તમારા ઘરની અંદરનું 'વાતાવરણ' કેવું છે?

22 Aug, 2017
12:01 AM

જ્યોતિ ઉનડકટ

PC: picdn.net

આપણે ઘરમાં ચોખ્ખાઈનો આગ્રહ રાખતાં હોઈએ છીએ. ઘરની અંદરની ચોખ્ખાઈની સાથોસાથ ઘરમાં કેવું વાતાવરણ છે એની ચોખ્ખાઈ વિશે આપણે ક્યારેય ખરાઈ કરીએ છીએ ખરાં? ઘરની અંદરનું વાતાવરણ જો ચોખ્ખું ન હોય તો એમાં શ્વાસ લેતી જિંદગીઓ કણસતી હોય છે. એ કણસાટ ઘરની દિવાલો જોતી રહે છે અને સાથે શ્વાસ લેતી જિંદગીઓ એને અનુભવી પણ નથી શકતી હોતી.

ઘરમાં ચોખ્ખાઈ રાખવી જોઈએ અને હોવી જોઈએ એ વાતની કોને નથી ખબર? આપણને સૌને ખબર છે કે, ઘર ચોખ્ખું હોવું જોઈએ. ઘરની અંદર સ્વચ્છતાનું વાતાવરણ હોય પણ ઘરમાં રહેતાં વ્યક્તિઓ વચ્ચેની ચોખ્ખાઈના વાતાવરણ વિશેનું શું? એ વાતાવરણ વિશે ક્યારેય કોઈ દિવસ વિચાર કર્યો છે ખરો? 

આ વિષય ઉપર વાત લખવાનું એટલે મન થયું કેમકે આ એક વિચાર મનમાં રોપીને એક અમેરિકન યુવતીએ વિચારતી કરી દીધી. એનું નામ છે સ્ટેફની. એ મને મળી અમેરિકાના શિકાગોના રસ્તાઓ ઉપર. રોડ સાઇડના એક કાફેમાં બહાર સરસ મજાના ફૂલોની વચ્ચે એ કોફી પી રહી હતી. અમેરિકન કૉન્સ્યુલેટના ઇન્ટરનેશનલ વિઝિટર લીડરશીપ પ્રોગ્રામ હેઠળ હું અમેરિકાના પાંચ રાજ્યોના પ્રવાસે આવી છું. એ કાર્યક્રમમાં જ ચાર દિવસ શિકાગો રહેવાનું હતું. વિન્ડી સિટી તરીકે ઓળખાતાં આ શહેરની હવા જ એટલી હેપનીંગ લાગે કે દરેક રસ્તા ઉપર તમને કંઈક નવું જોવા મળે. ચોખ્ખું ચણક વાતાવરણ અને એકદમ સાફ રસ્તા. ધૂળનું તો નામ ન જોવા મળે. અર્બન પ્લાનિંગ એન્ડ સ્માર્ટ સિટીઝ આ પ્રોગ્રામમાં અમને અહીંના સ્માર્ટ સિટીઝ અને એ વિશેની વિગતોથી વાકેફ કરવામાં આવે છે. 

સ્ટેફનીની વાત તરફ આગળ વધીએ. શનિવારની સાંજ હતી એટલે સ્ટેફની એકલી ફરવા નીકળી હતી. મારી હોટેલથી થોડે દૂર આવેલાં કાફેમાં જ હું એની સામેની ખુરશી ઉપર એને પૂછીને બેઠી. સ્ટેફની જ નહીં પણ અહીંના વિકસેલાં તમામ સિટીના લોકો સામેથી જ તમને હેલ્લો કહે. એ જ રીતે સ્ટેફનીએ મને હેલ્લો કર્યું. સ્ટેફની એક કંપનીમાં કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. એની સાથે વાતચીતની શરૂઆત કરી. એણે મને અમેરિકા મુલાકાતનો હેતુ પૂછ્યો. એ પછી ભારતની અમારી ટીમ કઈ કઈ જગ્યાએ ગઈ એની વાત કરી. મારી વાત સાંભળીને એણે કહ્યું, કે સરકાર અને કૉર્પોરેશન બહારનું વાતાવરણ ચોખ્ખું રાખે છે તેને મેઇન્ટેન કરે છે. અમને કોઈ જ તકલીફ નથી પડતી. પણ યુ નો, ઘરની અંદરના વાતાવરણ વિશે ક્યારેય કોઈ વિચારે છે? ઘરની અંદરનું વાતાવરણ પણ ચોખ્ખું હોવું જોઈએ. એના શબ્દોની પાછળ અને એની વાતમાં બહુ ઊંડાણ હતું. એનો કહેવાનો મતલબ કંઈક જુદો જ હતો. 

સ્ટેફની પોતે કમાવવા લાગી ત્યારથી એ એકલી રહે છે. એના માતા-પિતા શિકાગો નજીકના એક ગામમાં રહે છે. એનો નાનો ભાઈ ભણવા માટે વોશિંગ્ટન ગયો છે. ક્રિસમસ વખતે એ એના મા-બાપને મળવા માટે જાય છે. એ કહે છે, ''કૉલેજના સમયમાં મારો એક બોય ફ્રૅન્ડ હતો એ પછી હમણાં એક બોય ફ્રૅન્ડ હતો. જેની સાથે થોડા મહિના પહેલાં જ મારું બ્રેક અપ થયું છે. સ્કૂલ અને કૉલેજના સમયથી એવા વાતાવરણમાં જ ઉછરી છું કે, બ્રેક અપ બાદ હું નબળી નથી પડતી. મારા ઘરનું વાતાવરણ બહુ સ્વચ્છ અને ચોખ્ખું હતું. જ્યારે હું મમ્મી-પપ્પાના ઘરે એમની સાથે રહેતી હતી ત્યારે દરરોજ મને એમ થતું કે જલદી ઘરે જાઉં અને મમ્મી સાથે સમય પસાર કરું. મારા પપ્પા-મમ્મી બંને નોકરી કરે છે. પણ ઘરની અંદર એ બંને ફક્ત મારા અને મારા ભાઈના મમ્મી-પપ્પા જ હોય છે. 

આજે હું મોટી થઈ ગઈ મારું પોતાનું એક ભાડાનું એપાર્ટમેન્ટ છે ત્યારે હું મમ્મી-પપ્પાનો એ અહેસાસ અનુભવવા માગું છું. મમ્મી-પપ્પાની હાજરીમાં એ ઘરનું જે વાતાવરણ હતું એ કંઈક ગજબ જ હતું. બહારની ચોખ્ખી દુનિયા કે સ્વચ્છ વિશ્વ કરતાં ઘરની અંદર તમે કેવી રીતે જીવો છો એ વધુ મહત્ત્વનું છે. બહારનું વાતાવરણ કદાચ સરકાર કે કૉર્પોરેશન રચશે પણ ઘરની અંદર તમે જ મેયર છો અને તમે જ નાગરિક. ઘરની અંદરની ચોખ્ખાઈ તો સમજ્યાં પણ ઘરની અંદર જીવતાં લોકોના મનની ચોખ્ખાઈ પણ એટલી જ જરૂરી છે. મારી દાદીમા અમારી સાથે રહેતી હતી. એ થોડા વર્ષો પહેલાં ગૂજરી ગયાં. મારી દાદી બહુ લાઇવ હતાં. એ હંમેશાં ખુશ જ હોય. એને કોઈ દિવસ મેં ઉદાસ નથી જોયા. મમ્મી અને એ બંને જાણે ફ્રૅન્ડ હોય એમ સાથે રહે. અમારા ઘરમાં ચોખ્ખાઈ તો હતી અને છે જ. પણ ઘરની અંદર એકબીજાંના દિલ વચ્ચે જે ચોખ્ખાઈ હતી એ અમારા બધાં માટે બહુ જ મહત્ત્વની રહી. એ વાતાવરણે જ મને આજે જીવતી રાખી છે. કરિયરને કારણે હું મારા મા-બાપથી દૂર રહું છું. પણ અમારા દિલો વચ્ચે દૂરી નથી આવી. મારી નાનામાં નાની વાત હું એ બંને સાથે શેર કરું છું. હું જ્યારે ફોન કરું ત્યારે એ બંનેને કહું કે, ફોન સ્પીકર પર મૂકો મને તમે બંને સાથે જ જોઈએ છે. દિલો વચ્ચેની નજદીકી અને મન વચ્ચેની નિર્મળતા જિંદગી માટે બહુ અગત્યનું તત્ત્વ છે.'' 

સ્ટેફનીની વાત બહુ જ સ્પર્શી ગઈ. પરિવારના સભ્યો વચ્ચેની સ્વચ્છતા અને ટ્રાન્સપરન્સી અંગે કોણ વિચારે છે? એક જ ઘરમાં એકબીજાની લાગણી સાથે રમત ન રમવી એ પણ એક પ્રકારની સ્વચ્છતા જ છે. એકબીજાના કામનો અને આવડતનો કે ખામીઓનો પણ આદર કરવો એ પણ એક પ્રકારની ચોખ્ખાઈ જ છે. કોઈ કાવાદાવા ન રમવા, કપટ ન કરવું કે પછી જતું કરવું એ પણ પ્રેમ અને લાગણીની સ્વચ્છતા જ છે. ઘરની અંદરનું વાતાવરણ, ટ્રાન્સપરન્સી, સ્વચ્છતા કે ચોખ્ખાઈ એ ઘરના એક નહીં તમામે તમામ સભ્યના હાથમાં છે. કોણ કોના કહ્યામાં છે કે કોણ કોને કેટલું દબાવી શકે છે એવી રમતો જ્યાં રમાતી હોય ત્યાં ઘર ચોખ્ખું ચણાક હોય તો પણ એ ઘરનું વાતાવરણ ચોખ્ખું નથી એવું જ કહેવાય. મનની સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે. આપણે આપણો ચહેરો સરસ મજાનો દેખાય એવું ઇચ્છીએ છીએ. પણ એ ચહેરા પર નૂર તો તમારા ઘરના વાતાવરણ પરથી જ આવતું હોય છે. ઘરમાં લાઇટ્સનો ઝળહળાટ હોય પણ ચહેરો જો ઝાંખો હોય કે નૂરવિહોણો હોય તો એનો કોઈ મતલબ નથી. દેખીતી ચોખ્ખાઈ કરતાં પણ વધુ જરૂરી છે તમારી અંદર તમારા દિલમાં ધબકતી અને જીવતી ચોખ્ખાઈની. કપડાં પર પડેલાં ડાઘાને સાફ કરવા કરતાં મનની અંદરની નેગેટીવીટીને સાફ કરવી એ વધુ જરૂરી છે. એથી જ ઘરની અંદરનું વાતાવરણ ચોખ્ખું રહેવાનું છે. ઘરની અંદરના વાતાવરણનું એનાલિસિસ કરવું પણ મહત્ત્વનું છે. ઘરની વસ્તુઓ ઉપર જામેલી ધૂળ કે રજને સાફ કરવાની સાથોસાથ પોતાની અંદર પણ જામેલી રજને સાફ કરવી જોઈએ. ઘરનું વાતાવરણ આનંદમય અને પારદર્શી હશે તો એ આપોઆપ તમારી અંદર ધબકવાનું છે. દેખીતી સ્વચ્છતા જરૂરી છે સાથોસાથ મનની, ઘરની અંદરની, એકબીજાંના દિલ સાથેની, એકબીજાં સાથેના વર્તનની ચોખ્ખાઈ પણ ઘરમાં એક સ્વચ્છ વાતાવરણમાં ધબકવી જોઈએ. આખરે આપણે સૌ આપણી નિકટના લોકોને આધારે જ જિંદગી જીવતાં હોઈએ છીએ. દરેકની જિંદગીનું એક કેન્દ્રબિંદુ હોય છે ફક્ત એ વ્યક્તિ સાથેના મનના વાતાવરણની અને ઘરના વાતાવરણની ચોખ્ખાઈ- સ્વચ્છતા કેળવી શકીએ અને જીવી શકીએ તો પણ આપણે આપણાં પૂરતું અજવાળું તો કરી જ શકીએ તેમ છીએ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.