લાઈફમાં સેટલ થવું એટલે શું?
શહેરમાં ઉછરેલી અને કારકિર્દીને વધુ મહત્ત્વની ગણતી આજની પેઢીની સમજ અને વિચારવાની રીત જ સાવ જુદી છે. પોતે જે ભણ્યાં છે એને સૌથી ટોચ ઉપર વિચારનારા યુવક અને યુવતીઓની સંખ્યા કંઈ નાનીસૂની નથી. ભણીને કરિયર બનાવવી એમને માટે સૌથી વધુ મહત્ત્વનું છે. આ વિચાર આવવાનું કારણ ચારેક યુવતીઓ સાથેની વાતચીત છે.
આ ચારેય યુવતીઓ અલગ-અલગ જગ્યાએ નોકરી કરે છે. મુંબઈ શહેરમાં રહે છે. ચારેય ભારતના જુદાં જુદાં ખૂણેથી નીકળીને પોતાની કિસ્મત અજમાવવા મુંબઈ આવી છે. એક મોડેલિંગની દુનિયામાં આગળ વધવા માગે છે. એક યુવતી ગુજરાતથી આવી છે એ સોફ્ટવેર એન્જિનિયર છે. એક યુવતી ચાર્ટડ એકાઉન્ટન્ટ છે અને એક યુવતી એક એડ એજન્સીમાં કોપી રાઇટર છે. આ ચારે-ચાર યુવતીઓ પેઇંગ ગેસ્ટ તરીકે એક રૂમમાં અકસ્માતે ભેગી થઈ ગઈ છે.
આ ચારેય યુવતીઓ જેમને ત્યાં રહે છે એ આન્ટી અને અંકલ સાથેની વાચચીતના સાક્ષી બનાવાનું થયું. અંકલ અને આન્ટી નિઃસંતાન છે. બંને રિટાયર્ડ લાઇફ જીવે છે અને પેઇંગ ગેસ્ટ તરીકે દીકરીઓને જ સાચવે છે. છેલ્લાં લગભગ પંદરેક વર્ષથી આ યુગલ સાથે લગભગ સિતેરથી એંસી જેટલી દીકરીઓ રહી ચૂકી છે. આ યુગલ કહે છે કે, પંદર વર્ષ પહેલાં જે યુવતીઓ અમારી સાથે રહેતી હતી એ જનરેશન અને આજની જનરેશનમાં ઘણો ફરક આવી ગયો છે. લાગણીની અભિવ્યક્તિમાં ઘણો ફરક આવ્યો છે. મુંબઈમાં રહેવા આવતી દરેક યુવતીને આ શહેરની હવા કંઈક બદલી નાખે છે. આવે છે ત્યારે જે હોય છે અને અહીં રહીને, વસીને, જીવીને જે પોતાનામાં ઉતારે છે એ પછી એ યુવતી કંઈક ઓર જ હોય છે. કેટલીક વખત એ દીકરીઓ એક અંધારા રસ્તે આગળ નીકળી જાય છે. એ અંધકાર એટલો ખરાબ હોય છે કે ખુલ્લી આંખે એ અંધકારને એ ચળકાટ કે કરિયરને આગળ ધપાવવાનો રસ્તો સમજી બેસે છે. એ રસ્તો કોઈ અણગમતા વળાંકે પૂરો થાય ત્યારે છતી આંખે આ યુવતીઓની આંખો ઉઘડતી નથી.
આ યુગલ કહે છે, અમે એમના મા-બાપ નથી થઈ શકવાના. અમારે એમના મા-બાપ બનવું પણ નથી. ગાર્ડિયન બનવાની કોશિશ કરતાં રહીએ છીએ. જોકે, આ યુવતીઓને કંટ્રોલ કરવાનું કે એમને અટકાવવાનું અમે કોઈ દિવસ નથી કરતાં. કેમકે, અમારાં સમજાવવાથી એ ભાગ્યે જ સમજવાની છે એ અમને ત્રીજા કે ચોથા વર્ષે જ સમજાઈ ગયું હતું. કેટલીક વખત બ્રેક અપ થાય, ઓફિસમાં કોઈ ગરબડ થાય, કોઈ હેરાન કરતું હોય કે પછી કોઈપણ તકલીફ હોય અમે એ યુવતીઓની પડખે ઊભા રહીએ છીએ. પણ હવેની પેઢીની વિચારસરણી સાવ જુદી થઈ ગઈ છે. અમારી પાસે અગાઉ રહી ચૂકેલી યુવતીઓમાંથી કેટલીક અમારી સાથે એકદમ પરિવારની જેમ જ સંપર્કમાં રહે છે. કેટલીક પરણીને મુંબઈ રહેવા આવી છે તો એ પરિવાર સાથે અમારે ત્યાં મળવા આવે છે. જ્યારે છેલ્લાં ચાર-પાંચ વર્ષથી અમને જુદો જ સિનારીયો જોવા મળે છે.
હવે આ વખતે જ આવેલી ચાર દીકરીઓ લઈ લો. અલગ-અલગ કલ્ચરમાંથી આવી છે. પણ લગભગ એકસરખી વિચારસણીવાળી આ દીકરીઓ છે. બહુ જ સુખી સંપન્ન પરિવારની દીકરીઓ છે. મા-બાપે તેમને દરેક પ્રકારની છૂટ આપી છે. બન્યું એવું કે, થોડાં દિવસો પહેલાં અમારી એનિવર્સરી આવી. મુંબઈમાં રહેતી પંદરેક દીકરીઓમાંથી દસેક સમયની અનુકૂળતા કાઢીને ડિનર કરવા માટે અમારે ઘરે આવી. આમ તો દર વર્ષે અમે એક જમણવાર ગોઠવીએ જેમાં અમારી પાસે રહેલી દીકરીઓમાંથી મહત્ત્તમ સંખ્યામાં હાજર રહી શકે એ દિવસે અમે એમને બોલાવવાનો આગ્રહ રાખીએ. આ વખતે રવિવાર આવતો હતો આથી બહારગામની પંદરેક અને શહેરમાંથી દસેક દીકરીઓ સમય કાઢીને અમને મળવા માટે આવી.
આખો દિવસ જાણે મેળાવડાં જેવું વાતાવરણ હતું. દરેક દીકરીની અમારાં ઘર સાથે એક નહીં અનેક યાદો જોડાયેલી છે. જમી-પરવારીને બધાં વાતો કરવા બેઠાં હતાં. એમાં આ વખતે જે ઘરે રહે છે એ દીકરીને બારેક વર્ષ પહેલાં અમારી સાથે રહેતી એક દીકરીએ પૂછ્યું કે, શું છે લાઇફમાં આગળના પ્લાન્સ?
એકે કહ્યું, અત્યારે જે જોબ કરું છું એમાં આગળ વધીશ.
પેલી યુવતીએ પૂછ્યું કે,પછી....?
ફરીને સોફ્ટવેર એન્જિનિયર દીકરીએ કહ્યું કે, થોડો પ્રોગ્રેસ કરીને બીજી નોકરી કરીશ. વધુ કમાઈશ.
આમ કરીને એણે એકેએક દીકરીને પૂછ્યું કે, ભવિષ્યના શું સપનાં છે અને શું પ્લાન્સ છે?
સરવાળે આ તમામ યુવતીઓને ખૂબ કમાવવું હતું. એકને એના પિતાને કાર લઈ દેવી છે. એકને ખૂબ ફરવું છે એટલે કમાવું છે. એકને એના ગામમાં મોટો બિઝનેસ શરૂ કરવો છે. બધાંના સપનાં એનાં પોતાનાં છે. પોતે જ એ સપનાના સેન્ટર પોઇન્ટમાં છે. લગ્ન, જીવનસાથી, બાળકો, સાસુ-સસરા, સંબંધો એવું કંઈ છે જ નહીં. આથી વર્ષો પહેલાં જે યુવતી પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી હતી એને થોડું આશ્ચર્ય થયું.
ચાર્ટડ એકાઉન્ટન્ટ યુવતીએ કહ્યું કે, દીદી, આટલું બધું ભણીને આગળ વધીને એક પરિવારની વહુ બનીને જીવવામાં મને કોઈ રસ નથી. જિંદગીમાં સેટલ થવાનો મતલબ અમારા માટે સાવ જુદો જ છે. લગ્ન કરવા એટલે સેટલ થવું એવું અમે માનતા નથી. લગ્ન નથી કરવાં એવો કોઈ વિચાર નથી. સરખા વિચારોવાળી વ્યક્તિ મળશે, મારા વિચારોને આદર કરશે, સમજશે એવી વ્યક્તિને હું પરણીશ. કદાચ એવો કોઈ ન મળે તો ન પણ પરણું. પ્રેમ થાય અને રિલેશનશીપ લગ્ન સુધી ન પહોંચે એમ હોય અથવા એ વ્યક્તિ સાથે લગ્ન માટે સવાલો થાય તો લીવ ઇન રીલેશનશીપમાં રહેતાં પણ હું ન અચકાઉં. આફટર ઓલ આ મારી લાઇફ છે. મારે જેમ જીવવું હોય એમ જીવીશ.
મોડેલિંગમાં કરિયર બનાવવા ઈચ્છતી યુવતી કહે છે, મારી ઉપર મારા ખુદના મા-બાપની જવાબદારી છે. જો કોઈ યુવક એ જવાબદારી સાથે મને સ્વીકારે તો હું કદાચ એની સાથે લગ્ન કરું. બાકી લગ્ન કરવાની શું જરૂર છે? લગ્ન કરીએ તો જ જિદંગી સફળ થાય એવું હું નથી માનતી.
કોપી એડિટર તરીકે કામ કરતી યુવતી કહે છે, ઘરે જાઓ તો મા-બાપ સેટલ થવાની વાત કરે. અહીં પણ તમે એ જ વાત લઈને બેઠાં છો. આટલું બધું ભણીને શું લગ્ન કરવા એ જ એક ગોલ હોય? શું સ્ત્રીની જિદંગીમાં લગ્ન કરવા અને બાળકો કરવા સિવાય સેટલ ન થવાય? દરેક સ્ત્રી સંબંધોમાં બંધાવવા માટે નથી ઈચ્છતી. એમાં પણ અમે બધાંએ અમારાં મમ્મી-પપ્પા અને સાથે કામ કરતી બીજી સ્ત્રીઓ અને ઘરમાં પણ બીજાં સંબંધોમાં સ્ત્રીઓની જવાબદારી બેવડાતાં જોઈ છે એ જોઈને તો એમ જ થાય છે કે, એકલાં રહેવામાં અને જીવવામાં જ સૌથી વધુ મજા છે.
અંકલને ત્યાં બારેક વર્ષ પહેલાં રહી ચૂકેલી એ મહિલાએ પોતાના ખોળામાં માથું રાખીને સૂતેલાં સાત વર્ષના દીકરા સામે જોઈને કહ્યું કે, મારો આ સંબંધ છેને એ મારાં માટે સૌથી વધુ અગત્યનો છે. એની સામે બધું જ ફીક્કું છે. જિંદગીમાં એક વ્યક્તિનું આગમન અને એનો સંપૂર્ણ સ્વીકાર હશેને ત્યારે જિંદગીમાં બંધનોનો કોઈ બોજ નહીં લાગે. જે બંધન સહજ અને દિલથી સ્વીકારાયેલું હશે ત્યાં તમારી જાતને વહેવા દેવાની તમને જ મજા આવશે. આવી કોઈ લાગણી થશેને સંબંધમાં એટલે તમારી જાત આપોઆપ એ બંધનમાં બંધાવવા રાજી થઈ જશે. જમાનો ગમે તેટલો મોર્ડન થાય પણ કેટલીક વાતો અને સંબંધો વગર જિદંગી અધૂરી જ લાગવાની. હા, દરેકને પોતાની રીતે જીવવાનો અધિકાર છે. યુવાનીમાં અનેક વિચારો એકસામટાં આવતાં હોય અને મન વિદ્રોહી બની જાય. પણ આ પેલા રજનીગંધા ફૂલ તુમ્હારે... ગાયનની કડી જેવું છે કે, અધિકાર યે જબસે સાજન કા હર ધડકન પર માના મૈને મેં જબ સે ઉનકે સાથ બંધી યે ભેદ તભી જાના મૈંને.... કિતના સુખ હૈ બંધનમે…
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર