દીકરાને મર્યાદા, સંસ્કાર અને વિવેક વિશે નહીં શીખવવાનું?
કેટલાં લોકો કે કેટલી માતાઓ પોતાના દીકરાને ઘરમાં ઝાડું-પોતું કે કપડાં ધોતાં કે વાસણ સાફ કરતાં કે પછી રસોઈ કરતાં શીખવે છે?
આ સવાલ થોડાં સમય પહેલા દીકરા-દીકરી અને ઉછેર વિશે પ્રવચન આપવા ગયેલી ત્યારે પૂછ્યો હતો. ત્રણસોથી વધુ લોકો અને મુખ્યત્ત્વે બહેનો સાંભળવામાં હાજર હતી. તેમાંથી સમ ખાવા પૂરતી એક બહેને હાથ ઊંચો કર્યો. મેં તથા આખા ઓડિયન્સે એ બહેને તાળીઓથી વધાવી લીધી.
જેમ આ સવાલ ઓડિયન્સને પૂછ્યો હતો એમ આજે આ લેખ વાંચનારને પણ પૂછું છું. શું તમે દીકરા અને દીકરીને એક સરખી રીતે કેળવો છો?
બહુ ઓછા લોકોનો જવાબ હામાં હશે. કેમકે, આપણને નાનપણથી જેવું શીખવવામાં આવે છે કે પછી આપણે જે રીતે સમાજની રચના જોઈએ છીએ એ જ રીતે આપણે વર્તન કરીએ છીએ અને એમ જ જીવીએ છીએ કે પછી જીવ્યે જાઈએ છીએ.
કોઈ બાળક-દીકરો બહુ રડશે તો તરત ઘરમાંથી એક ડાયલોગ નીકળશે, શું છોકરીઓની જેમ ભેંકડાં તાણે છે? અથવા તો જો છોકરાથી ભૂલેચૂકેય ઢીંગલી રમવામાં લેવાઈ ગઈ તો પણ તરત જ એને ટોકવામાં આવશે કે, ઢીંગલીથી તો છોકરી રમે.
આજે એવી કેટલી બધી મમ્મીઓ છે જે એવું કહીને ગૌરવ લે છે કે, મારા દીકરાને તો એક મેગી બનાવતાં આવડે. ચા પણ કોઈક વાર બનાવે પણ એ પીવા જેવી ન હોય.
નાનકડી દીકરીની સંભાળ લેતી માતાઓ દીકરીને ફ્રોક ઉપર ચડી જાય તો ખરાબ ન લાગે એ માટે ટૂંકી ચડ્ડી પહેરાવે છે. દીકરી બેસવા માંડે અને થોડી સમજણી થાય એટલે એને તરત જ શીખવવામાં આવે કે, ગોઠણ ઢાંકીને બેસવાનું. બેસતી-ઉઠતી વખતે ડ્રેસનું ધ્યાન રાખવાનું. એ વાત અલગ છે કે, કેટલાંક શહેરોમાં અને બહુ જ ઓછાં ઘરોમાં દીકરીઓ બિનધાસ્ત શોર્ટ્સ પહેરી શકે છે. આપણે શહેરમાં રહીને એવું માનતા હોઈએ કે જમાનો બહુ આગળ વધી ગયો છે તો એ વાત તદન ખોટી છે.
આગળ વધવું એટલે શું?
દીકરીઓને મોર્ડન કપડાં પહેરવા દેવાં એ?
દીકરી મોડેથી ઘરે આવે તો એની ખાસ પૂછપરછ ન કરવી એ?
દીકરીને પોતાની રીતે જિંદગી જીવવા દેવી એ?
હકીકત તો એ છે, આપણે આપણી માનસિકતાને આગળ વધારવાની જરુર છે. આપણી જ સમજદારી ઉપર આપણે ફરીવાર વિચાર કરવાની જરુર છે.
આમાંથી કેટલાં મા-બાપ દીકરાને બાજુમાં બેસાડીને એવા સંસ્કાર આપતાં હશે કે, દીકરા સૌથી પહેલાં તો તારે તારી માતાનું સન્માન કરવાનું છે. તારી બહેનનું સન્માન કરવાનું છે. તારી સાથે ભણતી સહાધ્યાયીઓને એક વ્યક્તિ તરીકે જોવાની છે. તારી સાથે ભણતી કે કામ કરતી સ્ત્રી-મહિલાને માન આપવું એ તારા સંસ્કાર છે.
ઘરમાં હોઈએ ત્યારે પોતાની રુમમાં બેસીને પોતાનો ફોન મચડવો કે મિત્રો સાથે ગપ્પાં મારવા કે પછી ટેલિવિઝન જોયે રાખવું, ઘરે આવીને તરત જ રખડવા જવું એ એક હદથી વધુ યોગ્ય નથી એવું સમજાવનારા મા-બાપ બહુ ઓછાં છે.
ઘરમાં બહેનોને ફટ દઈને કામ સોંપી દેવું, મમ્મી ગમે તેટલી અટવાયેલી હોય પણ એને કંઈ પણ કહી શકાય એવો અધિકાર માનવો. પપ્પા કોઈ વખત વર્તન માટે ટોકે તો એને ટકટક ન સમજવી એવું ગળે ઉતરાવનારા મા-બાપની સંખ્યા પણ ખાસ રાજી થવા જેવી નથી.
કહેવાનો મતલબ એટલો જ છે કે, દીકરીને જેમ ઘરકામ, રસોઈ, પહેરવા ઓઢવાની મર્યાદા અને સમયસર ઘરે આવી જવાનું શીખવવામાં આવે છે એમ દીકરાને પણ ઘરકામ, પોતાની સાથે જીવતી- કામ કરતી સ્ત્રીઓનું સન્માન કરવાનું શીખવવું એટલું જ જરુરી છે એવું વિચારવાનો સમય આવી ગયો છે.
થોડાં સમય પહેલાં અભિનેતા આમીર ખાન અને સુપર સ્ટાર અમિતાભ બચ્ચન વચ્ચેની વાતચીત એક મુલાકાત સ્વરુપે જોઈ. જેમાં અમિતાભ બચ્ચન પોતાની કૉલેજ કાળનો એક કિસ્સો કહે છે. દીકરાઓને કઈ રીતે ઉછેરવા જોઈએ એ વિશે એમણે એક સરસ કિસ્સો કહ્યો, એમણે કહ્યું કે, હું તો દિલ્હી યુનિવર્સિટીમાં ભણતો હતો. ત્યાં સામે જ મિરિન્ડા હાઉસ હતું. એ મહિલા કૉલેજ હતી. મહિલા કૉલેજની સામે જ એક બસ સ્ટેન્ડ હતું. મોટાભાગના છોકરાઓ ત્યાં બસ પકડવા જતાં. સુંદર છોકરીઓ જોઈ શકાય અને કોઈ માથાભારે હોય તો એ યુવતીઓની છેડતી પણ કરતા. વાત એમ હતી કે, મિરિન્ડા હાઉસમાં એન્યુઅલ પ્લે થવાનું હતું. એમાં ત્રણ છોકરાઓએ ભૂમિકા ભજવવાની હતી. સિલેક્ટ થયેલાં ત્રણમાં એક હું હતો.
પહેલે દિવસે અમે ત્રણેય ત્યાં ગયા. અમે મિરિન્ડા હાઉસના પાછળના ગેટથી ગયાં. ત્યાં જ હૉસ્ટેલ હતી. ઘણી બધી છોકરીઓ ત્યાં બેઠી હતી. એ અમને બોલવા લાગી કે, અહા! શું ચાલ છે, પેન્ટ તો બહુ વિચિત્ર પહેર્યું છે... ત્યારે પહેલી વખત થયું કે, છોકરાઓ જ્યારે એ છોકરીઓને સીટીઓ મારતા કે છેડતી કરતા હશે ત્યારે છોકરીઓને શું થતું હશે?
તેઓ કહે છે, આપણે દીકરી ઉપર બહુ પાબંદીઓ લગાવી દઈએ છીએ. પણ આપણે દીકરાને કંઈ નથી કહેતા. હવે સમય આવી ગયો છે કે, આપણે દીકરાને એવું સમજાવીએ કે, તું મર્દ છે પણ જબરદસ્તી કરીને શું મળવાનું છે? એમને શીખવવું જોઈએ કે, સ્નેહ પ્રેમ અને પોતાની વ્યક્તિ સાથેના બંધનથી જિંદગીમાં શું મળે છે. એક સાચાં, સારા અને ઈમાનદાર માણસ બનવાનું શીખવીએ.
અમિતાભ બચ્ચનની આ ક્લિપ પૂરી થઈ અને લોકોએ તાળીઓથી વધાવી લીધી. એ વિશે વાંચીને તમને પણ એમ થશે કે, વાહ ક્યા બાત હૈ. પણ આ રીતે વર્તન કરવાનું આપણે ક્યારે ગ્રહણ કરીશું? દીકરા અને દીકરી વચ્ચેના કુદરતી ભેદને આદર આપીને એક સારી વ્યક્તિ તરીકે બંનેને કેળવવાની તાલીમ ક્યારે આપીશું?
દીકરી છે એટલે આમ જ કરવાનું અને દીકરો છે એટલે એની દાદાગીરી, ગુંડાગીરી, ઘરમાં મદદ નહીં કરવાનું, પોતાનું કામ પણ જાતે નહીં કરવાનું એવું બધું આપણાં ઘરોમાંથી ક્યારે દૂર થશે? ઘરની સ્ત્રીઓ જ નહીં સમાજની તમામ સ્ત્રીઓને આદરની નજરથી, એક વ્યક્તિ છે એ નજરથી જોવાનું આપણે ક્યારે શીખવીશું?
યુવાન દીકરાની ફરિયાદ આવે કે, એણે ફલાણી દીકરીની છેડતી કરી છે ત્યારે એને લાફો મારીને સાન ઠેકાણે લઈ આવવાનું ક્યારે શીખીશું? પિતાની નજર સામે દીકરો માતાને તતડાવે કે કામવાળીની જેમ ટ્રીટ કરે ત્યારે એને ખરાંખોટાંનું ભાન આપણે ક્યારે કરાવીશું.
આપણે એ ન ભૂલવું જોઈએ કે, સમાજમાં કે બહારની દુનિયામાં જે વ્યક્તિ જાય છે એનો ઉછેર તો એના ઘરમાં જ જે રીતે થયો હોય એ રીતે જ એ સમાજમાં વર્તવાનો છે. કેવી સોબત છે કેવો ઉછેર છે અને કેવા સંસ્કાર છે એ બહારની દુનિયાની વ્યક્તિઓ પારખી જ લેતી હોય છે. જેમ દીકરી વહુ બનીને સાસરે જાય ત્યારે એને કંઈ ન આવડે તો સાસરેથી ટોણો મારવામાં આવે છે કે, માએ નથી શીખવ્યું.
જ્યારે કોઈ દીકરો ગેરવર્તન કરે, દીકરીઓની છેડતી કરે કે પછી તેની સાથે જોડાયેલી સ્ત્રીની મારઝૂડ કરે ત્યારે કેમ કોઈ એમ નથી કહેતું કે, મા-બાપે શીખવ્યું નથી.
એકવાત યાદ રાખવા જેવી એ છે કે, દીકરીને સંસ્કારો આપવાની જેટલી જરુર છે એટલી જ જરુર દીકરાને પણ છે. ફક્ત દીકરો પુરુષ હોવાથી એને બધી જ ખબર પડે જ એ વાત સત્ય નથી. દીકરો લાડકવાયો ત્યારે જ લાગવાનો જ્યારે એના સંસ્કાર એના વર્તનમાં અને જિંદગીમાં દેખાઈ આવે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર