ડિજિટલી Yours (પ્રકરણ એક)

07 Dec, 2016
12:00 AM

અંકિત દેસાઈ

PC: khabarchhe.com

હું એમ નથી કહેતો કે, તું મારી સાથે ફિઝિકલ થાપરંતુ તું મારી સાથે એક કપ કૉફી પણ નહીં પી શકે?’ અલયે એન્ગ્રીના ઈમોજી સાથે વ્હોટ્સએપ મેસેજ સેન્ડ કર્યો.

સામે છેડે ડબલ બ્લ્યૂ ટીક્સ થઈ, પણ કોઈ રિપ્લાય નહીં આવ્યો. થોડીવાર સુધી અલય ચેટ વિન્ડો તરફ જોતો રહ્યો, પરંતુ સામે છેડે ઓનલાઈન રહેલો વ્હોટ્સ એપ યુઝર ઑફલાઈન થયો એટલે અલયે એના મોબાઈલનો છૂટ્ટો ઘા કર્યોઃ

બ્લડી સ્લટ…’ શૉર્ટ ટેમ્પર્ડ અલય માટે આ રીતે મોબાઈલ કે હાથમાંની વસ્તુના છૂટ્ટા ઘા કરવું રોજની આદત હતી. આ રીતે અલય એનો ગુસ્સો ઉતારી દેતો અને થોડા જ સમયમાં એ હળવો થઈ જતો.

અલય, તને મારા લિમિટેશન્સ વિશે ખબર છેદર વખતે શું કામ તું એક જ જિદ્દ લઈને બેસી જાય છે?’ થોડી મિનિટ્સ બાદ વ્હોટ્સ એપ પિંગ થયું એટલે અલયે દોડીને મોબાઈલ હાથમાં લીધો.

અનાહિતા, આઈ લવ યુ. એન્ડ આઈ જસ્ટ વોન્ટ ટુ મીટ યુ ફોર વન્સનથિંગ એલ્સઆઈ ડોન્ટ હેવ મચ ડિઝાયર્સ અનુવાય ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ?’ મેસેજની સાથે અલયે ઉદાસીના બે ઈમોજી સેન્ડ કર્યા.

શું હું તને નથી ચાહતી અલય?’ પ્રશ્નનો જવાબ પ્રશ્નમાં આપવાની અનાહિતાને આદત હતી. રાધર આવડત હતી એમ પણ કહી શકાય. અલય ઘણી વખત આ બાબતે અનાહિતા પર ચીડાતો. એને થતું અનાહિતા ઈરાદાપૂર્વક આવું કરીને એણે પૂછેલા પ્રશ્નને હવામાં ઊડાવી દે છે.

અફકૉર્સ તું મને ચાહે છે અનુ, હું ક્યાં ના પાડું છું? પણ એક વાર મળી પણ નહીં શકાય? આ તે કેવી વાત…?’ અલયનો ગુસ્સો હજુ બરકરાર હતો.

ચેટ વિન્ડોમાં Anahita typing…. દેખાયું, પછી થોડી ક્ષણો કશું નહીં દેખાયું અને અનાહિતાનું લાસ્ટ સીન દેખાયું. થોડી ક્ષણો બાદ ફરી Anahita typing….  દેખાયું અને ફરી લાસ્ટ સીન દેખાયું. અલય અનાહિતાની આ આદતથી પરિચિત હતો. અનાહિતાને શબ્દો તોલી તોલીને વાપરવાની આદત હતી. શબ્દો જ નહીં પણ લાગણીનો વપરાશ પણ ખૂબ સાવચેતીથી કરતી. શબ્દો હોય કે લાગણીઓ હોય, બધા માટે એના ત્રાજવા અલગ હતા અને કાટલા પણ!

અનાહિતા કંઈ સામાન્ય વ્યાખ્યાઓમાં બંધબેસતી સ્ત્રી નહોતી. અનાહિતા એની વ્યાખ્યાઓ જાતે બાંધતી અને મનમાં આવે ત્યારે એણે જ બાંધેલી વ્યાખ્યા ફગાવી ફરી કોઈ નવો નકશો દોરતી. એ અનાહિતા હતી અને અલયને એટલે જ અનાહિતા ખૂબ ગમતી. અલય ઘણી વાર એ વિચારતો કે, ‘હું અનાહિતાના પ્રેમમાં છું કે એની વિચિત્રતાઓના?’ જોકે અનાહિતા અને અલયના પ્રેમમાં એક વાત નક્કી હતી કે, અલય માટે અનાહિતાનું શરીર સૌથી છેલ્લી પ્રાયોરિટી હતું.

‘????’ અલયે અનાહિતાને પિંગ કર્યું.  

શું છે અલય?’ અનાહિતાએ ફરી પ્રશ્નનો ઉત્તર પ્રશ્નમાં આપ્યો.

અનાહિતા આઈ સેઈડ, આઈ વોન્ટ ટુ મીટ યુઆઈ જસ્ટ વોન્ટ ટુ મીટ યુ ફોર વન્સડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ?’

શું કરીશ તું મને મળીને?’

કશું જ નહીં. કદાચ એમ પણ બને કે, હું તારી સાથે એક પણ શબ્દ નહીં બોલું. માત્ર તારી હથેલી મારા હાથમાં લઈને તારા સ્પર્શને અનુભવું, તારી હૂંફને માણું, તને જોયા જ કરું અને કશુંય બોલ્યા વિના ત્યાંથી પાછો ફરું…’ અલયે લાંબો મેસેજ ટાઈપ કર્યો. અલય ભાવુક થઈ ગયેલો. એ અનાહિતાને મળવા તલપાપડ હતો. માત્ર એકવાર મળવું હતું એણે અનાહિતાને.

તને અમૃતા અને સાહિરની મુલાકાતો યાદ છે ને અલય? એ બંને પણ આ રીતે જ મળતાસાહિર અમૃતાના ઘરે જતા ત્યારે અમૃતાના ઘરની બાલ્કનીમાં એ બંને કલાકો સુધી બેસી રહેતા. એટલા સમયમાં તેઓ એક પણ શબ્દની આપલે નહીં કરતા. બસ, એકબીજાના મૌનને માણતામૌન પોતે પણ એક ભાષા છે એ તને ખબર છે અલય?’

અલયે ત્રણ એન્ગ્રીના ઈમોજી મોકલ્યા.

વળી પાછું શું થયું?’

સી, આઈ ડિપ્લી રિસ્પેક્ટ ધેમ, પણ યુ આર ટોકિંગ નોનસેન્સ નાઉ. હમણા સાહિર-અમૃતાની વાતો કરવાનો સમય નથી. તું મને એટલું કહે કે, તું મને ક્યારે મળે છે?’ અલયનો પારો વધુ ને વધુ ચઢી રહ્યો હતો.

નાનાં છોકરાની જેમ શું જિદ્દ કરે છે તું?’

અનુ પ્લીઝ, હવે મારી ધીરજ ખૂટી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી હું તને મળવા માટે કહી રહ્યો છું અને તું મને સતત અવગણી રહી છે. હું ખૂબ ફસ્ટ્રેટ થઈ ગયો છું હવે અનુ…’

હવે અનાહિતાએ એક એન્ગ્રીનું ઈમોજી મોકલ્યું.

અનુ, આઈ થિંક હવે આપણે આ બાબતનો અંત લાવવો જોઈએ. રિમેમ્બર, હું કંઈ તારો પાળેલો કૂતરો નથી કે, અનાહિતા મહેતા મને ઊઠ કહે ત્યારે મારે ઊઠવાનું અને એ બેસ કહે ત્યારે બેસવાનું. આઈ રિપીટ, હું કંઈ તારું પાળેલું ગલૂડિયું નથી અનાહિતાપ્લીઝ…’

શેનો અંત આણવો છે તારે…?’ અનુ પણ હવે સિરિયસ થઈ રહી હતી.

આપણી રિલેશનશીપનો. મારે હવે આમાં ઉંડા ઉતરવું નથી…’ અલયે સ્પષ્ટ લખ્યું.

અનાહિતા એની આદત મુજબ ટાઈપ એન્ડ ઈરેઝ કરતી રહી. બે-ત્રણ મિનિટ સુધી એણે એવું કર્યું. થોડી મથામણ બાદ એણે અલયને લખ્યું:

અલય, આપણે સાંજે વાત કરીએ? તું અમસ્તો ઉકળી રહ્યો છે. થોડો શાંત થા. તું કેમ આપણા કમિટમેન્ટ્સ ભૂલી જાય છે? સાવ નાંખી દેવા જેવી વાતો માટે તું શું કામ કકળાટ કરે છે?’

અલય ઓનલાઈન હતો અને અનાહિતાએ એના મેસેજ પર ડબલ બ્લ્યૂ ટિક્સ પણ જોઈ, પરંતુ અલય કોઈ રિપ્લાય નહોતો આપી રહ્યો. સામાન્ય રીતે અલય આવું નહોતો કરતો. એને સતત ચેટ કરવા જોઈતું અને જો અનાહિતા લાંબો સમય ઑફલાઈન હોય અથવા ચાલું ચેટિંગમાં મેસેજ વાંચ્યા બાદ જલદી રિપ્લાય ન કરે તો અલય એને ઈમોજી અને પ્રશ્નાર્થ ચિહ્નો કે વોઈસ મેસેજ મોકલીને પરેશાન કરી દેતો.

‘???’ અલયની જગ્યાએ આજે અનાહિતાએ એને પ્રશ્નાર્થ ચિહ્નો મોકલ્યા.

અનુ તું મને મળે છે કે નહીં?’ અલયે ફરી એ જ રટ પકડી.

ના. આજે તો નહીં જ. મેં તને મારી વાસ્તવિકતા જણાવી દીધી છે. મારી મર્યાદાઓ વિશે પણ તું માહિતગાર છે અને માત્ર માહિતગાર જ નહીં, મારી માર્યાદાઓ મુજબની મારી શરતોમાં પણ તે તારી સહમતી દર્શાવી છે…’

પ્રેમ ક્યારેય શરતો મુજબ નથી થતો…’

થાય જ. પ્રેમ માત્ર શરતો મુજબ જ નહીં, પણ પોતાના ફાયદા ગેરફાયદા જોઈને પણ થતો હોય છે. ફિલ્મો, નાટકો કે તું જે નવલકથાઓ લખે છે, એમાં એવું જરૂર બનતું હોય છે કે, પૈસાવાળી હીરોઈન ઝૂંપડપટ્ટીમાં જીવતા હીરો સાથે પ્રેમ કરીને એને પરણી જાય. બાકી, વાસ્તવિક જીવનમાં આવી મૂર્ખામી બહુ ઓછી છોકરીઓ કરતી હોય અને જેઓ કરતી હોય એમને પણ પાછળથી ભાન થાય જ કે, પ્રેમના નામે એમણે લીધેલો નિર્ણય ખોટો હતો….’ સામાન્ય રીતે આવા લાંબા મેસેજ ટાઈપ કરવાનું ટાળતી અનાહિતા જાણે એનો અનુભવ કહી રહી હતી.

મમ્મા, મારે તમારી સાથે દલીલો નથી કરવી કે નથી મને તમારી પાસે જ્ઞાન જોઈતું...’

છેલ્લી વખત પૂછું છું તને. આજે સાંજે તું મને મળે છે કે નહીં?’ અલયે ઉપરાછાપરી બે મેસેજ કર્યા.

મેં તને મારો નિર્ણય જણાવી જ દીધો છે.’ અનાહિતા હજુ મક્કમ હતી.

તો હવે મારો નિર્ણય પણ સાંભળી લે….’

અનાહિતાએ મેસેજ વાંચ્યો, પણ કોઈ રિપ્લાય નહીં આપ્યો.

હવે પછી હું ક્યારેય તારી સાથે વાત નહીં કરું. કે ન તો તું મારી સાથે વાત કરતી. તને તારું સ્વમાન વહાલું હોય તો જ મને ફોન કે મેસેજ કરજે. બાકી, મારી પાસે હવે કોઈ અપેક્ષા નહીં રાખતી.’

અલયે એણે લખેલા મેસેજની ડબલ બ્લ્યૂ ટીક જોઈ. સામે છેડે અનાહિતા પણ ઓનલાઈન હતી, પરંતુ એની નજર એના આઈફોન સેવનથી સ્ક્રીનની ચેટવિન્ડો પર સ્થિર હતી. એને હતું અલય હજુ કશુંક લખશે. જોકે અલયે કશું લખ્યું નહીં અને એ ઑફલાઈન થયો, જેને કારણે એનું લાસ્ટ સીનનું સ્ટેટ્સ બતાવતું હતું.

અનાહિતા અલયને ઓળખતી હતી, એના સ્વભાવથી પૂરેપૂરી પરિચિત હતી. શોર્ટ ટેમ્પર્ડ અલય કોઈ પણ વાતે મોટી તકરાર કરી શકતો હતો. વળી, એ જ અલય થોડા કલાકો બાદ લાગણીથી, ‘આઈ એમ સોરી અનુઆઈ લવ યુ…’નો મેસેજ કરીને નોર્મલ પણ થઈ જતો. અઠવાડિયામાં એમની વચ્ચે આવી બે-ત્રણ તકરારો થઈ જતી અને ફરી તેઓ એકબીજાના પ્રેમમાં ગળાડૂબ થઈ જતા.

અનાહિતા અલયને ખૂબ ચાહતી હતી, એની બેફિકારાઈ, અસ્તવ્યસ્ત-કેરલેસ જીવન જીવવાની એની ઢબ અનુને આકર્ષતી. એણે મોટાભાગના પુરુષોને ગણતરીપૂર્વક, પૂરા આયોજન સાથે જીવતા જોયેલા. ઘડિયાળને કાંટે જિંદગી જીવતા, બેંકના બેલેન્સનો કે પોતાના સ્ટેટ્સનો હંમેશાં ખ્યાલ રાખતા, પૈસાના જોરે સુંદર સ્ત્રીઓને પોતાની ગર્લફ્રેન્ડ કે પત્ની બનાવી લેતા અને ક્યારેય પૂરા સમર્પણ સાથે સ્ત્રીઓને ચાહી નહીં શકતા પુરુષો પ્રત્યે અનાહિતાને ચીડ હતી. નાનપણથી તે એવા પુરુષોને જોતી આવેલી અને નછૂટકે એવા પુરુષોની વચ્ચે જીવતી આવેલી.

પહેલાથી એની ફેન્ટસીનો પુરુષ જુદો હતો. એની ફેન્ટસીનો પુરુષ ક્યારેય બ્રાન્ડ્સની ચિંતા ન કરતો હોવો જોઈએ, એની ફેન્ટસીનો પુરુષ ક્લિન સેવ્ડ કલ્ચરમાં માનતો ન હોવો જોઈએ. અનાહિતાને બે-ત્રણ દિવસની વધેલી દાઢી રાખતો, ઇરાદાપૂર્વક શર્ટના ઉપલા બટન ખૂલ્લા રાખતો કે લોવેસ્ટ જિન્સ પહેરતો, માથાના વિખરાયેલા વાળની પરવા ન કરતો પુરુષ ગમતો. કંઈ કેટલીય વાર એ એવા પુરુષની કલ્પના કરતી અને એ પુરુષની સાથે જીવવાની ધખના રાખતી. ક્યારેક એવા અલગારીઓ એના ધ્યાનમાં આવતા તો અનુ એકાદ ક્ષણ માટે થોભી જતી અને એમને ટગરટગર જોયા કરતી.

અલયના પ્રેમમાં પડવાનું કારણ જ એ હતું કે, અલય અનુની ફેન્ટસી કરતા પણ ઘણો આગળ હતો. અલય ક્યારેય ગણતરીઓમાં નહીં પડતો કે ન તો એ કોઈ પ્લાનિંગ્સ કરતો. એ બસ જીવતો રહેતો. જલસા કરતો અને એની આસપાસ જે કંઈ ધબકતું હોય એમાં ઓતપ્રોત થઈ જતો.

અનુ હંમેશાંથી એવું માનતી રહી છે કે, ગણતરીબાજ પુરુષો કે આયોજનપૂર્વક જીવતા પુરુષો ક્યારેય સ્ત્રીને પૂર્ણપણે ન ચાહી શકે. જેમનો સ્વભાવ જ ગણતરી હોય એ પુરુષ સ્ત્રીને પણ ગણતરીપૂર્વક જ ચાહવાનો. સ્ત્રીને ચાહવા, એને પ્રેમિકા બનાવવા કે પતિ તરીકે એની સાથે જીવન પસાર કરવા પાછળ એવા પુરુષની ચોક્ક્સ ગણતરીઓ હોવાની. એને પાર્ટીઝ કે સામાજિક કાર્યક્રમોમાં પોતાને કંપની આપી શકે કે એની સાથે શોભે એવો ચહેરો જોઈતો હોય છે. એને એવું મશીન જોઈતું હોય છે, જે મશીન એનું ઘર કે સંસાર સારી રીતે સંભાળી શકે. ક્યારેક એ પુરુષને કરિયર ઓરિયેન્ટેડ સ્ત્રી જોઈતી હોય છે. એટલે નહીં કે કરિયર એ પેલી સ્ત્રીની પેશન છે, પણ એટલે કે એ સ્ત્રી મહિને દિવસે એના ઘરમાં અમુક હજાર રૂપરડી પણ લઈને આવશે, જેનાથી એનું જીવન ઘણું આસાન થશે. મોટાભાગે પુરુષમાં આવી કોઈકને કોઈક ગણતરી હોવાની. એ ગણતરીને હિસાબે જ પુરુષ એના જીવનમાં સ્ત્રીની પસંદગી કરતો હોય છે.

અનુને ખબર હતી કે, અલયનો ગુસ્સો બે-ત્રણ કલાકથી વધુ નથી ટકવાનો. સાંજ થતાં સુધીમાં અલય એને મેસેજ કરશે અને અનુની માફી માગીને ફરી પાછો પાટે ચઢી જશે. કારણ વગર માફી માગતા રહેવું અલયની ફિતરત હતી. અનુ આ બાબતે અલયને ટોકતી પણ ખરી કે, ‘એ શું લોકોની સામે કારણ વિના ગરીબડો થઈ જાય છે? તારા આ રાંકવેડા મને લગીરે પસંદ નથી….’ ત્યારે અલયનો માત્ર એક જ જવાબ હોય કે, ‘તને હું તો પસંદ છું ને? કે હુંય નહીં?’ અને પછી અનાહિતા એને એન્ગ્રીના બે-ત્રણ ઈમોજી મોકલતી.

પરંતુ, અનુને એક વાતનું આશ્ચર્ય થયું કે, અલયે આજ પહેલા ક્યારેય બ્રેકઅપની વાત નહોતી કરી. જ્યારે જ્યારે એમની વચ્ચે તણાવ સર્જાતો ત્યારે અલય એને કહેતો કે, ‘મારે તારી સાથે વાતો નથી કરવી.’ અલય એવું તો ક્યારેય નહોતો બોલ્યો કે, ‘મારે તારી સાથે ક્યારેય વાત નથી કરવી.’

આમ તો એ અલયને જાણતી હતી, પણ ક્યાંક ખરેખર અલય એની સાથે બ્રેકઅપ કરી બેસે તો? અનુનું હ્રદય અચાનક તેજ રફતારથી ધબકવા માંડ્યું. એણે ફરીથી વ્હોટ્સ એપ ચેક કર્યું અને એનો ડર સાચો પડતો હોય એવું લાગ્યું. હજુ હમણા સુધી તો અલયનું ડીપી એને દેખાતું હતું, પણ હવે એ ડીપીની જગ્યાએ બ્લેન્ક સ્પેશ હતી. તે અલયનું સ્ટેટ્સ પણ વાંચી શકતી નહોતી. એનો અર્થ એ કે, અલયે એને બ્લોક કરી. આ પહેલા અલયે આવું ક્યારેય નહોતું કર્યું. અનાહિતાને ચિંતા થઈ રહી હતીઅલયની પણ અને એમના સંબંધની પણ….!

(ક્રમશઃ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.