મા-બાપના માનસિક છૂટાછેડા વચ્ચે પીલાતાં-પીડાતા સંતાનો

25 Apr, 2017
12:00 AM

જ્યોતિ ઉનડકટ

PC: pixabay.com

પોતાના સંતાન સામે ઘણાં બધાં મા-બાપ કોઈ પ્રકારની દલીલો નથી કરતાં હોતાં. એકમેકને બહુ બને છે એવો દેખાડો કરવાની વાતને વધુ અગત્યની સમજે છે.

સાચી વાત એ છે અને મનોવૈજ્ઞાનિકોએ પણ અનેક સંશોધનો પછી કહ્યું છે કે, તમારા પોતાના સંતાનોની સામે નાના-નાના ઝઘડાં અને દલીલો થવી જ જોઈએ. તમે મા-બાપ છો એનો મતલબ એ જરાય નથી કે, તમને બંનેને એકબીજાં સાથે કોઈ પ્રશ્ર્નો જ નથી. મા-બાપ વચ્ચે નાની-નાની નોંકઝોંક તંદુરસ્ત સંબંધની નિશાની છે. મતભેદ થવા જરુરી જ છે. પછી એ સંબંધ કોઈપણ હોય. ઘર હોય કે ઓફિસ હોય બે અલગ-અલગ સ્વભાવની વ્યક્તિઓ વચ્ચે મતભેદ થવાના જ છે. સોએ સો ટકા કોઈ એક વ્યક્તિનું જ ચાલતું હોય એ સ્વસ્થ સંબંધ હોવાની નિશાની નથી. 

કૉલેજમાં ભણતો અર્થ નામનો એક ટીનએજર દીકરો એના મા-બાપની મતભેદ અને મનભેદની દુનિયા વચ્ચે બરોબરનો અટવાઈ ગયો છે. એના મા-બાપ વચ્ચે વાતચીતનો પણ સંબંધ નથી. જે કંઈ વાતચીત થાય છે તેમાં સંદેશાવાહક અર્થ હોય છે. બહુ જ ભણેલી અને ડ્રેસ ડિઝાઈનર એવી એની મમ્મી મોટાં થઈ રહેલાં દીકરાને ચોખ્ખું કહે છે, ‘હું તો તારા માટે આ માણસ સાથ રહું છું. બાકી મને એની સાથે એક દિવસ રહેવું નથી. તું ગ્રેજ્યુએટ થઈ જા. તારે વિદેશ ભણવા જવું છે એ સેટલ થઈ જાય એટલે હું મુંબઈ જતી રહેવાની છું. મારા ઘણાં કલાયન્ટ્સ કહે છે કે, તમારું ડ્રેસ ડિઝાઈનીંગ મુંબઈમાં જોરદાર ચાલશે. પછી ભલે તારા બાપને જે કરવું હોય એ કરે.’

સોફ્ટવેર કંપનીના માલિક એવા અર્થના પિતા કંઈ કહેતા નથી. અર્થ સાથે ખપ પૂરતી વાતો કરે છે. સાથે ટીવી જોવા બેઠાં હોય કે પ્રોજેક્ટની કોઈ ચર્ચા કરવાની હોય કે પછી કોઈ મુદ્દે અર્થને સલાહ જોઈતી હોય ત્યારે જ એના પિતા વાતો કરે. એ સિવાય દીકરાની કૉલેજ કેવી ચાલે છે, કેવા મિત્રો છે, કૉલેજની લાઈફ વિશે કોઈ વાતો નથી થતી. ત્રણેયને ફિલ્મો જોવાનો ખૂબ જ શોખ છે. પણ છેલ્લે એ લોકો ત્રણેય સાથે મુવી જોવા ક્યારે ગયાં હતાં એની એમને જ ખબર નથી. સમાજની નજરે આ પરિવાર રજાઓ ગાળવા જાય છે. આ પરિવાર ગયા ઉનાળે લંડનની ટૂર પર ગયેલું. લંડન ગજબ મોંઘું છે ફરવા માટે છતાંય આ પરિવારે તમામ જગ્યાઓએ ત્રણ વ્યક્તિઓ માટે ત્રણ રુમ બુક કરાવી હતી. ફક્ત એ લોકોની આવવા જવાની ફલાટ્સ જ એક હતી. બાકી ક્યાંય પણ ફરવા જવા માટે કોઈ કોઈની સાથે જવાનું પસંદ ન કરે.

અર્થ કહે છે,’બંને અલગ-અલગ ધ્રૂવના વ્યક્તિત્વો છે. બંને એકબીજાં સાથે કનેક્ટેડ તો છે જ નહીં. મજાની વાત એ છે કે, મારા મા-બાપનું પ્રેમલગ્ન છે. કોણ કોની સાથે ન ચાલી શક્યું કે, કોણ ક્યાં અટકી ગયું એ તો મને નથી ખબર પણ અમારા ઘરમાં બંનેના બેડરુમ સુદ્ધાં અલગ છે. હું સંબંધોને સમજતો થયો ત્યારે મેં બંને વચ્ચે સુલેહ કરાવવાની કોશિશ કરી. પણ બેમાંથી કોઈ પોતપોતાનો ઈગો છોડવા તૈયાર નથી. પપ્પાની બિઝનેસ ટ્રીપ્સ વિશે મમ્મી કોઈ દિવસ સારું વિચારી શકતી નથી. જો કે એ હકીકત પણ છે કે, પપ્પાનો જીવ મારી મમ્મીમાં નથી. આ બાજુ મમ્મીની પાર્ટીઝ પપ્પાને કોઈ દિવસ ગમી નથી. મમ્મી એકદમ હેપનીંગ વર્લ્ડની વ્યક્તિ લાગે. લાઈવ લાગે પણ એની હકીકત મને ખબર છે એટલે એનામાં કંઈક ખૂટતું લાગે છે એ હું જ મહેસૂસ કરી શકું છું. કેટલું બધું એવું છે જે બંનેમાં કોમન છે. પણ હવે એ બંને એકબીજાં માટે એટલા અણગમતાં વ્યક્તિઓ બની ગયા છે કે, મારી તમામ કોશિશ અસફળ રહી છે. પપ્પા પણ મને એવું કહેવાનું નથી ચૂકતા કે, એ તો મારા ખાતર મમ્મીને સહન કરે છે અને એક ઘરમાં રહે છે.’

અર્થ કહે છે,’મારું નામ અર્થ શા માટે પાડ્યું હતું એ ખબર છે? મારો જન્મ થયો ત્યારે બંનેને એવું થયું હતું કે, આ જ છે અમારી જિદંગીનો અર્થ. આજે બંનેના જિદંગીના અર્થ અલગ અલગ થઈ ગયાં છે. એમની જિંદગી કેવી છે તેનો જ અર્થ વિસ્તાર એ બંનેને મળતો નથી. મજાની વાત એ છે કે, મારા મમ્મી-પપ્પા એકબીજાંની સામે રાડો પાડીપાડીને કે મતભેદ છે એ રીતે ઝઘડતાં નથી. બંને વચ્ચે સીઝ ફાયર ન થઈ શકે એવું કોલ્ડ વોર ચાલ્યે રાખે છે. કોઈ વખત તો એવું લાગે છે કે, બંને એકબીજાંને બતાવી દેવા, પછાડી દેવા માટે જ આ બધું કરે છે. બંને મને પોતપોતાની તરફ ખેંચે નથી રાખતાં પણ વાતેવાતે જતાવવાનું છોડતાં નથી કે, એ બંને મારા ખાતર એક ઘરમાં રહે છે.’

સોફ્ટવેર એન્જિનિયરીંગનું ભણતા અર્થને પપ્પાની ફર્મમાં તો કામ કરવું જ નથી. એને વધુ અભ્યાસ માટે ભારત છોડી દેવું છે. જો કે, દેશ છોડીને જવું છે એ કરતાં વધુ યોગ્ય શબ્દો એ છે કે, એને એના મા-બાપને છોડીને ક્યાંક ભાગી જવું છે. તારા ખાતર તારા ખાતર એ વાક્ય રચનાથી બહુ ત્રાસી ગયો છે અર્થ. 

અર્થ કહે છે, ‘કોઈ અદાલત મને મારા મા-બાપથી છૂટાછેડા અપાવી શકે? તમારા ધ્યાનમાં આવી કોઈ કોર્ટ છે? બંને એટલાં હોંશિયાર અને બુદ્ધિશાળી છે કે, નથી મેરેજ કાઉન્સેલર પાસે એમને જવું કે નથી પોતાની રીતે કંઈ સમજવું. મને એમ થાય છે કે, હું જ ક્યાંક જતો રહું. મારી સમજાવટ અને મારા પ્રત્યેની લાગણી પણ એ બંને ઉપર હવે કોઈ અસર નથી કરતી. કોઈ વખત તો મને મારા ઉપર જ દયા આવી જાય છે. લોકો એવું કહેતા હોય છે કે, એરેન્જડ મેરેજ કરતાં લવ મેરેજ સારા. મારા માતા-પિતાનું લવ મેરેજ મેં મારી સામે તૂટતાં જોયું છે. એમની જિંદગી જોઈને મને પોતાને લગ્ન કરવાનું મન નથી થતું.’ 

અર્થની સાથોસાથ બીજો એક કિસ્સો પણ ધ્યાને આવ્યો છે. વાત એમ છે કે, પરિવારમાં જ એક નવપરણીત યુગલ છે. બંનેને જોઈએ તો એવું લાગે કે એકમેક માટે બનેલી જોડી છે. પણ લગ્નના છ જ મહિનામાં બંને એકબીજાંને અવગણવા માંડ્યાં. બંનેને ખબર પડી ગઈ કે અલગ અલગ સ્વભાવના માણસો લગ્ન દ્વારા ભેગાં થઈ ગયાં છે. છૂટાં પડવાની ધાર ઉપર છે. હજુ પહેલી એનીવર્સરી નથી આવી ત્યાં તો એ બંને વચ્ચે અંતર દેખાય છે. આ નવપરણીત યુગલનું લગ્ન એમની જિદંગીમાં કોઈ નાનકડી નિર્દોષ વ્યક્તિનું આગમન થાય એ પહેલાં જ ખતમ થઈ જાય તો સારું એવું એ યુવકની મમ્મી વિચારે છે. એ યુવકની વિધવા મમ્મી અને યુવતીના માતા-પિતા બહુ જ સમજુ વ્યક્તિઓ છે. કાઉન્સેલીંગથી માંડીને તમામ નુસખાઓ આ વડીલો અજમાવી ચૂક્યા છે. કાગળ ઉપર સહી કરવાની વાર છે બાકી આ ઘરમાં પણ માનસિક છૂટાછેડાં જીવાઈ રહ્યાં છે. આ યુગલના કિસ્સામાં બાળકો નથી તો એમના વડીલ મા-બાપ પીડામાં પીલાઈ રહ્યાં છે. 

આ તો બે કિસ્સા ધ્યાને આવ્યાં અને લખવાનું મન થયું. તમારી આસપાસ જરા નજર મારજો. કેટલાંય આવા મરેલાં સંબંધો ઘસડાતાં હશે. આ સંબંધો જીવાતા તો હોતાં જ નથી. વળી, સંતાનો અને મા-બાપને ખાતર પોતે બધું સહન કરે છે કે જતું કરે છે એવું જતાવે છે. હકીકત એ હોય છે કે, સંતાનો કે મા-બાપ બેમાંથી કોઈ એમને કોઈ દિવસ સહન કરવાનું નથી કહેતાં હોતાં. પણ પોતે બહુ સમજદાર છે એવો દાવો અને એ સમજણ જ સાચી છે એવું માનતા હોય છે. આવા કિસ્સાઓમાં પ્રેક્ટિકલ નિર્ણય એ હોય શકે કે, મન મારીને જીવવા કરતાં કોઈ પણ એક જ સંબંધને પ્રમાણિકતાથી જીવવો વધુ યોગ્ય હોય છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.