલેશન ધરાવતા ટેબલોઈડ અખબાર 'ધ ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ' જે 40 લાખ નકલોનો ફેલાવો ધરાવે છે તેની તંત્રી રેબેકા ર્વડ નામની મહિલા છે. બ્રિટનમાં છેક 1987થી પોપ્યુલર ટેબલોઈડ અખબારની તંત્રી તરીકે પ્રથમ સ્ત્રી વેન્ડી હેન્ની હતી. 'ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ' ના ઊંચા સરક્યુલેશનને ટકાવનારી ત્રણ મહિલા તંત્રીઓ છે. લંડનના સન-ડે એક્સપ્રેસની તંત્રી ઈવ યોર્લાડ નામની સ્ત્રી છે. 'મિરર' અને 'મેઈલ ઓન સન-ડે'ની તંત્રીઓ મહિલાઓ છે. રવિવારનું અખબાર સફળ કરવું હોય તો સ્ત્રીને તંત્રી તરીકે નીમો તેવો બ્રિટનમાં નિયમ છે. મુંબઈના 'ટાઈમ્સ' સાથે બોમ્બે ટાઈમ્સની પૂર્તિ આવે છે તેની તંત્રી તરીકે એક સ્ત્રી છે. મિડ-ડે જેવા મુંબઈના સૌથી સફળ સાંજના અંગ્રેજી અખબારની તંત્રી સ્ત્રી છે.
જગતના બધા જ વિષયની વેબસાઈટો છે. સેક્સની વેબસાઈટો હજારોની સંખ્યામાં છે. પણ નાટકોના રિવ્યુ અને ફોટા સહિત નાટકના પ્રિવ્યુ આપતી વેબસાઈટ માત્ર ભારતમાં છે. 'ભારતીય ડ્રામા ડોટ કોમ' (BHARATIYA DARMA COM) નામનાં અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ગુજરાતી નાટકોના રિવ્યુ-પ્રિવ્યુ અને રસદર્શન કરાવતી વેબસાઈટ મૂળ ભાવનગરની એક કન્યા પ્રાચી શાહે શરૂ કરી છે. ચાલુ નાટકો, થિયેટરો, ભારતીય નાટકોનો ઇતિહાસ, ભારતીય નાટ્યશાસ્ત્રની કળા વગેરે ભારતની 10 ભાષામાં વેબસાઈટ ઉપર જોવા મળે તેવો પ્રાચી શાહનો પુરુષાર્થ છે. એકલે હાથે તેણે વેબસાઈટ શરૂ કરી છે.
બ્રિટન અને અમેરિકામાં સ્ત્રીઓને હવે પરણ્યા વગર કેમ બાળકોની માતા બનવું અને પતિ વગર કેમ રહેવું તેનો કોર્સ સ્કૂલમાંથી જ શીખવાય છે. બ્રિટનમાં માત્ર 8 વર્ષની છોકરીઓને 21મી સદીમાં બાળકની મા નહીં પણ બાળકનાં 'મા-બાપ' કેમ બનવું તે સ્કૂલનાં કોર્સમાં શીખવાય છે. સિંગલ પેરન્ટ ફેમિલી રૂપે કેમ જીવવું અને હોમોસેક્સુઅલ હોય તો સ્ત્રીએ સાથે 'લગ્ન' કરીને કેમ જીવવું તે બ્રિટનની કેટલીક સ્કૂલોમાં શીખવાય છે. જર્મન ગ્રીસર નામની નારીવાદી સ્ત્રી 'વન્ડર બ્રા' નામની મોંઘીદાટ બ્રાનો વિરોધ કરીને કહે છે કે ભારતની 40 ટકા નારી બ્રા પહેરતી નથી. તો પછી યુરોપની નારીએ બ્રાની ગુલામ શું કામ બનવું જોઈએ? સ્ત્રીએ, સ્તનના કેન્સરથી દૂર રહેવું હોય તો બ્રાનો ત્યાગ કરવો એમ જર્મન ગ્રીસર કહે છે. રૂપર્ટ મુરડોક જે સ્ટાર ટી.વી. ચલાવે છે તેના ઉત્તરાધિકારી તરીકે તેનો દીકરો નહીં પણ 36 વર્ષની પુત્રી એલીઝાબેથ મુરડોક ગણાય છે.
7મી મે 2000ના લંડનના સન-ડે ટેલિગ્રાફમાં સમાચાર આવેલા કે ભારતની ગામડાની નારી જાગી છે. દિલ્હીની પશ્ચિમે આવેલા એક ગામડામાં એક સ્ત્રીને કોઈ પુરુષે નિર્વસ્ત્ર કરીને ઢસડી એટલે ઉત્તર પ્રદેશના જોહરી ગામમાં 12 છોકરીઓએ બળવો કર્યો છે. રાઈફલ અને પિસ્તોલની તાલીમ લઈને આ સ્ત્રીઓ જે પુરુષ સ્ત્રી સામે કરડી આંખ કરે તેને પિસ્તોલથી, લંગડો બનાવી દે છે ઉત્તર પ્રદેશમાં 'કચ્ચા બનીયાન' નામની પુરુષોની ગેંગ સામે સ્ત્રીઓ લડે છે. ચંદ્રો તોમાર નામની 66 વર્ષની બાઈ છોકરીઓને પિસ્તોલ ચલાવતાં શીખવે છે.
તમને યાદ હશે કે કાઠમંડુમાં સાઉથ એશિયન ગેઈમ્સમાં 17 વર્ષની સીમા તૌમાર નામની છોકરી ગરીબમાં ગરીબ ઘરમાંથી આવી છે. તેણે શૂટિંગ ચેમ્પિયનશીપમાં સુવર્ણ મેડલ જીત્યો છે અને હવે સિડનીની વિશ્વ ઓલિમ્પિક્સમાં આ ગ્રામીણ કન્યા જશે. ઈન્ડિયન સ્ટેટ શૂટિંગ ચેમ્પિયન શીપમાં પ્રાક્ષી નામની છોકરીએ એક પોલીસમેન સહિત ચાર પુરૂષોને શૂટિંગમાં હરાવ્યા હતા. બ્રિટનના નોર્થવીચ ગામે એક પંદર વર્ષની વિદ્યાર્થિની 28 વર્ષના પ્રોફેસરને ભગાડીને જર્મની લઈ ગઈ છે અને ત્યાં લગ્ન કર્યા છે. પ્રોફેસર લેક્ચર દરમિયાન વિદ્યાર્થિની તરફ વારંવાર ઈશારો કરતા હતા. એ વાતથી વાજ આવી જઈને છોકરીએ તેને ભગાડીને પરણવાની ફરજ પાડી છે. (ગાર્ડિયન તા. 14-5-2000) 'પ્લે બોય' મેગેઝીનના સ્થાપક હ્યુઝ હેકનર હવે 70 વર્ષની વયે મેગેઝીન ચલાવી શકતો નથી તો તેની પુત્રી ક્રિસ્ટ હેફનર પ્લે બોયનું સામ્રાજ્ય ચલાવે છે. અમીષા પટેલ નામની નવી એક્ટ્રેસ તેના પિતાની સલાહ લઈને શેરબજારમાં શેરોમાં નાણાં રોકે છે.
આજકાલ બ્રિટનમાં છોકરીઓની છેડતી કરી શકાતી નથી. લંડનના 'ગાર્ડિયન'માં તેની કટાર લેખિકા લખે છે કે મારી એક ફ્રેન્ડ તેની હેન્ડ બેગમાં 1000 વોલ્ટનો ઈલેક્ટ્રીફાઈંગ સળિયો રાખે છે. કોઈ છેડતી કરવા આવે તો સળિયાથી પુરુષને બેભાન કરી નાખે છે. ઉપરાંત આંખમાં મરીનો પાવડર છાંટવાની 'પેપર સ્પ્રે'ની બોટલ પર્સમાં રાખે છે. આજકાલ બ્રિટનમાં ઘણી છોકરીઓ કોઈ છેડતી કરે તો તેની સામે રક્ષણ કરવા અવનવાં સાધનો રાખે છે. એન્જેલા એડેર નામની બ્રિટિશ સ્ત્રીએ, પ્રાચી શાહે એકલે હાથે નાટકની વેબસાઈટ શરૂ કરી, તેમ તેણે ઈ-પબ્લિશિંગ શરૂ કર્યું છે. તે કમ્પ્યુટર ઉપર પુસ્તકો પ્રકાશિત કરે છે. જે-જે લેખકોને ઈલેક્ટ્રોનિક પલ્બિશિંગ કરવું હોય તેમને એન્જેલા અડેર મદદ કરે છે. બ્રિટિશ લશ્કરમાં સ્ત્રી-સૈનિકોને કોમ્બેટ એટલે કે હાથોહાથની લડાઈમાં તાલીમ અપાય છે. મેડોના જેવી ઘણી સ્ત્રીઓ તેના બાળકના 'બાપ' વગર બાળકની માતા બનેલી છે.
રોસાલિન્ડ માઈલ્સે એક પુસ્તક પ્રગટ કર્યું છે તે સ્ત્રીઓને ખૂબ પ્રેરણા આપે છે. 'ધ વીમેન્સ હિસ્ટ્રી ઑફ ધ વર્લ્ડ'માં તેણે જગતની નારીઓનો ઈતિહાસ લખ્યો છે. તે કહેવા માગે છે કે એક જમાનામાં નારી જ આર્થિક વ્યવહારની કર્તાહર્તા હતી. પછી એકાએક તે પુરુષની દાસી બની ગઈ, પરંતુ ઈતિહાસ પાછો બદલાઈ રહ્યો છે.
રોસાલીન્ડની થિયરી એવી છે કે પ્રારંભમાં આ સ્મૃતિમાં માત્ર નારી જ હતી. સ્ત્રી, એ ઈશ્વરનું મૌલિક સર્જન હતું. સ્ત્રી પ્રાથમિક જાતિ છે. પુરુષ તો ઈશ્વરને પાછળથી આવેલો વિચાર છે. નારી એ જ પાયાનો એક્સ-કોમોઝોમ છે. નર બાળક જન્માવવા માટે ભિન્ન એવા વાય-કોમોઝોમનું વક્રીભવન થાય છે. નર એ કુદરતની જીવશાસ્ત્રીય ભૂલ છે. ઈ.સ. પૂર્વે 2300માં સુમેરિયાના વડા ધર્મગુરુએ સર્વશક્તિમાન દિવ્ય તત્વની સ્તુતિમાં એક પ્રાર્થના રચી હતી. તેમાં ઈશ્વરને નારીરૂપે ભજાતી હતી તેવો ઉલ્લેખ છે. તેની પ્રાર્થનામાં ઈશ્વરનાં રોશની ઝુલફાં, તેનો મધ જેવો ખોળો, સ્વર્ગીય હોડી જેવી તેની કૂખ અને તેના અનુપમ સૌંદર્યની ભક્તિ પુરુષો કરતા હતા. આજે પણ આપણે 'શક્તિ'ની પૂજા કરીએ છીએ.
5000 વર્ષ પહેલા શાળાનાં બાળકો માત્ર એક જ 'દેવ'ને પીછાણતા હતા અને તે 'દેવી' હતી. ઈશ્વરનું સ્વરૂપ દેવીનું હતું. રોમન ધારાશાસ્ત્રી લ્યુસિયસ એપ્યુલિયસે લખ્યું છે, 'હું પ્રકૃતિ છું, હું સૌની માતા છું, હું તમામ તત્વોની સ્વામિની છું. હું તમામ આધ્યાત્મિક ચીજોની સાર્વભૌમ માલિકી ધરાવું છું. હું અનેક નામોથી ઓળખાઉં છું...' ફ્લોરેન્સ નાઈટિંગેલ આધુનિક જગતની સૌથી પ્રખ્યાત અપરિણીત નારી હતી. તે માનતી હતી કે નારી સ્વતંત્ર છે. નારીના શરીર ઉપર નારીનો સંપૂર્ણ અને સુવાંગ હક છે. ફ્લોરેન્સ પોતાના શરીરના સાર્વભૌમત્વમાં માનતી હતી. પોતાની જાતને સલામત રાખીને તેનો ઉપયોગ એક પુરુષ કે બે પુરુષને કરવા દેવો અગર કોઈને પણ ઉપયોગ નહીં કરવા દેવાનો પોતાનો અધિકાર છે. તેમ નાઈટિંગેલ માનતી. આજે જાણે ફરી પાછો ફ્લોરેન્સ નાઈટિંગેલનો યુગ આવી ગયો છે. સ્ત્રી હવે તેની બુદ્ધિ અને શરીરનો ઉપયોગ પુરુષ પાસે પોતાની રીતે કરાવવા માગે છે. પુરુષ જ શું કામ સ્ત્રી પણ રેપ કરી શકે છે તેવું ન્યૂયોર્કની ઉદ્દંડ છોકરીઓ માને છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર