વાંધો પડે એટલે કેસ કરી દેવાનો?
દરેક નવી પેઢી માટે જૂની પેઢી ચવાઈને ચૂથો થઈ ગયેલાં કેટલાંક વાક્યો તો બોલતી જ હોય છે. જે ક્યારેકને ક્યારેક એમના વડવાઓ પણ એમના માટે બોલ્યા જ હોય છે. નવી પેઢી કંઈ સાંભળતી નથી, વડીલોનું માન સાચવતી નથી, છોકરા છોકરીઓ એકબીજા સાથે મર્યાદા જાળવતા નથી, એકબીજાં પ્રત્યે છૂટછાટો લેવી તો જાણે સાવ સહજ અને રમતવાત છે આજની પેઢી માટે.... આ અને આવી ઘણીબધી વાતો મેં પણ સાંભળી છે અને આજની પેઢીના યુવાઓ પણ સાંભળતા જ હશે. ઘણેખરે અંશે આ વાત દરેક પેઢી માટે જે તે સમયે સાચી પણ ઠરી છે. જો કે આજે જે પેઢી ઉછરી રહી છે તેમની તો વાત જ નિરાળી છે. આ આજની પેઢી તો બધું જાણે શીખીને જ આવી છે. એમના માટે કંઈ જ નવું નથી. રોમાંચની માત્રા ધીમે ધીમે ઘટતી જાય છે. કંઈક નવું જોયું કે નવું શીખ્યાનો રોમાંચ ચહેરા કે લાગણીમાં દેખાતો સુદ્ધાં નથી. ઈન્ટરનેટ અને ટેલિવિઝન દુનિયા સામે આજની પેઢીનું એક્સપોઝર આમાં સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે.
આવી વાત કરવાનો આજે એક મોકો છે. અખબારોમાં મુંબઈ હાઈકોર્ટે કરેલા એક ચુકાદાની વાત ઉડીને આંખે વળગે તેવી છે. સોલાપુરના પચીસ વર્ષના યુવકને દુષ્કર્મના આરોપ સામે આગોતરા જામીન મુંબઈ હાઈકોર્ટે આપ્યા. વાત જાણે એમ છે કે, આ યુવકને મુંબઈની એક યુવતી સાથે દોસ્તી થઈ. દોસ્તી પ્રેમમાં પરિણમી. માર્ચ 2015મા આ યુવક અને યુવતી એકબીજાંને મળ્યાં. પ્રેમમાં પડ્યા. બીજા બધાં જ બોયફ્રેન્ડ- ગર્લફ્રેન્ડની માફક આ યુગલ વચ્ચે શારીરિક સંબંધ બંધાયો. જેમાં આ યુવતી ગર્ભવતી બની. પ્રેમિકાનો ગર્ભપાત કરાવ્યો અને પછી આ યુવકે પ્રેમસંબંધ તોડી નાખ્યો.
ધૂંધવાયેલી આ યુવતીએ યુવક માથે દુષ્કર્મ, છેતરપીંડી અને ધમકી આપવાની ફરિયાદ નોંધાવી. ગયા અઠવાડિયે મુંબઈ હાઈકોર્ટે આ યુવકને આગોતરા જામીન આપ્યાં. જજ મૃદુલા ભાટકરે નોંધ કરી છે કે, પરસ્પર સંમતિથી બંધાયેલા શારીરિક સંબંધને બળાત્કારમાં ખપાવી ન શકાય. પુખ્ત વયની અને શિક્ષિત મહિલાને લગ્ન પૂર્વેના જાતીય સંબંધ બાંધવાના પરિણામોની ગંભીરતા ખબર હોવી જોઈએ. જીવન અને સ્વતંત્રતાનું સંતુલન જળવાવું જોઈએ. યુવતીની યાતના અને યુવકનું જીવન સંતુલન બંને પણ એટલા જ મહત્ત્વના છે.
કોર્ટે એવી પણ નોંધ કરી છે કે, સમાજ બદલાઈ રહ્યો છે પણ નૈતિકતા એટલી જ મહત્ત્વની છે. પેઢીઓથી નૈતિક નિષેધ છે કે, લગ્ન સમયે યુવતી કુમારિકા હોવી જોઈએ તેની જવાબદારી એ યુવતીની જ છે. આજની પેઢી જાતીય પ્રવૃત્તિઓથી સુમાહિતગાર છે. સમાજ આધુનિક અને ઉદાર થવાનો પ્રયત્ન કરે છે પરંતુ, નૈતિકતાના વિભિન્ન તર્કોનો બોજ ધરાવે છે. જેમાં લગ્ન પૂર્વેનો જાતીય સંબંધ ઠપકાની બાબત છે. આવા સંજોગોમાં પ્રેમમાં પડેલી યુવતી જાતીય સંબંધ બાંધ્યા બાદ પોતાના નિર્ણયની જવાબદારી સ્વીકારવાનું નકારે છે. જાતીય સંબંધ બાંધવો એ એનો નિર્ણય હોય છે છતાં પ્રેમસંબંધ તૂટ્યા પછી એ સ્વીકારવાનું નકારે છે.
આજની પેઢીની કોઈ ટીકા નથી કરવી. જિંદગીની વાસ્તવિકતાથી તમે ભાગી નથી શકતા એ પણ હકીકત છે. સાથે ભણતા હોય, સાથે ટ્યુશનમાં જતા હોય કે પછી સાથે કામ કરતા હોય... આ અને આવા કેટલાંય સંજોગો બનતા હોય છે કે, યુવક અને યુવતી એકબીજાંના પરિચયમાં આવે. વિજાતીય આકર્ષણ એ એટલી સહજ બાબત બની ગઈ છે કે, શારીરિક સંબંધ હવે કોઈ નવાઈ નથી રહી એવું કહીએ તો પણ ચાલે.
ફ્રેન્ડ અને બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ આ ત્રણેય શબ્દો અને તેનો અર્થ આજની પેઢી માટે જુદો જુદો છે. લગ્ન અને સગાઈ વચ્ચેના ગાળામાં પણ શારીરિક સંબંધની છૂટછાટ હવે કોઈ નવી વાત નથી રહી. યુવક અને યુવતી બંનેને એકબીજાં પ્રત્યે આકર્ષણ થાય અને સંબંધ બંધાય ત્યાં સુધી તો કદાચ પરસ્પર સંમતિ હોવી સ્વાભાવિક હશે. પણ એ પછી બંને વચ્ચે પ્રશ્નો અને મતભેદ થાય ત્યારે ખરી સમસ્યા સર્જાય છે.
એકસરખી ઉંમરના વિજાતીય વ્યક્તિઓ વચ્ચે સમસ્યાઓ થાય એ બહુ સહજ બાબત છે. એ સમસ્યાને તમે કેવી રીતે ઉકેલો છે એ સૌથી વધુ સમજ માગી લે તેવું કામ છે. સંમતિથી બંધાયેલો સંબંધ તમને છેતરપીંડી લાગવા માંડે ત્યારે દિલોદિમાગ ઉપર અનેક વિચારો હાવી થઈ જાય છે. ઘણાં કિસ્સાઓમાં તો પરિવારજનોનો ડર અને પ્રેશર પણ એટલું જ મહત્વનું બની રહે છે. પરિવારજનોના ડરને કારણે અને પોતાની સંમતિ હતી એવું જો ખબર પડી જાય તો પરિવારમાં નીચાજોણું થશે એ વિચારે ઘણીબધી યુવતીઓ જૂઠનો સહારો લે છે.
આ જૂઠ પછી બતાવી દેવાની હદ સુધી પહોંચી જાય છે. મને તો ન મળ્યો પણ પોલીસ કેસ કરીને સામેના પાત્રને કેમ પછાડી દેવો એની રમત ચાલુ થઈ જાય છે. એકબીજાંના સુખનું સપનું જોયું હોય એ આંખો એકબીજાંને તિરસ્કારથી જોવા માંડે છે. તિરસ્કાર પણ એ હદે કે, સમાજમાં સામેના પાત્રને કેમ બદનામ કરી દેવો. એની જિંદગી જલદીથી થાળે ન પડે એવા તમામ કાવાદાવાઓ ઘડી કાઢવામાં આવે છે.
આપણો કાયદો પણ ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ- એફઆઈઆર પરથી ધરપકડ કરે છે. મુંબઈના કિસ્સામાં એ યુવકે આગોતરા જામીન માંગ્યા અને એને જામીન મળી ગયા. બાકી મોટાભાગના કિસ્સાઓમાં યુવતીની સંમતિ હોય એ પછી કેસ દાખલ થયો હોય તો યુવકનો વાંક હોય કે ન હોય એફઆઈઆર પરથી તેની એક વખત તો ધરપકડ કરવામાં જ આવે છે.
એકબીજાંને સુખી કરવાના કોલ ક્યારે હવામાં ઓગળી જાય છે એની બંને પાત્રોને ખબર નથી રહેતી. એક વડીલ કહે છે, ‘પ્રેમ થયો, સંબંધ બંધાયો અને પછી લગ્ન સુધી વાત પહોંચી ન શકી. બ્રેક અપ થઈ ગયું. એ બ્રેક અપ બાદ તમારો સંબંધ ગ્રેસ ગુમાવે છે ત્યારે કેસકબાડા શરુ થાય છે. સંબંધ કોઈ પણ હોય એ તૂટે ત્યારે એની ગરિમા જાળવવી એ છૂટાં પડી રહેલાં બંને પાત્રો અને એમની સમજ ઉપર આધારિત છે. પ્રેમ અને શારીરિક સંબંધ એમ કંઈ રમતવાત નથી કે, તમે ફટ દઈને એક તબક્કે એક નાવડીમાં સવાર હોવ અને જુદા પડો એટલે કોણ કોની નાવડી કેટલી કાદવમાં ખૂંપાવે છે એ માટે તત્પર રહો. સંબંધ તૂટે ત્યારે લાગણીથી જોડાયેલી વ્યક્તિ પણ એટલી જ દર્દમાંથી પસાર થતી હોય છે.’
મુંબઈ હાઈકોર્ટનો ચુકાદો સાંભળીને નવોસવો પ્રેમમાં પડેલો એક યુવક તો ડરી જ ગયો છે. એ કહે છે, ‘તમને એક સમયે પ્રેમ કરતી યુવતી સાથે તમારું ક્યારેય પણ બ્રેક અપ થઈ જાય તો કેસ કરીને તમને બતાવી દેવાની તલવાર તમારી માથે લટકતી જ રહેવાની એમને? આવું કંઈ ન બને તે માટે યુવકે તો પ્રાર્થના જ કરતા રહેવાનીને?’
સંબંધ બંધાય કે તૂટે ત્યારે એની ગરિમા જાળવવાનું કામ એ બંને પાત્રોના હાથમાં અને એ બંનેમાં રહેલી સમજદારી ઉપર રહલું છે. લટકતી તલવાનું જોખમ જ છે એની કોઈ ગેરંટી નથી હોતી. બીજું પ્રેમ અને લગ્ન બંને બહુ જ અદભુત અનુભૂતિ છે એમ ડરી ડરીને જીવવાની પણ કોઈ જરુર નથી. કોઈપણ સંબંધને તમે જેટલી ઉંચાઈએ લઈ જશો એટલો જ એ પાંગરવાનો છે. મતભેદ જ્યારે મનભેદ બને અને એકબીજાંને બતાવી દેવાની દાનત એમાં દાખલ થાય ત્યારે એ સમસ્યાને ફેઈસ કરવા સિવાય કોઈ રસ્તો નથી હોતો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર