હંમેશાં પીડા છૂપાવવાની જ હોય?
ઝેરને હજમ કરવું હોય તો શંકર બનવું પડે
ને જો પીડા છૂપાવીને હસતા રહેવું હોય તો સ્ત્રી બનવું પડે...
સોશિયલ મિડીયા ઉપર આ પંક્તિ ફરતી ફરતી આવી. આ વાંચીને મનમાં સવાલ થયો કે, શું ખરેખર આજની દીકરી આવી છે? ઉદાહરણ શંકર ભગવાનનું છે તો તો દીકરાનો અને પુરુષોનો પણ વિચાર આવી ગયો કે, દીકરી-મહિલા-સ્ત્રી જ નહીં દીકરો કે પુરુષ પણ કેટકેટલીય વખત સહન કરીને જીવે છે. પીડા સહન કરવામાં કે જતું કરી દેવામાં જેન્ડર બાયસ નથી એવું લાગે છે. સ્ત્રીના અસ્તિત્વ સાથે લાગણી, મમતા, કરુણા જેવા શબ્દો જોડાયેલાં રહે છે એટલે કદાચ આ વાત બધાંને ધ્યાને વધુ આવતી હશે. સ્ત્રી કદાચ પુરુષ કરતાં વ્યક્ત થવામાં સહજ હશે એટલે પણ આવું બોલાતું હશે. જેટલું એક સ્ત્રી બીજી સ્ત્રી સાથે સહજ હોય છે એટલો જ સહજ સંબંધ બે પુરુષોની વચ્ચે વ્યક્ત થવામાં નથી જોવા મળતો. ઉપરની પંક્તિઓને લઈને તો એવો વિચાર આવી જાય છે કે, આ વાત સ્ત્રી કરતાં તો પુરુષને વધુ લાગુ પડે છે.
એકમેકનાં મન સુધીની વાચક એવી એવી ઉર્વી સબનીસ-દવે કહે છે, પીડા છુપાવીને ઘણાં પુરુષો પણ જીવતા હોય છે. વાતો કરવામાં, ગોસિપ કરવામાં કે પતિનું ખરાબ બોલવામાં કે ઘરની વાતો બહેનપણીઓ સાથે શેર કરવામાં સ્ત્રીઓ જેટલી સહજ હોય છે પુરુષો એટલાં સહજ નથી હોતાં.
તો મુંબઈ રહેતી મેધા અંતાણી કહે છે, આજના દિવસોમાં દીકરીની જેમ જ દીકરો પણ એટલી જ પીડા વેઠતો હોય છે. દીકરા માથે પણ પ્રેશર્સનો પહાડ હોય છે. ભણવાનું, કરિયર, નોકરી, પરિવારજનોની જવાબદારીથી માંડીને કેટલું બધું એના શિરે હોય છે. આ તમામની સાથે એ જીવતો હોય છે.
મેધા એમાં થોડી વાત ઉમેરે છે એ કહે છે, આજકાલ બહુ ચાલ્યું છે કે, દીકરી વહાલનો દરિયો. પણ કડવી વાસ્તવિકતા એ છે કે, એ જ દીકરી જ્યારે કોઈના ઘરની વહુ બને છે એનાં સાસરિયાવાળા અને પતિને પૂછો કે, એ લોકો પણ કેટકટેલીય હકીકતોમાંથી પસાર થતાં હોય છે. એ માવતરનો વહાલનો દરિયો ઘણી વખત સામેવાળાના આંસુ વહાવી દે છે. કેટકેટલીય પીડા એ સહન કરતા રહે છે. પરણીને ઘરમાં આવેલી પત્નીની પઝેસિવનેસ, માબાપનો ડર કે દીકરો વહુનો થઈ જશે એટલે માબાપ દીકરાને પોતાની નજીક તાણવાનો પ્રયાસ કરે. તમામ લોકોની અપેક્ષાઓ અને ઉપરાંત સોશિયલ- ઈમોશનલ પ્રેશર્સ વચ્ચે એ દીકરો કેવો પીસાય છે ને એ પીડા તો એ જ સહન કરતો હોય છે.
આપણે એક વાક્ય તો અનેકવાર આપણાં ઘરોમાં સાંભળ્યું જ હશે કે, આ તો હું સહન કરું. બીજી કોઈ હોયને તો ઘર છોડીને ભાગી જાય. આ વાક્યની સામે હકીકત એટલી જ હોય છે કે, પુરુષ આવું નથી બોલી શકતો હોતો. બોલવું તો એને પણ હોય છે. સ્વભાવસહજ મર્યાદાને કારણે ઘણી વખત વ્યક્ત ન થઈ શકાય એ જ સત્ય હોય છે.
સ્ત્રી સહન કરે છે, જતું કરી દે છે, મૂંગી રહે છે, સમર્પણ એના સ્વભાવમાં છે આ તમામ હકીકતો સાચી, પણ એટલે પુરુષની તમામ લાગણીઓ શૂન્ય નથી થઈ જતી. સમય હવે એવો આવી ગયો છે કે સ્ત્રી જ નહીં પુરુષની લાગણીને પણ સમજવાની જરૂર છે.
એવી કેટલી માતા, પત્ની કે દીકરી છે, જે પોતાની સાથે સંબંધોથી કે લાગણીથી જોડાયેલાં પુરુષોને વ્યક્ત થવાનો ચાન્સ આપે છે? માનો કે કોઈ વ્યક્તિ વ્યક્ત થઈ જાય તો એ પુરુષને કેટલી સ્ત્રીઓ સમજે છે એ પણ બહુ મહત્ત્વનું છે.
ઘણી વખત તો એવું બને છે કે, વાંક સ્ત્રીનો હોય. માથાકૂટ થતી હોય અને ભગવાને જે સ્ત્રીમાં મૂળભૂત – બાય ડિફોલ્ટ વાત મૂકી છે એ રીતે એ રડવા માંડે. વાંક ભલેને એનો હોય પણ બધી સહાનુભૂતિ એ સ્ત્રી તરફ જ વળી જાય છે એ હકીકત છે. ઘણી વખત તો આંખોમાં આંસુ આવી જવાની સહજતાને હથિયાર તરીકે વાપરતાં કેટલીક સ્ત્રીઓ અચકાતી નથી. પુરુષના સ્વભાવની મર્યાદા અને સ્ત્રીના સ્વભાવની સહજતા સામસામી ટકરાય ત્યારે નક્કી કરવું અઘરું પડે કે, કોણ ઝેર પીને શંકર બન્યું છે.
દરેક ઘર-પરિવારમાં કેટલાંક લોકો સ્વભાવને કારણે તો કેટલાંક લોકો ડરના કારણે ઘણું બધું સહન કરતાં જ હોય છે. જરા સરખી અહીં લાગણીને વ્યક્ત થવાની સ્પેસ આપવાની જરુર હોય છે. ફક્ત સ્ત્રી જ બધું સહન કરે છે એ વાક્યને સત્ય માનવા કરતાં બીજી સાઈડ ઉપર પણ આપણે નજર નાખવી જોઈએ. આપણી વિચારવાની રીતનો નજરિયો બદલાવાની જરૂર છે. સમય બદલાતો રહે છે એમ સંબંધો પણ બદલાતા રહે છે. એકસરખું અને એકધારું ક્યારેય નથી ચાલતું હોતું. એક જ વ્યક્તિ જો જતું કરતી રહે અને સહન કરતી રહે તો એ ઘરોમાં જિદંગી ધબકતી નથી હોતી. એ ઘરોમાં બસ શ્વાસ ચાલતાં હોય છે પણ ઘર બેજાન હોય છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર