બ્રેકઅપ બાદ સંતાનોને સાચવવાની જવાબદારી પણ મા-બાપની?
આજના યુવકનું એક્સપોઝર એટલું વધી ગયું છે કે, એમના માટે કંઈ જ નવું નથી રહ્યું. દરેક વાત, હકીકત એટલી ઝડપથી એને હાથવગી થઈ જાય છે કે, એનામાં રોમાંચનું તત્ત્વ ધીમે ધીમે ઘટી રહ્યું છે. આજની પેઢી માટે સંવેદના જ નહીં પણ વેદનાના સ્વરૂપો પણ ઘણાં બદલાઈ ગયા છે. આમ જોવા જઈએ તો આખે આખી લાઇફસ્ટાઇલ જ બદલી ગઈ છે.
અગાઉના સમયમાં બેથી વધુ સંતાનો પરિવારમાં ઉછરતાં હતા. સંયુક્ત કુટુંબોની સંખ્યા વધુ હતી. એક સાથે ઓલમોસ્ટ સરખી ઉંમરના બાળકો ઉછરતાં જેને કારણે કોઈ એકનું દર્દ જલદીથી આંખોની સામે આવતું નહીં. આજની વાત જરા જુદી છે. બાળકોની એક પણ વાત એમના મા-બાપથી છાની નથી રહી શકતી. અલબત્ત બાળકો એવું માનતા હોય છે કે, એ એમના મા-બાપ કરતાં વધ સ્માર્ટ છે સાથોસાથ મા-બાપ પણ એવું માનતા હોય છે કે, એમની પોતાના બાળકો ઉપર ચાંપતી નજર છે. બાળકો એવું વિચારે છે કે, કંઈ ખોટું કરીએ તો એવું શું કરીએ કે મા-બાપની નજરમાં ન આવે. અને મા-બાપ એવું વિચારે છે કે, અમારી નજરમાંથી કંઈ છૂપું નથી, અમારી નજરમાંથી કંઈ બચીને ન જઈ શકે. બંને પોતપોતાના ભ્રમમાં જીવતાં હોય છે. બાળકો એવું વિચારે છે કે, ફોનમાં કૉલની હિસ્ટ્રી ડિલિટ કરી દેવી કે પછી કઈ વેબસાઇટ સર્ફ કરી હતી એ હાઇડ કરી દેવાથી મા-બાપની નજરમાં બચી જવાય છે. આ બધું હાઇડ કે ડિલિટ કરી શકાય પણ સંવેદના કે વેદનાને ચાહવા છતાંય હાઇડ કે ડિલિટ નથી કરી શકાતી. એ તો એનો સમય આવ્યે દેખાઈ જવાની છે અને સમય થયે એ લાગણી પસાર પણ થઈ જવાની છે. એ પછી તમે રુટિનમાં પણ ગોઠવાઈ જવાના છો. પણ એ વેદનાની પળ તમારા સંતાન માટે કેટલી અઘરી છે એ સમજી શકો તો સંતાન માટે એ સમય થોડો હળવો બની શકે ખરો.
કોઈની પીડા તમે લઈ નથી શકવાના પણ કોઈનું દર્દ થોડું ઓછું તો કરી જ શકો. વાત છે આજની પેઢીના બ્રેક અપ્સની. કેટલાક યુવક અને યુવતીઓના ત્રણ-ચાર બ્રેક અપ થઈ ચૂક્યા હોય એ થોડા સિઝન થઈ ગયાં હોય છે. એ લોકો એમનાથી ઓછાં અનુભવી મિત્રોને સલાહો આપવાને કાબેલ પણ થઈ ચૂક્યાં હોય છે. મિત્રો સમજીને સાચવી લે પણ ઘરની પરિસ્થિતિ સાચવવી અઘરી પડી જતી હોય છે.
કૉલેજે ભણવા જતી રીની નામની યુવતીની વાત છે. રીની અને આકાશ બંને એકબીજાંના પ્રેમમાં હતાં. આકાશ આમ તો એની પડોશમાં રહેતો હતો. આકાશ ભણીને નોકરીએ લાગી ગયો છે. જ્યારે રીની કૉલેજના છેલ્લા વર્ષમાં છે. એકાદ વર્ષ પહેલાં બંને વચ્ચે બાળપણની દોસ્તીથી વધુ કંઈક લાગણી છે એવું બંનેને ફીલ થયું. વેલેન્ટાઈન્સ ડે પર બંનેએ એકરાર પણ કરી લીધો. ચારેક મહિના બાદ બંનેને સમજાયું કે, એકબીજાં સાથે તેમને લાંબું ફાવે તેમ નથી. બંનેના પરિવારજનો પણ ધીમે ધીમે બહુ નજીક આવી રહ્યાં હતાં. એમાં કોઈ એક વાતે આકાશ અને રીની વચ્ચે જબરદસ્ત ઝઘડો થયો. સાચી વાત એ હતી કે, એક પછી એક એકબીજાંને નહીં ગમતી વસ્તુઓ, વર્તનનું લિસ્ટ વધતું જ ગયું. એ પછી એકસાથે ફસ્ટ્રેશન સ્વરુપે નીકળ્યું. રીની મળે ત્યારે આકાશનો ફોન ચેક કરે. આકાશનો ફોન બિઝી હોય તો પૂછીપૂછીને દમ કાઢી નાખે કે કોની સાથે ફોન પર આટલી લાંબીલાંબી વાત કરે છે. તેની સામે આકાશને પણ રીની સામે કંઈ ઓછાં પ્રોબ્લેમ્સ ન હતાં. રીની એને સમજણી નથી લાગતી. બાલિશ લાગે છે. નાની-નાની વાતને મોટું સ્વરુપ આપીને પોતે જ સૌથી વધુ મહત્ત્તવની છે એવું સાબિત કરવા મથતી છોકરી લાગે છે. આ અને આવી અનેક વાતો એકઠી થઈ. બંને બહુ ઝઘડ્યાં અને ખરાબ રીતે બ્રેક અપ થયું.
રીનીની મમ્મી એની દીકરીને બરોબર ઓળખતી હતી દીકરીમાં શું માઇનસ પોઇન્ટ્સ છે એની એમને ખબર હતી. પણ સગી મા જો દીકરીને અમુક વાત સીધેસીધી કહી દે તો દીકરી જલદીથી માનવાની નથી એ વાત પણ એમને એટલી જ માલૂમ હતી. એકની એક દીકરી થોડી વધુ પડતી પેમ્પર થયેલી છે એવું રીનીની મમ્મીને દીકરી મોટી થઈ પછી સમજાયું. ઘરમાં પતિ-પત્ની અને એકની એક દીકરી. દીકરી જેમ કહે એમ જ ઘરમાં થતું. નાની હતી ત્યારથી એને રાજી રાખવાનું કામ જ એના મા-બાપ કરતાં હતાં.
દીકરીનું બ્રેકઅપ થયું છે એ વાત એમણે પતિને કહી. મા-બાપ માટે દીકરીનું પહેલું બ્રેક અપ હતું. દીકરી માટે પણ એનું પહેલું બ્રેક અપ હતું. એના પિતાએ એને રીતસર કાઉન્સેલ કરી. આ બ્રેકઅપમાં સામેવાળો ખરાબ છે અને એ પોતાના જેવી સારી છોકરી ડિઝર્વ નથી કરતો એવું ટીનએજ ટાઇપનો આક્ષેપ રીની કરતી હતી. આવી અનેક વાતો એણે મા-બાપ સામે કરી. એ બંનેએ એની તમામ વાતો સાંભળી અને પછી રોજબરોજની જિંદગીમાં બંને પરોવાઈ અને દીકરીનું કાઉન્સેલિંગ કરવા લાગ્યા. પ્રેમમાં પડી એ પહેલાં ઘરની દરેકે દરેક વાતમાં કે વસ્તુઓ લેવાના નિર્ણયમાં દીકરી સાથે રહેતી હતી એ ઇન્વોલ્વમેન્ટ એમણે વધારી દીધું. ત્રણેય સાથે મળીને મૂવી જોવા જતાં એ પણ શરૂ કર્યું. મા-બાપે પોતે જ પોતાની એનિવર્સરી આવતી હતી તો બંનેએ સાથે મળીને એવો ખેલ કર્યો કે દીકરીને એમ જ લાગે કે, મમ્મી પપ્પાને અને પપ્પા મમ્મીને સરપ્રાઇઝ આપવા માગે છે એ બધું જ મારા દ્વારા થવાનું છે. હકીકત એ હતી કે, દીકરીને એ બ્રેકઅપ બાદ ડિપ્રેશનમાં જવા દેવા ન માગતા મા-બાપની એ મથામણ હતી. આ યુગલ એમાં સફળ થયું. દિવસો પસાર થતાં ગયા તેમતેમ આકાશ સાથેની રિલેશનશીપ તૂટી એ વાત પણ છૂટી ગઈ. દીકરીના મનનો મેલ નીકળવા દીધો અને પછી એને જિદંગીના રુટિનમાં અંદાજ ન આવે એ રીતે પરોવી દીધી. આ વાતથી ફરક એ પડ્યો કે, રીની બહુ જલદીથી પોતાની જિંદગીમાં ફરી સેટ થઈ ગઈ. હા એક બ્રેક અપ બાદ એ થોડી મેચ્યોર થઈ ગઈ છે.
રીનીના કિસ્સામાં બહુ ટૂંકા સમયગાળામાં ભ્રમ ભાંગી ગયો. અઘરું ત્યારે પડે જ્યારે લાંબા સમયની રિલેશનશીપ હોય અને એ તૂટે. એકબીજાને પતિ કે પત્નીની જગ્યાએ કલ્પી લીધાં હોય. સહિયારી જિંદગીના સપનાં જોયાં હોય અને એ તૂટે ત્યારે પોતાની જાતને સંભાળવી અઘરી બને છે. એક કિસ્સામાં સાત વર્ષની રિલેશનશીપ બાદ બ્રેક અપ થયું. રોજરોજ થતાં નાના-નાના ઝઘડાંએ મોટું સ્વરૂપ ધારણ કર્યું અને બ્રેક અપ થઈ ગયું. યુવક કે યુવતીના મા-બાપ એ સંબંધ માટે રાજી ન હતાં. પણ આ યુગલ પોતે બહુ ફર્મ હતું કે તેઓ લગ્ન કરશે જ. લગ્ન સુધી વાત પહોંચે એ પહેલાં બ્રેક અપ થઈ ગયું. હવે એ યુવકની હાલત બહુ અઘરી થઈ ગઈ છે. બહુ જ હોશિયાર અને કાબેલ યુવકને વિદેશમાં તગડાં પગારની નોકરી મળી છે. બ્રેક અપ બાદ એ નવી જગ્યાએ જવા માટે જરાપણ રોમાંચિત કે ઉત્સાહી નથી. એને એમ જ લાગે છે કે, હવે એ જિંદગીમાં ક્યારેય સેટલ નહીં થઈ શકે. કદાચ એની જિંદગીમાં કોઈ યુવતી આવશે તો પણ તે યુવતી પોતાની એ પ્રેમિકા જેવી નહીં જ હોય.
આ યુવક એક લવગુરુ પાસે ગયો. એમને બધી જ વાત કરી. એ લવગુરુએ એટલું જ કહ્યું કે, અત્યારે સમયને પસાર થવા છે. તું જે રુટિન જિદંગી જીવતો હતો એ જીવવા માંડ.
પેલા યુવકે કહ્યું કે, મારી જિદંગીમાં એના સિવાય કંઈ ન હતું. મારી સવાર-સાંજ અને રાત એ જ યુવતી હતી. હવે હું રુટિનમાં મારી જાતને કેમ ગોઠવું?
પેલા લવગુરુએ કહ્યું, આ યુવતી તને છેલ્લાં સાત વર્ષથી ઓળખે છે. તારી જિંદગીમાં એ આવી એ પહેલાં કોઈ ન હતું. તારા મા-બાપ, ભાઈ-બહેન એમને યાદ કરીને જીવ. એ લોકોએ તને જિંદગી આપી છે. એમને ખાતર આ પ્રકારે ડિપ્રેસ્ડ થઈને જિંદગી ન જીવ. સૌથી મહત્ત્વનું છે તારી જાત સાથેની તારી વફાદારી. એનાથી વધુ કંઈ જ ન હોય શકે. જે વ્યક્તિ પોતાની જાતને પ્રેમ ન કરી શકે એ કોઈને પ્રેમ ન કરી શકે. એ યુવતી જ્યારે તારી લવલાઇમાંથી નીકળી જ ગઈ છે તો એની પાછળ દોડવાથી કે એને વિચારોમાં વાગોળવાથી એ પાછી નથી આવવાની. એક વ્યક્તિ મહત્ત્તવની હોય એ વાત સાચી પણ એ વ્યક્તિ ચાલી જાય એ પછી પોતાની જાતને આપણે જ સંભાળવી પડે. આપણે જ સાચવવી પડે. આપણને એમ થાય કે વિખેરાઈ જશું પણ એમ કંઈ વિખેરાતું નથી હોતું. જાતને સમેટવા માટે દર વખતે કોઈ સાથે ન હોય તો આપણે આપણી જાત માટે પૂરતાં છીએ એવું વિચારીને આપણી અંદર શ્વાસ નહીં જિંદગી ધબકવી જોઈએ એ વાતનું પ્રોમિસ આપણે આપણી જાતને આપવું જ રહ્યું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર