સ્વતંત્રતા અને સમજદારી વચ્ચે સ્પષ્ટતા હોવી જરૂરી
મને મારી રીતે જીવવું છે. જેમાં કોઈ જ ટર્મ્સ એન્ડ કન્ડિશન ન હોય.
કરીના કપૂરે કોઈ મુલાકાતમાં આ વાત કહી. ત્યારથી મન વિચારે ચડી ગયું છે. એ તો સેલિબ્રિટી છે. એનો ઉછેર અને જિંદગી આમ ઔરત કે આમ આદમી જેવી નથી હોવાની. પણ સામાન્ય વ્યક્તિ માટે આ કેટલું શક્ય બને?
સૌથી પહેલી વાત તો એ જ નીકળે કે, ભાઈ આપણે સમાજમાં રહીએ છીએ. એ સમાજના અમુક નીતિ-નિયમો છે. અમુક લખેલાં, અમુક વણલખેલાં, અમુક સ્વીકારાયેલાં અને અમુક લદાયેલાં એ બધાંનો ઉલાળિયો કરીને એમ ક્યાં જીવી શકાવાનું છે? પોતાની રીતે જ જીવતાં લોકોની સમાજ વાતો કરતાં અચકાતું નથી. સૌથી મોટો રોગ કે ભય એ જ છે કે, લોકો શું કહેશે?
આપણે ત્યાં દિલ શું કહે છે એના જવાબ કરતાં લોકો શું કહેશે ને એની ચિંતા વધુ થાય છે. પહેરવા-ઓઢવાની મર્યાદાથી માંડીને બોલવાની અને બીજી અનેક મર્યાદાઓ લોકો શું કહેશે એવું બોલીને લાદી દેવાય છે. કેટલાંક લોકો તેની સામે બળવો પોકારી શકે છે જો કે આવા લોકોની સંખ્યા બહુ ઓછી હોય છે. દર વખતે બંધનો સામે બળવો કરવાની જરુર નથી હોતી. વળી, બંધનો બહુ જવલ્લે જ સામેથી છૂટછાટ આપે છે. સ્વતંત્રતા ભાગ્યે જ સામેથી કોઈ આપતું હોય છે. એને લડીને મેળવવાની હોય છે. એક વર્કિંગ વુમન તો એમ જ કહે છે કે, ‘સ્વતંત્રતા મળે નહીં છીનવી લેવાની હોય’.
સ્વતંત્રતા અને પોતાની રીતે જીવવાની વાત વિશે વાણી નામની એક હોમ મેકર કહે છે,’ હું મારા પિતાને ત્યાં બીજી દીકરીઓને મળતી છૂટછાટ કરતાં વધુ સરસ રીતે ઉછરી છું. સાસરે આવી ત્યારે મારે માથે ઓઢવાનું આવ્યું. મારા પિયર જાઉં ત્યારે હું કેપ્રી અને સ્લીવલેસ પહેરીને ફરતી હોઉં અને સાસરે કપાળ ઢંકાઈ જાય એટલું માથે ઓઢીને ફરતી હોઉં. મારા માટે સ્વતંત્રતા એટલે ફક્ત મનગમતાં કપડાં પહેરવા મળે એ જ નથી. ગમતાં કપડાં પહેરી લો અને પછી તમારો જીવ અંદરથી મૂંઝાતો હોય તો એ સ્વતંત્રતા શું કામની? મને સાસરે માથે ઓઢવું અઘરું પડે છે. પણ મને અહીં એક સમજદાર વ્યક્તિ તરીકે જોવામાં આવે છે. પરિવારના તમામ નિર્ણયોમાં મારો મત જાણવામાં આવે છે. હું કોઈ વાતે બીજાં બધાંથી જુદી પડું તો એ ખાસ ગણવામાં આવે છે એના ઉપર વિચાર પણ કરવામાં આવે છે.’
કૉલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો કેતન પોતાની વાત કહે છે કે, ‘હું બે બહેનો, બે ફૈબા અને મમ્મી એ પાંચ સ્ત્રીઓ તથા પપ્પા વચ્ચે એક જ નાનકડો દીકરો. કૉલેજમાં આવ્યો ત્યાં સુધી મને બધાં લોકોના લાડકોડ ગમતાં હતાં. હાઈસ્કૂલમાં આવ્યો ત્યારે બંને ફૈબાના લગ્ન થઈ ગયાં. કૉલેજમાં આવ્યો ત્યારે બંને બહેનો પરણીને સાસરે જતી રહી. મને મારા ઘરમાં એટલે પેમ્પર કરવામાં આવ્યો છે કે, આજે હું મારું એકપણ કામ જાતે નથી કરી શકતો. મને મારું અસ્તિત્વ જાણે કોઈનો સપોર્ટ જ ઝંખતું હોય એવું ફીલ થાય છે. હું સ્વતંત્ર રીતે કંઈ કરી જ નથી શકતો. મને એવું લાગે છે કે, શ્ર્વાસ લેવા સિવાય હું કંઈ જ જવાબદારી કે કામ મારી રીતે નથી કરી શકતો. મને એટલો બધો પ્રોટેક્ટેડ રાખવામાં આવ્યો છે કે, મને પોતાને નથી સમજાતું કે, મારી સાથે કેમ આવું કરવામાં આવ્યું. અમારી ઘરમાં મારા પપ્પાના જન્મ બાદ વર્ષો પછી દીકરા તરીકે મારો જન્મ થયો. એમાં ઘરમાં અલગ-અલગ ઉંમરની આટલી બધી સ્ત્રીઓ. હું તો જેમ ઉછેરતાં હતાં એમ ઉછરી રહ્યો હતો. હવે મારામાં સમજ આવી છે ત્યારે મારી જાતને અધૂરી અને પરતંત્ર ફીલ કરું છું. વાંક કોનો હતો એ નથી સમજવું મારે. મને તો એટલી સમજ પડે છે કે, છોકરો હોવા છતાં સ્વતંત્રતા કે પોતાની રીતે સમજ કેળવાય એવા કોઈ ગુણો મારામાં છે જ નહીં એવું મને લાગે છે. હા, અત્યારે એ બધું સમજાય છે એટલું છે. બીજા નંબરની બહેન સાસરે ચાલી ગઈ. પપ્પા બીમાર પડ્યાં અને થોડાં સમયમાં એમણે પણ વિદાય લીધી. મમ્મી એકલી પડી ગઈ. હું પોતાની જાતને એકલો અનુભવું છું. પૈસે ટકે કોઈ કમી નથી. રુપિયાની સ્વતંત્રતા પૂરેપૂરી છે. કોઈ મને રોકવા કે ટોકવાવાળું નથી. પણ કૉલેજની જિંદગીમાં મારી સાથે ભણતાં બીજાં વિદ્યાર્થીઓને જોઉં છું ત્યારે મારી જાતને હું બહુ પાછળ હોય એવું ફીલ કરંબ છું. મારામાં આત્મવિશ્ર્વાસનો અભાવ છે અને દેખાવમાં પણ હું એવરેજ છું એટલે મારા મિત્રો મને પાછળથી ચંબુ કહીને ખીજવે છે. પણ હું કોઈ વાતથી નાસીપાસ નથી થતો.
મેં એક સાઈકિયાટ્રીસ્ટની સલાહ લીધી. એમની મદદથી હું ધીમેધીમે મારી એક જ પ્રકારે ઘડાયેલી માનસિકતા સામે હું લડી રહ્યો છું. મને સમજ આવી છે પણ એ મારી જાતને ક્યારે ટટ્ટાર કરશે એની મને ખબર નથી. મારો જે ઉછેર થયો એની સામે મને કોઈ ફરિયાદ નથી. હું જેવો છું એની સામે પણ મને કોઈ સવાલો નથી. પણ હવે મને મારી રીતે, મારી સમજ પ્રમાણે જિંદગી જીવવી છે. જિંદગીમાં શરતોને આધીન ઘણુંબધું હોય છે. પણ જ્યારે તમારી સમજ એ શરતોને આધીન ન થાય ત્યારે તમારે તમારી રીતે રસ્તો કાઢવો જ પડે.’
કેતન પાસે આમ દેખીતી રીતે જોવા જાવ તો કોઈ કમી નથી. એ પોતાની અંદરના જ અસ્તિત્વ સાથે પોતાની જ સ્વતંત્રતા માટે લડી રહ્યો છે. વાણીને પોતાને નહીં મળતી સ્વતંત્રતાઓને કારણે કોઈવાર અપસેટ થઈ જાય છે. પણ બંને અલગ અલગ ઉંમરના પાત્રોની સમજદારી એને સ્વચ્છંદ થતાં રોકે છે. સમજદારી હોય પણ તમારું કંઈ ન ચાલે ત્યારે તમે કાં તો સ્વચ્છંદ થઈ જાય યા તો તમે પરિસ્થિતિને જેવી છે એવી સ્વીકારી લો. જે જેવું છે એવું સ્વીકારી લેવામાં પણ કંઈ ખોટું નથી. મન ન માને ત્યારે સ્વીકારવું શક્ય નથી બનતું હોતું.
આજે કોઈ પણ વ્યક્તિ ક્યારેય કોઈ સવાલ કરે ત્યારે હું એને હંમેશાં કહું છું કે, દિલ શું કહે છે? જો એ સમજદાર હોય તો એ એના દિલને જ અનુસરવાની છે. એને એ જ સલાહ આપું છું. પણ પરિવાર, સમાજ, બંધનો વગેરે સામે સમજદારી અને સ્વતંત્રતા ખડી થઈ જાય ત્યારે એટલું ચોક્કસ કહું છું કે, વાતચીતથી હલ નીકળે તો તમારી સમજદારી ખરી. બાકી બળવો કરીને પણ જીવી શકાય છે અને સ્વચ્છંદ બનીને પણ જીવી શકાય છે. અમુક વર્તન માટે આપણી જાત એટલે જ ખચકાતી હોય છે. અંદર રહેલી સમજદારી આખરે બીજું કંઈ નહીં આપણને કેળવણી અને ઉછેરમાં મળેલાં સંસ્કારો જ છે. કોઈની પરવા ન કરીને આસાનીથી રસ્તો નીકળી શકે. પોતાને રસ્તે નિયમોથી વિરુદ્ધ ચાલી નીકળવું હોય તો એ રસ્તો થોડો અઘરો જ રહેવાનો. એ રસ્તે કદાચ તમે એકલાં હોવ. પોતાની રીતે જ આગળ વધવાનો રસ્તો છેલ્લો વિકલ્પ હોય શકે. વાતચીત અને સમજદારીથી કોઈ વાત બને તો એ પ્રયત્ન કરવામાં પણ કંઈ ખોટું તો નથી જ.
જિંદગી કોઈની પણ હોય એની સાથે જીવતાં તમામ લોકોની થોડી થોડી ટર્મ્સ અને કન્ડીશન એના ઉપર હોવાની જ. માણસ એવું સામાજિક વ્યક્તિત્વ છે જે પોતાના લોકો વગર જીવી જ નથી શકવાનું. ત્યાં હું હું અને હું જ એમ કોઈ વિચારી નથી શકતું. સ્વભાવે જ સ્વાર્થી હોવ તો વાત અલગ છે. પણ સ્વતંત્રતાની સાથોસાથ સમજદારી અને સ્પષ્ટતા પણ એટલાં જ મહત્ત્તવના છે એ કોઈએ ન ભૂલવું જોઈએ. અસ્તિત્વને થતી ગૂંગણામણ કઈ રીતે દૂર કરવી, ક્યા રસ્તે આગળ વધવું એ નિર્ણય જ તમારી સમજદારીમાં સમાયેલો છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર