પ્રેમને પગારથી માપી શકાય?
પ્રેમ કરતા યુગલ કે પરણેલાં યુગલ વચ્ચે ઘણી વખત કોનો પગાર કેટલો વધુ છે એ માટે કંઈ ચણભણ થાય તો એનું સોલ્યુશન શું હોય શકે? શું પત્નીનો પગાર વધુ હોય કે પત્ની વધુ કમાતી હોય તો પતિને ન ગમે એવી ફીલિંગ થતી હશે?
પતિ અને પત્ની બંને કમાતા હોય એવા યુગલની સંખ્યા કંઈ નાનીસૂની નથી. બંને સરસ કમાતા હોય તો બંને રાજી હોય એ સ્વભાવિક વાત છે. પણ જો બેમાંથી એકનો, મેઇનલી તો પત્નીનો પગાર વધુ હોય તો શું પતિને જેલસી કે અણગમો થાય?
આપણા પુરુષપ્રધાન સમાજ અને એમાં આપણે સૌ ઊછર્યા એ માનસિકતા સ્ત્રી હોય કે પુરુષ એના મનમાંથી ભાગ્યે જ નીકળી શકે છે. પુરુષપ્રધાન સમાજ સામે કોઈ વાંધો નથી. પણ કેટલીક વાતો બંને માટે સરખી હોવી જોઈએ એવું નથી લાગતું?
કેટલાંક કિસ્સામાં તો પત્ની વધુ કાબેલિયતવાળી હોય તો એણે જતું કરવું પડે છે. ઘણી વખત પત્ની સારું કમાઈને લાવતી હોય તો પણ ઘરની કેટલીક જવાબદારીઓ માટે એણે એની નોકરીનું બલિદાન પણ આપવું પડે છે.
કૉલેજના સમયથી પ્રેમમાં પડેલાં એક યુગલની વાત છે. એનું નામ મીતા અને સુકેતુ. બંને બેંગ્લોરમાં ભણ્યાં. સોફ્ટવેર એન્જિનિયર બન્યા. કૉલેજના સમયથી જ બંને એકબીજાં પ્રેમમાં હતાં. આ યુગલ જાણે મેઇડ ફોર ઈચ અધર નહીં પણ મેડ ફોર ઈચ અધર યુગલ હતું. વાત એમ બની કે બંને કૉલેજ કૅમ્પસ ઇન્ટર્વ્યૂમાં એક જ કંપનીમાં કામ કરવા માટે સિલેક્ટ થઈ ગયાં. જે દિવસે બંનેનું સિલેક્શન થયું એ દિવસે બંને બહુ જ ખુશ હતાં. જાણે એમની ખુશીઓ આસમાનની બુલંદીઓને અડતી હતી. સપનાનું આકાશ થોડું વિસ્તર્યું અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. બંનેના પરિવારજનો પણ આ લગ્નમાં રાજી હતાં. બંને પરણીને બેંગ્લોર જ સેટલ થયાં.
યુવાનીનો જોશ અને કંઈક કરી બતાવવાની તમન્ના તો કોને ન હોય? બંને એક જ વિભાગમાં એક ઍપ્લિકેશન ડિઝાઇનીંગ માટે કામ કરતાં હતાં.
કહાણીમાં ટ્વીસ્ટ અહીં જ આવ્યો. વાત એમ બની કે મીતાનું પર્ફોમન્સ સુકેતુ કરતાં સારુ હતું. એને બોસ તરફથી સરસ અપ્રીશિએશન પણ મળતું હતું. શરૂઆતના ગાળામાં તો સુકેતુ કંઈ ન બોલ્યો. પત્નીને અભિનંદન પણ આપતો. થોડા સમય પછી પરિસ્થિતિ અઘરી બનતી ગઈ. સાથે કામ કરવાનું અને પત્નીને બધાં પોતાના કરતા વધુ માન આપે એ એની પુરુષ અને પતિની માનસિકતા પચાવી નહોતી શકતી. અંદરથી એ ધૂંધવાયેલો જ રહેવા લાગ્યો. જે પત્નીની નાનામાં નાની વાત એને ગમતી હતી એ જ વાતથી એ ઇરીટેટ થવા લાગ્યો.
મીતાથી આ વાત જરા પણ અજાણી નહોતી. મીતા કહે છે, "અમે બંને બારમુ ધોરણ પાસ કરીને બેંગ્લોર ભણવા આવેલાં. બંને એક જ ક્લાસમાં એક જ પ્રોફેસર પાસે ભણતાં. ભણવામાં એ મારાથી હંમેશાં આગળ રહ્યો હતો. ત્યારે હું એની માર્કશીટ અને સ્કોર જોઈને બહુ રાજી થતી. મને ઓછાં માર્કસ આવતાં તો એનો મને બહુ અફસોસ ન થતો. મને થતું અમારા બેમાંથી એક તો સરસ ભણે છેને?
બંને પ્રેમમાં હતાં, લગ્ન કર્યાં, સાથે નોકરી કરવા માંડ્યા ત્યાં સુધી બેમાંથી કોઈને કંઈ પ્રૉબ્લેમ ન હતો. નોકરીમાં મારા દેખાવના કે મારી ડ્રેસિંગ સેન્સના વખાણ થતાં ત્યાં સુધી સુકેતુને કંઈ વાંધો ન હતો. વાંધો પડવા લાગ્યો એ પછી. જ્યારે મારા કામના વખાણ થવા માંડ્યા. અમે નોકરી સ્વીકારી એ પછી બે વર્ષે અમે લગ્ન કર્યાં. એ બે વર્ષમાં મને ઇન્ક્રિમેન્ટ મળ્યું એ સુકેતુ કરતાં એક હજાર રૂપિયા વધુ હતું. ત્યારે સુકેતુ મને બહુ ચીડવતો. મજાક કરતો. હવે અમે પતિ-પત્ની બની ગયા પછી જ્યારે પહેલી વખત મારું ઇન્ક્રિમેન્ટ આવ્યું ત્યારે સુકેતુ બહુ ખુશ નથી. વળી, મને સારો એવો વધારો મળ્યો છે. કેમકે જે ઍપ્લિકેશન અમે બનાવી રહ્યાં હતાં એનાથી મારી કંપનીને બહુ ફાયદો થયો. આથી મને સારું એવું ઇન્ક્રિમેન્ટ મળ્યું. હવે સમસ્યા એ થઈ છે કે, અમે બંને એક ટીમમાં હોવાથી વધુ અભિનંદન મને મળ્યાં.
જે સુકેતુ અમારાં લગ્ન પહેલાના પ્રોગ્રેસથી ખુશ થતો હતો એ જ સુકેતુ હવે મારી ખુશીમાં જોઈએ તેટલો ખુશ નથી થતો. એની સાથે મેં આ વિશે વાત કરી તો એ હસીને વાત ટાળી દે છે કે, એવું કંઈ નથી. પણ એવું કંઈ નથી એ એના વર્તનમાં મને નથી દેખાતું. હવે મને બહારથી એવી ખબર પડી કે, એ બીજી જગ્યાએ જૉબ શોધે છે. ફક્ત પત્નીની ઇન્કમ વધુ છે એટલે પતિના ઇગો ઉપર અસર આવે અને એ તમારી જિંદગી ઉપર હાવી થઈ જાય એ કેવું? મને તો સુકેતુનું આ વર્તન સમજાતું જ નથી. હું મારી કરિયરને લઈને બહુ ખુશ છું પણ સુકેતુને કારણે ચિંતામાં છું. પૈસાને કારણે કે પત્ની વધુ કમાય છે એ કારણે તમારું લગ્ન જીવન તમને ડામાડોળ લાગે એ તો ખોટું કહેવાયને?"
હવે આ બીજો કિસ્સો જુઓ. એક યુવક અને યુવતી એકબીજાંને જોવા માટે મા-બાપની મરજીથી મળ્યાં. એ યુવતીને એવો પતિ જીવનસાથી તરીકે જોઈતો હતો જે એને પરણ્યા પછી નોકરી કરવા દે. પેલાં યુવકને પણ એવી સ્ત્રી પત્ની તરીકે જોઈતી હતી જે લગ્ન પછી જૉબ કરે. આ યુવક અને યુવતી મળ્યાં ત્યારે એકબીજાં સાથે વિચારોની આપલે થઈ. બંને એકબીજાંથી ઇમ્પ્રેસ પણ થયાં. બંને નોકરી કરતાં હતાં એટલે સ્વભાવિક રીતે પગારની રકમ કેટલી છે તેની વાત થઈ. પેલી યુવતીએ કહ્યું કે, એનો પગાર ચાલીસ હજાર છે. પેલો યુવક હસવા લાગ્યો એણે કહ્યું કે, મારો પગાર તારા કરતાં પાંચ હજાર રૂપિયા ઓછો છે.
આ વાત સાંભળીને પેલી યુવતીઓ પોતાના મનની વાત છેડી, "પગારનો ટોટલ કેટલો છે તેનાથી પ્રેમનું માપ કેટલું છે એ નથી નીકળી શકતું. તારા અને મારા સેલરી કરતા મારા માટે મહત્ત્વનું છે આપણી વચ્ચેનો સ્નેહ અને પ્રેમ. પૈસા આપણને ભૌતિક સુખ સગવડો આપી શકશે પણ સુખી તો આપણે જ થવાનું હોય. લગ્નની સપ્તપદીમાં એક વાત એ ઉમેરવી જોઈએ કે, કોણ કેટલું કમાઈ લાવશે એ વાત ગૃહસ્થી પર કોઈ દિવસ હાવી નહીં થાય. બે વ્યક્તિઓ કેટલું કમાઈ લાવે છે એ કરતાં બે વ્યક્તિઓ એકબીજાંને કેટલો પ્રેમ કરે છે, કેટલો આદર કરે છે એ વધુ મહત્ત્વનું છે."
બે અલગ-અલગ કિસ્સા અનેક વિચારને દૂઝતાં કરી દે તેવાં છે. કમાઈને લાવવાની બાબતમાં જેન્ડર બાયસ આવી જાય કે પોતે પુરુષ છે એટલે એ પત્નીથી વધુ જ કમાતો હોવો જોઈએ એ વિચાર આજના જમાનામાં તો શું એક પણ સમયે યોગ્ય ન ગણી શકાય બે વ્યક્તિઓ વચ્ચે પ્રેમ કેવો અને કેટલો રહેશે એ કોઈ સેલરી સ્લિપ કે પગારનો આંકડો ન નક્કી કરી શકે. પોતાની વ્યક્તિ વધુ કમાઈને લાવતી હોત તો અંતે એ તમારા ઘરમાં જ આવવાનું છે. હકીકત એ છે કે, પોતાની વ્યક્તિની આવડત કે કમાણી તમારા કરતા વધુ હોય તો એ વાતને સમાજની કે પોતાની અંદર પડેલી સો કોલ્ડ પુરુષ પ્રધાન સમાજની સમજથી ઉપર ઊઠીને એનું સન્માન કરવું જોઈએ. કોઈ શું કહેશે કે, પોતાની અંદરની માનસિકતા શું સમજે છે એ કરતાં પોતાનું દિલ શું વિચારે છે એ વધુ મહત્ત્વનું છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર