ડિજિટલી Yours (પ્રકરણ પાંચ)
ટિન્ડર પર ઓળખાણ થયા બાદ અલય સાથે વાતચીત કરતા અઠવાડિયાથી વધુનો સમય થઈ ગયો હતો. ટિન્ડર પર ચેટિંગ કરવામાં કેટલીક વાર તકલીફ પડતી અને હવે અલય અને અનાહિતાને એકબીજા પર ભરોસો પણ બેઠો હતો. એટલે બંને જણે એકબીજાના મોબાઈલ નંબર્સ શેર કરી વ્હોટ્સએપ પર ચેટ કરવાનું શરૂ કરેલું. એકાદ-બે વખત એમણે સ્કાઈપ પર પણ વાતો કરેલી.
અજાણતા થઈ ગયેલો પરિચય હવે દોસ્તી સુધી વિસ્તર્યો હતો અને બંને જણા એકબીજાની કંપની ખૂબ એન્જોય કરતા. અલય સાથે દોસ્તી થયા બાદ અનાહિતાનો ખાલીપો ઘણો દૂર થયો હતો. જે સાંજો ઘરની લાઈબ્રેરી કે ગાર્ડનમાં એકલતામાં વીતતી એ સાંજોમાં હવે અલયની સોબત ભળી હતી. આખો દિવસ ખૂબ વાતો થતી એમની… આ વાતો.. પેલી વાતો… પ્રવાસ અને પ્રાણીઓની વાતો… એકબીજાની પસંદ-નાપસંદની વાતો… સ્વભાવ અને દુર્ગુણોની વાતો… આજની વાતો… ગઈકાલની વાતો અને આવતીકાલની…?
‘મને આવતીકાલમાં ઝાઝો રસ નથી….’ અલય આવું ઘણી વાર લખતો.
‘એટલે? મને સમજાયું નહીં… યુ મીન ટુ સે કે, તને ભવિષ્યમાં કોઈ રસ નથી એમ?’ વ્હોટ્સએપ ચેટમાં અનાહિતાએ આંખો પહોળી કરી હોય એવું એક ઈમોજી પણ સાથે મોકલ્યું.
‘ના ના… જીવતા રહેવામાં તો મને ઘણો રસ છે, પરંતુ મને આવતીકાલના કે ભવિષ્યના આયોજનોમાં કે એની ચિંતાઓમાં રસ નથી.’
‘અચ્છા એવું…’
‘હા એવું… બીજા લોકોના કિસ્સામાં મને ખબર નથી, પરંતુ મારા કિસ્સામાં હંમેશાં એવું બન્યું છે કે, ભવિષ્યની બાબતે મેં જે આયોજનો કર્યા હોય કે જે વિચારો કર્યા હોય એ લગભગ પાર પડતું નથી. સાલી જિંદગી એનું ધારેલું જ કરે છે દર વખતે.’
‘અચ્છા….’ અનાહિતાએ લખ્યું.
‘એવુંય નહીં કે, જિંદગી દર વખતે આપણા ધારેલા કામમાં વિઘ્નો જ આણે. ક્યારેક સમય ખરાબ ચાલતો હોય ત્યારે રાત હજુ લાંબી ચાલવાની એવું લાગતું હોય ત્યાં એ જ જિંદગીમાં આશ્ચર્યજનક રીતે આશાની પહો ફાટે… ઈનશોર્ટ લાઈફ ઈઝ એક્સટ્રીમલી અનપ્રિડિક્ટેબલ. એટલે જ કાલની કે ભવિષ્યની હું ઝાઝી પરવા નથી કરતો…’
‘યેસ… તું તો બહુ અનુભવી હોય એવી વાતો કરે છે…’
‘હમમમ….’ અલયે લખ્યું.
અનાહિતાએ માત્ર એન્ગ્રીના ત્રણ ઈમોજી મોકલ્યા.
‘ઉપ્સ… સોરી…’ અલયે મોઢું ઢાંક્યું હોય એવું એક વાંદરું પણ સાથે બીડ્યું.
‘એટલે કે લાઇફમાં તું ક્યારેય કોઈ આયોજનો કરતો જ નથી એમ? જીવનમાં ક્યાં પહોંચવું છે… શું પામવું છે… કંઈ જ નહીં? ઝરણાની જેમ માત્ર વહેતા રહેવાનું એમ?’
‘ના ના… સાવ એવુંય નહીં કે, સવારે ઉઠ્યા પછી સાંજના જમવાની પણ ચિંતા નહીં કરવાની! એવું ઢોરની જેમ જીવવાની તરફેણમાં હું જરાય નથી. એ જ રીતે આપણામાં કોઈક પ્રોગ્રામ સેટ કર્યો હોય એમ યંત્રવત્ જીવવાની ફેવરમાંય હું નહીં. લાઈફમાં શું કરવું છે એનો કાચો નકશો દોરવાનો, પણ આ ઉંમરે નોકરી ને આ ઉંમરે છોકરી ને આ ઉંમરે આટલો પગાર અથવા આટલું બેંક બેલેન્સ ને આ ઉંમરે મોટો ફ્લેટ કે ફલાણી ઉંમરે લક્ઝુરિયસ કાર ને એવું બધું નહીં….’ અલયે વ્હોટ્સ એપ પર લખ્યું.
‘તો શું છે તારો કાચો નકશો?’
‘મારે સંન્યાસી બનવું છે…’
‘વ્હોટ ધ એફ? અલય, યુ મીન ટુ સે કે, તારે આ સંસારનો ત્યાગ કરવો છે?’ પચીસ વર્ષનો એક યુવાન સંન્યાસી બનવાની વાત કરે તો અનાહિતાને આશ્ચર્ય થાય એ સ્વાભાવિક હતું.
‘સંસાર તો નહીં ત્યાગુ, પણ સંન્યાસી જરૂર બનીશ. સંસારનો ત્યાગ એટલે સંન્યાસ એ તો ભારતીય બાવાઓએ ઊભી કરેલી એક મોટી ભ્રમણા છે.’
‘અચ્છા…’
‘શું અચ્છા…? અનુ જેમ તને ‘હમમમ’ની ચીઢ છે એમ મને હવે અચ્છાની ચીડ થવા માંડી છે. કંઈક પણ લખું ત્યારે તારી પાસે જવાબ ન હોય એટલે તું ‘અચ્છા’ લખીને મારી વાત ઉડાવી દે…’ અલયે એન્ગ્રીનું ઈમોજી પણ સાથે મોકલ્યું.
સામેથી એક લાફિંગ સ્માઈલી આવ્યું, ‘એવું કંઈ નથી અલય. પણ તું લખતો હોય ત્યારે પ્રશ્નો પૂછીને કે મારું ઓપિનિયન આપીને વાત ડાઈવર્ટ ન થઈ જાય એનું હું ધ્યાન રાખતી હોઉં છું. હું એટલે હું ‘અચ્છા’ લખી દઉં, જેથી અલયલાલ વહેતા રહે…’ અનાહિતાએ ફરી એક લાફિંગ સ્માઈલી મોકલ્યું.
‘હમમમ…’
‘જો પાછો…. ખરો છોકરો છે આ તો…’ અનાહિતાએ ગુસ્સો કર્યો.
‘અને તું તો કહેતી હતી કે, તું કોઈને ક્લેરિફિકેશન્સ નથી આપતી. તો આ ‘અચ્છાપૂરાણ’ વિશે કેમ આવી લાંબી ગાથા ગાવી પડી…’
‘યુ આર ટોકિંગ નોનસેન્સ અલય. તારા જેવા છોકરાને પણ અમુક બાબતોના ભેદનો ખ્યાલ ન હોય તો પછી બીજા પાસે તો મારે અપેક્ષા પણ શું રાખવી?’
‘એટલે?’ અલયે પૂછયું.
‘એટલે એમ જ કે, કોઈની મરજી વિરુદ્ધ એને પૂછવું કે એના પર થોપવું એ અલગ વાત છે અને આપણી ઈચ્છાથી કોઈને દિલની વાત કહેવી એ જુદી વાત છે. ક્લેરિફિકેશન્સ વાળો મુદ્દો મરજી વિરુદ્ધ પૂછવા કે થોપવાની બાબતે જ લાગું પડે, મારે કંઈક શેર કરવું હોય તો એ બાબતે નહીં… સમજે અલયલાલ… અને તારા કિસ્સામાં તો હવે કદાચ એમ પણ બને કે, તું બળજબરીથી કંઈ પૂછે તોય તારે તાબે થઈ જાઉં….’
‘ફ્લર્ટિંગ… હમમમ?’ અલયે આંખ મીંચકારતું ઈમોજી મોકલ્યું.
‘એમાં શું ફ્લર્ટિંગ અલય…?’ અનાહિતાએ એક સ્માઈલી મોકલ્યું. ‘જો, આપણી વાત અવળે પાટે ચઢી ગઈને? એટલે જ હું ‘અચ્છા અચ્છા’ કરતી હોઉં છું…’
‘ઓહ યા… સાચી વાત છે તારી…’ અલય અનાહિતાની વાત સાથે સહમત થયો.
‘તો તું સંસારનો ત્યાગ કર્યા વિના સંન્યાસી થવાની વાત કરતો હતો…’
‘યસ. આપણે લોકોએ ‘સંસાર’ જેવા શબ્દને કેટલો સીમિત કરી નાંખ્યો છે. લગ્ન કરવા, ઘર માંડવું અને બાળકો પેદા કરીને જિંદગીની ઘટમાળમાં રચ્યાંપચ્યાં રહેવું એટલે જ સંસાર એમ? માણસ જાત કેટલી સ્વકેન્દ્રી છે એનું ઉત્તમ ઉદાહરણ આપવું હોય તો આ સંસાર શબ્દના એણે કરેલા અર્થ દ્વારા આપી શકાય. સંસારમાં બીજું કંઈ જ નહીં આવે? તો પછી આ વિશાળ પૃથ્વી, પૃથ્વી પર ઘૂઘવતા સમુદ્રો, માઈલો સુધી પથરાયેલા પહાડો અને આ બધા વચ્ચે ધબકતું સઘળું… એ શેનો ભાગ છે?’
‘ટ્રુ…’ અનાહિતાને અલયની આવી વાતો ખૂબ ગમતી.
‘એટલે જ ક્યારેક કોઈ ‘સંસાર ત્યાગ’ જેવો શબ્દ વાપરે ત્યારે મને એમાં હાડોહાડ દંભ, અજ્ઞાનતા અને માણસનું સ્વકેન્દ્રી વલણ દેખાય. આ તો ઠીક ‘મોહ ત્યાગ’ જેવો શબ્દ પણ મને દંભનું આચરણ જ લાગે. ‘મોહ ત્યાગ’ની ઝંખના જ તને પરોક્ષ મોહ નથી જણાતો અનુ?’
‘અચ્છા… તો તારે માટે સંન્યાસ એટલે શું?’
‘ગ્રેટ… તારો પ્રશ્ન ખૂબ સાચો છે. જેમ ‘સંસાર’ શબ્દની સીમિત વ્યાખ્યા સાથે હું સહમત નથી એમ ‘સંન્યાસ’ વિશે પણ મારી પોતાની વ્યાખ્યા છે… મારે સંન્યાસી થાઉં એટલે મારે દાઢી વધારવાની જ અથવા ભગવા પહેરવાના જ એવું કશું નહીં…’
‘હેય અલય…’ અલય એની વાત પૂરી કરે એટલામાં અનાહિતાએ એને વચ્ચેથી અટકાવ્યો. ‘મારે એક અગત્યનું કામ આવ્યું છે. હું તને ફ્રી થઈને મેસેજ કરું પ્લીઝ…. આઈ એમ સોરી મેં તારી વાત વચ્ચેથી અટકાવી…’ અનાહિતાએ સાથે બે હાથ જોડ્યા હોય એવા ઈમોજી પણ મોકલ્યા.
એ દિવસે વ્હોટ્સ એપ પર અધૂરી રહેલી વાત અધૂરી જ રહેલી. પણ અનાહિતાને યાદ આવ્યું કે, એ વાતનો તંત અલયે એક પત્રમાં જોડેલો. સંન્યાસ વિશેની અલયની વાતો યાદ આવતા અનાહિતાના પેટમાં ફાળ પડી. છેલ્લા દસ દિવસોથી લાપતા અલય ક્યાંક…? પોતાની પર્સનલ લાઈબ્રેરીની બારીએ ઊભેલી અનાહિતા ફરી અલયને કૉલ ટ્રાય કર્યો, પરંતુ અલયને ફોન લાગતો નહોતો. એના પોતાના નંબરને તો અલયે બ્લોક કરેલો, પણ અલય સાથે સંપર્ક સાધી શકાય એ માટે અનાહિતાએ નોકર પાસે નવો સીમ કાર્ડ મગાવેલો, પણ અલયનો સંપર્ક ન થયો એ ન જ થયો…
અનાહિતા એના બુક સેલ્ફ પાસે ગઈ અને ધ્રુવ ભટ્ટની નવલકથા ‘અતરાપી’ શોધવા માંડી.
‘અતરાપી’ની વાત આવે એટલે અલય કહેતો, ‘હું સારમેય છું… મારા ગળે ક્યારેય કોઈ પટ્ટો ન શોભે અને નાતવાન બની રહેવામાં મને કોઈ રસ પણ નથી…’
જોકે અનાહિતાએ જ્યાં સુધી ‘અતરાપી’ વાંચી નહોતી ત્યાં સુધી એને અલયની વાતો સમજાતી નહોતી. કોણ સારમેય કે ગળે પટ્ટો બાંધવો એટલે શું કે નાતવાન બની રહેવું એટલે શું એ બધું એને ગળે ઉતરતું નહોતું. એકવાર અલયે જ એને ‘અતરાપી’ ભેટમાં મોકલી, જેની સાથે એણે લખ્યો હતો એક યાદગાર પત્ર….
‘માય ડિયર અનુ,
લે. હવે વાંચ ‘અતરાપી’ અને પછી કહેજે કે, મને કેમ સારમેય બનીને રહેવાનું ગમે છે. તને ખબર છે મેં ‘અતરાપી’ કેટલી વખત વાંચી છે? બે વાર? ત્રણ વાર? પાંચ વાર? આય થિંક લગભગ બાર વખત! કે એથીય વધુ વખત… મને જ્યારે પણ નિરાશા ઘેરી વળે અથવા આસપાસના માહોલ સામે મને ફરિયાદો ઉઠવા માંડે ત્યારે હું ‘અતરાપી’ વાંચું છું. અરે, હું તો હવે આ માટે એક ટર્મ યુઝ કરું છું, ‘અતરાપી થેરાપી’! કારણ કે, જ્યારે હું ‘અતરાપી’ વાંચુ ત્યારે અત્યંત પોઝિટિવ થઈ જાઉં અને તાજોમાજો થઈ મારા જીવનમાં રમમાણ થઈ જાઉં!
મજાની વાત શું છે ખબર? મેં જ્યારે જ્યારે આ નવલકથા વાંચી છે ત્યારે દર વખતે મને એમાંથી કોઈ જુદો જ અર્થ જડ્યો છે. તને પણ આ નવલકથા ગમશે એ બાબતે હું શ્યોર છું.
ડુ યુ રિમેમ્બર? આપણી દોસ્તીના શરૂઆતના દિવસો હતા ત્યારે મેં તને કહેલું કે, મારે સંન્યાસી થવું છે… અને પછી અદ્વેત નામનું તને ‘સોકૉલ્ડ કામ’ આવી પડેલું એટલે આપણી વાત અધવચ્ચે અટલી ગયેલું. જોકે મારો વિરોધ અદ્વેત સામે નથી. એને તો ગમે ત્યારે આવવાનો અધિકાર હોય… પરંતુ તેં ‘કામ’નું બહાનું કાઢેલું એની સામે મારો વાંધો છે.
ખૈર, તો સંન્યાસીની મારી વ્યાખ્યા વિશે હું જણાવતો હતો અને આપણી વાત અધુરી રહેલી. તો એ હવે પૂરી કરીએ. યુ નો અનુ? મને સંન્યાસી શબ્દ પ્રવાસી જેવો લાગે છે. ખરેખર કોઈ સંન્યાસી બોલે તોય મારા કાન પ્રવાસી જેવું જ સાંભળે! એટલે જ મારે માટે સંન્યાસ એટલે શરીર પર ભગવા કે દાઢીના પ્રતીકો ઊભા કરવું નહીં, પણ પ્રવાસે નીકળી જવું અને કંઈક એક્સપ્લોર કરવું. વળી, સંન્યાસ એટલે સંસારત્યાગ કે મોહત્યાગ જેવું પણ કશું નહીં. મને જેટલો મોહ છે એટલો મોહ કોઇને નહીં હોય. પણ મારે માટે સંન્યાસ એટલે મારા પુરતું લગ્ન વ્યવસ્થાનો અસ્વીકાર!
મને લાગે છે એક રીતે તો આ મારો પલાયનવાદ જ છે કે, મારે જીવનમાં જવાબદારીઓ નથી સ્વીકારવી અને મસ્તમૌલા બનીને ફર્યા કરવું છે. પણ યાર શું કરું? અહીં આટલું બધું ભોગવવાનું હોય તો આપણે કંઈક તો છોડવું પડેને? જવાબદારીઓ માથે લઈશ અમસ્તાંય અમુક બંધનો આવવાના, પણ બંધનો સાથે અલય નામના આ જીવને ક્યારેય નથી ફાવ્યું એનું શું?
મારે જીવન એવું જોઈએ છે કે, ક્યાંક ચાલી નીકળવાનું મન થાય ત્યારે પાછળ રહી જતા કોઈકનો વિચાર કરવાનો નહીં આવે. ઉત્તરમાં પથરાયેલો હિમાલય, ત્રણ દિશામાં ઘૂઘવા સમુદ્રો અને દેશ આખામાં વિસ્તરેલી અનોખી સંસ્કૃતિનું મને ઘેલું છે. આપણો પથારો તો આજે અહીં અને કાલે ત્યાં… એવા ટાણે લગ્ન-વ્યવસ્થાના આપણે ભોગ બન્યાં હોઈએ તો? એટલે મારે માટે સંન્યાસ એટલે માત્ર ને માત્ર લગ્નમાં નહીં બંધાવું… કાશ હું ‘ધ અલ્કેમિસ્ટ’ના પેલા હીરો જેવો હોત!
બાકી, આપણા જેવા શરાબી દર ત્રીજે દિવસે ડિસ્કોથેકમાં જઈ છોકરીઓને વળગીને ઠુમકા લગાવતા હોય, વિહવળ બની શહેરભરમાં રખડીને ચરસ-ગાંજાની શોધ આદરતા હોય. તારા જેવીના પ્રેમમાં પડી જતાં હોય અને થોડા પૈસા આવે તો કેમેરાનો આ લેન્સ લેવો છે કે ફલાણી જીપ લેવી છે એવી ઝંખના રાખતા હોય એવાને માટે મોહત્યાગ કે શક્ય છે ખરો? અને સાવ ઓછો પરિચય ધરાવનારાઓ કે પ્રાણીઓ સાથે પણ કનેક્ટ થઈને હું લાગણીશીલ થઈ જાઉં એનું શું?
જોકે અનુ એવુંય નહીં કે, મને કેટલીક બાબતનું ખૂબ વળગણ છે. હું માથાનો ફરેલ જીવ છું, મારું વળગણ ખૂબ ટેમ્પરરી હોય છે. આજે જેના માટે ખૂબ વળગણ હોય એના પ્રત્યે આવતી કાલે મને સમ ખાવા પુરતોય લગાવ ન હોય અને હાથ હલાવતો હું આગળ વધી જાઉં એવું પણ બને છે મારા કિસ્સામાં. અને વસ્તુ કે પદાર્થ જ નહીં, માણસ જેવા માણસને પણ હું હાથ પર વળગેલી ધૂળની જેમ ખંખેરીને આગળ વધી શકું છું. હા, થોડો અપરાધભાવ થાય ખરો, પરંતુ એને હું મારા કર્મનું પ્રાયશ્ચિત માનું છું. કદાચ એ જ મારો સંન્યાસ હશે!
ચલ, એક કામ કર. હવે તું ‘અતરાપી’ વાંચ. એમાં જે ફિલોસોફી છે એની વાત જ અલગ છે… બાય…
ડિજિટલી Yours
અલય.
****
‘વસ્તુ કે પદાર્થ જ નહીં, માણસ જેવા માણસને પણ હું હાથ પર વળગેલી ધૂળની જેમ ખંખેરીને આગળ વધી શકું છું. હા, થોડો અપરાધભાવ થાય ખરો, પરંતુ એને હું મારા કર્મનું પ્રાયશ્ચિત માનું છું…’ અલયે લખેલા આ શબ્દો કોણ જાણે ક્યાંય સુધી અનાહિતાના મનમાં ગુંજતા રહ્યા. એને જાણે ખાતરી થઈ રહી હતી કે, હવે અલય ક્યારેય પાછો નહીં આવે અને જો આવશે તો એ પેલો અલય નહીં જ હોય, જેને એણે ચાહેલો… પણ તોય અનાહિતાના દિલમાં થોડી આશા હતી કે, અલય પાછો આવશે જ…
(ક્રમશઃ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર