ડિજિટલી Yours (પ્રકરણ ચાર)
સાંજના સમયે યુનિવર્સિટીની સામેની તરફ આવેલી ટપરી પર જઈ ચ્હા પીવાનું અલયને ગમતું. જવલ્લે જ કંઈક કામ હોય અથવા પ્રવાસે હોય તો અલય ટપરી પર નહીં આવતો. નહીંતર થાકેલો દિવસ ધીમે ધીમે આથમતો હોય ત્યારે ટપરીના એક ખૂણે બેસીને એ નિરાંતે ચુસ્કીઓ ભરતો. ચ્હામાં એને જે રીતે આદુ કે મસાલાનો ટેસ્ટ જોઈતો એવો જ ટેસ્ટ એનો સિગારેટ બાબતે પણ રહેતો. લવિંગવાળી ગરમ અથવા બ્લેક સિગારેટ હાથમાં લઈ એ ધીમે ધીમે કશ મારતો જતો અને ચ્હાના એક એક ઘૂંટડા સાથે એના વિચારોમાં ઊંડો ઉતરતો જતો.
વિચારોની દુનિયામાં વિહરવું એને ખૂબ ગમતું. એ દુનિયા એને વાસ્તવિક કઠોરતાથી ઘણે દૂર લઈ જતી અને એના બળતા હૈયાને સહેજ શાતા વળતી. વિચારોની દુનિયાનો એ પોતે રાજા હતો અને એ ધારે એવું વિચારીને અવાસ્તવિક સુખ મેળવી લેતો.
ચ્હા પીધા પછી યુનિવર્સિટીમાં એ અચૂક એક લટાર મારતો. સ્ટુડન્ટ્સ નીકળી ગયા પછી વિશાળ યુનિવર્સિટી કેમ્પસમાં એના એકાંતને માણતા એકાદ ચક્કર મારવું કે અમસ્તા જ બાંકડે બેસવાનું એને ગમતું. દૂર સુધી પથરાયેલા મેદાનમાં ફરતા સારસના ટોળા, યુનિવર્સિટીના રસ્તાઓ પર આંટાફેરા કરતા મોર અને સેન્ટ્રલ લાઈબ્રેરી પાસેના બેએક ઝાડ પરના સેંકડો બગલાનો શોરબકોર એને ખૂબ આકર્ષતો.
યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતો ત્યારે વહેલી સવારે તે ખાસ આ કલધ્વનિ સાંભળવા ઉઠતો અને મળસકે સાડા પાંચ-છ વાગ્યે સેન્ટ્રલ લાઈબ્રેરીની બહારના બાંકડા પર બેસીને એ નિનાદ સાંભળતો. એના દોસ્તો એને ચીઢવતાય ખરાં કે, ‘અલયનું મગજ ચસકી ગયું છે… એ રોજ સવારે પેલા બગલાઓ માટે વહેલો ઊઠે છે અને લાઇબ્રેરી પાસે જઈ એમનો કકળાટ સાંભળે છે.’ પણ અલય એમને હંમેશાં કહેતો, કકળાટ અને કોલાહલ તો માણસો માટે વપરાતા શબ્દો છે, પક્ષીઓનો તો કલરવ હોય!’
રોજની જેમ આજે પણ એ લાઈબ્રેરીની બહારના બાંકડે આવીને બેઠો. બાંકડાને અને એને એકબીજાની સારી સોબત થઈ ગયેલી. એને ઘણી વખત થતું, ‘જે દિવસે હું નહીં આવું એ દિવસે બાંકડો બિચારો ખૂબ ઝૂરતો હશે!’
અહીં એ કલાકો સુધી શાંત ચિત્તે બેસી શકતો હતો, પરંતુ આજે એનું ચિત્ત સહેજ ઉચાટમાં હતું. સવારથી ધ્યાન ક્યાંય પરોવાતું નહોતું અને એ રહી રહીને એના મોબાઈલના નોટિફિકેશન્સ ચેક કરી રહ્યો હતો. એને ટિન્ડરના એક નોટિફિકેશની ઈન્તેજારી હતી, પણ સ્ક્રીન પર અનામિકાએ થમ્સ અપના ઈમોજી સાથે છેલ્લે લખેલા ‘યો’ના મેસેજ પછી નવું કશું દેખાતું ન હતું.
પણ હવે એનાથી રહેવાતું ન હતું. છેલ્લા ચોવીસ કલાકમાં સામેથી કોઈ પ્રતિભાવ નહીં આવતા આખરે એણે જ મેસેજ ટાઈપ કર્યો. એને ભય હતો કે, ક્યાંક અનામિકા એને અન-મેચ ન કરી દે. ટિન્ડર પર તમને સામેનું પાત્ર અનમેચ કરી દે તો ફરી એની સાથે મેચ કરવાનું અને એની સાથે ચેટ કરવાનું મુશ્કેલ થઈ જતું.
‘હેય… મીસ અનામિકા…’ અલયે મેસેજ ટાઈપ કર્યો.
ટિન્ડર પર લોકો વ્હોટ્સની જેમ ફ્રિક્વન્ટલી ઓનલાઈન રહેતા નથી, જેને કારણે વ્હોટ્સ એપની જેમ ઝડપથી રિપ્લાય પણ નથી આવતા. પરંતુ અલયને ભાગે ઝાઝી વાટ જોવાની ન આવી. માંડ પાંચેક મિનિટ પૂરી થઈ હશે ત્યાં અનામિકાનો મેસેજ આવ્યો.
‘હેય મિસ્ટર રાઈટર… કૈસન બા?’
‘હેહેહે… તને ભોજપુરી પણ આવડે છે?’ અનામિકાનો મેસેજ જોઈને અલય ખુશ થઈ ગયો.
‘ના ભાઈ ના, આ તો જસ્ટ અમસ્તુ જ. ટીવી-ફિલ્મોમાં આવું કંઈક નજરે ચઢે તો યાદ તો રહી જ જાય ને? જોકે મને એ ભાષાની લઢણ અને ઉચ્ચારણો બહુ ગમે. ક્યારેક કોઈકને અસલ ભોજપુરી બોલતા સાંભળું તો જલસો પડી જાય જલસો…!’ અનામિકાએ થમ્સ અપના ઈમોજી સાથે એક સ્માઈલી મોકલ્યું.
‘ઓહહહ… વાહ…’
‘બાય ધ વે મારે એક વાત ક્લિયર કરવી હતી. હું જનરલી કોઈને ક્લેરીફિકેશન્સ આપતી નથી, પરંતુ તારી સાથે વાત કરું છું તો પોઝિટિવ વાઈબ્સ આવે છે. તો થયું ચાલો લેખક મહોદય સાથે થોડી ચોખવટ કરી લઈએ…’
‘હમમમ…’ અલયે આદતવશ લખ્યું.
‘પ્લીઝ યાર…. તને કાલે પણ કહેલું, આ હમમમ હમમમ મને ઈરિટેટ કરે છે.’
‘ઉપ્સ… સોરી, આઈ ફરગોટ.’
‘બાય ધ વે તું કોઈને ક્લેરીફિકેશન્સ કેમ નથી આપતી?’ અલયે એકસાથે બે મેસેજ ટાઈપ કર્યા.
‘ધેટ મસ્ટ બી નોટ યોર બિઝનેસ અલય. હું કોઈને ક્લેરીફિકેશન્સ નથી આપતી તો નથી આપતી. ક્લેરીફિકેશન કેમ નથી આપતી એનુંય ક્લેરીફિકેશન આપવાનું? ખરી છે આ દુનિયા… દુનિયાને દરેક વાતે ચોખવટ જોઈએ…’ અનામિકાએ જીભડા કાઢતા ત્રણ સ્માઈલી મોકલ્યા અને ફરી તરત એક મેસેજ ટાઈપ કર્યો,
‘જો મારી જાત સિવાય મેં બીજા કોઈની પાસે અપેક્ષા ન રાખી હોય તો બીજા કોઈની સામે હું ચોખવટો પણ નથી કરતી. માણસે માત્ર બે કિસ્સામાં ચોખવટ કરવી પડતી હોય છે. એક તો એણે કંઈક ખોટું કર્યું હોય અને એ કોઈની આગળ ભોંઠો પડે ત્યારે અને બીજા કિસ્સામાં કારણ વિના કોઈ તમારા પર શંકા કરે કે નાહકના પ્રશ્નો ઊભા કરે ત્યારે. પહેલા કિસ્સામાં હું મોટાભાગે સંડોવાતી નથી અને બીજા કિસ્સામાં મારી એટિટ્યુડ ‘ચૂલામાં પડ’વાળી હોય. ઈનશોર્ટ બંને કિસ્સામાં હું ચોખવટ તો નથી જ કરતી.’ અનામિકાએ લાંબો મેસેજ ઠપકાર્યો.
‘ઓહહહ…. ઈમ્પ્રેસ્ડ યાર… તું તો ઘણી બોલ્ડ છે. માણસ જે બોલતો હોય એવું ખરેખર જીવી શકતો હશે ખરો? કે પછી માત્ર શબ્દોના સાથિયા જ…?’ અનામિકાને ઉશ્કેરવા અલયે આવું લખ્યું.
‘બીજાની ખબર નથી દોસ્ત. હું એવું જીવી શકી છું. અલબત્ત, દરેક બાબતની કોઈ કિંમત હોય એટલે મારા જીવન અને વિચાર બાબતોએ પણ મેં કેટલીક કિંમત પણ ચૂકવી છે.’
‘વાહ… ચલ, એ બધું જે હોય એ. તારે શું કહેવું હતું મને?’
‘એટલું જ કે, મારું નામ અનામિકા નથી.’
‘હેંએએએએએએ?’ અલયે ગભરાટથી ડોળા ઉપર ચઢી ગયા હોય એવું ઈમોજી પણ સાથે મોકલ્યું.
‘યસ. કાલે તારી સાથે વાત કરતી વખતે મને એવું ફીલ થઈ રહ્યું હતું કે, મારે તને મારું સાચું નામ કહી દેવું જોઈએ. એટલે આજે શરૂઆતમાં જ મેં આ ચોખવટ કરી લીધી…’
‘મારા મનમાં તારી ઈમેજ બગડશે એનો તને ડર ન લાગ્યો?’ અલયે પૂછ્યું.
‘તારા મનમાં મારી શું ઈમેજ છે કે શું ઈમેજ બનશે એની સાથે મારે કોઈ નિસ્બત નથી. નૉટ ઓન્લી ઈન તારા કેસમાં, પણ દુનિયા આખી મારા વિશે શું વિચારે એની મને પરવા નથી. માણસ હંમેશાં પોતાના ઘડતર-સંસ્કાર કે સ્વભાવ પ્રમાણે વિચારતો-વર્તતો હોય છે. આંખે લાલ ગ્લાસના ગોગલ્સ પહેર્યા હોય તો આપણને દુનિયા લાલ જ દેખાય, પણ મૂળ દૃશ્ય હંમેશાં અલગ હોવાનું. એટલે મારે લોકોના ગોગલ્સના ગ્લાસના કલરની પણ ચિંતા કરવાની?’
‘માય માય… અનામિકા… શું વાત કરી તેં… સાલું દર વખતે આપણે ગોગલ્સના કાચના રંગની જ ચિંતા કરીએ છીએ, કેમ? આપણી ખરી ચિંતા તો દૃશ્યની વાસ્તવિકતાની હોવી જોઈએ… નહીં?’ અનામિકાની વાતો વાંચીને અલય આભો થઈ ગયો. એને એ વાતની ખાતરી થઈ ગઈ કે, આ સ્ત્રી ખરેખર ટોળાંથી જુદી તરી આવતી અને અસામાન્ય છે.
‘નો. દૃશ્યની વાસ્તવિકતાની ચિંતા કરવી એ પણ એક જાતનો ચંચુપાત જ છે દોસ્ત… વાત છે દૃશ્યની વાસ્તવિકતાને સ્વીકારવાની. આપણે ઘણી વાર સામેની વ્યક્તિને જેમની તેમ સ્વીકારી શકતા નથી. આપણે તો એમાં આપણી ઈચ્છા મુજબ- આપણને માફક આવે એવા બદલાવ આણવા હોય છે…’
‘ધેટ્સ ટ્રુ અનામિકા…’
‘હાહાહા… મેં કહ્યું ને કે મારું નામ અનામિકા નથી!’
‘ઓહહહ… સોરી યાર… હવે તો હું તારું સાચું નામ જાણીશ તોય ભૂલમાં તને અનામિકા જ કહેતો રહીશ.
‘વેલ, મને એવું લાગે છે કે, મારા નામ બાબતે તને વધુ ગૂંચવણો નહીં થાય.’
‘કેમ???’
‘કારણ કે, મારા સાચા નામ અને ટિન્ડર પ્રોફાઈલમાંના ખોટા નામ વચ્ચે ઘણું સામ્ય છે.’
‘અચ્છા, તો શું છે તારું નામ?’
‘અનાહિતા…’
‘અરે વાહ… બહુ સરસ નામ છે!’
‘યસ, મારા પપ્પાએ પાડેલું આ નામ…’ અનાહિતાએ સેડ ફીલિંગ્સવાળું ઈમોજી મોકલ્યું.
‘કેમ સેડ???’
‘પપ્પાએ મને આપેલી પહેલી અને છેલ્લી ગિફ્ટ એટલે મારું આ નામ. હું ચાર મહિનાની હતી અને એક એક્સિડન્ટમાં પપ્પાનું મૃત્યું થયેલું… મને તો એમનો ચહેરોય યાદ નથી..’ અનાહિતાએ ફરી સેડના બે ઈમોજી મોકલ્યા.
‘ઓહહહ…’
‘યુ નો કોઈ પણ દીકરીની સૌથી મોટી કમનસીબી શું?’
‘દીકરીને પિતાના ખોળામાં રમવા નહીં મળે એ…? પિતાની આંગળી ઝાલી નચિંત થઈ ચાલવા નહીં મળે એ…? આજીવન પિતાનો પ્રેમ નહીં મળે એ…?’ અલયે ત્રણ અનુમાનો કર્યા.
‘યસ… અને દીકરી પરણી સાસરે જતી હોય ત્યારે પિતાને બાઝીને રડવા નહીં મળે એ પણ… રડતા રડતા છાનું ન રહેવાય ત્યારે એ જ પિતાનો હૂંફાળો હાથ માથે ન ફરે એ પણ… પછી કપાળ ઉપર એક હળવું ચુંબન કરીને, ‘જા દીકરા… તારો સંસાર તારી રાહ જોય છે…’ એવું ન કહેવાય એ પણ અને વર સાથે ઘરના ઝાંપા સુધી પહોંચેલી દીકરી સહેજ પાછું ફરીને જુએ ત્યારે આંખોમાં આંસુ અને ચહેરા પર સ્મિત સાથે હવામાં ઝૂલતો હાથ ન દેખાય એ પણ…’ આટલું લખતા અનાહિતાની આંખોમાં ઝાકળ બાઝી ગઈ.
અલયની આંખોમાં પણ થોડી નમી આવી. અનાહિતાને શું લખવું એ એને સૂઝતું નહોતું,
‘તારી લાગણીઓને ખૂબ સુંદર રીતે તું શબ્દોમાં પરોવી જાણે છે અનાહિતા…’
‘હા, એ હું જાણું છું. અમને સ્ત્રીઓને એ કળા હાથવગી હોય છે.’
‘હમમમ…’
અનાહિતાએ એક સાથે ત્રણ, એન્ગીના ઈમોજી મોકલ્યાં… અને બંને તરફના ચહેરા પર એક સ્મિત રમી ગયું.
આજે પાંચમો દિવસ હતો અલયની ગેરહાજરીનો. અનાહિતાને એવું લાગતું હતું જાણે એના શરીરના અડધા ભાગનો કટકો કરીને એના શરીરથી છૂટો પાડી દેવાયો છે. અલય… અલય… અલય… બસ એક જ નામ એના મનમાં રમતું રહેતું, માત્ર એના જ ખ્યાલો… માત્ર એની જ યાદો…. પણ અલયનો કોઈ અતોપતો ન હતો. અનાહિતાને અનેક શંકાઓ જતી હતી કે, ક્યાંક અલયને કંઈક થઈ ન ગયું હોય. બાકી, એનો અલય ક્યારેય આવું નહીં કરતો. જાતજાતની ચિંતાઓ એનો ભરડો લેતી. થોડીથોડી વારે એ મોબાઈલ ગેલેરીમાં જઈ અલયના ફોટોગ્રાફ્સ જોઈ લેતી અને અલયની ખેરિયત માટે પ્રાર્થનાઓ કરતી રહેતી. છેલ્લા પાંચ દિવસની એની બસ એક જ ચાહત હતી, ‘મારો અલય પાછો આવી જાય…’
બેડમાં આડી પડીને અનાહિતા ‘પ્રિયજન’ ખોલીને બેઠી હતી. નવલકથામાં આલેખાયેલી વાર્તા કરતા એનું ધ્યાન અલયના વિચારોમાં વધુ હતું. વિનેશ અંતાણીની નવલકથા ‘પ્રિયજન’ પણ અલયે જ અનાહિતાને ભેટમાં મોકલેલી, જેની સાથે અલયનો એક પત્ર પણ સચવાયેલો પડ્યો હતો. અલયે ભેટમાં આપેલો બીજો પત્ર એ દિવસમાં અનેક વાર વાંચી ગઈ હતી અને અનેક વખત વાંચવા છતાં એને ધરવ નહોતો થતો…
‘માય ડિયર અન્નુ…
મારાથી મોટી ઉંમરની સ્ત્રીને માય ડિયરના સંબોધન અને ટૂંકા હુલામણા નામ સાથે બોલાવવું જરા વિચિત્ર લાગે છે, પરંતુ આપણા સંબંધે એવું સ્વરૂપ ધારણ કર્યું છે કે, હવે સંબોધનો ઔપચારિક બની ગયા છે. બે ભિન્ન જ્યારે અભિન્ન થાય છે ત્યારે ઔપચારિકતાઓ ઓગળી જતી જતી હોય છે એ વાત હું સુપેરે જાણું છું, છતાંય મને વિચિત્ર કેમ લાગે છે એની મને ખબર નથી.
જોકે મારે હવે એ બધા જવાબો નથી શોધવા. અત્યાર સુધીના અનુભવમાંથી એટલું જરૂર શીખ્યો છું કે, કેટલાક સવાલોને જેમના તેમ રહેવા દઈ આપણે આગળ વધી જવું. જવાબો શોધવાની માથાફોડ કરવા જઈશું તો જીવવા જેવો સમય એમાં જ બરબાદ થઈ જશે.
અનુ મને તારા માટે ખૂબ માન થઈ રહ્યું છે. પસંદગી બાબતની તારી થિયરી લાજવાબ છે. પસંદગી બાબતના તારા વિચારો પહેલી વખત તો છળ અને દગાબાજી જ લાગે, પરંતુ વ્યક્તિગત ધોરણે એ બાબતે ઊંડો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે, જો આપણો જન્મ આપણી પરવાનગીથી ન થતો હોય તો કંઈ નહીં જીવન જીવવાનો અધિકાર તો આપણી મરજી અને પસંદગી મુજબનો જ હોવો જોઈએ! અને આપણી પસંદગી હંમેશાં આપણે જ કરવાની હોય છે, આપણા માટે બીજા જે પસંદ કરે એ તો ગુલામી કહેવાય…
તું મને પરવાનગી આપે કે ન આપે, પરંતુ તારું એક વાક્ય હું મારી કોઈ નવલકથામાં શબ્દતઃ ઉઠાવવાનો છું. “જો ‘બળવો’ નહીં કરીએ તો આપણે ભાગે માત્ર બળવાનું જ આવે. બળવો એક જ વાર કરવાનો હોય, પણ જો બળવો કરવાની હિંમત નહીં દાખવીએ તો બળવાનું આજીવન આવે!”
માય ગોડ અન્નુ… તું ગ્રેટ છે. હેટ્સ ઑફ્ફ ટુ યુ. તારી આ વાત માત્ર જીવન જીવવાની પદ્ધતિ કે આપણી પસંદગીઓ પૂરતી જ સીમિત નથી. કરિયરથી લઈ સમાજ કે રોજિંદા જીવનમાં આપણા પર થોપી દેવાયેલી અનેક બાબતોમાં સ્થાપિતો સામે ‘બળવો’ કરવો અત્યંત મહત્ત્વનું બની જાય છે. આપણે ત્યાં જ થાપ ખાઈ જઈએ છીએ અને પછી જીવનભર બળતા રહીએ છીએ… તરસતા રહીએ છીએ… ભોગવતા રહીએ છીએ…
તને પ્રેમ કરી શકવાનું કારણ જ આ છે અન્નુ કે, તું ક્યારેય કોઈ સીમા કે વ્યાખ્યામાં બંધાતી નથી. અનાહિતાની જગ્યાએ તારા પિતાએ તારું નામ ‘મુક્તિ’ રાખવું હતું.
ખૈર, વ્હોટ્સ એપ પર મળીએ. યુનિવર્સિટી જવા નીકળું છું. લાંબું લખીશ તો મોડું થશે અને આ બધી લપમાં હું મારો સૂર્યાસ્ત મીસ કરવા નથી માગતો. આથમતા રંગો મને હંમેશાં આકર્ષક લાગ્યા છે… આવજે.
ડિજિટલી Yours,
અલય’
‘અલય, સારું થયું મારું નામ મુક્તિ નથી. મુક્તિની સતત ચાહત રાખવી એ પણ એક જાતનું બંધન જ છેને? માણસને જ્યારે એના શરીરમાંથી મુક્તિ મળે ત્યારે જ કદાચ એના બધા બંધનો છૂટતા હશે અને શું ખબર કે ત્યાર પછીય કોઈ બેડીઓ આપણને બાંધતી હશે? મને તો મુક્તિ હંમેશાં ભ્રમણા લાગી છે. કદાચ એટલે જ ક્યારેય મેં મુક્તિની ચાહત નથી રાખી… મારી ચાહત તો માત્ર એટલી જ હતી કે, મારે મારી પસંદગીનું જીવવું છે. મુક્તિ અને પસંદગી વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે. તને પામવો એ મારી પસંદગી હતી, હવે તું નથી તો મને ગૂંગળાટ થઈ રહ્યો છે… તારા ઝુરાપાએ મને તારી યાદોના કારાવાસની સજા ફરવામી છે… તારા જ શબ્દો બેડીઓ બનીને બાંધી રહ્યા છે અને તું કહે છે કે, હું મુક્ત છું… આને મુક્તિ કહેવાય અલય?’ અનાહિતા સ્વગત બોલી ગઈ. એની આંખોમાં અલય તરી રહ્યો હતો…
(ક્રમશઃ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર