ડિજિટલી Yours (પ્રકરણ આઠ)

25 Jan, 2017
12:00 AM

અંકિત દેસાઈ

PC: khabarchhe.com

અલય અને અનાહિતાએ એકબીજાનો સ્વીકાર તો કર્યો, પરંતુ એ સ્વીકારમાં અનાહિતાની આકરી શરતો હતી. અનાહિતાએ પોતાની પસંદગીનું પાત્ર પણ પસંદ કર્યું અને એ જ પાત્રને એની શરતોમાં બાંધી પણ લીધું. પ્રેમની શરૂઆતમાં જ એણે લકીર દોરીને એ સ્પષ્ટ કર્યું હતું કે, સમાજની ચિંતા કરીને નહીં, પણ એના પતિ અદ્વૈતને દગો નહીં લાગે એને ધ્યાનમાં રાખીને અલય અને અનાહિતા વાસ્તવમાં ક્યારેય એકબીજાને નહીં મળે. એમનો પ્રેમ માત્ર સોશિયલ મીડિયા પૂરતો જ સીમિત રહેશે. એટલે જ અલયે જ્યારે અનાહિતાને પહેલો પત્ર લખેલો ત્યારે એક શબ્દ કોઈન કરેલો, ‘ડિજિટલી Yours’!

જીવનમાં ક્યારેય મળ્યાં વિના એકબીજાને ચાહતા રહેવું એ કોઈ ફિલ્મ કે નવલકથાની ફેન્ટસી હોઈ શકે, પરંતુ વાસ્તવિક જીવનમાં પ્રેમમાં લાગણી અને સ્પર્શનો એકસરખો હિસ્સો હોય છે. ઈતિહાસમાં મહાન વ્યક્તિઓએ એકબીજાને સ્પર્શ કર્યા વિના કે મળ્યાં વિના પ્રેમ કર્યો હોય અથવા એકબીજાનો સંપૂર્ણ સ્વીકાર કર્યો હોય એવા કેટલાક દાખલા ખરાં, પરંતુ સામાન્ય સમજણ ધરાવનારાઓનું એવું ગજું નહીં કે, તેઓ પ્રેમનું આવું સૌંદર્ય માણી શકે.

અલય અને અનાહિતા આવા પ્રેમની બાબતે નોખા જરૂર સાબિત થયાં, પણ તોય એમનો પ્રેમ સફળ નહીં રહ્યો. અનાહિતાની શરતોનો સ્વીકાર કરીને એને ખૂબ ચાહનાર અલયે અધવચ્ચે હથિયાર હેઠાં મૂકી દીધા અને અનાહિતાને મળવાની જિદ્દ કરી બેઠો. અનુ એ જિદ્દને ખાળતી રહી, પણ અનાહિતાને માત્ર એક વાર મળવા માટે અધીરો બનેલો અલય વધુ ને વધુ ધૂંધવાતો ગયો અને અંતે અહં પર આવી ગયો. અને જ્યારે એનો અહં ઓગળ્યો ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું.

અલય ભલે અનાહિતાને ગમે એટલી ચાહતો હોય, પરંતુ આ સંબંધની તીરાડનું કારણ માત્ર ને માત્ર અલયની લાલસા હતી. અલબત્ત, અલયને અનાહિતા પ્રત્યે શારીરિક આકર્ષણ નહોતું, એણે તો માત્ર એક વાર અનાહિતાને મળવું હતું, એની આંખોને ઠારવી હતી અને અનાહિતાને સ્પર્શ કરીને કોઈકને ચાહ્યાનો સંતોષ લેવો હતો. પણ અલયની એ ઈચ્છા અનાહિતાની શરતની સામે અયોગ્ય પુરવાર સાબિત થઈ અને એટલે જ અલયની ઈચ્છાને લાલસાનું નામ મળ્યું!

***

ડિયર અનુ,

બસ અને હવે આ છેલ્લો પત્ર. મને ખબર છે મેં તને ખૂબ ત્રાસ આપ્યો છે. બાળકની ગર્ભનાળ કપાય એમ મેં એક જ ઝાટકે આપણા સંબંધની નાળ કાપી નાંખી અને સમાપનની ઔપચારિકતા વિના બધુ સમેટી લીધું. મને ખબર છે, અત્યાર સુધી મારા વિના તું ખૂબ ઝૂરી હશે, મેં લખેલા પત્રો તેં વારંવાર વાંચ્યા હશે અને ચેટિંગ્સ દરમિયાનની આપણી વાતો પણ તેં ફરીફરીને વાંચી હશે. દિલના કોઈક ખૂણે તને એવી આશા પણ હશે કે, હું પાછો ફરીશ અને બધુ પહેલા જેવું સમુસૂથરું થઈ જશે. પણ તને એ ખબર જ છે કે, મને પાછું ફરીને જોવાની આદત નથી. એ વૃત્તિ કદાચ મારો સ્વાર્થ જ હશે, પણ મારી એ પ્રકૃતિ છે, એમાં બદલાવ આણીને જાતને આર્ટિફિશિયલ ઓપ આપી જીવવું મને નહીં પાલવે.

પણ છોડ એ બધી વાતો. તને મેં દુઃખી કરી એનો અપરાધભાવ મને આજીવન રહેશે અને જીવન આખું એક અનાહિતામાં મારા દિલમાં ધબકતી રહેશે. તારી સાથેના સંબંધ પર હું પૂર્ણવિરામ ભલે મૂકું છું, પણ તને ચાહવું કે તારી સાથે વીતેલા સમયને હું મારા જીવનની ઉપ્લબ્ધી ગણું છું. અનાહિતા જેવી સ્ત્રીને તમે ચાહો એ તો સામાન્ય વાત છે, પણ અનાહિતા તમને ચાહે એને ઉપ્લબ્ધી જ ગણવી!

તને યાદ છે? મેં તને કહેલું કે, આપણો સંબંધ એના ચોક્ક્સ ગંતવ્યે પહોંચવાનો નથી, એની આપણને બંનેને ખબર હોવા છતાં આપણે એની નિયતિ વિશે વિચારી રહ્યા છે… જે સંબંધ ક્યાંય પહોંચવાનો નથી એમાંથી શું પામીશું એના સપનાં જોઈ રહ્યા છીએ... જોકે આપણા સંબંધમાં આપણે એકબીજાને પામ્યા એ જ આપણી નિયતિ હતી! એટલે જ તો મેં તને કહેલું કે, આપણા આ સંબંધમાં આપણે મંઝિલની પરવા ક્યારેય કરવાની જ નથી, આપણે તો સફર માણવાની હતી! અને કંઈક અંશે એ સફર માણી પણ ખરી.

આપણા સંબંધ બાબતે મને હતું કે, તારા રિઝર્વેશન્સને કારણે કોઇક એક તબક્કે તારે મારી સાથેનો છેડો ફાડવો પડશે, પરંતુ થયું કંઈક જુદું અને હું કોઈક બીજી કેડીએ ફંટાઈ રહ્યો છું. મેં તને કહેલું ને? કે જો આપણે વિખૂટા પડીશું તોયે તારી યાદોની તાંદુલ પોટલી મારી સાથે જ રાખીશ અને જ્યારે મન થશે ત્યારે એમાંથી યાદોનો ખજાનો કાઢીને તૃપ્ત થઈશ.

તને કદાચ ધક્કો વાગશે અને કદાચ તારી આંખોમાં પાણી પણ તરી આવશે, પણ અનુ, હું આ શહેર છોડી રહ્યો છું. મારી આંખોની સામે મારો સામાન બંધાયેલો પડ્યો છે અને આ લખી રહ્યો છું ત્યાં સુધી મને એ ખબર નથી કે, હું ક્યાં જઈશ! મેં કહેલું ને કે, હું ‘અતરાપી’નો સારમેય છું, મારા પથારા સમેટીને હું ક્યારે આગળ ચાલી નીકળું એની મને ખૂદનેય ખબર નથી હોતી! 

આ પત્રની સાથે થોડા પુસ્તકો તને મોકલું છું અને બાકીના બધા અહીંની લાયબ્રેરીમાં આપી દીધા છે. બુટ્સ, ઘડિયાળો અને થોડા કપડાં પણ યુનિવર્સિટી પાસેની ટપરીવાળાને પધરાવી દીધા છે, જેથી એનો ભાર ન રહે! મારે હવે ઘરની નહીં સફરની ચિંતા કરવાની છે અને સફરમાં આ બધા ભૌતિક ભારની મારે જરૂર નથી. આસમાની છત નીચે જીવવાની, રખડતા રહેવાની અને ક્યારેય ઠરીઠામ નહીં થવાની મને વર્ષોથી ધખના હતી, પરંતુ એ માટે જે હિંમત જોઈએ એ મારી પાસે નહોતી. પણ આપણા આ સંબંધે મને એ માટે સજ્જ કરી દીધો. છેલ્લા કેટલાક દિવસોથી મારી જાત મને રહી રહીને કહી રહી છે કે, જો અનાહિતા તારા જીવનમાં ન આવી હોત અને એનો વિયોગ તને નહીં કનડ્યો હોય તો તને ક્યારેય આ શહેર છોડવાનો ધક્કો નહીં લાગ્યો હોત…

ખૈર, હું નથી સિકંદર કે નથી ગૌતમ. મને નથી તો કંઈક જીતવાની ખેવના કે નથી મારે કશુંક ગૂઢ શોધવું કે પામવું. મારે તો રખડવું છે, માણવું છે, ચાખવું છે, ભોગવવું છે… બસ બંધાવું નથી! અને એની શરૂઆત તારાથી કરી રહ્યો છું… આમેય નિર્લેપભાવે ચાહવું એ મારી પ્રકૃતિ છે… તારા સહિત ચાહીશ બધાને, પણ વળગણ કોઈનું નહીં રાખું… હવેથી મારું લક્ષ્ય વહેતા રહેવાનું છે, ખાબોચિયામાં બંધાઈને ગંધાઈ મરવાનું નહીં…

ખબર નથી કે હવે તને હું કાગળ લખીશ કે નહીં, તારું સરનામું મને યાદ છે એટલે ક્યારેક કશુંક નવીન જડી જાય અને તારી સાથે એ શેર કરવાની ઈચ્છા થઈ તો લખીશ તને એ બધું અને કદાચ એમ પણ બને હવે ક્યારેય તને પત્ર ન લખું કે ન તો તારી સાથે કોઈ સંપર્ક રાખું. પણ આગળ કહ્યું એમ, આપણો સંબંધ ભલે થોડો સમય જ ટક્યો હોય, પરંતુ તને ચાહવું એ મારા જીવનની ઉપ્લબ્ધી છે. મારી અંદર તારો એક અંશ સતત ધબકતો રહેશે…

મારી માયા ખંખેરીને સ્ટ્રોંગ બની જા. અનાહિતા જેવી સ્ત્રીને આવી લાચારી ન પાલવે. મેં તને હંમેશાં મુક્તિનો પર્યાય માની છે. અને મુક્ત રહેવું એ જ તારું સત્ય છે. મુક્ત રહેજે… ખુશ રહેશે…

સાઉલફૂલી Yours

અલય.

*** 

અલયનો પત્ર વાંચીને અનાહિતા દિગ્મૂઢ થઈ ગઈ. જાણે એનો સમય થંભી ગયો! અલય હવે આ શહેરમાં નથી એ વાંચીને એની આંખ ભીની થઈ ગઈ. આખરે અલય ગયો ક્યાં હશે? એને ઈચ્છા થઈ કે, માત્ર એકવાર અલયને મળી શકાય તો એને આખરી વિદાય આપી શકાય. અલય જો પ્રેમ પર પૂર્ણવિરામ મૂકતો હોય તો આમેય અનાહિતાની શરતો પાયા વિનાની સાબિત થતી હતી. પણ હવે અલય હશે ક્યાં? એણે અલયના નંબર પર ફરી ફોન કરી જોયો, પરંતુ અલયનો કોઈ જ અતોપતો ન હતો. અલયે એમ તો લખ્યું છે કે, એને ઈચ્છા થશે તો એ અનાહિતાને પત્ર લખશે પણ એમાંય અલયનું સરમાનું કે એનો સંપર્ક કરી શકવાનો કોઈ રસ્તો તો નહીં જ હોય. 

અનાહિતાને આ વાતનું ઘણું દુઃખ થયું કે, અલયે સંબંધવિચ્છેદનું પગલું ભર્યું તો ભર્યું, પરંતુ વિદાય લેવાની આ રીત યોગ્ય ન હતી. પણ હવે એની પાસે કોઈ વિકલ્પ નહોતો બચ્યો. અલય હવે ઘણો આગળ નીકળી ચૂક્યો હતો અને અનાહિતાના હાથમાં રહી ગઈ હતી માત્ર એની યાદો. અલયને એ ક્યારેય નહોતી મળી, પણ તોય એને લાગી રહ્યું હતું કે, અલય વિનાનું આ શહેર હડકાયા કૂતરાની જેમ એને કરડવા ધસી રહ્યું છે. જેનો હાથ ક્યારેય હાથમાં નહોતો ઝાલ્યો એવા અલયની ગેરહાજરીને કારણે એને ભેંકાર એકલતા સાલી રહી હતી અને એને એવું લાગતું હતું કે, હવે એના માટે જીવવું મુશ્કેલ થઈ જશે. 

એણે વિચાર્યું એનું આ દુઃખ એ કોઈની આગળ ઠાલવે, જેથી એનું મન હળવું થાય. પણ અલય હવે હતો નહીં અને અત્યાર સુધી આખીય વાતમાં બહાર રહેલા અદ્વેતને એણે આ વાતમાં ધકેલવો નહોતો. જે સંબંધનું મૃત્યુ જ કુદરતી રીતે થયું હોય એમાં અદ્વેતને શામેલ કરવો એટલે મડદાને કબરમાંથી કાઢવા બરાબર. એવુંયે નહીં કે અદ્વેતને આ વાતથી માહિતગાર કરવાનો અનાહિતાને ડર હતો, પણ તે એવું વિચારતી કે, જે પાણી આપોઆપ સ્થિર થયું હોય ત્યાં પથ્થર ફેંકીને એમાં તરંગો શું કામ ઊભા કરવા? આખરે એણે એક પત્ર લખવાનું નક્કી કર્યું અને એ પત્ર એણે લખ્યો હતો અલયને નામ!

***

અલય

ખબર નહીં તું ક્યાં હશે અને કઈ હાલતમાં હશે. તારે મુક્ત રહેવું હતું તો છો તું મુક્ત રહેતો. પણ મુક્ત થવાની તારી રીત મને પસંદ નથી આવી. છેક આ રીતે આવજો કહેવાતું હશે? સામેના પાત્રને કંઈ કહેવા-બોલવાનો મોકો આપ્યા વિના? મારી અંદરના ડૂમાને વહી જવા દીધો હોત તો? તને મળી શક્યાનો અથવા સરખી રીતે બધુ આટોપી લેવાનો સંતોષ આપ્યો હોત તો? હવે મારી અંદર કંઈક ન કહી શકાયાનો, અભિવ્યક્ત ન થઈ શકાવાનો કે છેલ્લી સલામ સુદ્ધાં ન કરી શકાયાનો ચચરાટ આજીવન રહેશે એનું શું?

તું કહે છે, હું પણ મુક્ત થાઉં, પણ જુદા થવાની તારી આ રીત મારી અંદર પડેલા કશાકને કેદ ફરમાવી ગઈ એનું શું? તને પ્રશ્ન પૂછવા સિવાય હવે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી રહ્યો, કારણ કે તેં મને જવાબ આપવાની તક જ નથી આપી. 

પહેલા તો થયું કે, મારી અંદર જે કંઈ સંગ્રહાયેલું છે એ બધુ આ પત્રમાં ઠાલવું. પણ પછી થયું જે પત્ર અલયને ક્યારેય મળવાનો જ નથી એ પત્રમાં નીચોવાઈ જઈને ફાયદો પણ શું? 

બસ, તારી ખેરિયત ઈચ્છું છું, તારી આઝાદી કાયમ રહે એવું ચાહું છું અને તું તારાપણું ક્યારેય નહીં ગુમાવે એવું ઉપરવાળા પાસે માગું છું. એક મહામૂલી ભેટ મને સાવ અચાનક જડી ગયેલી અને એમ જ અચાનક તું ચાલી પણ નીકળ્યો. સાચી વાત છે તારી, તું તો ખરો સાધુ પુરુષ છે! તું ક્યાંય બંધાઈ ન શકે.

તારો માત્ર આભાર માનવો છે કે, તારું હોવાપણું મને તરબતર કરતું હતું. તાજગીનો જે અહેસાસ તારા હોવાથી લાગતો એ હવે અનુભવાતો નથી. તું ખરેખર ઝરણું છો અલય, તારી છાલક મને હંમેશાં ચૈતન્યતાનો અહેસાસ કરાવતી હતી. હવે તું નથી તો કશું જ નવીન નથી આસપાસમાં… જાણે જીવન જ નથી ધબકતું અહીં…

તું મજામાં જ હોઈશ… મજામાં જ રહેશે… તારો કોઇક કાગળ આવશે તો બળતા હૈયાને થોડી શાતા વળશે… અલબત્ત બળતરા ક્યારેય નહીં થંભે… ઝૂરવાની આ પ્રક્રિયા હવે અવિરત થઈ ગઈ છે… ગુડ લક…

અનાહિતા

***

પત્ર લખતી વખતે અનાહિતાના મનમાં ‘હઝારો ખ્વાહિશે ઐસી’ ફિલ્મના ગીતમાંની એક કવિતા રહી રહીને ગૂંજતી હતી. પત્ર બીડીને એણે લાયબ્રેરીના એક ખૂણામાં એ સાચવીને મૂક્યો અને હાથમાં ચ્હાનો મગ લઈ બારી પાસે ઊભી રહીને બહાર પથરાયેલા જગતને જોતી રહી… ફરી એના મનમાં પેલી કવિતા ગૂંજવા માંડી…

Streets we have never walked on

Windows we have never opened

Hands we have never held

Dreams we shall never see again

Lives we have never lived

Hopes we have never realized

Fires we have never lit

Loves we shall never never make again

 

Sun in the earth sunflower

Bird in the air rain

Eye within eye daybreak

 

મગમાંની ચ્હા ઠંડી થઈ ગઈ હતી એટલે અનાહિતાએ એ ચ્હા પીવાનું માંડવાળ કર્યું અને એણે લાયબ્રેરીની બારી બંધ કરી દીધી. એને હવે બારીઓ ઊભા રહેવાનું ગમતું નહોતું… એ બારીએ ફૂંકાતા પવનમાં હવે અલયના હોવાપણાની એક પણ નિશાની બચી નહોતી…

(સંપૂર્ણ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.