બીજીવાર લગ્ન કરું તો હું સ્વાર્થી શા માટે ગણાઉં?

24 Jan, 2017
12:00 AM

જ્યોતિ ઉનડકટ

PC: venvato.com

આપણા સમાજમાં સ્ત્રી હોય કે પુરુષ બંને માટે એકલા રહેવું અને જીવવું બહુ જ અઘરું છે. લગ્ન કર્યા વગર એકલા રહેવું અને સંજોગોવશાત્ એકલા પડી ગયા પછી કોઈના સાથ વગર રહેવું એ બંને બહુ જ જુદી જુદી હકીકત છે. આમાં પણ એકલી પડી ગયેલી સ્ત્રી હોય તો તેના પ્રત્યે સમાજની નજર જુદી હોય છે તો વળી એકલા પડી ગયેલા પુરુષ માટે સમાજની દ્રષ્ટિ સાવ અલગ જ હોય છે. 

લગ્ન બાદ પતિ સાથે ન ફાવ્યું, છૂટાં પડી ગયા એ પછી સંતાનો સાથે રહેતી સ્ત્રી તરફ લોકોની નજર જુદી હોય છે તો વળી નિઃસંતાન ડિવોર્સી મહિલા તરફ લોકોની નજર અલગ હોય છે. આપણે ત્યાં લગ્ન કરેલું યુગલ સુખી હોય કે ન હોય પણ તેમનું એકસાથે ઘરમાં રહેવું સમાજ માટે બહુ જ અગત્યનું રહે છે. આપણી સો કોલ્ડ સોસાયટીમાં બહુ બધાં વણલખાયેલાં નિયમો પ્રમાણે જિંદગી જીવાતી હોય છે. લોકો શું કહેશે એ જ વિચારે ઘણાં ઘરોમાં જિંદગી વહી જતી હોય છે. ત્યાં જિંદગી ઝરણાંની માફક વહેતી નથી હોતી. 

એક બહુ જ નજીકનો મિત્ર થોડાં સમય પહેલાં પત્નીના અવસાન પછી એકલો પડી ગયો. અઢી વર્ષનો એનો દીકરો મા વગરનો થઈ ગયો. એ મિત્રનું નામ સંતોષ. પત્નીને કેન્સર થયું. બે વર્ષની સારવાર બાદ એની પત્ની અવસાન પામી. હકીકતે કેન્સર બહુ પ્રસરી ગયું હતું. સારવાર બહુ કારગર ન નીવડી અને સંતોષની પત્ની ચાલી નીકળી. સંતોષના માતા- પિતા બંને સરકારી નોકરી કરે. પુત્રવધૂના અવસાન બાદ બંનેએ કેટલાંક દિવસો રજા લઈને પૌત્રનું ધ્યાન રાખ્યું. છેવટે સંતોષે દીકરાને સાચવવા માટે એક માજીને રાખવા પડ્યાં. પગાર લેતી વ્યક્તિની બાળક પ્રત્યેની જાળવણી અને દાદી કે મમ્મી જેવી તો નથી જ રાખવાનું. વળી, જે સંસ્કાર અને કેળવણી પ્રેમ અને વહાલ કરતી વ્યક્તિ તરફથી મળે એ કદીય સાચવતાં લોકો પાસેથી નથી મળવાની. 

સંતોષ  આ બધી જ વાતો સમજતો હતો. પરિવારજનોનું પણ પ્રેશર હતું કે, નાની ઉંમર છે અને દીકરાને પણ માનો સ્નેહ આપે એવી સ્ત્રીની જરુર છે. આથી ફરીથી પરણી જ જવું જોઈએ. સંતોષ કહે છે, લગ્ન થયા ત્યારથી માંડીને મારી પત્ની જીવતી હતી ત્યાં સુધી ઘરમાં કઈ વસ્તુ કઈ જગ્યાએ પડી છે એની મને ખબર જ ન રહેતી. પત્નીને આધારિત જિંદગી જીવતો હતો. પત્ની વગર જીવવું પડશે એવી કલ્પના સુદ્ધાં કરી નહોતી. પત્નીની જગ્યાએ બીજી સ્ત્રીને હું ઈમેજિન નથી કરી શકતો. વળી નવી સ્ત્રી આવશે એને મારા દીકરા પ્રત્યે કેટલો સ્નેહ અને લાગણી કેળવાશે એ સવાલો પણ મનને કોરી ખાય છે. જે ઘરમાં ક્યાંય કદીય ધૂળ ન દેખાતી એ ઘર આજે દિવસો સુધી સાફ કર્યાં વગરનું પડ્યું રહે છે. દીકરાને જરા પણ રડવા ન દેતી એની મા વિના દીકરો સાવ નિમાણો થઈને મારી સામે જોયે રાખે છે. ચારેક મહિનાઓ આ રીતે વીત્યા પછી સંતોષે પોતાના મનને મનાવવું જ પડ્યું. એણે બીજું લગ્ન કર્યું. ડિવોર્સી મહિલા સાથે તેણે જીવન શરુ કર્યું. એ શરતે કે, એ ડિવોર્સી મહિલા કદીય પોતાના બાળક માટે આગ્રહ નહીં કરે. સંતોષના બાળકને જ પોતાનું બાળક સમજીને સહજીવન જીવશે. 

સંતોષના અંગત મિત્ર તરીકે કહ્યું કે, સામેવાળી સ્ત્રીને એની મજબૂરી હશે કે, એ આખી જિંદગી નિઃસંતાન રહીને તારી સાથે જીવવા રાજી થઈ ગઈ. બાકી એ સ્ત્રી ઉપર તારી આ શરત વધુ પડતી છે. કઈ સ્ત્રી પોતાનું સંતાન ન ઈચ્છતી હોય? દરેક સ્ત્રીને પોતાના અંશના અરમાન હોવાના જ. 

તેની સામે સંતોષની એવી દલીલ છે કે, એ સ્ત્રીનું પોતાનું સંતાન હોત તો કદાચ મને વાંધો ન હોત. પણ મારું અને એનું સંતાન આવે તો કદાચ એ સ્ત્રીના પ્રેમ કે સ્નેહમાં થોડો ભેદ આવી જાય તો એ સવાલે મને આ શરત રાખવા મજબૂર કર્યો છે. 

જો અને તો વચ્ચે ઝૂલતાં સવાલો હકીકત ન બને ત્યાં સુધી દલીલો વચ્ચે લટકતાં રહે છે. સંતોષને નજીકથી જાણતા લોકો એને સ્વાર્થી ગણે છે. પત્નીની વરસી વાળી કે તરત જ એણે લગ્ન કરવાનું નક્કી કર્યું અને બીજી સ્ત્રીને પત્ની બનાવીને લાવી પણ દીધી. સંતોષની ટીકા કરનારા લોકોની કમી નથી. 

તેની સામે સંતોષના એક ફૈબાની જ વાત કરીએ. પ્રેમલગ્ન કર્યાં બાદ એ ફૈબાને ફૂઆ સાથે ન ફાવ્યું. એક દીકરીને આગળ ધરીને ફૈબાએ ફૂઆ પાસે તગડી એલીમની વસૂલ કરી. પોતાની રીતે મકાન લઈને પોતાને ફાવે અને ગમે તેવી નોકરી શોધીને એ ફૈબા આરામથી પોતાની જિંદગી જીવે છે અને દીકરીને ઉછેરે છે. ઘરના લોકોએ ફરીને લગ્ન કરવા માટે બહુ સમજાવ્યું પણ એ ફૈબા માન્યા જ નહીં. પોતાની જિંદગી હવે દીકરીના ઉછેરમાં પસાર કરવા ઈચ્છે છે એવું જણાવીને એમણે બધાંને ચૂપ કરી દીધાં છે. 

સંતોષ કહે છે, પંદર વર્ષ પહેલા ફૈબાની જે હાલત હતી એ જ હાલત મારી થઈ હતી. કદાચ ફૈબા કરતાં કફોડી હાલત મારી બની ગઈ. સ્ત્રી અકસ્માતે કે કુદરતી રીતે એકલી પડી જાય તો કદાચ એને કુદરતે કંઈક તાકાત આપેલી છે કે એ એની જાતને સંભાળી શકે. સંતાનને ઉછેરવામાં પોતાનો જીવ પરોવીને એ જીવી શકે પણ આ જ સ્થિતિ પુરુષ માટે અઘરી બની રહે છે. પુરુષ માટે સંતાનને એકલા હાથે ઉછેરવું બહુ  જ અઘરું છે. સ્ત્રીમાં કુદરતે મલ્ટી ટાસ્કિંગ એબિલીટી મૂકી છે. એક સાથે એ અનેક કામોને સફળતાપૂર્વક પાર પાડી શકે એવી આવડત ભગવાને એને આપી છે. પુરુષ ચાહે તો પણ આ બાબતે સ્ત્રીની બરાબરી કરી શકે તેમ નથી. આ સનાતન સત્ય છે. જો કોઈ પુરુષ સંતાનો, ઘર અને નોકરી બધું જ સાથે સફળતાપૂર્વક પાર પાડી શકતો હોય તો એનામાં ખરેખર કોઈ સ્પેશિયલ આવડત ભગવાને મૂકી હોય શકે. વિદેશમાં પુરુષો મહિલાની સાથોસાથ ઘરકામમાં તેમજ બાળકોના ઉછેરમાં રહે છે. આ જ વસ્તુ ભારતમાં શક્ય નથી બની શકતી. આપણે ત્યાં દીકરા-દીકરીનો ઉછેર જ એ રીતે થાય છે કે, પુરુષ ચાહે તો પણ વિદેશની જેમ અહીં પત્ની સાથે ખભેખભો મિલાવીને કામકાજમાં કે બાળકોના ઉછેરમાં મદદ નથી કરી શકતો. 

કુદરતે મર્યાદાઓ મૂકી છે એ સ્વીકારીને જીવીએ તો પણ સમાજના લોકોની નજરમાં કંઈકને કંઈક વિચારો ચાલતા જ રહેવાના છે. સવાલ માત્ર એટલો જ છે કે, તમે કેટલાં પ્રેક્ટિકલ બનીને વિચારી શકો છો. ઘરની જવાબદારીઓ નીભાવવા કે બાળકોનો ઉછરે કરવા માટે વાતો કરનારા લોકો નથી આવવાના. એ તો જેની જવાબદારીઓ હોય એણે જ નીભાવવાનું રહે છે. સંતાનના ઉછેર માટે કે સંતાનના ભવિષ્ય માટે કદાચેય સ્વાર્થી થઈને વિચારવું પણ ખોટું શું છે? જે લોકો તમારાં દુઃખમાં બે ઘડી સાથે હોય એ જ લોકો તમને  બિચારાં કહી જાય કે દયા ખાય એ પસંદ કરશો કે પોતાની રીતે પોતાનો રસ્તો કરીને જિંદગીને આગળ ધપાવશો. ગમે તેટલી અડચણો આવે જે છે એને સ્વીકારીને જિંદગી જીવવામાં જ જિંદાદિલી છે. બધાં જ લોકોની નજર જુદી હોવાની અને એ આંખો ઉપર લાગેલા ચશ્માનાં  નંબર પણ જુદા હોવાના. સવાલ માત્ર તમે તમારું બેલેન્સ ન ચૂકો તેનો જ રહે છે. એ સવાલનો જવાબ પણ તમારે જ શોધવાનો છે, સ્વાર્થી બનીને કે પ્રેક્ટિકલ બનીને પરિસ્થિતિને તો તમારે જ ફેઇસ કરવાની છે. 

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.