ડિજિટલી Yours (પ્રકરણ બે)

14 Dec, 2016
12:00 AM

અંકિત દેસાઈ

PC: khabarchhe.com

આ પહેલા આવું ક્યારેય નહોતું થયું. અલય અને અનાહિતાની ઘણી વાર તકરાર થતી અને કેટલીક વાર મામલો ગંભીર પણ બની જતો, પણ અલય કે અનાહિતાનો ગુસ્સો થોડા કલાકોથી વધુ ન ટકતો. એકબીજા માટેની એમની ચાહત એટલી ઉંડી હતી કે એકમેકના નાના-મોટા વિરોધાભાસ કે મર્યાદાઓ ક્યારેય એમના સંબંધની આડે નહીં આવતા. એકબીજાનો અહંકાર પણ નહીં!

અહંકાર વિશે અનાહિતા અલયને હંમેશાં કહેતી, ‘સ્ત્રી પુરુષના સંબંધમાં પરસ્પરનો વિશ્વાસ જેટલો મહત્ત્વનો છે એટલી જ મહત્ત્વની છે અહંકારની શૂન્યતા. અહંકારમાં ક્યારેય કોઈની જીત નથી થતી, અહીં બંને પક્ષે તૂટવાનું જ આવે છે. સ્ત્રી પુરુષના સંબંધમાં જ્યારે પણ અહંકારની જીત થાય ત્યારે વ્યક્તિ પોતે ભલે જીતી જતી હોય, પરંતુ પોતાની જીતની સાથે એ પોતાના પ્રિયજનને હારી પણ જતી હોય છે.’

છેલ્લા ત્રણ દિવસથી અલય સાથે એની કોઈ વાત નહોતી થઈ. અનાહિતાને ઘણી વખત મન થયું કે, અલયને વ્હોટ્સ એપ કરીને એની માફી માગેફરીથી બધુ નોર્મલ કરી દે, પણ અલયે અનાહિતાને બ્લોક કરેલી! એણે ફોન કરવાના પ્રયત્નો કર્યા ત્યાં પણ એ જ સ્થિતિ હતી. એણે અલય સાથે વાતો કરવી હતી, એની સાથે સમય પસાર કરવો હતો, પરંતુ અલયે એના સુધી પહોંચવાના બધા રસ્તા બંધ કરી દીધા હતા. અલય જે જગ્યાએ પેઈંગ ગેસ્ટ તરીકે રહેતો એ જગ્યાનું એડ્રેસ એની પાસે હતું, પરંતુ અલયને તે રૂબરૂ મળી નહોતી શકતી. બીજો ડર એ પણ હતો કે, ક્યાંક ઘૂંઘવાયેલો અલય બધાની વચ્ચે એનું અપમાન નહીં કરી બેસે.

અનાહિતા માટે અલય વિના જીવવું મુશ્કેલ થઈ પડ્યું હતું. અલયની જાણે એને આદત થઈ ગયેલી. અલય ભલે એને કંઈ કહે કે ન કહે, પણ પોતાના જીવનની કે દિવસભરની રજેરજ વાતો અલયને કહેવી એને ગમતી. સ્ત્રી-સ્વભાવનો આ વિશિષ્ટ ગુણધર્મ કહી શકાય કે, એને પોતાના પ્રિયજન સમક્ષ ઠલવાઈ જવાનું ગમતું હોય છે. એક ગજબનો સંતોષ અને સિક્યુરિટી અનુભવતી હોય છે સ્ત્રી ખાલી થઈ જવાની આ પ્રક્રિયામાં!

અલયનો વ્હોટ્સ એપ કે કૉલ આવશે એ આશાએ અનાહિતા સતત એનો મોબાઈલ હાથમાં રાખતી. દર ત્રીજી સેકન્ડે એ મોબાઈલ સ્ક્રીન પરનું વ્હોટ્સ એપ નોટિફિકેશન ચેક કરતી અને દર બે મિનિટે વ્હોટ્સ એપમાં જઈ અલયના નામ તરફ જોતી. દર વખતે એને એક જ ઝંખના હોય કે, હમણા અલય એને અન-બ્લોક કરશે અને હમણા એનો મેસેજ આવશે, ‘આઈ મિસ્ડ યુ અનુતારા વિના એકલા હું એક પળ પણ વીતાવી નહીં શકું…’

પણ અનુ જેવું વિચારી રહી હતી એવું કશું નહોતું થઈ રહ્યું. ત્રણ દિવસથી અલયનો કોઈ અતોપતો નહોતો અને ત્રણ દિવસથી અનાહિતા ઘરમાં કશું જ નહોતી કરતી કે ન તો એ ઘરની બહાર નીકળતી. બસ, એના વિશાળ બેડરૂમમાં આડી પડીને અલય સાથેની જૂની ચેટ વાંચતી રહેતી અથવા પર્સનલ લાઈબ્રેરીમાં બેસી કોઈ પુસ્તક હાથમાં લઈ અન્યમનસ્ક તાકી રહેતી.

લાઈબ્રેરીમાં જવા પાછળનું કારણ એટલું જ કે, ત્યાં અલયે ભેટમાં આપેલા અનેક પુસ્તકો હાજર હતા. અલય જેને પોતાનું અમેચ્યોર પુસ્તક કહેતો એ એનું પહેલું પુસ્તક પણ ત્યાં હતું. ભેટમાં મળેલા એ પુસ્તકોના પહેલા પાને અલયે પોતાના હાથે લખેલું એનું નામ અને એથીય વિશેષ અલયે એને લખેલા પત્રો એની લાયબ્રેરીના અનેક પુસ્તકો વચ્ચે સચવાઈને પડ્યા હતા!

અલયને પુસ્તકો ભેટમાં આપવાનો ખૂબ શોખ હતો. એક જ શહેરમાં રહેતા હોવા છતાં અલય એને સ્પીડ પોસ્ટ દ્વારા અઢળક પુસ્તકો મોકલતો. અનાહિતાને જ્યારે પણ એ પુસ્તકની ભેટ આપતો ત્યારે ભેટની સાથે પોતાના અક્ષરોમાં એક પત્ર લખતો. એ કહેતો, ‘હાથથી લખવાની આદત હવે લગભગ છૂટી ગઈ છે, પરંતુ પ્રિયજનને તો હાથથી જ પત્ર લખવો. પોતાની ગેરહાજરીમાં જ્યારે પ્રિયજનને આપણી યાદ આવે ત્યારે બીજું કંઈ નહીં તો એ આપણા અક્ષરોને સ્પર્શી શકે, એની હૂંફ પામી શકે અને પ્રિયજનના દિલમાંથી સીધા કાગળ પર ઉતરેલા શબ્દો દ્વારા પ્રિયજનના દિલ સુધી પહોંચી શકે.’

આ તો લાગણીવેડા કહેવાય યાર. તમને લેખકોને આવી ભ્રમણાઓમાં જીવતા બહુ આવડે. જેટલી અવાસ્તવિક વાતો તમે કરો છો એટલું અવાસ્તવિક જીવન જીવો છો ખરાં? કે આવા ભ્રામક શબ્દોના સાથિયા પૂરીને માત્ર લોકોની લાગણીઓ ઉશ્કેરવાનું જ કામ કરો છો?’ અલય જ્યારે લાગણીશીલ બની જતો ત્યારે અનાહિતા એને ટોકતી.

અનાહિતા થોડી પ્રેક્ટિકલ હતી. પણ અલય ખૂબ લાગણશીલ હતો, દરેક બાબતોને એ લાગણીના ત્રાજવામાં તોલતો, જેને પગલે ઘણી વખત એના ભાગે છેતરાવાનું આવતું. જગતમાં હંમેશાં બુદ્ધિશાળી માણસો રાજ કરતા હોય છે અને લાગણીશીલ લોકોને દુનિયા પોચટ કે પાણી વિનાના કહેતી હોય છે એ વાતની અલયને પણ જાણ હતી. તોય અલય દુનિયા કે દુનિયાદારીની પરવા કરે એમાંનો નહોતો.

વાંધો નહીં બેટા.’ અલય ખુશ હોય અથવા મજાકમાં કોઈ ટોણો મારવાનો હોય ત્યારે એ અનાહિતાને બેટા કહીને સંબોધતોઃ

જેનો દિવસ પૈસાની થોકડીઓ ગણવામાં અને જિંદગી રકમોના ગુણાકાર કરવામાં નીકળી જતી હોય એને શબ્દો કે લાગણીઓના મૂલ્ય અને એની અસરકારકતા વિશે ખ્યાલ ન આવે.’

મેં ક્યારે રકમો ગણી અલય? ગણતરીઓ મને ક્યારેય પરવડી જ નથી!’

તું માને કે ન માને, પરંતુ પૈસા અને સ્ટેટ્સ અને બ્રાન્ડ-કોન્સિયસનેસ ને સેલ્ફ ઈમેજ ને એ બધું, તમારી અમીરોની ગણતરીઓનો જ ભાગ છે. તમે લોકો આંકડાઓમાં જેટલી શ્રદ્ધા દાખવી શકો એટલી શ્રદ્ધા તમે શબ્દો કે લાગણીઓમાં નહીં દર્શાવી શકો. જ્યારે હું નહીં હોઈશને ત્યારે તને ખબર પડશે કે, મારા આ શબ્દોનું મૂલ્ય શું છે? મારા લખાયેલા શબ્દો પર તું જ્યારે હાથ ફેરવશે ત્યારે તને એવો અહેસાસ થશે કે, તું મારા માથાનાં વાળમાં હાથ ફેરવે છે. મારી જે છાતી પર આજ સુધી તેં માથું નથી ઢાળ્યું એ છાતીનો ઝુરાપો તને કનડશે, જ્યારે તું એ પત્રોમાંથી ફરી ફરીને પસાર થશે…’

અલયની એ વાત હવે સાચી સાબિત થઈ રહી હતી. અલયની ગેરહાજરીમાં અનાહિતા રહી રહીને એના શબ્દો તરફ આકર્ષાઈ રહી હતી, એ શબ્દોમાં આધાર શોધી રહી હતી અને અલયને પામવાની કોશિશ કરી રહી હતી. અલય ભલે એમ કહેતો હોય કે, તને શબ્દો કે લાગણીનું મૂલ્ય નથી. પણ અનાહિતા અલયના શબ્દોને ખૂબ ચાહતી હતી. લાગણીરૂપે લખાયેલા શબ્દો પણ ક્યારેક માણસનો સહારો બની શકે એ વાતનો અહેસાસ એને પહેલી વખત થઈ રહ્યો હતો.

પુસ્તકોના રેક પાસે ઊભેલી અનાહિતાની નજર અલયે પહેલી વાર એને ભેટમાં આપેલા પુસ્તક પર ગઈ. પહેલી વાર અલયે એને અમૃતા પ્રિતમની આત્મકથારેવન્યુ સ્ટેમ્પભેટમાં આપેલી. પુસ્તકના છેલ્લા ત્રણ પાને અલયે હિન્દી, અંગ્રેજી અને ગુજરાતીમાં અમૃતાની એક જ કવિતા લખેલી, જેનો ગુજરાતી અનુવાદ ણે પોતાની રીતે કરેલો.

હું તને ફરી મળીશ

ક્યાં, કઈ રીતે એની ખબર નથી

કદાચ તારા વિચારોમાં

કોઈ પ્રેરણા બની

તારા કેનવાસ પર હું ઉતરીશ

અથવા

તારા કેનવાસ પર કોઈ રહસ્યમયી રેખા બનીને

ચૂપચાપ તને નિહાળતો રહીશ.

પણ, હું તને મળીશ.

ક્યાં, કઈ રીતે એની ખબર નથી…’

અનાહિતા સાહિર અને અમૃતા બંનેને ઓળખતી હતી. સાહિરે લખેલા કંઈ કેટલા ગીતો પર્સનલ ફેવરિટ સોંગ્સ તરીકે એના મોબાઈલમાં સેવ્ડ હતા. તો અમૃતાની કેટલીક કવિતાઓ અને વાર્તાઓ પણ એણે વાંચેલી. પણ, અમૃતા અને સાહિર એકબીજાને ચાહતા હતા એવું એને અલય પાસેથી જાણવા મળેલું. અનાહિતા માત્ર એક સામાન્ય વાચક તરીકે એ લેખકોના સર્જનથી વાકેફ હતી, પણ અલય અમૃતા અને સાહિરની પાછળ પાગલ હતો. ઘણી વખત એ કહેતો કે, ‘હું સાહિર અને અમૃતાના સાહિત્યના પ્રેમમાં છું કે, એમનો પ્રેમ અને વ્યક્તિગત જીવનના ઉતાર-ચઢાવો મને એમની તરફ આકર્ષે એની મને ખબર નથી, પણ એક વાત નક્કી કે, મને સાહિર અને અમૃતા ખૂબ આકર્ષે છે, જ્યારે પણ મનમાં એમનો વિચાર આવે છે ત્યારે રોમાંચ થાય છે.’

એ કહેતો, ‘સાહિરે, એક વારતાજમહલનામની ગઝલ પોતાના હાથે લખી, એને ફ્રેમમાં મઢાવી અમૃતાને ભેટમાં આપેલી, જે ગઝલને અમૃતાએ આજીવન જણસની જેમ સાચવી હતી.’

ફરી અલયની યાદ આવતા અનાહિતાએ પોતાના હાથમાંની અમૃતાની આત્મકથા હ્રદયસરસી ચાંપી. એને થયું એ અલયને ભેટી રહી છે! અલયના શબ્દો સાચા પડી રહ્યા હતા, જે છાતી પર અનુએ ક્યારેય માથું નથી ઢાળ્યું એ છાતીનો ઝુરાપો એને કનડી રહ્યો હતો…

પુસ્તકોના રેક પાસેથી એ આરામ ખુરશી પર આવીને બેઠી. આખા ઘરમાં માત્ર એને જ પુસ્તકોનું ઘેલું હતું. એણે એના વિશાળ બંગલાના એક રૂમમાં લાઈબ્રેરી તૈયાર કરાવડાવેલી. આમ તો અનુને બગીચામાં જઈને ચ્હા પીતા પીતા વાંચવું ગમતું. પણ કોઈ વાર એને થતું આજે પુસ્તકોની સોબતમાં જ વાંચવું છે, તો એ લાઈબ્રેરીમાં આવીને બેસતી. ના માટે એણે લાઈબ્રેરીની બારી પાસે એક આરામ ખુરશી મૂકાવડાવેલી અને ક્યારેક આડા પડીને વાંચી શકાય એ માટે સામે લેધરનો સોફા પણ મૂકાવેલો. ક્યારેક વાંચવાનું મન થાય ન તો હાથમાં ચ્હાનો કપ લઈ મિનિટો સુધી બારીની બહાર સહેજ દૂર પથરાયેલી નદીને જોયા કરતી. આ રીતે અન્યમન્સ્ક અવસ્થામાં પોતાની ગમતી દુનિયામાં ચાલી જવું એને ગમતું.

ખુરશી પર બેસીને સૌથી પહેલા એણે પુસ્તકમાંથી જીવની જેમ સાચવી રાખેલું એક એન્વલપ કાઢ્યું. અલયે ભેટમાં આપેલા તમામ પુસ્તકોમાં એક એન્વલપ હતું અને એ દરેક એન્વલપમાં હતા અલયના પત્રો, જેમાં અલયે એની બધી લાગણીઓ નીચોવી કાઢી હતી!

અનાહિતા…’ અનુએ અલયે એને લખેલો પહેલો પત્ર વાંચવાનો શરૂ કર્યો.

આ વખતે તને માત્ર અનાહિતા જ કહીને સંબોધું છું.. જોઈએ હવે આ સંબંધ ક્યાં જાય છે અને એને આપણે શું નામ આપીએ છીએ. જો આપણો સંબંધ વધુ નહીં ટક્યો તો સ્વાભાવિક જ હું તને બીજો પત્ર નહીં લખું. અને જો સંબંધ ટકી ગયો તો પ્રિય કે વહાલી અનાહિતાનું સંબોધન થશે કે માત્ર અનાહિતાનું સંબોધન યથાવત રહેશે એ જોવું રહ્યું.

કદાચ સમય જ નક્કી કરશે આ સંબંધની નિયતિ. ક્યાં પહોંચીશું અને શું પામીશું આપણે? આ તો ખરું કહેવાય નહીં? જે સંબંધ એના ચોક્કસ ગંતવ્યે પહોંચવાનો નથી એની આપણને બંનેને ખબર છે, છતાં આપણે એ સંબંધની નિયતિ વિશે વિચારી રહ્યા છીએ… જે સંબંધ ક્યાંય પહોંચવાનો નથી એમાંથી શું પામીશું એના સપનાં જોઈ રહ્યા છીએ! પણ વણઝારાની જેમ આપણે મુકામની ચિંતા ક્યારેય કરવાની જ નથી… આપણે તો સફરને માણવાની અને એ સફરમાં જે કંઈ જડે એને ઉપ્લબ્ધી સમજી આગળને આગળ વધતા રહેવાનું છે… બસ, ચાલતા રહેવાનું છે…

પરંતુ, અનુ મને એક ડર પણ પેઠો છે કે, સફરના દરેક પડાવ પર આપણે હંમેશાં સાથે જ હોઈશું? કે કોઈક વળાંક પર જુદા જુદા રસ્તે ફંટાઈને એકલા જ આપણી સફર ખેડવી પડશે? તારી મને ખબર નથી, પણ મારા પ્રવાસમાં તારી યાદોની પોટલી, તારી વાતોનો ખજાનો હંમેશાં મારી સાથે રહેશે. ક્યારેક રસ્તે ચાલતા ચાલતા તારા ઝુરાપાનો થાક લાગશે તો ઘડીક પોરો ખાઈને ખોલીશ એ ખજાના અને તૃપ્ત થઈ ફરી નીકળી પડીશ મારી યાત્રાએ…   

અનુ, તારી અને મારી બંનેની કેટલીક મર્યાદાઓ છે. વળી, બંનેની પોતપોતાની શરતો છે. કહેવાય છે કે, પ્રેમ ક્યારેય શરતોથી નથી થતો. જો એ વાત સાચી હોય તો આપણા સંબંધને આપણે શું કહીશું? આપણા સંબંધની તો ખાસિયત જ એ છે કે, આપણે બંનેએ પહેલા શરતો મૂકેલી અને પછી પ્રેમ તરફ પગલું માંડેલું

મને લાગે છે અનુ, પેલી ઉક્તિમાં આપણે થોડો સુધારો કરવો પડશે. આપણે કહેવું પડશે કે, એક નહીં, પણ લાખ શરતો સાથે પણ પ્રેમ તો થઈ જ શકે છે. પણ જો પ્રેમીઓએ બેમાંથી એક થવું હોય તો શરતોથી એ શક્ય નથી. શરત ક્યારેય કોઈને એક નથી થવા દેતી અનુ, શરતો માત્ર રેખાઓ જ દોરતી હોય છે, ચોસલા જ પાડતી હોય છેકોઈ પણ શરતનો અલ્ટીમેટ ગોલ વિભાજન જ હોય છે!

ખૈર, તને પાછું આ બધું ફિલોસોફી અને બકવાસ લાગશે. પણ મને આવું બધું વિચારવું અને કંઈક અંશે એ રીતે જ જીવવું ગમે છે. તું પણ તારી આસપાસની જંજાળ ત્યજીને, ખભા પરનો ભાર ખંખેરીને આ રીતે જીવી જોજે. મજા આવશે તને

ડિજિટલી યોર્સ

અલય.   

 

(ક્રમશઃ)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.