જીવનસાથીના દર્દના સાથીદાર બનો છો?
સાત ફેરા ફરીને કે સમાજ અને પરિવાર સામે વચન દઈને લગ્નના તાંતણે બંધાતા યુગલોમાં એ સપ્તપદીને નીભાવવાની ભાવના કેટલાં લોકો જીવી જાણે છે? લગ્ન સમયે કોઈ જ શારીરિક કે માનસિક ખામી ન હોય. પણ લગ્ન બાદ બેમાંથી એકને કોઈ શારીરિક કે માનસિક સમસ્યા થાય ત્યારે બીજી વ્યક્તિની કસોટી થતી હોય છે. સુખમાં તો સૌ સાથે રહે. તમારી દર્દની કે દુઃખની સ્થિતિમાં તમારી પડખે કે તમારા દર્દને પોતાની અંદર અનુભવી શકે એ ખરો સાથીદાર.
એક મિત્ર યુગલ છે. એ યુગલમાંની પત્નીનું પિયર અને સાસરું બંને એક જ શહેરમાં છે. બે બાળકોની માતા એવી આ સ્ત્રી જ્યારે પણ બીમાર પડે ત્યારે એનો પતિ બાળકો સહિત એની પત્નીને પિયર મૂકી આવે. સાદો તાવ આવ્યો હોય કે પછી કોઈ ઓપરેશન થયું હોય એ પતિ સિફતપૂર્વક એવું કહી દે કે, તારી મમ્મી જેવું ધ્યાન હું નહીં રાખી શકું. એક વખત એવો વિચાર આવી જાય કે, ખરેખર એ એવું જ વિચારતો હશે કે દીકરીનું ધ્યાન એક મા રાખી શકે એવું બીજું કોઈ ન રાખી શકે. સાથોસાથ એવો વિચાર પણ આવે કે, એ એની જવાબદારીઓમાંથી છટકે છે. પોતાના બિઝનેસમાં એ રજા પાડવા નથી માગતો. પત્નીને એ સાજીનરવી હોય ત્યારે જ એ રાખવા ઈચ્છે છે. પત્ની દર્દમાં કણસતી હોય ત્યારે એવું કહી દે છે કે, મારાથી તારું દુઃખ જોવાતું નથી. પણ સામી બાજુ એ દર્દમાં પીલાતી પત્નીને પતિ સ્પર્શ જોઈતો હોય છે. પત્ની એવું ઈચ્છે છે કે, એ સુખમાં કે દર્દમાં પતિના ઘરે જ રહે. જો કે એ શક્ય નથી બનતું.
આ લખવાનું કારણ એ છે કે, થોડાં દિવસો પહેલાં એક બહુ જ સરસ કાર્યક્રમ બેંગલૂરુમાં યોજાઈ ગયો. એચસીજી હૉસ્પિટલ અને પિંક રિવોલ્યુશન ફાઉન્ડેશને સાથે મળીને એક ઝૂંબેશ ઉપાડી. રાષ્ટ્રીય સ્તરે એક સ્પર્ધા યોજી. કેન્સર સામે લડીને જીતેલાં લોકોએ આમાં સેલ્ફી વિડીયો શૂટ કરીને મોકલવાનો હતો. આખા દેશમાંથી છેલ્લાં ત્રણ વર્ષથી આ સ્પર્ધામાં કેન્સરને જીતીને જીવતાં લોકો ભાગ લે છે. આખા ગુજરાતમાંથી લગભગ બસોથી વધુ એન્ટ્રી ગઈ હતી. જેમાંથી ઊર્વિ સબનીસ-દવે બીજા નંબરે આવી હતી તો બીજાં એક ગુજરાતી શ્રેણિક શાહ આઠમા ક્રમે વિજેતા થયા હતા. લોકોને પ્રેરણા મળે એવો પોઝીટિવ વિડીયો હોવો જરુરી હતો. પહેલા નંબરે કન્નડભાષી અને નેવું વર્ષથી ઉપરની વ્યક્તિ વિજેતા બન્યા. દરેકની એક સ્ટોરી હતી. કોઈએ જીવનસાથીના સાથને પોતાની તાકાત બનાવી તો કોઈને એના જીવનસાથીએ કેન્સર થયું છે એવી ખબર પડી કે તરછોડી દીધાં. દર્દને પચાવીને જિંદગી જીવી લેવી જોઈએ એવું ભાગ લેનાર દરેક વ્યક્તિનું માનવું છે.
આમાં સૌથી યુનિક કિસ્સો છે એની શર્માનો. એની શર્માના લગ્ન બાદનું પહેલું કરવા ચોથ હતું એના થોડાં દિવસો અગાઉ જ એને ખબર પડી કે એને કેન્સર થયું છે. એનીએ એના વિડીયોમાં કહ્યું છે કે, પહેલાં તો મને એમ થયું કે, મને જ કેમ? પણ એ કેન્સર સામે હું જીતી અને એકદમ મજાથી જિદંગી જીવી રહી છું. ઊર્વિ અને એની તથા બીજાં કેટલાંક લોકો એક જ ગાડીમાં જે જગ્યાએ કાર્યક્રમ હતો એમાં ભાગ લેવા જઈ રહ્યાં હતાં. એનીએ એની વાત કહી કે, ‘એ દિવસે કરવા ચોથ કરવાની મારી તાકાત નહોતી. હું જાણે તૂટી રહી હતી. તમને ખબર છે એ વરસથી મારા પતિ મારા માટે કરવા ચોથ કરે છે. એની જ દુઆઓ અને પ્રેમ છે જે મને ધબકતી રાખે છે.’
ઊર્વિ સબનીસ-દવેએ એના જીવનસાથી રાજેશના પ્રેમ, સ્નેહ અને સંભાળને કારણે કેન્સરને માત આપી છે. દવાઓ એનું કામ કરતી હતી. પણ દર્દીને વધુ જલદી સાજાં થવા માટે જીવનસાથી અને પરિવારજનોનો સ્નેહ-પ્રેમ વધુ જરુરી હોય છે. કેન્સર ડીટેક્ટ થયું ત્યારથી માંડીને કેન્સરને જડમૂળમાંથી ફેંકી દીધું ત્યાં સુધીની સફર બહુ દર્દ સાથે આ યુગલે પસાર કરી છે. અનેક નેગેટિવ વિચારોને ફેંકીને, કારણ વગરની સલાહો આપતાં સગા-સંબંધીઓને અવગણીને પણ આગળ વધવાનું આ યુગલે ચાલું રાખ્યું. ઊર્વિના કેન્સર માટે એવું કહી શકાય કે, પીડા એણે ભોગવી છે, એનું દર્દ એના પતિ રાજેશ લઈ નથી શક્યા પણ એના દર્દના સહભાગી જરુર બન્યા છે.
ઊર્વિ કહે છે, ‘લોકો ભાતભાતની વાતો કરે એ વાતો કોઈ વખત દિમાગ ઉપર હાવી પણ થઈ જતી. કેન્સરની સામેની લડત તો ચાલુ જ હતી પણ સો કોલ્ડ સોસાયટીની નેગેટીવ વાતો અને એમની ડિપ્રેસનમાં મૂકી દે એવા વિચારો સામે પણ મારી લડાઈ હતી.
જાન્યુઆરી, 2015માં કેન્સર થયું અને જુલાઈ, 2015માં મારી એ લડાઈ પૂરી થઈ. કેટલાં બધાં લોકો તો મને જોવા માટે જ આવતા ખાસ. અરે, બેંગલૂરુમાં હું જે હોટેલમાં ઉતરી એ હોટેલની રિસેપ્સનીસ્ટે મને ઉપરથી નીચે સુધી નીરખીને જોઈ. હું પણ હવે આવી નજરોથી ટેવાઈ ગઈ છું.’
કેટલાંક લોકો તો એવું જ માનતા હતાં કે, ઊર્વિ બચશે નહીં. જો કે, એ બધી વાતો હવે ભૂતકાળ બની ગઈ છે. ઘણી વખત તો દર્દ આવે ત્યારે કેટલાંક લોકોના ચહેરા જેવા છે એવા પરખાઈ જતાં હોય છે.
કેન્સરને હરાવીને નવો જન્મ મેળવેલી ઊર્વિનો જન્મદિન જાણે એનો પહેલો જન્મદિન હોય એ રીતે રાજેશ સબનીસે ઉજવ્યો. કોઈ સગા સંબંધી નહીં ફક્ત ઊર્વિની સ્કૂલના મિત્રો, બાળપણના મિત્રો અને કોલેજની બહેનપણીઓની હાજરીમાં એનો જન્મદિન ઉજવાયો. એ દિવસે દરેક વ્યક્તિને પ્રેમથી મળતાં રાજેશ સબનીસનો ચહેરો જાણે એવું કહેતો કે, રોજ તને મળું છું મારી જિંદગીની જેમ.
જીવનસાથીનું મનોબળ અને પ્રેમની તાકાત સાથે હોય તો કોઈ દર્દ એવું નથી જેને જીતી ન શકાય. કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરતી ઊર્વિ હવે ગોર્જિયસ ગ્રૂપ સાથે જોડાઈને કેન્સર પેશન્ટ્સને કાઉન્સેલ કરે છે. ચાલીસ લોકોના ગ્રૂપમાંથી બાર પેશન્ટ્નું એણે કાઉન્સેલીંગ કર્યું છે. પોતાના કેસને આ લોકોની સામે મૂકીને જિંદગી જીવવા જેવી છે એવી વાત કહીને ઊર્વિએ સાત દર્દીઓને કેન્સરમાંથી બહાર કાઢ્યાં છે. ઊર્વિની સતત મદદરુપ થવાની ભાવનાને કારણે જ આજે કેટલાંય લોકો ડિપ્રેશનમાં જતા અટક્યાં છે. અઘરો અને કપરો રસ્તો પણ હાથમાં પોતાના વ્યક્તિનો હાથ હોય અને એની આંખો વિશ્ર્વાસ હોય તો કોઈ તાકાત તમને નબળા ન પડવા દે. ઊર્વિ, એની અને એના જેવા અનેક લોકોના દર્દ, દુઃખની પળોમાં જીવનસાથીનો સાથ કેવા કેવા ચમત્કાર સર્જી શકે છે એના ઉદાહરણ છે. દર્દ એક વ્યક્તિને થતું હોય પણ પીડા બંને અનુભવતા હોય ત્યાં કદાચ સોલમેટ મળી ગયાની અનુભૂતિ થતી હશે. સપ્તપદીના વચનોમાં ભલે એવું કહેવાતું હોય કે, અંતિમ ઘડી આવે ત્યારે હું સૌભાગ્યવતી બનીને જવા માગીશ. પણ જીવતેજીવ સૌભાગ્યવતી બનાવનારનો સાથ હોય તો દરેક રસ્તો આસાન બની જતો હોય છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર