ઓશિયાળા રહેવા કરતાં આત્મનિર્ભર થઈ હોત...

02 May, 2017
12:00 AM

જ્યોતિ ઉનડકટ

PC: regisboff.com

લગ્ન એક બહુ જ પવિત્ર બંધન છે. તેમાં જોડાતાં બે લોકો કોઈ દિવસ જુદાં પડવા માટે નથી જોડાતાં હોતાં. આખી જિંદગી એકમેકને સાથ દેવા અને સાથે ચાલવા માટે તેઓ એક છત નીચે રહેવાનું શરું કરે છે. રેશમાએ પણ કંઈક આવું જ વિચારીને લગ્ન કર્યાં હતાં. 

લગ્ન સફળ નીવડે તો કોઈ સમસ્યા કે સવાલો નથી થતાં હોતાં. પણ જો લગ્ન જીવનમાં બંને સાથે એકમેક સાથે કદમ ન મીલાવી શકે તો લોકોને ચર્ચા કરવાનો મોકો મળી જતો હોય છે. સમાજ અને આપણી આસપાસ જીવતાં લોકો હંમેશાં કંઈને કંઈ મુદ્દો લઈને ટીકાઓ કે કૂથલી કરવાના જ છે. બે વ્યક્તિઓ વચ્ચેની બોડી લેંગવેજ કેવી છે ત્યાંથી માંડીને બંને એકબીજાં સાથે કેવી રીતે વાત કરે છે, કેવી રીતે ચર્ચા કરે છે, કોઈ મુદ્દે એક થાય છે કે નહીં, એકબીજાં સાથે મોકળા મને હસી શકે છે કે કેમ? ઘરમાં કોનું વધુ ચાલે છે? પરિવારના અન્ય સભ્યો સાથે ટ્યુનિંગ કેવું છે? પિયરિયાઓની ખટપટ કેવીક છે? આ અને આવા અનેક મુદ્દાઓ ઉપર આપણે આપણી આસપાસ જીવતાં યુગલોની જિદંગીને માપતાં હોઈએ છીએ. આપણે આપણું એક મીટર બનાવી દીધું છે કે કોને કોની સાથે કેટલું અને કેવું બને છે કે બગડે છે?  આ પ્રકારની વિચારસરણી આપણે બીજાં લોકોને જજ કરવા માટે વાપરીએ છીએ. 

રેશમા લગ્નના સતર વર્ષ બાદ એના પતિ વલયથી જુદી પડી. રેશમા એક હોમમેકર છે. ચૌદ વર્ષની દીકરી છે. એ હવે મમ્મી સાથે જ રહેવાની છે. રેશમા એના પિયર પાછી રહેવા ગઈ છે. પિયર રહેવા ગયા પછીની કશ્મકશની વાત એણે લખી મોકલી છે. એની વાત અને તર્ક આપણને વિચારતાં કરી દે એવાં છે. 

રેશમા અને વલયના એરેન્જડ મેરેજ છે. સામાન્ય યુગલની જિંદગી જેમ જેમ થાળે પડતી જાય તેમતેમ એ લોકો પણ જીવતાં હતાં. વલય એક પ્રાઈવેટ ફર્મમાં નોકરી કરે છે. ખૂબ જ મહત્ત્વાકાંક્ષી એવા વલયે છેલ્લાં અઢાર વર્ષમાં ખૂબ જ પ્રગતિ કરી. કરિયરની સાથોસાથ એનામાં કેટલીક કુટેવો પણ આવી. દારુ પીવો અને ઘરમાં ધ્યાન ન આપવું એ મુખ્ય મુદ્દો હતો. રેશમા સાથે ઝઘડાં થવા કે મારકૂટ થવી એવો કોઈ સવાલ આ યુગલને ન હતો. વલયની લાઈફમાં કોઈ અન્ય યુવતી હોય એવું પણ ન હતું. જો કે, વલયને ધીમેધીમે રેશમામાં રસ ઓછો થતો ગયો. એ બહુ આગળ વધી ગયો. જિદંગીમાં અને લાઈફસ્ટાઈલમાં રેશમા એની સાથે ખાસ ન દોડી શકી. બહાર જવાનું હોય કે કોઈ પાર્ટી હોય કે કોઈ ગેટ ટુ ગેધર હોય બધાં જ ઓફિસના લોકો એમના જીવનસાથી સાથે હોય. વલય ભાગ્યે જ રેશમાને લઈ જતો. 

મહિનામાં પંદરેક દિવસ તો વલયને કામને કારણે બહારગામ જવાનું રહેતું. રેશમા એના સાસુ-સસરા સાથે રહેતી. વલય એમનો એકનો એક દીકરો. સાસુ-સસરા પુત્ર અને પુત્રવધૂ વચ્ચે વધી રહેલાં અંતરને અનુભવતાં હતાં. ઘણી વખત બંનેને કોશિશ કરી પણ કોઈ નક્કર પરિણામ ન આવ્યું. 

એક દિવસ વલયે ઘરમાં કહ્યું કે, એને રેશમાથી અલગ થવું છે. કાઉન્સેલીંગ અને લગ્નને બચાવવાની બધાંએ કોશિશ કરી. પણ કંઈ વળ્યું નહીં. ચાલીસ લાખ રુપિયા એલીમની આપીને વલયે રેશમાને છૂટાછેડા આપ્યાં. હવે, રેશમાની વાત સાંભળીએ. 

રેશમા કહે છે, ‘લગ્નના સતર વર્ષ બાદ મને એવું લાગ્યું કે, મારી અને વલય વચ્ચે કોઈ એવી લાગણી નથી રહી કે, અમે સાથે રહીએ. દીકરીને ખાતર આ પ્રકારની જિંદગી મને મંજૂર ન હતી. મને થયું દીકરીને હું પણ સરસ રીતે ઉછેરી શકીશ. 

પિયર આવી ગઈ છું રહેવા માટે. ગ્રેજ્યુએટ થઈ પછી મારા લગ્ન થઈ ગયા. ઘર જ સંભાળ્યું છે. બહારના કામોની થોડીઘણી ફાવટ ખરી પણ હું બહાર જઈને કમાઈ શકું એવી કોઈ જવાબદારી કે મન થયું જ નહીં. હવે વલયના આપેલાં રૂપિયામાંથી આગળની જિંદગી નીકળશે. 

પિયરમાં પપ્પા વૃદ્ધ થઈ ગયાં છે. મમ્મી ગયા વર્ષે જ ચાલી ગઈ. પપ્પાને મારી અને મારી દીકરીની ચિંતા થાય છે કે હવે આ લોકોનું શું થશે? 

વલયથી જુદી પડી ત્યારે મને આવેલો કરિયાવર અને પાંચેક તોલા સોનું પાછું આપ્યું. મારા લગ્ન થયાં ત્યારે પપ્પાએ પાંચ લાખની લોન લીધી હતી. ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતાં. મારા લગ્ન સમયની લોન આઠેક વર્ષ સુધી પપ્પાએ ભરી. પપ્પાએ લગ્ન કરાવી દીધાં ત્યારે મને બહુ જ સારું લાગ્યું હતું કે, મારા સાસરિયામાં વટ પડી ગયો એવું થયું હતું. એકવીસ વર્ષની ગ્રેજ્યુએટ અને સામાન્ય પરિવારની દીકરી આનાથી વધુ તો શું વિચારી પણ શકે? પપ્પાએ એમના ગજા બહારનો વહેવાર અને કરિયાવર કર્યો હતો. અત્યારે એમનું પેન્શન આવે છે. એક નાનકડું ઘર છે ત્યાં અમે ત્રણેય રહીએ છીએ. મારે કોઈ ભાઈ-બહેન નથી એટલે પપ્પાનું બધું જ મને મળવાનું છે. 

આ તમામ હકીકતો હોવા છતાંય મને એવું લાગે છે કે, પપ્પાએ મને એ સમયે પાંચલાખની ફીક્સ ડીપોઝીટ આપી હોત કે એક નાનકડું ઘર લઈ આપ્યું હોત તો સારું હતું. લગ્ન થાય એ પહેલાં પપ્પાનું ઘર દીકરીનું ઘર હોય છે. લગ્ન પછી પતિનું ઘર એ સ્ત્રીનું હોય છે. સ્ત્રીને પોતાને કોઈ વખત કોઈ અગવડ પડે કે ગૃહસ્થી સરખી ન ચાલે ત્યારે એના માટે પિતાના ઘર સિવાય કે પરાધીન જિંદગી જીવવા સિવાય કોઈ રસ્તો નથી રહેતો. વલયે મને સારા એવા રૂપિયા આપ્યાં. પણ ઘણાં કિસ્સાઓમાં પૂરતાં રૂપિયા પણ નથી અપાતાં હોતાં. ત્યારે એ સ્ત્રી ઓશિયાળી થઈને પિતાના ઘરે રહે છે. મારે કોઈ ભાઈ-બહેન નથી. ભાઈ હોય તો એની પત્ની કેવી હોય એના ઉપર પણ ઘણુંબધું નિર્ભર કરતું હોય છે. 

રેશમા કહે છે, ‘ મારો કહેવાનો એટલો જ મતલબ છે કે, દીકરીના લગ્ન થાય એની દરેક મા-બાપને હોંશ હોય. મોટાભાગના મા-બાપ એમની મૂડી દીકરીના લગ્નમાં વાપરી નાખે છે. બહુ ઓછાં કિસ્સાઓમાં દીકરીને પાંચ સાડી ઓછી આપીને કે બે તોલા સોનું ઓછું આપીને ફીક્સ ડિપોઝિટ કે કેશ આપવામાં આવે છે. દીકરીને એક રૂમનું ઘર કે દીકરીને આર્થિક રીતે કોઈ દિવસ કોઈની જરૂર ન પડે એવો વિચાર ભાગ્યે જ કરવામાં આવે છે. બીજી વાત એ દીકરીએ પતિ કે મા-બાપ ઉપર જ નિર્ભર રહેવાને બદલે પોતાની રીતે પણ કંઈ કમાવા માટે વિચારવું જોઈએ. પતિનો સાથ છૂટે કે પતિ ન રહે ત્યારે બિચારી કે ઓશિયાળી જિંદગી જીવવાને બદલે  આત્મનિર્ભર બનીને જીવવા માટે કોઈની દયાની જરૂર ન રહે એવું દરેક દીકરીએ વિચારવું જોઈએ.’

રેશમાની વાત બહુ જ મહત્ત્વની છે. આપણે ત્યાં આ પ્રકારની વિચારસરણી હજુ સુધી વિકસી નથી. દીકરીને ફીક્સ ડિપોઝિટ અપાય છે પણ દીકરીના લગ્નમાં પચીસ-ત્રીસ લાખ ખર્ચી નાખતા મા-બાપ દીકરીને એક રૂમનું ઘર કે બીજો કોઈ સક્ષમ ટેકો રહે એવું કંઈ વિચારે તો દીકરીઓ અન્યાય સહન કરીને સાસરે જિદંગી ન વીતાવે. ઘણાં કિસ્સાઓમાં તો એવું જ થાય છે કે, મા-બાપના ઘરે આધારિત જિંદગી જીવવાને બદલે પોતાની સાથે થઈ રહેલાં અત્યાચારને કે અન્યાયને એ દીકરી જીવતી હોય છે. પતિના ઘર સિવાય કોઈ આરો ન હોય ત્યારે ખોટું સહન કરીને એ દીકરી પોતાની અને એના સંતાનોની જિંદગી રોજેરોજ મરીને જીવતી હોય છે. એક નાનકડો વિચાર પણ દીકરીની જિંદગીને સંવારવા માટે પૂરતો છે. રેશમાની ગૃહસ્થી તૂટી ત્યારે એણે આવું કંઈક વિચાર્યું. તેની સામે સ્વીકારવા જેવી વાત એ છે કે, એની વાત ખોટી પણ નથી. માતા-પિતાનું એક પગલું ઘણી વખત દીકરીને ટટ્ટાર ચાલવા માટે પૂરતું હોય છે. 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.