સંબંધોના સપનાં માટે સવાલો ઊઠે ત્યારે...

07 Feb, 2017
12:00 AM

જ્યોતિ ઉનડકટ

PC: dailymoss.com

આજની પેઢી પોતાના સંબંધો માટે બહુ સ્પષ્ટ છે એવું બધાં જ માને છે. સંબંધોમાં ક્યાં, કેટલું આગળ વધવું એ તો તમારી સમજણ અને કોઠાસૂઝ ઉપર રહેલું છે એ વાત તો દરેક પેઢીએ સાચી છે. અમર્યાદિત સંબંધો અને મર્યાદિત સંબંધો બંનેની સમજ હોવી એ સૌથી વધુ જરુરી છે. સતત બધાં જ સંબંધોને જાળવવાની પળોજણમાં પડેલી વ્યક્તિ આસાનીથી કોઈને ના નથી કહી શકતી. સામેવાળાને કેવું લાગશે તેની સતત ચિંતામાં રહીને એ ખુદ માટે તો કદીય સમય કાઢી નથી શકતી હોતી. વળી, કેટલાક કિસ્સાઓમાં સવાલો ઘેરી વળે ત્યારે વ્યક્તિ મૂંઝવણમાં મૂકાઈ જાય છે.

સંયુક્ત પરિવારમાં રહેતા એક ચોવીસ વર્ષના યુવકની આ વાત છે. સતરેક લોકોનો સંયુક્ત પરિવાર છે. પરિવારની નેકસ્ટ્ જનરેશનનો સૌથી મોટો દીકરો છે આ રીતેશ. રીતેશ પણ સંયુક્ત પરિવારના પેઢી દર પેઢી ચાલતા સાડીઓના બિઝનેસમાં જોડાયો છે. લાખોનું ટર્ન ઓવર છે. નાનપણથી નક્કી જ હતું કે, મોટાં થઈને પરિવારના ધંધામાં જ જવાનું છે. આ પરિવારના દીકરાઓ જ નહીં દીકરીઓ પણ સાડી ડિઝાઈનિંગમાં વિશેષ સૂઝ ધરાવે છે. બિઝનેસ માટે પોતાના પૂરતાં ઈનપુટ બધાં જ આપે છે. બધાં જ બહુ સુખી છે, કોઈને કંઈ દુઃખ નથી એવું કહેવાનો મતલબ નથી. સવાલ છે આ પરિવારમાં કેટલાક લોકોને સંબંધો સાચવવામાંથી પોતાના માટે સમય નથી મળતો તેનો.

થોડાં જ મહિનાઓમાં રીતેશના લગ્ન થવાના છે. કાકાના મિત્રની દીકરી સેજલ સાથે તેનું એરેન્જડ મેરેજ છે. સેજલ એક બેંક ઓફિસરની દીકરી છે. એ એક જુદી જ લાઈફ સ્ટાઈલમાં ઉછરેલી છે. બધું જ સમયસર અને વ્યવસ્થિત જોઈએ. સેજલના ઘરે સવાર પડે સાત વાગ્યામાં અને રાત પડે રાત્રે સાડા દસ વાગ્યે. જ્યારે રીતેશના ઘરે સવાર તો વહેલી પડે છે પણ રાત બહુ મોડી પડે છે. સંયુક્ત પરિવાર અને બિઝનેસ આ બંને વચ્ચેનો તાલમેલ વર્ષોથી આ રીતે જ ચાલે છે. સગાઈ પછી આ યુગલ એકબીજાને સમજવા માટે વધુ મળે છે. ત્યારે લાઈફ સ્ટાઈલ અને એકમેકને સમય આપવાની ચર્ચા કરે છે.

સેજલને અત્યારથી ટેન્શન છે કે, એ સાસરે જઈને કેવી રીતે પોતાનો સમય ગોઠવશે. આ ટેન્શનમાં જ એણે ઘરના એક એક સભ્ય સાથે અંગત રીતે મુલાકાત કરી. બધાં લોકોના પોતાની જિંદગી માટેના અને પરિવાર માટેના વ્યૂઝ એણે જાણ્યાં. આ વ્યૂઝ પરથી સેજલે એક એનાલિસિસ કર્યું. ઘરના કેટલાક લોકો વ્યક્ત થયા તો અમુક લોકોએ મર્યાદા અને કોઈને ખરાબ લાગશે તો એવી શરમમાં રહીને ચૂપ રહેવાનું પસંદ કર્યું.

બધાં જ લોકોના વિચારો બાદ સેજલ એક તારણ પર પહોંચી કે, ઘરના લોકોને પોતાના માટે સમય જ નથી મળતો. એવું નથી કે, ઘરમાં કામકાજ બહુ રહે છે. એવું પણ નથી કે, ઘરની સ્ત્રીઓ કીચનમાંથી જ બહાર નથી નીકળી શકતી. છતાંય મોટાભાગના લોકો ક્યાંકને ક્યાંક એવા ગૂંચવાઈ ગયા છે કે, પોતાની જાત અને પોતાની જિંદગી એટલે આ સંયુક્ત પરિવાર એમ જ સમજી બેઠા છે.

સેજલને વારંવાર એવો વિચાર આવી જતો કે, લગ્ન પહેલાં મારે એક વખત ઘરના તમામ સભ્યો સાથે મિટિંગ કરવી છે. બધાં જ લોકોની હાજરીમાં કેટલીક વાતો ચર્ચવી છે. એક દિવસ હિંમત કરીને સેજલે આખો પરિવાર સાથે વાતો કરતો હતો ત્યારે વાતને વહેતી મૂકી જ દીધી.

સેજલે કહ્યું કે, તમને બધાંને ખબર છે કે, છેલ્લા કેટલાંક દિવસોથી મેં નાના-મોટા તમામ પરિવારજન સાથે થોડો થોડો સમય વીતાવ્યો છે. બધાંને મારા ગાંડાઘેલા સવાલોની નવાઈ પણ લાગી હતી. આ સવાલોના જવાબો પછી હું એક તારણ અને વિચાર પર અટકી ગઈ છું. એક સાથે સત્તર જિંદગીઓ જે ઘરમાં જીવાતી હોય એ ઘરના સભ્યોની એક જ ઘરેડ અને એક જ લાઈફ સ્ટાઈલ થઈ ગઈ છે. બધાં લોકોને એકબીજાં સાથે રહેવાનો સમય મળી રહે છે. એમાં કોઈને કંઈ પ્રોબ્લેમ નથી. પણ દરેક વ્યક્તિ પોતાની જાતને મળી શકે એવો કોઈ સમય વ્યક્તિગત રીતે કોઈને મળતો નથી.

ઘરમાં સંપ છે એ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. પણ સંપ રાખવાનું પ્રેશર સતત માથા પર રહે એ યોગ્ય નથી. આપણી સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે નવી આવનારી વહુએ જ ઘરની લાઈફ સ્ટાઈલમાં ગોઠવાવાનું હોય. વાત સો ટકા સાચી. આવનારી વ્યક્તિના સપનાંઓનું શું? ઘરમાં કંઈ કામ ખાસ કરવાનું આવતું નથી. છતાંય પરિવારમાં આવતી વહુ કે પરિવારનો પુરુષ પણ પોતાની જાત સાથે કે પોતાના શોખ માટે બહુ ઓછો સમય કાઢી શકે છે. જેમ ચાલે છે એમ જ ચાલે રાખે છે. કોઈને કંઈ ચેન્જ કરવાનો ચાન્સ નથી મળતો.

ઘરના લોકો વચ્ચે એકતા હોવી એ  કંઈ નાનીસૂની વાત નથી. તેમ છતાંય દરેક વ્યક્તિ માટે સમયનું પોતાની રીતે ગોઠવેલું એક ટાઈમટેબલ હોવું જોઈએ. હું મેનેજમેન્ટની સ્ટુડન્ટ રહી ચૂકી છું. સમય મેનેજ કરવો અને મન માટે સમય કાઢી લેવો એ અત્યંત જરુરી છે.

ઘરમાં રીતેશના પપ્પા-મમ્મી, બા-દાદા અને બીજા ત્રણ કાકા-કાકી તથા એમનાં સંતાનો આ તમામે તમામે ઘરમાં વહુ થઈને આવનાર સેજલની વાત ધ્યાનથી સાંભળતા હતાં.

મોટાભાગના પરિવારજનોને આ લાઈફ સ્ટાઈલમાં કંઈ ખૂટતું હોય એવું લાગતું ન હતું. આમાં સૌથી મજાની વાત એ બની કે, ઘરની બીજી વહુઓએ તેમજ દાદીમાએ ખાનગીમાં અને એડવાન્સમાં સેજલને સપોર્ટ આપી દીધો હતો.

સેજલની વાત સાંભળીને પરિવારમાં સૌથી મોટા ભાઈ એવા  રીતેશના પપ્પાએ પૂછ્યું કે, તો તારું શું સજેશન છે?’

સેજલ પણ જાણે આ જ સવાલની રાહ જોતી હોય એમ તરત જ બોલવા લાગી. સૌથી પહેલાં તો આપણે સૌએ વરસમાં એક વખત સાથે અને એક વાર તમામ એક એક પરિવારે રજાઓ ગાળવા જવાની જરુર છે. દર મહિનાના કોઈ એક રવિવારે ઘરના તમામ પરિવારજનો માટે ઝીરો અવર્સ રાખીએ. આ ઝીરો અવર્સમાં બધાંએ વ્યક્ત થવાનું. દરેક વ્યક્તિને શું સવાલો છે, કઈ બાબત ગમે છે, કઈ વાત સામે વાંધો છે, કઈ વાતે મૂંઝવણ છે, ઘરમાં વ્યક્તિગત રીતે કંઈ સવાલો છે કે કેમ આ તમામ બાબતો કે આ સિવાયની બાબતો- સવાલો એ આ સમયમાં કહી શકે. દરેક વ્યક્તિએ જ્યારે જ્યારે સમય મળે ત્યારે જાત સાથે વાતો કરવાની, પોતાની જાતને સમજવાની કોશિશ કરવાની. જે વ્યક્તિ જાત સાથે નિખાલસ હોય એ વ્યક્તિ જ ઘરમાં હળવાશથી ધબકી શકે.

સેજલની વાત અને વિચારો એક પછી એક બધાંએ વધાવી લીધાં. સેજલે કહ્યું કે, નાના મોઢે મોટી વાત ન સમજતાં પ્લીઝ. હું જેટલી વખત ઘરમાં આવી છું એટલી વાર મને એમ જ લાગ્યું છે કે, ઘરના પરિવારજનો વચ્ચે સંપ છે પણ સંબંધો સજીવન નથી લાગતા. એક જ ઘરેડમાં જીવાઈ રહ્યું છે જેમાં હજુ ઘણાં બધાં ફેરફારને આવશ્યકતા છે. એક બીજાનું માન જાળવવું એક વાત છે અને એકબીજાના માન માટે સતત એલર્ટ રહેવું પડે એ તદન જુદી વાત છે. નવી પેઢીની અને પરિવારની નેકસ્ટ્ જનરેશનની પહેલી વહુ છું એટલે કદાચ તમને સૌને થોડી દોઢી લાગીશ પણ મારી વાત સાથે તમે સૌ સંમત છો એટલે હું ક્યાંક થોડીક સાચી છું એવું મને લાગી રહ્યું છે.

સેજલ અને રીતેશના લગ્ન લેવાય એ પહેલાં જ સેજલનું સજેશન માની લેવામાં આવ્યું અને બીજા જ રવિવારે ઝીરો અવર્સનું પ્લાનિંગ થયું. બધાંના આશ્ર્ચર્ય વચ્ચે તમામે તમામ લોકોએ મનની વાતો શેર કરી. ફોર્માલિટીના બ્રીજ વચ્ચે સંવાદનો સેતુ બંધાયો. લાગણી તો હતી જ પણ સંવેદનાના સૂર ફરી સંધાયા અને એક ઘર ફરી ધબકવા લાગ્યું.

એક જ ઘરેડમાં જીવાતી જિંદગીમાં ઘણી વખત કંઈ જ ખૂટતું હોય એવું નથી લાગતું હોતું. કદાચ ક્યારેક કોઈનું ઓબ્ઝર્વેશન આપણને કામ લાગે તો એને અપનાવવામાં ખોટું પણ શું છે?

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.