તારે જે કંઈ કરવું હોય એ સાસરે જઈને કરજે
પિયર અને સાસરે એ બંને અલગ અલગ જિંદગીમાં એ દીકરી કે વહુ ક્યાં કેવી રીતે જીવે એવા સવાલો એને સતાવે ત્યારે એ શું કરે? આપણે ત્યાં સામાન્ય રીતે ઘરોમાં જે રીતે ઉછેર થાય છે તેમાં દીકરીને લગભગ સમજણી થાય ત્યારથી કહેવામાં આવે છે કે, સાસરે આવું નહીં ચાલે. સાસરે આમ તો નહીં જ થઈ શકે. દરેક માએ એક વખત તો એની દીકરીને કહ્યું જ હશે કે, જેમ મને જવાબ આપે છેને એમ તારી સાસુની સામે બોલજે. ત્યાં તો હોઠ સિવાઈ જશે.
નાનપણથી એકની એક વાત કહીને એને સાસરું જાણે બહુ મોટો સાવજ હોય એમ એને નાનપણથી સતત ટપારવામાં આવે છે. પિયરમાં સાસરું કેવું મળશે એની ચિંતામાં દીકરીને અમુક છૂટછાટો આપવામાં નથી આવતી. જ્યારે સાસરે ગયા પછી અમારા પરિવારની વહુ તો આમ ન કરે, તેમ ન કરે.... વગેરે નિયમો એની માથે મર્યાદાના નામે ઠોકી બેસાડવામાં આવે છે. આમાં એ યુવતી કરે તો શું કરે?
વાત છે સત્યાવીસ વર્ષની એક યુવતી શૈલીની. શૈલીના લગ્નને બે વર્ષ થયા છે. શૈલી પોતે હોમ મેકર છે. લગ્ન પહેલાં એ નોકરી કરતી હતી. હવે લગ્ન પછી એ નોકરી એને મૂકી દેવી પડી છે. પિયરમાં રહેતી હતી ત્યારે એને શિક્ષિકા તરીકેની નોકરી કરવાની છૂટ હતી. એ પણ ગર્લ્સ સ્કૂલમાં. શૈલીને પોતાના કરતા એક મોટી બહેન છે અને એક નાનો ભાઈ છે. ભાઈ ભણીને હજુ નોકરીએ લાગ્યો છે. મોટીબહેન વિદેશમાં સાસરે છે. મોટીબહેન મૌલી પણ શૈલીની જેમ જ અનેક બંધનો, નિયમો અને મર્યાદામાં ઉછરી છે.
મૌલીના લગ્નને પાંચ વર્ષ થયા છે. મૌલીના પતિને વિદેશ જવાનો ચાન્સ મળ્યો અને એ લોકો ત્યાં સેટલ થઈ ગયા. છેલ્લાં ત્રણ વર્ષથી એ લોકો દર વેકેશનમાં ભારત આવે છે. દર વર્ષે મોટીબહેન મૌલીને જોઈને શૈલી એની મમ્મી પાસે જીદ કરે કે મને દીદીની જેમ પહેરવા ઓઢવાની છૂટ કેમ ન મળે? એની મમ્મી એને દર વખત કહે કે, અહીં પિયરમાં નહીં મળે. સાસરું એવું મળે તો ત્યાં મોર્ડન કપડાં પહરેવાના. મૌલીને એના સાસરેથી છૂટ મળી છે અમે એને કોઈ દિવસ વેસ્ટર્ન કપડાં પહેરવા નથી દીધાં. શૈલી મનમાં એવી જ પ્રાર્થના કરતી હતી કે એને મોર્ડન સાસરું મળે. પણ એના ઇન લોઝ તો પિયરીયાં કરતાં પણ જૂનવાણી નીકળ્યાં.
શૈલીનું માગું આવ્યું ત્યારે આ મુદ્દે ખાસી એવી દલીલો થઈ હતી. વાત એમ હતી કે, મુરતિયો બહુ સારા પરિવારનો હતો એટલે મા-બાપ કોઈ ચાન્સ લેવા નહોતા માગતા. શૈલીએ ભાવિ પતિને મળી ત્યારે એણે કહેલું કે, એને વેસ્ટર્ન કપડાં પહેરવા દેવામાં આવશે કે કેમ? લગ્ન પછી નોકરી કરવા દેવામાં આવશે કે કેમ? લગ્ન પછી એ એની બહેનપણી કે મિત્રો સાથે વરસમાં એક વખત બહાર ફરવા જઈ શકશે કે કેમ? આ અને આવા બીજાં બે-ચાર સવાલો સાથે એણે પતિ સાથે વાતો કરી હતી. મોટાભાગના સવાલોનો જવાબ નામાં જ હતો.
શૈલીએ મા-બાપને બધી વાત કરી. એને લગ્ન પછી નોકરી કરવી હતી. મોર્ડન કપડાં પહેરવા હતાં. અને બીજું ઘણું બધું કરવું હતું પણ એ તમામ સપનાંઓ ઉપર કાળી ચાદર બિછાવી દેવી પડી. આ બધાં જ સપનાંઓ સામે મુરતિયાનું પરિવાર બહુ સારું છે એ એક મુદ્દો ટોચ ઉપર રહ્યો. સમાજમાં ખાનદાન નામોમાં એમનું નામ આવે છે. સમાજમાં સખાવત કરવાની હોય તો એ યુવકના પરિવારમાંથી પહેલી મદદ આવે છે. બિઝનેસ ટોચ ઉપર છે. એકનો એક દીકરો છે એનાથી વિશેષ શું હોય શકે?
કદાચ એક મા-બાપની દ્રષ્ટિએ આ વાત સાચી હશે. પણ આંખોમાં અનેક સપનાંઓ આંજ્યા હોય એ દીકરી માટે આ બહુ અઘરું છે. જ્યારે મોટી બહેન કે પોતાની બહેનપણીઓને એ પ્રકારે જોતી હોય એવી યુવતીને તો બધું હોવા છતાં એને જે નથી મળ્યું એનો જ એને વસવસો હોવાનો.
એક દલીલ એવી પણ થઈ શકે કે, શું પહેરવા-ઓઢવાની અને હરવા-ફરવાની છૂટ મળે એ જ સાચી જિંદગી છે? ઘર અને પરિવાર સારો હોય તો એ મુદ્દો જરાપણ વિચારવાનો નહીં? શૈલી કહે છે, ‘વાત સાચી કે એનો પરિવાર બહુ ખાનદાન છે. મને આ બે વરસમાં જરાપણ તકલીફ નથી પડી. સાડીમાંથી હવે મને થ્રી પીસ સૂટ પહેરવાની છૂટ મળી છે. પણ મન છેને એ નથી મળતુંને એની પાછળ જ ભાગતું ફરે છે. અને આ નથી મળતું એ કસ્તૂરી હરણની જેમ મને જ મળતી નથી.
શૈલીની ઉંમર નાની છે અને દિલમાં થનગનાટ છે. નથી મળતું એની પાછળની દોટ એને હંફાવી દે છે. આપણને સવાલ થાય કે, આજના જમાનામાં પણ આવા વિચારો સાથે ઉછેર થતો હોય હશે? ખરેખર?
શૈલીનું ન એના મા-બાપ પાસે કંઈ ચાલ્યું કે નથી હવે એના સાસરે કંઈ ચાલવાનું. એ જિદ્ કરીને પોતાની ઈચ્છા પૂરી કરી દે એ સ્વભાવની દીકરી નથી. આમાં રસ્તો શું?
મનને મારી-મારીને જીવવાનું?
સારો છોકરો હોય, સારું ખાનદાન હોય એટલે ક્યાં સુધી કેટલું બલિદાન આપવાનું ?
કે કેટલું જતું કરવાનું?
વડીલોની ઉપરવટ જવું નથી. પોતાની રીતે જીવવાની હિંમત પણ નથી અને જીવ પણ નથી ચાલવાનો. તો આ પ્રકારની બહારની દુનિયા માટે નાની અને શૈલી અને એના જેવી અનેક દીકરીઓ માટે મહત્ત્વની એવી સમસ્યાનો ઉકેલ શો?
કદાચ પિયરમાં છૂટ ન મળી હોય ત્યારે સાસરે છૂટ મળશે એ આશ્ર્વાસન સાથે કોઈ સ્ત્રી જીવતી હોય શકે. પણ એવું સાસરું ન મળે ત્યારે પરિસ્થિતિ અઘરી બની જતી હોય છે. પિયરમાં વાત કરતાં જીભ ઉપડી જાય. માતાની સામે બોલી પણ શકાય. પણ સાસરે બોલવું અઘરું છે. સાસરે પોતાની વાત વ્યક્ત કરીને મૂકી ન શકાય એવું હોય તો પછી પોતાના અરમાન પોતાની દીકરીમાં પૂરા કરવાનો વારો આવે.
સાચી વાત એ છે કે, પોતાને કેટલી અને કેવી છૂટછાટ મળવી જોઈએ એ સ્ત્રીએ પોતે જ સ્વીકારી લીધું છે કે, એ વાત પતિ, પિતા, ભાઈ, સસરા, દિયર, દાદા, મામા, ફૂઆથી માંડીને દરેકક પુરુષના હાથમાં છે. છૂટછાટ કોઈના હાથમાં હોય તો એ સામેથી કોઈ દિવસ નથી આપવાનું. આપણા સમાજની રચનામાં ઘરના પુરુષોના હાથમાં અનેક સત્તાઓ રહેલી છે એવું વણલખાયેલું છે. પછી ભલેને એ પુરુષ નપાણિયો હોય તો પણ એને એના ઘરની અલગ અલગ પાત્રોમાં જીવતી સ્ત્રી ઉપર દાદાગીરી કરવાનો અઘિકાર છે. છૂટછાટ કોઈ દિવસ કોઈ સામેથી આપવાનું જ નથી. કેટલીક છૂટછાટો મોકો મળે ત્યારે લઈ લેવાતી હોય છે. કેટલીક કોઈનું દિલ દુભાવીને જીવી લેવાતી હોય છે. પિયરમાં મા-બાપનું માનીને મન માર્યું હોય સાસરે મન મારવાનું જ છે એમ માનીને જીવતી સ્ત્રીઓની જેમ જ જીવે રાખવું છે કે, પોતાની જાતને ગમે એવું થોડુંકેય કરવું છે? આ સવાલનો જવાબ તો એ બંધનો વચ્ચે બંધાયેલી સ્ત્રીએ જ શોધવાનો છે. સામે ચાલીને કોઈ આઝાદી ક્યારેય મળી નથી. પોતાના મનની અને પોતાને પહેરવા ઓઢવાની આઝાદી એક હદથી વધારે કોઈને અપાય નહીં એવું તો આજની કૉલેજ જતી યુવતી જાણે જ છે. મનમાં કેટલાંક બળવાઓ સતત સળગતાં જ રહેતાં હોય છે. એ ચિનગારી બહાર આવે એટલી જ રાહ હોય છે. સવાલ એ સ્ત્રીને એટલો જ સતાવતો હોય છે કે, એ ચિનગારી એનો જ હાથ ન દઝાડે. કેમકે, આપણે ત્યાં આર્થિક રીતે પગભર ન હોય એવી સ્ત્રીઓની બેડીઓ એ સ્ત્રી પોતે જ અનુભવી શકે છે. તેમ છતાં પોતા પૂરતી ચિનગારી પ્રજ્વલિત રાખવી કે ઠારી દેવી એ તમારા પોતાના હાથમાં જ છે. કેટલીક છૂટછાટો લઈ લેવાની જ હોય, હા પણ એના માટે કિંમત ચૂકવવાની તૈયારી પણ રાખવી પડે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર