તમારી જેવી ભાવના હશે એવી સિદ્ધિ
ખુદી કો કર બુલંદ ઈતના
કિ હર તકદીર સે પહેલે
ખુદા બન્દે સે પૂછે
બતા તેરી રજા ક્યા હૈ
ઈકબાલ
દેવે તીર્થે દ્વિજે મન્ત્રૈ દૈવજ્ઞે ભેષજે ગુરૌ
યાદ્દશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતિ તાદ્દશી
નીતિમંજરી
કવિ ઈકબાલનો માનવીને તેની બુલંદીનો ખ્યાલ કરવા માટેનો શેર ફિલ્મ ગાઈડમાં દેવ આનંદ પોપટવાક્યની જેમ બોલી જાય છે પછી આ શેર બધા જ બોલે છે, પણ એનો મિજાજ અને મર્મ જીવનમાં નથી ઊતરતા. નાશિકમાં કુંભમેળો ભરાયો છે. નીતિમંજરીના શ્લોક પ્રમાણે જો તમે શ્રદ્ધાની ભાવના સાથે ગોદાવરીમાં સ્નાન કરશો તો કોઈ મોટી લોટરી નહીં લાગે, પરંતુ તમારી આંતરિક સમૃદ્ધિ અને જાતને બુલંદ બનાવવાનું જ્ઞાન મળશે. ખાસ એટલા માટે કે નાશિક-ત્ર્યંબકેશ્વર પાસેની ગોદાવરીમાં કુંભમેળા વખતે ખાસ-ખાસ સ્નાન થશે. ભગવાન શિવને આ કુંભમેળામાં તમારે સતત યાદ કરવા જોઈશે. ખુદીને બુલંદ કરવા માટે તો સૌ પ્રથમ તમારી જાતને જાણવી પડશે.
મુંબઈમાં વિરાજતા મહાન ખગોળશાસ્ત્રી ડૉ. જે.જે. રાવલને મેં આ કુંભમેળા અને ભગવાન શિવની પૂજા અને તેમની સ્તુતિનું માહાત્મ્ય પૂછ્યું તો રાવલસાહેબે કહ્યું, ભગવાન શંકર આજના ભોગવાદી યુગમાં બહુ જ રેલેવન્ટ બની ગયા છે. ભગવાન શિવની ફિલસૂફી સમયોચિત છે. માનવી જેટલી જરૂરિયાતો ઓછી કરશે એટલો તે સુખી રહેશે. જેટલાં ભોગ, ઈચ્છાઓ અને જરૂરિયાતો ઓછી કરશે એટલો તે સુખી હશે. જેટલાં ભોગ, ઈચ્છાઓ અને સગવડો વધારશે એટલો દુઃખી થશે.
ખાસ તો ત્ર્યંબકેશ્વરનાં દર્શન કરી તમે ગોદાવરીમાં સ્નાન કરો ત્યારે એક વાત યાદ રાખજો કે ભગવાન શિવ તમે કોઈ પણ ખોટું કૃત્ય કરો એ બિલકુલ ચલાવી નહીં લે, પણ જો થોડુંક કલ્યાણકારી કામ કરશો તો ખુશ-ખુશ થઈ જશે. શંકર પાસે વૈભવ નથી માગવાનો. તમે ગમે એટલા ગરીબ હો, પણ તમારા સ્વની મહત્તા જાણી લો તો તમે ધનિક છો. ભોજપ્રબંધમાં શ્લોક છો.
દારિદ્રેય પરાભૂતિર્યાગ્યાન દ્રવિણાલ્પતા,
અપિ કોપીનવાન શંભુસ્તથાપિપરમેશ્વર.
માનવી દ્રવ્ય એટલે કે ધનથી દરિદ્ર હોય એથી દરિદ્ર નથી બની જતો. માનવીનાં તપ, ત્યાગ, સાધના એ જ તેનું દ્રવ્ય છે. ભગવાન શંકર સ્મશાનમાં વસે છે, કોપીન પહેરે છે છતાં તેઓ પરમેશ્વર છે, દેવોના પણ દેવ છે.
ઓશો રજનીશ શિવસૂત્રમાં એક જુદી પણ ઉપરના જ મિજાજમાં ફિટ થાય એવી વાત કહે છે. ઓશો રજનીશ કહે છે કે, શિવસૂત્રમાં પ્રથમ સૂત્ર છે કે તમે ચૈતન્ય સ્વરૂપ છો. આપણે બધા જ ચૈતન્ય છીએ, પણ આપણને એ વાતની ખબર નથી. માનવી પોતાને નથી જાણતો અને બીજાના ગુણ-અવગુણોની પંચાત કરે છે.
શિવસૂત્ર પરની પ્રવચનમાળામાં ઓશોએ એક સરસ ઉદાહરણ આપેલું એ સાચું છે. એક મારવાડી વેપારી ફિલ્મ અભિનેત્રીના પ્રેમમાં પડે છે. આ વિચિત્ર છે. વેપારી અને પ્રેમ? પરંતુ આવું કોઈ વખત બને છે. પ્રેમમાં તો પડી ગયો, પરંતુ વેપારીનું માનસ શંકાશીલ હોય છે. તેણે જાસૂસ રોક્યો અને તેને અભિનેત્રીના ચારિત્ર્યનો પત્તો લગાવવાનું કામ સોંપ્યું. તેનું ચારિત્ર્ય સ્વચ્છ છે કે નહીં? લગ્ન માટે પ્રસ્તાવ મૂકે એ પહેલાં બધી વાત પાકી-સ્પષ્ટ થઈ જવી જોઈએ.
જાસૂસે ઊંડી તપાસ કરીને પછી એક અહેવાલ મોકલ્યો. એમાં લખેલું, આ અભિનેત્રીનું ચારિત્ર્ય એકદમ નિર્દોષ અને નિષ્કલંક છે. તેના વિરોધમાં કંઈ જાણવા-સાંભળવા નથી મળ્યું. માત્ર એક વાતનો સંદેહ રહે છે. છેલ્લા થોડા મહિનાથી આ અભિનેત્રી એક શંકાસ્પદ ચારિત્ર્યવાળા મારવાડી વેપારી સાથે જોવા મળતી હતી.
રજનીશ આ દૃષ્ટાંત આપીને કહે છે, આપણી આંખ બીજાને દેખે છે, તે પોતાની અંદર નથી જોતી. તીર્થમાં જાઓ કે ધ્યાનમાં બેસો ત્યારે તમારે સ્વને જાણવાનો છે. ખુદને જાણવો છે. એની બુલંદી તમારે પારખવાની છે.
જૂના જમાનામાં જ્યારે વિમાન કે ટ્રેન કે મોટરની સગવડ નહોતી ત્યારે હિમાલય કે બીજાં અરણ્યોમાં રહેનારા વિદ્વાનો, ગુરુઓ, સિદ્ધિયોગીઓ કે મિસ્ટિકો પાસે જવાનું અશક્ય કે અઘરું બનતું, પરંતુ કુંભમેળો એવો અવસર છે કે ત્યાં તમને આ બધા જ જ્ઞાનના સ્ત્રોતો મળી જાય છે.
ડૉ. જે.જે. રાવલ કહે છે, આ કુંભમેળાનો હેતુ સાંસ્કૃતિક છે. અહીં ગોદાવરીમાં ભાવના પ્રમાણે સ્નાન કરીને તમારે તમારી જાતની નજીક આવવાનું છે. ભગવાન શિવ પોતે કલ્યાણકારી છે. જ્ઞાનના દેવતા છે. વિશ્વ સ્મશાન છે. દુનિયાનું કોઈ પણ ઘર નહીં હોય જ્યાં મૃત્યુ નહીં થયું હોય. તેથી માનવીએ સતત તેના જીવનની ક્ષણભંગુરતાનો ખ્યાલ રાખીને સતત જ્ઞાન મેળવીને પોતાની જાતને જાણીને પછી ત્યાગની ભાવના રાખવાની છે.
ઘણા બુદ્ધિમંતો શંકરના શિવલિંગની પૂજા થાય છે એ જોઈને મનમાં ગૂંચવાય છે. એનો ખુલાસો ઓશો રજનીશ આપે છે. ભગવાન શિવનું ત્રીજું સૂત્ર યૌનવિદ્યાનું છે. યોનિવર્ગ અને કલાશરીર વિશે ભગવાન શિવ માનવીને ઉપદેશ આપે છે. યોનિ એટલે પ્રકૃતિ. એટલે જ સ્ત્રીને પ્રકૃતિ કહેવામાં આવે છે. સ્ત્રી શરીર આપે છે, શરીરનું સર્જન કરે છે. કલાશરીર એટલે કર્તાનો ભાવ. પ્રકૃતિ અને કર્તાનો ભાવ મળીને આપણું શરીર બને છે. પ્રકૃતિ તો કેવળ શરીર આપે છે. કલાકાર તો તમે છો. સ્વયંનું નિર્માણ કરવાવાળા પોતાના શરીરને તમે જ બનાવ્યું છે. કોઈ તમને શરીર નથી આપતું, તમારી વાસના જ નિર્માણ કરે છે. એટલા માટે સમજી વિચારીને વાસના સેવજો. વાસના એટલે માત્ર સેક્સની ભૂખ નહીં, સંપત્તિ, પદ, મોભો અને સત્તા એ પણ વાસના છે. જ્યારે માનવી બધી જ વાસના છોડી દે ત્યારે તે મુક્ત થાય છે. ગોદાવરીમાં ડૂબકી મારવા જાઓ ત્યારે એમ કરવાથી શેરબજારમાં કંઈક લોચો મળશે એમ ન ધારી લેતા. તમે ત્યાં વાસનામુક્ત થવા જાઓ છો.
ચોથું શિવસૂત્ર છે ઉદ્યમોભૈરવઃ અર્થાત્ ઉદ્યમ, પ્રયાસ, પુરુષાર્થ એ જ ભૈરવ છે. ભૈરવ એટલે બ્રહ્મ, ઉદ્યમ ભૈરવ છે. ઉદ્યમ થકી તમે બ્રહ્મને પામશો. મંજિલે પહોંચવામાં સમય લાગે છે, પણ ગોદાવરીમાં સ્નાન કરીને તમને જાણવાની ચેષ્ટા કરી ત્યારે તમારી અંદર બીજનું આરોપણ થઈ ગયું કે સંસાર અને વાસનાના આ કારાગૃહમાંથી બહાર નીકળવાનો તરફડાટ શરૂ કરી દીધો છે. હવે વાસનાનાં બીજાં નવાં બી વાવવાને બદલે આધ્યાત્મિકતાનાં બી વાવવાનાં છે.
શિવસૂત્રનું પાંચમું સૂત્ર છે શક્તિચક્ર. શક્તિચક્રના સંધાનથી બધાં જ પાશવી બળોનો સંહાર થાય છે. જો તમે બરાબર ઉદ્યમ-પુરૂષાર્થ કર્યો હોય, તમે સંપૂર્ણ ઊર્જાને સત્યની શોધમાં લગાવી દીધી હોય તો તમારી અંદર શક્તિનું જે ચક્ર છે એ પૂર્ણ થઈ જાય છે. અત્યારે તમારી અંદર શક્તિનું ચક્ર પૂર્ણ નથી, ભાંગ્યુંતૂટ્યું છે. વૈજ્ઞાનિકો કહે છે કે બુદ્ધિમાનમાં બુદ્ધિમાન માણસ પણ પોતાની અંદર રહેલી બુદ્ધિપ્રતિભાનો પંદર ટકાથી વધુ ઉપયોગ નથી કરતો. પંચ્યાસી ટકા એમ ને એમ સડી જાય છે. તમારી આ સુપ્ત ઊર્જાનો તમારે સો ટકા ઉપયોગ કરવાનો છે એ સંદેશ તમે કુંભમેળામાંથી લાવી શકો છો. એમ ને એમ લટાર મારીને નાગાબાવાને જોઈને મજાક કરી પાછા આવો તો એ તમને મુબારક છે.
શિવસૂત્રનું છઠ્ઠું સૂત્ર છે : શક્તિચક્રના સંધાનથી તમારું જે ભૌતિક વિશ્વ છે, ભૌતિક વાસના છે તે સમાપ્ત થઈ જાય છે. તમારે પછી કોઈ સંસાર નથી. તમે ભૈરવ થઈ ગયા, પરમાત્મા બની ગયા, તમે મુક્ત બની ગયા. આ ભાવના લઈને તમે કોઈપણ તીર્થમાં જાઓ મક્કા, મદીના, હરદ્વાર, પાલિતાણા કે સમેતશિખર કે ગોદાવરી તમે પોતે જ પરમાત્મા બની ગયા.
(કુંભમેળાના સંદર્ભમાં લખાયેલો આ લેખ જીવનના સંદર્ભમાં પણ મદદરૂપ થાય એવો છે.)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર