આંગળીથી નખ વેગળા કરવાની કળા
મેં તો મારી જિંદગી આખી મારા બાળકોને નામ કરી દીધી છે.
મારા બાળકોને બેટર લાઈફ મળી રહે એ માટે આખી જિંદગી મેં બસ કમાવવાને જ સૌથી વધુ મહત્ત્વ આપ્યું.
દીકરી સાસરે અને દીકરો વિદેશમાં સેટલ્ડ છે, હવે એકલું એકલું લાગે છે.
બાળકો એમની જિંદગીમાં પરોવાઈ ગયા હવે નવરા બેસીને શું કરવું?
મારી યંગ એઈજ આખી બાળકોને આપી દીધી. હવે એ દિવસો પાછા ક્યાં આવવાના?
આ અને આવા કેટલા બધા સવાલો તથા વિચારો અનેક મા-બાપને પજવતા હશે. સંતાનોને ખાતર લગભગ તમામ મા-બાપ પોતાનું બધું જ નેવે મૂકીને સંતાનોને પ્રાયોરિટીઝ આપતાં હોય છે. પોતાનું સર્જન શ્રેષ્ઠ જિંદગી જીવે એવું ક્યા મા-બાપનું સપનું ન હોય?
સંતાનમાં પોતાની જિદંગીને ઓતપ્રોત કરી દેવામાં કંઈ ખોટું છે એવું કહેવાનો જરા પણ મતલબ નથી. પણ સંતાનો એમની જિદંગીમાં પરોવાઈ જશે પછી તમે શું કરશો એવો વિચાર કોઈ દિવસ કરો છો ખરા?
એક વાચકનો ઇ-મેઇલ આવ્યો છે. એ લખે છે કે, પતિ પોતાના બિઝનેસમાં ગળાડૂબ છે. સતર વર્ષ સુધી મેં દીકરીને પોતાની જિંદગી આપી દીધી. એને ભણાવવામાં અને એની કરિયર બહુ સરસ રીતે સેટ થાય એ માટે મેં મારી જાતને પાછળ મૂકી દીધી. મને ભૂલીને મેં દીકરીને બધું જ આપ્યું અને એના માટે જ બધું કર્યું. હવે દીકરી એન્જિનિયરિંગનું ભણવા માટે બહારગામ જતી રહી છે. મને એવું લાગે છે કે હું રાતોરાત એકલી થઈ ગઈ છું. મને કંઈ સૂઝતું નથી કે હું શું કરું. દીકરી સાથે વિડીયો કોલિંગ કે વાતો કે ચેટ કરી કરીને કેટલી કરું. વળી એ ભણવા માટે ગઈ છે એટલે એને એક હદથી વધારે પરેશાન પણ ન કરાય. મને બહુ એકલું-એકલું લાગે છે. મને જીવવાની મજા જ નથી આવતી.
અત્યારના આધુનિક સમયની એક સૌથી મોટી ફરિયાદ છે કે, મોટાં થઈ રહેલાં સંતાનો પાસે મા-બાપ માટે સમય નથી. સંતાન સાથે રહેતું હોય તો હજુ એમની રાહ જોવામાં કે એમની સંભાળ રાખવાના અનેક કામોમાં મા-બાપનો જીવ પરોવાયેલો રહે. સમસ્યા ત્યારે થાય છે કે જ્યારે સંતાનોને પંદર-અઢાર વર્ષ મોટાં કર્યાં હોય અને એ સંતાનો જ્યારે તમારાથી દૂર બીજા શહેરમાં ભણવા માટે જતાં રહે. દર અઠવાડિયે પંદર દિવસે કે પછી રજાઓ અને વેકેશનમાં એમના આવવાની રાહ જોવાની. એ આવે ત્યારે એનું શોપિંગ, એના કપડાં, નાસ્તો વગેરેમાં જ સમય પસાર થાય. એવામાં તો જવાનો દિવસ આવી જાય. સરવાળે એવું થાય કે, દીકરા કે દીકરીને મૂકવા જતી વખતે એમ જ થાય કે આ વખતે તો સાથે રહેવાયું જ નહીં.
આ વિષય પર લખવાનો વિચાર આવ્યો એક ડૉક્ટર મિત્ર ફાલ્ગુની શશાંકે મોકલાવેલા મેસેજ પરથી તથા પેલા વાચકના સંદેશા પછી. એમણે મોકલાવેલો મેસેજ કદાચ ઘણાં બધાં લોકોએ વાચ્યો જ હશે.
એ મેસેજમાં વાત છે સુધા મૂર્તિની. એમણે લખ્યું છે કે, એટચમેન્ટ સાથે ડિટેચમેન્ટની કળા શીખી લેવી જરૂરી છે. એમની દીકરીની વાત લખી છે. મારી સામે મોટી થતી દીકરી માટે મને હંમેશાં એવું લાગતું કે, હજુ પણ એ મારા જ શરીરનો હિસ્સો છે. એનાં લગ્ન થયાં. લગ્ન બાદ એ પિયર આવી. મને એમ હતું કે, એ મારી સાથે રહેશે. વાતો કરશે. પણ એના માટે હવે પ્રાયોરિટીઝ બદલાઈ ગઈ હતી. એના માટે હવે મારા કરતાં પહેલાં એની સાસુ આવતી હતી. એ સતત ઉતાવળમાં જ રહે છે. મારી પાસે બેસવા માટે એની પાસે સમય જ ન હતો. આ થયું ત્યારે હું સતતને સતત બહારના કામોમાં મારી જાતને પરોવવા લાગી. ઘરે જવાનું ટાળવા લાગી. વળી, મારા પતિ એકદમ વર્કોહોલિક પર્સન એટલે એમની સાથે આ વાત કરીને મારે એમને ડિસ્ટર્બ નહોતા કરવા.
થોડાં સમય પછી દીકરો વધારે અભ્યાસ માટે વિદેશ ગયો. વિદેશથી એ હંમેશાં એક ફરિયાદ કરતો. મા, તારા હાથનું જમવાનું સૌથી વધુ મિસ કરું છું. મને એની વાતો સાંભળીને આંખોમાં ઝળઝળિયાં આવી જતાં. નાનીનાની વાતોની દરકાર હોય કે પછી રાત પડે વાતો કરવાની હોય દીકરાને મારી યાદ બહુ આવતી. એ સ્વદેશ પરત ફર્યો. અમે એના લગ્ન કરાવી દીધાં. એ એની પત્ની સાથે ચેન્નઈમાં જ અલગ રહે છે. એમની પ્રાઈવસી અને સ્વતંત્રતા સામે મને કોઈ જ વાંધો નથી. એમની જિંદગી એમની રીતે જીવવાનો એમને પૂરો અધિકાર છે.
દીકરો અમેરિકા રહેતો હતો ત્યારે એ મારા હાથના જમવાને બહુ મિસ કરતો હતો. આથી કોઈકવાર હું એને કહું કે, આજે મેં તને ભાવે છે એ જમવાનું બનાવ્યું છે આવજો તમે લોકો જમવા. પણ એને કંઈકને કંઈક હોય એટલે એ આસાનીથી ના પાડી દે. આવું થયું ત્યારે મને અંદાજ આવ્યો કે, દીકરાની પ્રાયોરિટીઝ પણ બદલી છે.
આપણે ઘણી વખત વાતો કરીએ છીએ. લોકોને સલાહો આપીએ છીએ પણ પોતાના ઉપર આવે ત્યારે સ્વીકાર બહુ મોડો આવે છે. આવું થયું પછી મને થયું કે મારે મારી જીવનશૈલી અને વિચારસરણીમાં ધરમૂળથી ફેરફાર કરવાની જરુર છે.
મેં પહેલો ફેરફાર એ કર્યો કે પ્રેમ કરવાનો અને જતું કરી દેવાનું. એ લોકો પાસેથી અપેક્ષાઓ ઘટાડતી ગઈ. હવે હું મારી પ્રત્યેના એમના પ્રેમને કે સ્નેહને દરવખતની જેમ વ્યક્ત થવો જ જોઈએ એવો આગ્રહ નથી રાખતી. એ લોકોની તાકાત પણ ઓછી ન થવી જોઈએ એ રીતે મેં મારી જાતને બીજી પ્રવૃત્તિઓમાં પરોવી દીધી. ડિટેચમેન્ટ અનુભવીને પણ એટેચ રહેવાની કળા મેં આત્મસાત કરી લીધી. આનું પરિણામ એ આવ્યું કે, મારામાં અને મારી આસપાસની દુનિયામાંથી હું ઘણુંબધું શીખી શકી. હવે મને સમજાય છે કે, આપણે માનસિક રીતે પણ પોતાની જાતને એવી રીતે ઉછેરવી જોઈએ કે, છોકરાઓના ઘર છોડ્યા પછી કે બાળકો એમની કરિયર-લાઈફમાં સેટ થાય એ પછી તમારી અંદરનો ખાલીપો તમે જ ભરી શકો. એ પછીની જિંદગીમાં ઉંમરના કારણે શારીરિક ફેરફારો પણ થવાના છે. ત્યારે તમારી જાતને તમારે જ સાચવવાની છે.
સુધા મૂર્તિ અંતે લખે છે કે, આ મારા શબ્દો એવા લોકો માટે ખાસ છે જેણે પોતાની જાતને પોતાના સંતાનોના ઉછેરમાં હોમી દીધી છે. પણ એમણે પોતાની જ જાતને ઈમોશનલી ઉછેરવાની છે એ જ મારો મુખ્ય હેતુ છે.
એ વાચકને એટલું જ કહેવાનું કે, તમે શું એવું જ ઈચ્છો છો કે તમારું સંતાન તમારા પાલવડે બંધાયેલું રહે? શું તમે એટલાં અણસમજુ છો કે તમને ખબર ન હતી કે દીકરી ઉચ્ચ અભ્યાસ માટે બીજે જવાની જ છે? ઉચ્ચ અભ્યાસ માટે ન જવાની હોય તો પણ એની પરણવાની ઉંમર થાય એ પછી એ સાસરે તો જવાની જ છેને?
સંતાનો જ તમારી પ્રાયોરિટી હોય તો એ પ્રાયોરિટીમાં તમારી જાત પણ ક્યાંક હોવી જ જોઈએ. ગમે કે ન ગમે હકીકત એ છે કે, બાળકો જેમ-જેમ મોટાં થતાં જાય તેમ-તેમ આપણો એમની જિંદગીમાં રોલ ઓછો જ થતો જવાનો છે. તમારી હાજરી કે તમારું બોલવું એને અતિક્રમણ લાગશે ત્યારે એ ફટ દઈને તમારો રોલ કટ કરી નાખશે એ કરતાં તમે જ તમારા રોલને નિભાવો. તમારી જિંદગીના દિગ્દર્શક તમારા સંતાનો કેવી રીતે બની શકે? સંતાનોથી જિંદગી હરીભરી અને પૂર્ણ લાગે એ વાત સાચી. પણ આ જ દિવસો આખી જિંદગી એકસરખાં નથી રહેવાના એ વાત પણ એટલી જ સાચી છે. એકલતા અને એકાંત બંને વચ્ચે સૂક્ષ્મ રેખા છે. નક્કી તમારે કરવાનું છે કે, જિંદગીમાં આવતી શૂન્યતાના વર્તુળને, એ ખાલીપાને તમારે કેવી રીતે જીવવો છે? પોતાના જે સંતાનો માટે તમે જિંદગીનું કેન્દ્રબિંદુ બદલી નાખ્યું હોય એના વર્તુળમાંથી તમે ફક્ત એક બિંદુ બનીને રહી જાવ ત્યારે ખૂણાં બેસીને એ એકલતાને રડવાનો દિવસ આવે એ પહેલાં જાતને જરુરિયાતોનો ક્રમ ગોઠવવા માટે તૈયાર કરી દો. સંતાન આપણું જ એટચમેન્ટ છે પણ એને ડીટેચ કરવાનું એટલું સહેલું નથી જેટલું એના જન્મ સમયે એની ગર્ભનાળને આપણે છૂટી પાડીએ છીએ. એના માટે જાતને બહુ તૈયાર કરવી પડે છે. બહુ લાગણીશીલ બનીને વહી જવા કરતાં સંતાન માટે આખી જિંદગી ઝરણા સમાન બની રહેવામાં સૌથી વધુ સમજદારી છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર