ડિજિટલી Yours (પ્રકરણ સાત)
અનુ અનુ અનુ…
તું કહેશે, આ શું માંડ્યું છે? પત્રમાં આટલો બધો ઉત્સાહ ઠાલવી દીધો? પરંતુ હું પણ શું કરું? તું છો જ એવી! જોકે તું મને જેટલી ગમે છે એટલી તારી શરતો મને નથી ગમતી. પેલા દિવસે ઉત્સાહમાં ને ઉત્સાહમાં મેં તને વાયદા તો કરી દીધેલા, પરંતુ હવે મને પસ્તાવો થાય છે, જે અલય એવો દાવો કરતો કે એને કોઈ બાંધી નથી શકતું એને અનુએ બાંધી દીધો!
ખૈર, તને મળવાની ખૂબ એટલે ખૂબ ઈચ્છા થાય છે. આ બાબતને લઈને આપણી વચ્ચે આજકાલ તણાવ પણ થઈ રહ્યો છે, પણ અનુ તું જ કહે, હું શું કરું? હું એ બાબતે ખૂબ સ્પષ્ટ છું કે, મને રજમાત્ર તારું શારીરિક આકર્ષણ નથી. પણ જેને ચાહીએ એને રૂબરૂ મળવાની ઈચ્છા તો થાય કે નહીં? તને મળવાની સતત ઝંખના થવી એ કદાચ મારી પુરુષસહજ લોલુપતા હશે. બને ત્યાં સુધી તને મળવાની મારી ઈચ્છાને હું દાબમાં રાખું છું, પણ કદાચ મારી અંદરનો પુરુષ મને રહી રહીને ઉશ્કેરી રહ્યો છે કે, ‘તારે એક વાર તો અનાહિતાને મળવું જ પડે!’
અને એ ઈચ્છાને કારણે જ હું તને મળવા માટે કહું અને તું મને તારો કરાર યાદ અણાવે અને હું થોડું કરગરું અને તું થોડી ઉશ્કેરાય અને હું વધુ ઉશ્કેરાઉ અને હું તને ન કહેવાનું કહી દઉં અને તને થોડું દુઃખ પહોંચે અને પછી કલાકો સુધી આપણી વચ્ચેનો સમય બરફની જેમ ટાઢોગાર થીજી જાય!
છેલ્લાં કેટલાક સમયથી તો આ જ આપણો નિત્યક્રમ થઈ ગયો છે કેમ? અઠવાડિયામાં બેએક વખત આ બાબતને લઈને આપણી વચ્ચે તકરાર થાય જ! મેં તને બહુ દુઃખી કરી છે અનુ… ઉશ્કેરાઈ ગયા પછી મારું વર્તન પ્રાણીઓ જેવું થઈ જાય છે. તને તો હું મનફાવે એમ બોલું જ છું, પણ મારી આસપાસ પણ હું મોટું નુકસાન કરું છું.
મારી નુકસાનીની મને કોઈ જ પરવા નથી અનુ, પરંતુ એલફેલ બોલીને કે કલાકો સુધી તને અવગણીને તને હું જે ત્રાસ આપું છું એ બદલ મને ખૂબ પસ્તાવો થાય છે. એટલે સોરી કહેવા જ મેં તને આ પત્ર લખ્યો છે. આજે અચાનક પત્ર આવી ચડ્યો તો તને પણ નવાઈ લાગી હશે અને એથી વધુ નવાઈ એની લાગી હશે કે, પત્રની સાથે કોઈ પુસ્તકની ભેટ નથી!
પણ છેલ્લા કેટલાક દિવસથી મને એમ થઈ રહ્યું હતું કે, મારા વર્તનને કારણે મેં તને ખૂબ પજવી છે તો થયું ચાલો આજે એક કાગળ લખીને અનુની માફી માગીએ અને એને કહીએ કે, અમે તમને એટલો જ પ્રેમ કરીએ છીએ, જેટલો પહેલા કરતા હતા. આ તો બસ મન થોડું અવળચંડાઈએ ઉતરી જાય છે અને પછી અમે નાહકના તમને દુઃખી કરીએ છીએ.
આઈ એમ રિયલી રિયલી વેરી સોરી અનુ….
I Love You
ડિજિટલી Yours
અલય.
થોડા દિવસો પહેલા આવેલો અલયનો આ કાગળ પાછો વાંચ્યો ત્યારે અનાહિતાની આંખમાં પાણી તરી આવ્યા. આવો ભોળો અલય છેલ્લા કેટલાય દિવસોથી એના સંપર્કમાં ન હતો. અનાહિતાના જીવનમાં અલય નામનું એ વાવાઝોડું માત્ર થોડા મહિનાઓથી ફૂંકાયું હતું, પરંતુ હવે અલયની ગેરહાજરી એના માટે અસહ્ય થઈ રહી હતી. અલયના આવ્યા પહેલાના પાંત્રીસ વર્ષ પોતાની શરતે જીવેલી આ સ્ત્રીને અલયની એવી આદત થઈ ગયેલી કે, અલયની ગેરહાજરીથી જાણે એનો આધાર ખસી ગયો અને એ કડડભૂસ થઈ ગઈ. અનાહિતાને પોતાને જ એવું લાગી રહ્યું હતું કે, એનું બધું ડહાપણ અને જીવન બાબતની એની માન્યતાઓ સાવ પોકળ હતી. જે અનાહિતા વર્ષો સુધી એમ માનતી રહી કે, આપણી લાગણીઓની દોર કોઈના હાથમાં નહીં સોંપવી એ જ અનાહિતાની લગામ અલયની ગેરહાજરીએ ઝાલી હતી!
‘હું તને પ્રેમ કરું છું. આજથી નહીં, આપણે બંનેએ એકબીજા સાથે વ્હોટ્સ એપ પર વાતો શરૂ કરેલી ત્યારથી… અલબત્ત એ આકર્ષણ જ હતું, પરંતુ જેમ જેમ તારી સાથે સમય વીતતો ગયો એમ હું તારી તરફ વધુને વધુ આકર્ષાતો ગયો…’ અલયે લખ્યું.
‘અચ્છા…’ અનાહિતા અલયની વાતમાં ખલેલ નહોતી કરવા માગતી.
‘છેલ્લા કેટલાય દિવસોથી હું એ બાબતે અવઢવ અનુભવતો હતો કે, તને હું કહું કે નહીં… વળી, તારી તરફનું જે આકર્ષણ છે એ દરેક સ્ત્રી પાછળ આકર્ષાતું પુરુષસહજ આકર્ષણ છે કે, શુદ્ધ પ્રેમ છે એ બાબતે પણ સ્પષ્ટ નહોતો. એટલે જ હું એ વાત ટાળતો રહ્યો…’
‘બરાબર…’
‘એવામાં તેં અદ્વેત વિશે કીધેલું એટલે હું વધું ગૂંચવાયેલો. પણ તેં બે પુરુષને એકસાથે ચાહી શકવાની વાત કહી તો મને અચરજ થયું. અને તારી એ બોલ્ડનેસને કારણે જ હું તારી તરફ વધુ આકર્ષાયો…’
‘અદ્વેત વિશે મેં તને પહેલા જ દિવસે કીધું હોત તો તું મારી તરફ આકર્ષાયો હોત ખરો?’ અનાહિતાને અધવચ્ચે કોણ જાણે કેમ આવો પ્રશ્ન સૂઝ્યો.
‘કદાચ હા…. કારણ કે, ટિન્ડર પરનો તારો ફોટોગ્રાફ અને ટિન્ડર પર થયેલી આપણી પહેલી ચેટથી જ હું તો લટ્ટુ હતો!’ આવી ગંભીર વાતો દરમિયાન પણ અલયે જીભડા કાઢતા બે ઈમોજી મોકલ્યા.
અનાહિતાએ એને માત્ર એક સ્માઈલી મોકલ્યું.
‘પણ તું મને એક વાત કહે, તારા લગ્નજીવનમાં તું આટલી બધી સુખી છે તો પછી તેં ટિન્ડર જેવી ડેટિંગ સાઈટ પર તેં કેમ અકાઉન્ટ બનાવેલું?’ અલયે ફરી વાત ઉંધે પાટે ચઢાવી. અલય અને અનાહિતા આટલા મહિનાઓથી એકબીજા સાથે પોતાની માન્યતાઓ, આવડત કે જીવન જીવવવાની ફિલસૂફીની વાતો કરતા કરતા એકબીજાના પ્રેમમાં પડી ગયેલા અને એકબીજાને ઉંડાણપૂર્વક જાણતા થઈ ગયેલા, પણ અલયે અનાહિતાને આવું પૂછવાની તસદી નહોતી લીધી કે, ટિન્ડર પર આવવાની જરૂર શું પડેલી?
‘એનું કારણ હું તને કહીશ તો તું હસી પડશે કદાચ… કે છેક આવી છોકરમત?’ અનાહિતાએ લખ્યું. ગઈકાલે અલય અને અનાહિતા વચ્ચે થયેલી ગરમાગરમ ચેટિંગ પછી આજે એમની વચ્ચેનો તણાવ ઓછો થયો હતો.
‘પણ કહે તો ખરી… હું નહીં હસું બસ?’
‘ડેટિંગ સાઈટ્સ પર આવવાનું કારણ એક જ વાક્યમાં કહું તો, એ કદાચ મારી અંદરનો એક બળવો હતો! મારી પોતાની પસંદગી બાબતનો બળવો!’
‘એટલે?’ અલયને કંઈ સમજાયું નહીં.
‘એટલે એમ જ કે, એક પ્રિયજન મારે પોતે પસંદ કરવું હતું… ધેટ્સ ઈટ…’
‘અદ્વેત આટલો સારો માણસ છે તો પણ?’ અલયને આશ્વર્ય થયું.
‘હા, તો પણ… મારી જાત મને એટલે જ ઉશ્કેરી રહી હતી કે, અદ્વેત ભલે ગમે એટલો સારો હોય, ભલે એણે મને મારી વિચિત્રતા સાથે સ્વીકારી હોય, ભલે અમારી સેક્સ લાઈફ કે પર્સનલ લાઈફ ખૂબ સરસ ચાલતી હોય કે ભલે મારા ખોળામાં સુખનો ઢગલો થઈ ગયો હોય, પણ હું જે કંઈ પામી છું એ કોઈએ મને પસંદ કરી આપ્યું છે… મેં જાતે પસંદ નથી કર્યું… બાપ વિનાની દીકરી માટે કોઈએ દયા ખાઈને શોધી આપ્યું હોય એવું કંઈક! બની શકે કે, એ મારી નિયતિ હશે, પરંતુ મને નિયતિ કરતા પસંદગીમાં વધુ રસ છે… મારી જાત રહી રહીને મને એ તરફ ઉશ્કેરી રહી હતી કે, કોઈએ દયાથી આપેલા સુખ કરતા તો જાતે વેઠેલું દુઃખ જ ઉત્તમ કહેવાય…’
‘હમમમ…’ અનાહિતાને નહીં ગમતું હોવા છતાં અલયે આવું લખ્યું.
પણ આ ગંભીર ક્ષણમાં અનાહિતાએ એની પરવા ન કરી. ‘અરે, ઘણી વાર મને એવું લાગ્યું છે કે, મારી કેટલીક બાબતોને અદ્વેત માત્ર એટલે ચલાવી લે છે કે, હું બાપ વિનાની દીકરી છું! મારું બાળપણ પણ એ જ ઓશિયાળાવેડામાં ગયું અને જુવાની પણ… લગ્નમાં પણ આ જ વાત મને ક્યાંક ને ક્યાંક અનુભવાતી હતી…’
‘અચ્છા…’
‘અને કદાચ એટલે જ હું આવી કોઈક સાઈટ્સ તરફ દોરવાઈ… ઓશિયાળાવેડાથી દૂર થવા અને પોતાની પસંદગીનું સુખ અથવા દુઃખ વેઠવા…’
‘કોઈક માણસ પોતાના જીવનમાં આટલું બધું સુખી હોય અને એની સાથે અન્ય કોઈકનું પણ સુખ જોડાયેલું હોય ત્યારે આવું કંઈક કરીએ ત્યારે આપણી સાથે સંકળાયેલી વ્યક્તિનો દ્રોહ કર્યો નહીં કહેવાય?’
‘જ્યારે પોતાની જાત જ આપણી સાથે દ્રોહ કરવાની શરૂઆત કરે ત્યારે બીજાના દ્રોહની ઝાઝી પરવા નથી કરાતી. અને અદ્વેત બાબતે હું અત્યંત ક્લિયર છું કે, હું અદ્વેતને જીવનની કોઈ પણ મુશ્કેલીમાં એકલો નહીં મૂકું… એને ક્યારેય એવું નહીં થવા દઉં કે, મેં એને દગો કર્યો છે કે નહીં તો એણે ચાહેલું મારું શરીર કોઈની સાથે શેર કરું…’
અનાહિતાએ ફરી લખવાનું શરૂ કર્યું. વ્હોટ્સ પર અનાહિતાની ચેટ વિન્ડોમાં ‘typing…’ આવ્યું એટલે અલયે પણ કંઈ લખવાનું મોકૂફ રાખ્યું.
‘તું જે વ્યભિચારની વાત કરતો હતો એ વ્યભિચાર શરીરના સંદર્ભે લાગું પડતો હશે કદાચ… વ્યભિચાર હંમેશાં શરીરનો થઈ શકે અલય, લાગણીઓનો વ્યભિચાર ક્યારેય નહીં હોય! જો તું મને પ્રેમ કરવાની તૈયારી દાખવી રહ્યો છે તો એ વાત હું તને સ્પષ્ટપણે કહું છું કે, આપણો પ્રેમ લાગણીપ્રધાન રહેશે… શરીરપ્રધાન નહીં…’
‘હમમમ…’ અલયે માત્ર હોંકારો કર્યો.
‘અને એટલે જ મારે આપણા સંબંધમાં એક રેખા દોરવી છે, જે રેખાનું ઉલ્લંઘન આપણે ક્યારેય નહીં કરીએ. યાદ રાખજે આ લક્ષ્મણ રેખા નથી કે, એનું ઉલ્લંઘન શક્ય બને… આ રેખા હું, અનાહિતા પોતે દોરશે, જેનું ઉલ્લંઘન હું તો કોઈ કાળે ન કરું, પણ તુંય નહીં કરી શકે… બોલ માન્ય છે મારી શરત?’
‘શરત શું હશે?’ અલયે પ્રશ્ન કર્યો.
‘શરત માત્ર એટલી જ કે, આપણે એકબીજા ખૂબ ચાહીશું, પણ જીવનમાં ક્યારેય એકબીજાને મળીશું નહીં… મારી સાથે શરીર સંબંધ રાખવાની વાત તો તું ભૂલી જ જજે, પણ ક્યારેય રૂબરૂમાં કૉફી પીવાની કે થોડી વાર માટે મળવાની અપેક્ષા પણ રાખતો નહીં… આ સંબંધમાં શરીર તો નહીં જ, પણ સ્પર્શને પણ કોઈ અવકાશ નથી… બોલ છે કબૂલ આવો પ્રેમ…?’
‘કબૂલ હૈ… કબૂલ હૈ… કબૂલ હૈ…’ અલયને અનાહિતાની આ શરતો ખૂબ પસંદ પડી.
તે દિવસે એ વાત તો ત્યાં અટકી ગયેલી, પણ એની સાથે જ એક નવી વાર્તા પણ શરૂ થયેલી. અનાહિતા નામની એક સ્ત્રી અને અલય નામનો એક યુવાન…. અનાહિતા અદ્વેતને પરણેલી અને અલયે ક્યારેય લગ્નના બંધનમાં બંધાવું નહોતું… અનાહિતા એક સાથે બે પુરુષોને પ્રેમ કરી શકવાનો દાવો કરતી હતી અને અલયની ચાહત, એનો લગાવ કે એની લાગણી અત્યંત હંગામી હતી… અનાહિતા પોતે ક્યાંય નહોતી બંધાતી, પણ અલયને એણે કરારમાં બાંધવાની વાત કરી હતી, સામે છેડે એવો જ મનસ્વી અલય અનાહિતાના કરારનો સ્વીકાર કરવા તૈયાર હતો… વાસ્તવમાં જીવતા બે લોકો, વાસ્તવમાં ક્યારેય મળવાના ન હતા… એમનો પ્રેમ માત્ર ડિજિટલ મીડિયમ પૂરતો જ સીમિત રહેવાનો હતો…
(ક્રમશઃ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર