ડિજિટલી Yours (પ્રકરણ ત્રણ)

21 Dec, 2016
12:00 AM

અંકિત દેસાઈ

PC: khabarchhe.com

ડિજિટલી યોર્સ

અલય.’

અલયે પોતે આ શબ્દ કોઈન કરેલો, જ્યારે પહેલી વાર એણે અનાહિતાને પત્ર લખેલો! અલય શબ્દોનો જાદુગર હતો. પોતાની લાગણીઓ અને જીવનની વાસ્તવિક્તાઓને વિશિષ્ટ રીતે શબ્દોમાં બાંધવાની એની આવડત ગજબની હતી. આખા દિવસમાં એ હજારો શબ્દો લખતો અને જેટલું લખતો એનાથી બે ગણા વધુ શબ્દો એ વાંચતો. એ ખૂબ વાંચતો અને ખૂબ રખડતો અને જેમ જેમ વાંચતો કે રખડતો એમ એની સમજણ અને એનું વિશ્વ સતત વિસ્તરતું જતું.

એની ટીનએજમાં જ્યારે એ એના ઑલટાઈમ ફેવરિટ વાર્તાકારને અહોભાવપૂર્વક મળવા ગયેલો ત્યારે હિમાંશી શેલતે એને ઑટોગ્રાફ આપીને એક પુસ્તકના પહેલા પાને લખી આપેલું,

વાંચવું એટલે વિકસવું અને સારું વાંચવું એટલે વિસ્તરવુંએ બંને માટે શુભેચ્છાઓ…’

સામાન્ય રીતે સ્પર્ધાઓમાં નહીં પડતા કે પોતાની જાતને સાબિત કરવાનો કોઈ ધખારો નહીં રાખતા અલયને ત્યારથી વિસ્તરવાની ખેવના જાગેલી. એને વિસ્તરવાની ખેવના થયેલી કારણ કે, એને વિહંગની જેમ ઉડવાની ઈચ્છા હતી. એને વિસ્તરવાની ખેવના એટલે થયેલી કે, ચીલાચાલું જીવન જીવી એણે સડી નહોતું જવું. એણે વિસ્તરવું એટલે હતું કે, એણે આ સૃષ્ટિના ચાલકબળને, આસપાસમાં જે ધબકે છે એ સર્વને અને પ્રકૃતિના તત્ત્વોને માણવું- અનુભવવું હતું. એના માટે આ જગત અને જગતમાં ઘટતું સધળું કૌતુક સમાન હતું, બાળક જેવા વિસ્મયથી તે હંમેશાં આ બધુ માણતો રહેતો.

પણ વિસ્તરવું એટલે શું? અલય માટે વિસ્તરવું એટલે માત્ર વ્યાપ વધારો નહીં. પણ કોઈ વેલ જેમ પાંગરે એમ સ્વનો વિકાસ કરતા, પોતાના અસ્તિત્વનો લીલેરો ઓચ્છવ માણતા કોઈક નવી, અજાણી દિશામાં આનંદથી આગળ વધવું! વિસ્તરવાની એ પ્રક્રિયા અલય માટે કોઈ ટાસ્ક કે ચેલેન્જ કે ડેડલાઈન નહોતી, પણ એ પ્રક્રિયા અલયનો નિજાનંદ હતો. વાંચવું કે રખડવું એને ખૂબ ગમતું!

ઘણી વાર એ અનાહિતાને ગાલિબનો એક શેર કહેતો,

बाज़ीचाये अतफाल है दुनिया मेरे आगे

होता है शबओ रोज़ तमाशा मेरे आगे

‘આ બધી ભાષાઓ તને યાદ કઈ રીતે રહે છે? આ બાજીચા અને અતફાલ અને શબઓ એટલે શું? યાર કેવી અટપટી વાતો તું યાદ રાખે છે…’ પહેલીવાર જ્યારે અનાહિતાએ આ શેર સાંભળેલો ત્યારે અલયને કહેલું.

‘હેહેહે… કંઈક ગમતું હોય તો એ આપોઆપ દિલમાં વસી જાય. એને માટે પ્રયત્નો કરવા પડતા નથી…’

‘વાહ. ચાલ હવે એ કહે કે આ બાજીચા અને અતફાલ એટલે શું?  મને તો બાજીરાવ અને અલતાફ રાજાના ચહેરા યાદ આવ્યા જ્યારે તું એ શેર કહેતો હતો.’ અનાહિતાએ જીભડા કાઢતા ત્રણ ઈમોજી મોકલ્યા.

સામે અલયે ત્રણ એનગ્રીના ઈમોજી મોકલ્યા.

‘હાહાહા… આઈ યમ સોઉરી… ચલો હવે મને અર્થો સમજાવો.’

‘અતફાલ એટલે બાળકો અને બાજીચા એટલે એમનું રમવાનું મેદાન… એટલે કે, આ દુનિયા મારે માટે બાળકોને રમવા માટેનું મેદાન છે અને રોજ મારી સામે જાતજાતના ખેલ ભજવાય છે…’  

‘આહહા… ક્યા બાત ફરમાઈ હૈ અલયમિયા આપને… શુભાન અલ્લાહ… માશા અલ્લાહ…’ અનાહિતાએ એને તૂટીફૂટી ભાષામાં લખવાનો પ્રયત્ન કર્યો.

***

અનાહિતા સાથે વાતો કરતી વખતે અલય પણ ખૂબ ખીલતો. પરંતુ છેલ્લા ચાર દિવસોથી અલય આનંદમાં નહોતો. અનાહિતા સાથે વાત ન કર્યાને આજે ચોથો દિવસ થયો, પણ આ ચાર દિવસોમાં એને સમજાયું કે એના માટે અનાહિતાનો એક અર્થ આનંદ પણ થાય છે. અનાહિતાની ગેરહાજરી એના જીવનમાં કેવો ખાલીપો સર્જી શકે છે એનો અહેસાસ એને છેક હમણા થયો. પરંતુ હઠપૂર્વક પોતાની જાતને અનાહિતાથી દૂર કરી રહ્યો હતો. એણે હવે આ સંબંધમાં વધુ ગૂંચવાવું-ગૂંગળાવું ન હતું. એણે કોઈ એક જગ્યાએ પૂર્ણવિરામ મૂકવું હતું.

આમ તો સાવ અચાનક અનાહિતા સાથે એનો ભેટો થયેલો, પણ પછી એને અનાહિતાની એવી આદત પડી ગઈ કે અનાહિતા એના માટે અભિન્ન થઈ ગઈ! પોતે ક્યાં એટલો બધો એક્ટિવ રહેતો ઈન્ટરનેટ પર કે, એને કોઈ વર્ચ્યુઅલ સંબંધો સ્થપાય? એને તો રિયલ વર્લ્ડમાં જીવવાનું વધુ ગમતું. શરૂ શરૂમાં એ સોશિયલ મીડિયામાં ઘણો એક્ટિવ રહેતો, પરંતુ જેમ જેમ એને ખ્યાલ આવતો ગયો કે, આ તો ઝાંઝવાના જળ છે એમ એણે સોશિયલ મીડિયા પરની એની હાજરી ઓછી કરેલી. છેલ્લા દોઢેક વર્ષથી તો એ વર્ચ્યુઅલ વર્લ્ડમાંથી સંપૂર્ણ ગાયબ હતો. વ્હોટ્સ એપ પર એણે એનું છેલ્લું સ્ટેટ્સ મૂકેલું, ‘ઓન અ વર્ચ્યુઅલ મેડિટેશન, સ્પેર મીઅને પછી નમસ્કારના બે ઈમોજીસ સાથે એક સ્માઈલી મૂકેલું.

પરંતુ આ વખતે કામના ભાગરૂપે એણે સોશિયલ મીડિયામાં ફરી એક્ટિવ થવું પડેલું. એની એક નવલકથામાં પાત્રોને ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રેમ થઈ જાય છે. પણ અલયને ખૂદને ડિજિટલ મીડિયાના એટિકેટ્સ કે એના વપરાશની પદ્ધતિઓ વિશે ખ્યાલ નહોતો, એટલે એના પાત્રો ડિજિટલ પ્રેમ કરે એ પહેલા એણે ડિજિટલ મીડિયમમાં કમબેક કર્યું.  

આ વખતે જોકે એને ડેટિંગ સાઈટ્સની જરૂર પડેલી. આફ્ટરઑલ એની વાર્તાનો પ્લોટ જ કંઈક એવો હતો! ગુગલ પર સર્ચ કર્યું તો એને ધ્યાનમાં આવ્યું કે, ‘ટિન્ડર’, ‘બડ્ડુઅનેહેપનજેવી અનેક સાઈટ્સ અને એપ્સ વેબ કે પ્લેસ્ટોર્સમાં ઉપ્લબ્ધ હતી. ઘણા વખતે મોબાઈલમાં ડેટાપેક એક્ટિવ કરાવીને એણે સૌથી પહેલા ટિન્ડર ડાઉનલોડ કરેલું અને ટિન્ડરને કઈ રીતે ઑપરેટ કરવું એનું ટ્યૂટોરિયલ જાણેલું.

શરૂશરૂમાં એને થોડી તકલીફ પડેલી કારણ કે, ટિન્ડર પર જે-તે વ્યક્તિને મેસેજ કરીને એમની સાથે સીધી વાતચીત નહોતી કરી શકાતી. અહીં બંને પાત્રો એકબીજાને રાઈટ સ્વાઈપ કરે અને મેચ થાય તો જ ટિન્ડર એમને એકબીજા સાથે વાત કરવાની પરવાનગી આપે નહીંતર, હેપી હન્ટિંગ!

ત્રણેક દિવસમાં તો અલયે એના શહેરના અનેક ટિન્ડર યુસર્સ સાથે મેચ કર્યું અને એમની સાથે વાતો કરી. પરંતુ, અહીં થોડી વાતચીત અને આછેરો પરિચય થાય એટલે લોકો સીધા સેક્સની વાત પર આવી જતાં. અલય એ પણ એન્જોય કરતો રહ્યો કે, કેટલાય લોકોએ રૂબરૂ નહોતું મળવું, પણ વાયા ટિન્ડર વ્હોટ્સ એપ પર આવી સેક્સચેટ કરવી હતી અને પોતપોતાના રસ્તે પડવું હતું.

એ બધામાં રૂબરૂ મળીને ફિઝિકલ થવાની વાત કરનારાય એને મળ્યાં. તો કેટલાકે પહેલા પૈસાની માગણી કરી, પોતાનો રેટ મૂક્યો અને પછી ફિઝિકલ થવાની કન્ડિશન્સ મૂકી! એણે ઑબ્ઝર્વ કર્યું કે, અહીં માત્ર અપોઝિટ મેચ જ નહીં, પરંતુ મેઈલ ટુ મેઈલ કે ફિમેલ ટુ ફિમેલ રિલેશનશીપ રાખવાવાળાઓની પણ ભરમાર હતી. ડિજિટલાઈઝેશનને કારણે થયેલા ગ્લોબલાઈઝેશનથી આપણી સમાજ વ્યવસ્થામાં પણ પરિવર્તનો આવી રહ્યા હતા. માનવ સંબંધો હવે નવા આયામો સર કરી રહ્યા હતા અને સમાજવ્યવસ્થા ધીરેધીરે જૂના નિયમો, જૂની રીતભાતો કે જૂની વ્યાખ્યાઓની કાચળી ઉતારી નવું રૂપ ધરી રહી હતી.

રિલેશનશીપ્સ કે સેક્સ સંબંધો પણ હવે બેડરૂમમાંથી બહાર આવીને ડિજિટલ મીડિયમ પર તરી રહ્યા હતા અને જે બાબતોની ચર્ચા છાનેછપને કે ઈશારાથી થઈ રહી હતી એ ચર્ચાઓ ચેટિંગના માધ્યમથી બેધડક થઈ રહી હતી.

આવા ડિજિટલ મીડિયમ પર જે હાજર હતા અને સાવ અજાણ્યાઓ સાથે શારીરિક સંબંધો માણવા તૈયાર થતા હતા એ બધા કંઈ અભણ કહી શકાય એવા લોકો પણ નહોતા. ઉચ્ચ વર્ગના કે નિયો મધ્યમવર્ગના ખૂબ ભલેણા-ગણેલા અને મોટીમોટી ફર્મમાં મહિને લાખોનો પગાર તોડી પાડતા લોકો અહીં હાજર હતા. ટીનએજથી લઈ આધેડ કે કેટલાક કિસ્સામાં વૃદ્ધ કહી શકાય એ ઉંમરના યુવક-યુવતી-સ્ત્રી-પુરુષો પોતાની સાચી ઓળખ સાથે અહીં મોજૂદ હતા અને કોઈની પણ સાથે ટૂંકા પરિચય બાદ પોતાની લાગણીઓ અને શરીર શેર કરવા કે કેટલાક કિસ્સામાં પોતાનું જીવન ગુજારવા તૈયાર હતા.

એમાંના ઘણા વાસ્તવિક જીવનમાં કમિટેડ હતા કે, પરણીને ઠરીઠામ થયેલા પણ હતા. એમના વાસ્તવિક સંબંધોની સમાંતર એમના વર્ચ્યુઅલ સંબંધો પણ ચાલતા હતા, જેને એકવીસમી સદીના બીજા દાયકાની ઉપ્લબ્ધી જ કહી શકાય.

એવુંય નહોતું કે, અહીં જે હાજર હતા એ બધાની પ્રાયોરિટી સેક્સ જ હતી. કેટલાકને સારા મિત્રો જોઈતા હતા, હમસફરો જોઈતા હતા, સાંજને સમયે જેની સાથે એક કપ કોફી શકાય અને દિવસભરની ચર્ચા કરીને એની સમક્ષ ખાલી થઈ શકાય એવું જણ પણ જોઈતું. જેટલા લોકો ડિજિટલ મીડિયમમાં હાજર હતા એટલી જ એમની ચોઈસ પણ અહીં ઉપ્લબ્ધ હતી. બધાનું લક્ષ્ય કે જરૂરિયામાત્ર એટલી જ હતી કે, એ બધાએશેરકરવું હતું, વ્યક્ત થવું હતું, અંદર ઢબુરાઈને પડેલું કશુંક ખાલી કરી દેવું હતું…

અલય ઘણી વાર વિચારતો કે આવી સોશિયલ નેટર્વકિંગ સાઈટ્સ પર ઉભરાતા મોટા સમુદાયને કઈ રીતે વ્યાખ્યાયિત કરવો? શું આ બધા એમના અંગતમાં જીવનમાં ખૂબ દુઃખી હશે? મહાનગરની ભીડમાં જીવતો માણસ એટલો બધો એકલો હશે કે, એણે મિત્ર, કમ્પેનિયન, પાર્ટનર કે ઈમોશનલ આધાર શોધવા આવી સાઈટ્સ પર આધાર રાખવો પડે? કે પછી આ આભાષી દુનિયા લોકોને પ્રબળતાથી એની તરફ ખેંચે છે, માણસને ભીંસમાં જકડે છે અને સતત એ આભાસી દુનિયામાં જ ઉલઝેલો રાખે છે?

એક દિવસ ટિન્ડર પર લોકોના પ્રોફાઈલ્સ સ્વાઈપ કરતી વખતે એક અજાણ્યું નામ એની નજરે ચઢ્યું. પ્રોફાઈલમાં નામ લખ્યું હતું અનામિકા અને નામની બાજુમાં ઉંમર પાંત્રીસ વર્ષ લખી હતી. ત્રીસી વટાવી ગયેલા ઘણા લોકોને એણે ટિન્ડર પર જોયા હતા અને એમાંના કેટલાક સાથે એણે ચેટિંગ પણ કર્યું હતું, પરંતુ અનામિકા નામની સાથે જે ફોટોગ્રાફ હતો એ ફોટોગ્રાફ એને રાઈટ સ્વાઈપ કરવા પર મજબૂર કરી રહ્યો હતો.

ફોટોગ્રાફમાં જે સ્ત્રી દેખાતી હતી એ અત્યંત આકર્ષક લાગતી હતી અને એ જે વાતાવરણમાં બેઠી હતી એ પણ અલયને ગમી જાય એવું હતું. બર્ફિલા પહાડોની વચ્ચે ખળખળ વહેતી કોઈ નાનકડી નદીને કિનારે એક ખડક પર એ સ્ત્રી બેઠી હતી અને બંને હાથે એણે કુલડી પકડી રાખી હતી. ઠંડી લાગવાને કારણે એ સ્ત્રી સહેજ ઠૂઠવાઈ રહી હોય એવું લાગતું હતું, પરંતુ હાથમાંની ગરમ કુલડી અને એમાં રહેલા દ્રાવણથી એને થોડો ગરમાવો મળી રહ્યો હોય એવી એની બોડી લેંગ્વેજ હતી. કૂમળા તડકાને કારણે એના વાળમાંની સોનેરી ઝાંય કેમેરામાં અદભુત રીતે ઝીલાયેલી હતી. એનું બદન ઓવરકોટથી ઢંકાયેલું હતું, પરંતુ એની હાજરીની નક્કર નોંધ લેવડાવવા માટે એનો ચહેરો અને લહેરાતા લાંબાં વાળ કાફી હતા.

અલયને એ ફોટોગ્રાફમાંની સ્ત્રી ગમી ગઈ. એના ચહેરા પરના હાવભાવ એ વાતની ચાડી ખાઈ રહ્યા હતા હતા કે, આ સ્ત્રી ઘણી શાલીન છે. અલયને યાદ આવ્યું શાલીન માટે શબ્દકોશમાં નમ્ર, વિનયી, વિવેકી, શરમાળ, લજ્જાળુ અને ખાનદાની જેવા અર્થો આપ્યા છે. એણે વિચાર્યું, ‘શું ખરેખર આ સ્ત્રી લજ્જાળુ, નમ્ર અને વિવેકી હશે?’

એણે તરત એ પ્રોફાઈલને રાઈટ સ્વાઈપ કર્યું અને હજુ તો એ બીજા કોઈ પ્રોફાઈલ તરફ નજર મારે એ પહેલા એના મોબાઈલની સ્ક્રીન પર ઝબકી ઊઠ્યું,

‘It’s a Match!

You and Anamika liked each other.’

ટિન્ડર પર મેચ થયું એટલે એટલું તો સ્વાભાવિક હતું કે, અલયની જેમ અનામિકા નામની એ સ્ત્રીએ પણ અલયનું પ્રોફાઈલ જોઈને રાઈટ સ્વાઈપ કર્યું હશે! પરંતુ મેચનો મેસેજ આવ્યો પછી પણ અલયે અનામિકાને મેસેજ નહીં કર્યો અને હન્ટિંગ ચાલું રાખ્યું.

કોઈકની સાથે મેચિંગ થયા પછી પણ એની સાથે ચેટિંગની શરૂઆત પોતે ન કરવી એવી અલયે નવી એટિટ્યુડ કેળવી હતી. ‘જો એણે વાત કરવી હોય તો ઠીક, નહીં તો તેલ પીવા જાય…’ એવું એ એકલો એકલો બબડતો રહેતો. પણ અનામિકા સાથે મેચિંગ થયા પછી એના જીવને ચેન નહીં પડ્યું. એને થયું આ સ્ત્રીને તો સામેથી મેસેજ કરવો જોઈએ. કશુંક આકર્ષી રહ્યું હતું એને!

વધુ વિચાર કર્યા વિના અલયે અનામિકાને મેસેજ કર્યો, ‘હેય

હાઈઈઈવોઝ જસ્ટ ચેકિંગ યોર પ્રોફાઈલ. ઇટ્સ વેરી નાઈસ….’ બીજી જ ઘડીએ અનામિકાનો મેસેજ આવ્યો.

ઓહહહ…. થેંક્સ…’ અલયે સાથે એક સ્માઈલી પણ બીડ્યું.

સો મિસ્ટર રાઈટર, હાઉ આર યુ?’

આઇ એમ ગુડવોટ અબાઉટ યુ મીસ અનામિકા... આઈ જસ્ટ વોન્ટેડ ટુ આસ્ક યુ વન ક્વેશ્ન…’

યસપ્લીઝ…’

ટિન્ડરની તમારા પ્રોફાઈલ પિકમાં તમારા હાથમાં જે કુલડી છે એમાં શું છે? ચ્હા કે કોફી? કે પછી બીજું કંઈ?’ અલયે જીભડા કાઢતા ત્રણ ઈમોજીઝ એકસાથે મોકલ્યા.

હેહેહેહેસો ક્યુટ યુ આર…’

અરેહ…. ધેટ વોઝ નોટ એન આન્સર ઑફ માય ક્વેશ્ન…’ અલયે ફરી જીભડો કાઢ્યો.

વેલચ્હા હતી એ કુલડીમાં.’ અનામિકાએ સાથે ચ્હાના કપનું ઈમોજી પણ બીડ્યું.

ફરી એણે લખ્યુઃ

હું મનાલીથી રોહતાંગ જઈ રહી હતી ત્યારે વચ્ચે એક સરસ જગ્યાએ મેં કાર ઊભી રખાવેલી. નદીની ઉપર બે પહાડોને જોડતો એક નાનો લોખંડનો બ્રિજ આવે છે, પણ બ્રિજ પહેલા એક ધૂળિયો ટેકરો નદીના કિનારે ઉતરે છે. આઈ ડોન્ટ રિમેમ્બર ધ નેમ ઑફ ધેટ પ્લેસ, પણ ત્યાં પહાડોની વચ્ચે ખડકો વચ્ચેથી બ્યાસ વહે છે અને ત્યાંના મોટા ખડકો પર હિમાચલના ભોળા લોકો ચ્હા અને મેગીના ઠેલા લગાવીને બેસે છે.’

આઈ થિંક કોઠી પાસે હોવી જોઈએ એ જગ્યા…’ અલયે કહ્યું.

હા એ પણ હોઈ શકે, પરંતુ મને યાદ છે ત્યાં સુધી એ જગ્યાનું કોઈ ચોક્કસ નામ છે, જ્યાં રોહતાંગ-મનાલી રૂટ પર આવતા જતા લોકો ફ્રેશ થવા ઊભા રહે છે. એ જગ્યાનું સૌંદર્ય અને ત્યાંની શાંતિ એટલી ગજબ હતી કે, ભીડથી સહેજ દૂર જઈ અડધા-પોણા કલાક સુધી હું ત્યાં એમ જ બેસી રહેલી અને ખડકો વચ્ચે વહેતી રહેતી બ્યાસનો રવ માણતી રહેલી.’

ઈમ્પ્રેસિવ યારબાકી આવી જગ્યાએ ફરવા જાય એ લોકોને પ્રકૃતિ કે સૌંદર્ય સાથે કોઈ લેવાદેવા જ નથી હોતી. એમણે તો બસ, લોકોને બતાવવું હોય છે કે, અમે આવા કોઈ બર્ફિલા પ્રદેશોમાં ફરવા ગયેલા! આ માટે એ લોકો સતત ફોટોગ્રાફ્સ અને સેલ્ફી કલિક કરતા રહેતા હોય અને પોતાના કકળાટથી બીજાને પણ પરેશાન કરતા રહેતા હોય…’ અલયે પહેલી વાર ટિન્ડર પર આટલો લાંબો મેસેજ કર્યો.

સો યુ હેડ બીન ધેર એટ મનાલી, રાઈટઅનામિકાએ પૂછ્યું.

હા, હું બે-ત્રણ વખત ત્યાં જઈ આવ્યો છું. મને ત્યાંની શાંતિ ખૂબ આકર્ષે છે એન્ડ યસ ત્યાંના જંગલો પણ! સાંજને ટાણે હાથમાં એકાદું નાનકડી લાકડી હાથમાં ઝાલી ત્યાંના ધૂળિયા રસ્તાઓ પર થઈ આજુબાજુના ગામડાંમાં રખડવા નીકળવાનું મને ખૂબ ગમે. અંધારું થાય ત્યારે હલકી હલકી ઠંડીમાં દેવદારના જંગલોમાંથી રસ્તો શોધતા મનાલી તરફ આવવાની મજા જ કંઈક અલગ છે. અનેક વાર ત્યાંની વાડીઓમાં ઝૂલતા સફરજનો તોડીને ખાધા છે અને રસ્તે મળી જતા હિમાલયના ભરાવદાર અલમસ્ત કૂતરા સાથે રમ્યો છું. કંઈ કેટલીય વાર હું ભૂલો પડ્યો છું ત્યાં અને પછી લોકોને પૂછતો પૂછતો આકાશમાં જે દિશામાં વધુ પ્રકાશ દેખાય એ દિશામાં આગળ વધીને મનાલીના બજાર સુધી પહોંચ્યો છું….’

ઈમ્પ્રેસિવ યારગ્રેટ..’ અનામિકાએ અલયની સ્ટાઈલમાં જ એને રિપ્લાય આપ્યો.

હમમમ

હેય, પ્લીઝ હમમમમ હમમમ નહીં લખતો. આઈ જસ્ટ હેટ ધેટ…’

અરેતું તો ખરી છે યાર….’

શું ખરી છે? જનરલી છોકરીઓ હમમમ હમમમ લખતી હોય છે, પણ અહીં તો ઉલટી ગંગા વહે છેલીવ ઈટમને તારી વાતોમાં ખૂબ રસ પડ્યો. મનાલી તો હું પણ બે વખત ગઈ છું. બંને વખત એકલી જ ગઈ છું, પણ તારી જેમ હાથમાં લાકડી લઈને ત્યાંના જંગલોમાં ફરવા નથી નીકળાયુંરાધર અક્કલ જ નથી ચાલી એવી…’ અનામિકાએ બે લાફિંગ ઈમોજી મોકલ્યા.

હેહેહેહેબેટર લક નેક્સ્ટ ટાઇમ…’

યો…’ અનામિકાએ સાથે થમ્સ અપનું ઈમોજી મોકલ્યું.

અનામિકાનો એ મેસેજ આવ્યો પછી થોડી વાર સુધી બંને જણે એકબીજાને મેસેજ નહીં કર્યા. અલયને એવી ઈચ્છા થઈ રહી હતી કે અનામિકા એને મેસેજ કરે, પરંતુ છેલ્લી પંદર મિનિટમાં એનો એક પણ મેસેજ નહોતો.

એને વિચાર આવ્યો, ‘બ્યાસને કિનારે ઠંડીમાં ઠૂઠવાતા ચ્હા પીતી, ભીડથી સહેજ દૂર જઈ હિમાલય સાથે એકાંતનો ઉત્સવ મનાવતી છોકરી કંઈ ચીલાચાલું મેન્ટાલિટીથી જીવતી હોય એવું નહીં બને. જેને ભીડથી દૂર થવાનું મન થાય એ સ્વાભાવિક જ કંઈક યુનિક હોવાના. જે ભીડમાં ન હોય એ લીડ કરતા હોય છે… ’ અલયના ચહેરા પર એક સ્મિત રમી ગયું…

સો મિસ અનામિકા…. તું પણ ભીડનો જીવ નથી એમ ને?’ અલય સહેજ બબડ્યો. એના ચહેરા પણ એક હળવું સ્મિત હતું. અલય પોતે પણ ક્યાં કોઈ ભીડનો હિસ્સો હતો?

(ક્રમશઃ) 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.