ડિજિટલી Yours (પ્રકરણ છ)
એક ઘટના નહીં, પણ આખેઆખું શહેર પાછળ મૂકીને તેણે આગળ વધી જવું હતું. કારણ કે, આ શહેરમાં અનાહિતા વસે છે! એણે અનાહિતાને કહેલું જ કે, જે ઘડીએ મારું મન ઊઠી જાય એ ઘડીએ હું બધું જ પાછળ મૂકીને એકલો આગળ વધી શકું છું… મારું મમત્વ, મારો લગાવ બધુંય હંગામી હોય. જો પ્રકૃતિ ખૂદ સતત પરિવર્તિત થતી રહેતી હોય તો અલય એ જ પ્રકૃતિનો વારસદાર છે… એ પણ પરિવર્તિત થાય જ અને પળભરમાં બધી માયા સંકેલી શકે છે!
‘એ વાત તો તેં પત્રમાં પણ લખેલી, પણ માણસ પોતે આગળ નીકળી જાય ત્યારે પાછળ છૂટેલાનું શું? પાછળ ધબકતું બધું સ્થગિત થઈ જાય એનું શું?’ અનાહિતાએ એક વાર એને આ પૂછેલું.
‘અનુ, એ જ પત્રમાં મેં એમ પણ લખ્યું છે કે, મને પાછળ છૂટેલાનો અપરાધ કર્યાનો અપરાધભાવ થાય…’ અલયે કહેલું.
‘એ તો આપણું પલાયન કહેવાય, અલબત્ત તેં તારા પલાયનવાદ વિશે પણ વાત તો કરેલી જ, પરંતુ હું એ બાબતે કંઈક જુદું માનું છું… હાથીનું ઝૂંડ પણ કોઈ ખાડામાં પડીને પાછળ છૂટી ગયેલા સાથીને સાથે લઈ જવા માટેની મથામણ આદરે છે, તો માણસ તરીકે આપણે સાવ આવું વલણ ધરાવીએ તો એ યોગ્ય કહેવાય?’ અનાહિતાએ દલીલ કરેલી.
‘બની શકે. પણ હું આવો જ છું. આમાં કોઈ ફેરફાર શક્ય નથી. તને જો આ વલણ અયોગ્ય લાગતું હોય તો તું મને નિષ્ઠુર અથવા જડ ગણી શકે…’ અને આમ કહીને અલયે અડધેથી વાત કાપી નાંખેલી.
સાંજના સમયે યુનિવર્સિટીના એના પરિચિત બાંકડે તે બેઠો હતો. પણ એનો માનીતો કલરવ, એનું પોતીકું એકાંત અને પ્રેયસીની જેમ ચાહેલું આ શહેર એને હવે અપરિચિત જેવા લાગતા હતા. આ જ યુનિવર્સિટીમાં એણે એના ભણતરના પાંચ વર્ષો કાઢેલા અને ત્યાર પછીના પાંચ વર્ષો આ શહેરમાં રોટી- મકાન માટે જફા કરેલી. યુનિવર્સિટીના વર્ષોની બેફિકરાઈ, દોસ્તી-યારી અને જલસા કે પછીના વર્ષોમાં કરવા પડેલા નાનાં-મોટા સંઘર્ષને કારણે એક દાયકા સુધી લોહીમાં ફરેલું આ શહેર પોતાનું ન હોવા છતાં એને વતન જેવું લાગવા માંડેલું. પણ હવે કોઈ પ્રવાસીની જેમ જાણે અહીં માત્ર રાત જ ગુજારવાની હોય એવી નિર્લેપતા એને આ શહેર માટે અનુભવાઈ રહી હતી.
‘તો શું આ શહેરને ચાહવા માટે માત્ર અનાહિતા જ એક કારણ હતી?’ અલયના મનમાં આ સવાલ ઉઠ્યો.
‘ના રે ના. અનાહિતા તો આ શહેરને ત્યજવાનું નિમિત બની છે…’ એનું દિલ કંઈક આવું કહી રહ્યું હતું.
‘છેક આવું? એ છોકરીએ ગુનો શું કર્યો? તમારા પ્રેમમાં એણે જેટલી શરતો રાખી હતી એટલી તારે પાળવાની હતી… અરે જીવ, તું શરતો ના પાળી શક્યો એનો દોષ અનાહિતાને દેવાનો? છેક આવું સ્વાર્થી વલણ…?’ આજે અલયના મન અને દિલ વચ્ચે દ્વંદ્વ ફાટી નીકળ્યું હતું.
‘મેં પણ અનાહિતાને કહેલું કે, હું સાધું છું. ત્યારે એણે પણ તૈયારી દાખવેલી જ ને? માત્ર હું જ જવાબદાર કહેવાઉં આમાં?’ ફરી પાછી દલીલ. સાચો માણસ ક્યારેય બીજા સાથે દલીલ નથી કરતો, એ હંમેશાં આત્મસંવાદ જ કરતો હોય છે!
‘તોય, એ દિવસે મળવાની જિદ્દ તેં કરેલી અને તમારા કરાર મુજબ મળવાની વાત તો ક્યાંય આવતી જ ન હતી…’
‘પણ હું એને ખૂબ ચાહું છું… જેને ચાહીએ એને સ્પર્શી પણ નહીં શકાય?’
‘જેને પામ્યાં હોય એને સ્પર્શની ઔપચારિકતાની શું જરૂર?’
‘ઔપચારિકતા?’ અલયે એની જાતને જ પ્રશ્ન કર્યો.
‘હા ઔપચારિકતા… તારા જેવા માણસ માટે સ્પર્શ ઔપચારિકતા જ કહેવાય. બે હ્રદયના મેળાપના કરાર થયા હોય ત્યાં સ્પર્શ એ માત્ર બાહ્ય ઔપચારિકતા હોય…’
‘ઠીક છે. એ જે હોય એ. હું અહીંથી નીકળું છું. હવે હું આ શહેરમાં રહી ન શકું… નહીં તો અનાહિતાની યાદો મને વૈતાળની જેમ વળગશે….
સતત એક મહિનો કે એથીય વધુ થોડા દિવસો સુધી બે માણસો એકબીજા સાથે વાત કરતા રહે, સતત એકબીજાનો સહવાસ માણે અને પોતાની રજેરજ વાતો એકબીજા સાથે શેર કરે અને સ્વભાવગત લડે-ઝગડે પણ, તો સ્વાભાવિક જ એ સંબંધ દોસ્તીથીય આગળ વિસ્તરે. દોસ્તી ગમે એટલી ગાઢી હોય, પણ એમાં ક્યારેય ઐક્ય શક્ય નથી હોતું, પણ પ્રેમની તો એકમાત્ર શરત જ ઐક્ય છે!
ટિન્ડર પર થયેલી ઓળખાણ વ્હોટ્સ એપ સુધી વિસ્તરી અને વ્હોટ્સ એપ પરની વાતો એકમેકના દિલ સુધી વિસ્તરી… સતત એકબીજા સાથે ચેટિંગ, ફોન પરની વાતો કે સ્કાઈપ પરની વીડિયો ચેટ્સના માધ્યમ દ્વારા સહવાસમાં રહેતા અલય અને અનાહિતા બંને આ બાબત સ્વીકારવા રાજી નહોતા કે, તેઓ એકબીજાના પ્રેમમાં છે. પરંતુ તે બંને એક બાબતે જરૂર સહમત હતા કે, એમની અંદર જે સતત ધબકે છે એની ગતિમાં કંઈક ફેરફાર થયો છે. અંદર કોઈક તત્ત્વની વાવણી થઈ હોય એવું તો એમને લાગતું જ હતું, પણ છેલ્લા થોડા સમયથી જે વવાયેલું એ આપમેળે જ પાંગર્યું છે એનીય એમને પ્રતીતિ થઈ રહી હતી. પણ જે પાંગર્યું એ પ્રેમ છે કે કંઈક બીજું એ બાબતે તેઓ સ્પષ્ટ નહોતા!
‘કોઈ એક સ્ત્રી બે પુરુષને એકસાથે ચાહી શકે ખરી?’ છેલ્લા એક કલાકથી ચાલતી વ્હોટ્સ એપ ચેટિંગમાં અલયે અનાહિતાને નવો પ્રશ્ન પૂછ્યો.
‘કદાચ…’ અનાહિતાએ લખ્યું.
‘મને જવાબ હા કે ના માં જોઇએ અને હા તો કેમ એ પણ જાણવું છે…’ અલયે આજે એ જાણી લેવું હતું કે એ અને અનાહિતા જે બાબતે અવઢવમાં છે એ આખરે છે શું?
‘દુનિયાની બધી સ્ત્રીઓ બાબતે હું નહીં કહી શકું, પણ મારા કિસ્સામાં હું એમ કહી શકું કે, હા…. જો બીજો પુરુષ અલય હોય તો હું એકસાથે બે પુરુષોને એક સરખી તીવ્રતાથી અને એક સરખા સમર્પણભાવથી ચાહી શકું…. ’
‘કેમ એવું? હજુ કાલ સુધી આપણે એમ વાતો કરતા હતા કે, આપણો સંબંધ એ માત્ર દોસ્તી જ છે… એથી વિશેષ કશું જ નથી… તો પછી મને તું પ્રેમ કઈ રીતે કરી શકે?’ અલયે પૂછ્યું.
‘એ બાબતે હું કોઈ ચોખવટ નહીં કરી શકું… પણ ગઈકાલે આખી રાત મેં વિચાર કર્યો તો મને ખ્યાલ આવ્યો કે, તું મારો દોસ્ત નથી જ નથી… ધેટ્સ ઈટ…’
‘દોસ્ત નથી તો પ્રેમી કહેવાઉં?’
‘બની શકે.’ અનાહિતાએ ટૂંકમાં જવાબ આપ્યો.
‘… અને ધારોકે હું તારો પ્રેમી હોઉં તો અદ્બેત સાથે તો તું છળ જ કરે છેને?’
‘યુ જસ્ટ શટઅપ અલય… હું અદ્વેત સાથે ક્યારેય છળ નહીં કરું. ભૂલમાંય અદ્વેત બાબતે તારું કોઈ ઓપિનિયન નહીં આપતો…’ અનાહિતા સહેજ ઉકળી ઊઠી.
‘આ તે કેવી વાત અનાહિતા, અદ્વેત વિશે કોઈના મોઢે તારે કશું નથી સાંભળવું અને બીજો પુરુષ જો અલય હોય તો તારે એને ચાહવો છે…’
‘હા. હું આગળ કહી જ ગઈ છું કે, હું એક સાથે બે પુરુષને પ્રેમ કરી શકું. એ પણ એક સરખી તીવ્રતાથી અને એકસરખા સમર્પણભાવથી…’
‘સમાજ આને વ્યભિચાર કહે છે…’
‘ઓહ ફીશ… અલયને હવે સમાજની પણ ચિંતા થાય છે એમ? અને સમાજ જો એને વ્યભિચાર કહેતો હોય તો એ વ્યભિચાર સમાજને મુબારક. ‘વ્યભિચાર અને સોકોલ્ડ સમાજ’ એ વિષય પર હું એક થિસિસ તૈયાર કરી શકું એમ છે, પણ હમણા સમાજ જેવી ફાલતું બાબતની મને વાત નથી જોઈતી….’
‘હમમમ…’
અલયના ‘હમમમ’ સાથે આજે અનાહિતાને કોઇ લેવાદેવા ન હતી. ‘બ્લડી સમાજ… છાનેછપને પોતે કરે એ સારું અને બાકી બધાનો વ્યભિચાર…’ અનાહિતાએ સાથે ગુસ્સાનું એક ઈમોજી પણ મૂક્યું.
‘ઓ.કે માન્યું કે તારા માટે મને ચાહવું એ અદ્વેતને દગો નથી, પણ અદ્વેતના દૃષ્ટિકોણથી જોઈએ તો?’
‘એ દૃષ્ટિકોણથી અદ્વેતને જ જોવા દે… આ બાબતની જાણ અદ્વેતને બહારથી ક્યારેય નહીં થાય… એને હું જ, અનાહિતા પોતે કહેશે કે, હું તારા સિવાય પણ એક પુરુષને પ્રેમ કરું છું…’
‘અને અદ્વેત એ નહીં સ્વીકારે તો?’
‘સૌથી પહેલી વાત એ કે, જે પુરુષ અનાહિતાને સ્વીકારી શકે એ પુરુષ બીજું કંઈ પણ સ્વીકારી શકે… મેં આગળ પણ તને કહેલું અને આજે ફરી કહું છું કે, મારી વ્યાખ્યાઓ અલગ છે, મારી માન્યતાઓ જુદી છે અને હું પોતે નોખી છું… મારો સ્વીકાર કરનારે મને બધી રીતે સ્વીકારવી રહી અને અદ્વેતે મને પૂરો વિચાર કરીને જ મને સ્વીકારી છે… તું ધુની અને પલાયનવાદી છે… અદ્વેત નહીં…’
‘અચ્છા… પણ હું તને નહીં સ્વીકારું તો?’
‘તોય કોઈ વાંધો નહીં. ચાહતના બદલામાં ચાહત ઈચ્છે એ અનાહિતા નહીં. અને આમેય તને પ્રેમ કરીને હું કંઈ તારી સાથે ઠરીઠામ થવા નથી માગતી. હું બસ, તને ચાહવા માગું છું. તારી સાથે શેર કરવા માગું છું અને તારી આગળ ખાલી થઈ જવા માગું છું… કારણ? તો કે તું અને તારો સ્વભાવ મને ગમે છે… પણ જો તને એ પણ પસંદ ન હોય તો હું મૂકપણે તને ચાહતી રહીશ… પરંતુ તું પણ મને પ્રેમ કર એવી આજીજી નહીં કરું…’
‘અને હું તને પ્રેમ કરતો હોઉં તો?’
‘તો મારે તારી પાસે એક કરાર લેવો છે.’
‘શેનો કરાર?’
‘એ હું તને પછી કહીશ. તું પહેલા મને પ્રેમ કરવાની તૈયારી તો દાખવ…’
અલય અનાહિતાની વાત સાંભળીને આભો બની ગયો. આ સ્ત્રી એક સાથે બે પુરુષને ચાહવાની વાત કરી રહી હતી, ચાહતમાં બંનેને એક સરખો પ્રેમ કરવાની વાત કરી રહી હતી, અને જો અલય એને પ્રેમ કરે તો પ્રેમમાં કરાર કરવાની વાત કરી રહી હતી….
અનાહિતાની વાતોથી અલય હેરાન જરૂર હતો, પરંતુ એ વાત પણ એટલી જ સાચી હતી કે, અલય અનાહિતા તરફ આકર્ષાઈ પણ રહ્યો હતો. પ્રેમ તો આવી જ સ્ત્રીને થાય!
(ક્રમશઃ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર