સંતાનો મા-બાપમાંથી ખરાબ વાત પણ ગ્રહણ કરતા હોય છે
સંસ્કાર આખરે શું છે? તમારી અંદર જે કંઈ સારી વાત છે, સારા વિચારો છે એ તમારા વર્તનમાં રિફ્લેક્ટ થાય એ સંસ્કાર. સંસ્કાર દરેક વ્યક્તિને એનાં ઘરમાંથી જ મળતા હોય છે. સ્કૂલ તમને કેળવી શકે. પણ સંસ્કાર તો તમને મા-બાપમાંથી જ મળે છે. હા, ઘણી વખત કેળવણી સંસ્કાર બનીને વર્તનમાં છલકી જતી હોય છે કેમ કે, શિક્ષકો પણ ઘણી વખત આપણને ભણવાની સાથોસાથ જીવનના પાઠ ભણાવતા હોય છે.
બે જાહેરાતો જોઈ એમાંથી આ સંસ્કાર અને મા-બાપનું બાળકો સામેનું વર્તન વિશે લખવાનું મન થયું. સંતાનોની સામે દારૂ પીને માને માર મારતો પિતા જેણે જોયો હોય એના મનમાં એક વખત તો એવી છાપ પડે જ કે, દારૂ પીને ઘરની સ્ત્રીને અને સંતાનોને મારવામાં કંઈ ખોટું નથી. સાસુનાં મહેણાં-ટોણાં સાંભળતી મમ્મીને જોઈને એ દીકરીને એક વખત તો એવો વિચાર આવે જ કે, સ્ત્રીને સહન કરવાનું જ હોય. એનાથી સામું ન બોલાય. સાથોસાથ એવાં વિચારો પણ આવતાં જ હશે કે, હું સાસુ બનીશ ત્યારે હું મારી વહુને કંઈ નહીં કહું કે પછી હું વહુ બનીશ ત્યારે સાસુની ખોટી વાત નહીં સહન કરું. પારકાં કામ કરીને રૂપિયા રળી લાવતી માને જ્યારે કંઈ જ ન કમાતો પિતા મારતો હોય ત્યારે એની સામે સહમી ઉઠેલાં સંતાનોને પણ એવું થતું જ હશે કે, મમ્મી ખોટું સહન કરે છે. ઘર તો મમ્મીના રૂપિયાથી જ ચાલે છે. પછી શા માટે એ પપ્પાનું સહન કરે છે.
એ જાહેરાતો વિશે વાત કરું. ભારતની એક જાહેરાતમાં ઘરનો નોકર ડાઈનિંગ ટેબલ પર પીરસવા આવે છે. નાનકડો દીકરો એની સાથે તુંકારે વાત કરે છે. ત્યારે ડાઈનિંગ ટેબલ પર બેઠેલાં વડીલ કે એનાં પપ્પા એને કહે છે, એમને અંકલ કહીને બોલાવ. એમને માન આપ. ઘરમાં ઉછરી રહેલાં બાળકને એ જ્યારે ખોટું વર્તન કરે ત્યારે એને રોકવો-ટોકવો કે પછી સાચી વાત સમજાવવી એ પણ સંસ્કાર જ છે બીજું કંઈ નથી.
વિદેશની જાહેરાતમાં એક પરિવારની વાત છે. એક ઘરઘાટી બાઈ એમની સાથે રહેવા આવે છે. એ ઘરની શેઠાણી પેલી કામવાળી બાઈ પાસેથી એનો પાસપોર્ટ અને વર્ક પરમિટ લઈ લે છે. પછી એનું શોષણ કરે છે. ડરેલી-સહેમેલી કામવાળી શેઠાણીને પૂછ્યાં વગર ન ખાઈ શકે કે ન એને રજા પણ મળે. નાનકડી દીકરી પણ અજાણપણે કામવાળીનું કામ વધારતી રહે છે.
એક રાતે એ શેઠાણીને ભૂખ લાગે છે. ઓફિસનું કામ કરતી એ શેઠાણી કામવાળી બાઈને એની સાંકડી અને નાનકડી રૂમમાં જઈને ઉઠાડે છે. એ પણ બહુ ખરાબ રીતે. એ કામવાળી યસ મેમ કહીને નીંદર ખંખેરીને એ શેઠાણીને જમવાનું બનાવી આપે છે. જમવાનું લઈ આવતી હોય છે ત્યારે કાચીપાકી નીંદરને કારણે એ બાઉલ શેઠાણીના ડેસ્ક ઉપર પડે છે. શેઠાણી થોડીઘણી દાઝે છે. એનાં કાગળિયા ઉપર ખાવાનું પડવાને કારણે એ બહુ જ ગુસ્સે થઈ જાય છે. નોકરાણી ઉપર હાથ ઉપાડી લે છે.
અહીં એક શોટ મૂક્યો છે. શેઠાણી જ્યારે કામવાળી પર હાથ ઉપાડે છે ત્યારે એ નાનકડી દીકરી દીવાલની પાછળ છૂપાઈને જોતી હોય છે.
થોડાં દિવસો પછી એ નાનકડી દીકરીની સ્કૂલમાંથી એની માને ફોન આવે છે. દીકરીએ સ્કૂલમાં કામ કરતી બેન સાથે ગેરવર્તન કર્યું હોય છે. દીકરીની ફરિયાદ સાંભળીને એ મા નમ્ર સૂરમાં એટલું જ બોલે છે કે, મને ખબર છે કે, હવે મારે શું કરવાનું છે.
મા-દીકરી ઘરે આવે છે. દીકરી પોતાના સેન્ડલ દરવાજા પાસે જ કાઢીને ઘરમાં ચાલતી જાય છે. ત્યારે મા એને અટકાવે છે એને શીખવે છે કે, હવેથી તારે જાતે તારા ચંપલ એની જગ્યાએ મૂકવાના છે. કોઈ વાતે એ દીકરી કામવાળીને નામથી બોલાવે છે. તરત જ એની મા એને ટોકે છે અને કહે છે, આજથી તારે એને આન્ટી કહેવાનું છે.
ટૂંકમાં એ કામવાળી બાઈને મનુષ્યની જેમ ટ્રીટ કરવાનું શરૂ કરે છે.
માને કામવાળી પર હાથ ઉપાડતી જોઈને એ નાનકડી દીકરી પર એવી જ અસર પડી કે, કામવાળાને તો ધૂત્કારી કાઢવાના. માતાને એની સમજ પડી અને સમયસર સુધરી ગઈ.
આ બંને કિસ્સાઓ પરથી એક મિત્ર સાથે બનેલો સાચો કિસ્સો યાદ આવી ગયો. વાત એમ હતી કે, એ મિત્ર એની દીકરીને રોજ નર્સરીએ મૂકવા જાય. બિન્ધાસ્ત ગાળો બોલવી એ વાત એ મિત્ર માટે સહજ હતી. એક વખત કોઈએ ઓવરટેઈક લીધો અને મિત્રના મોઢામાંથી મા સમાણી ગાળ નીકળી ગઈ. થોડાં દિવસો પછી રસ્તા ઉપર પસાર થતાં એ પિતા-પુત્રીની બાઈકને કોઈએ જરા ટક્કર મારી. પોણા ત્રણ વર્ષની એ દીકરીએ એ જ મા સમાણી ગાળ મોટા અવાજે સામેવાળાને આપી. એ જોઈને પેલો મિત્ર અને એ દીકરીનો પિતા ડઘાઈ ગયો. એને થયું કે, આને મેં ગાળ બોલવાનું નથી શીખવ્યું તો એ ક્યાંથી શીખી આવી. પછી એને તરત જ યાદ આવ્યું કે, જે ગાળો જાહેરમાં બોલવી કે કોઈને પણ ક્યારેય પણ ચોપડાવી દેવી એ મારા માટે સહજ છે એટલું સહજ અને યોગ્ય બાળક માટે નથી.
ગાળ બોલવાનું કદીય કોઈને શીખવવું પડતું નથી. એ કોઈને કોઈ મિત્ર કે હમઉમ્ર વ્યક્તિ પાસેથી આપણે શીખી જ લઈએ છીએ. આપણાં ઉપર જે જીવની જવાબદારી હોય એને સંસ્કાર આપવાનું કે સંસ્કાર રેડવાનું આપણે શીખવવું પડે છે. મા-બાપ સંસ્કાર આપે છે એની સાથોસાથ બાળકો મા-બાપના કે ઘરના વડીલોના વર્તનમાંથી પણ એટલું જ શીખતાં હોય છે.
તમે જો તમારાં મા-બાપને ઘરમાંથી કાઢી મૂકશો કે તમને એમના માટે સતત નેગેટિવિટી અનુભવાતી હશે તો એ અનુભૂતી તમારાં સંતાનને ખબર નહીં પડે એ વાતમાં દમ નથી. મા-બાપની આંખ અને ચહેરો એમનાં બાળકો બહુ સહજતાથી વાંચી લેતાં હોય છે.
ખરાબ વાત છે કે સારી વાત છે એની સમજ સમય આવ્યે બાળકોને થતી હોય છે પણ એની ના સમજ ઉંમરમાં તો સારી અને ખરાબ વાતનો ભેદ એના ઘરના વડીલોએ જ શીખવવાનો હોય છે. સારું વર્તન કરતું સંતાન હશે તો દરેક વ્યક્તિ ક્રેડિટ લેશે કે આ તો ફલાણાં પર ગયો છે આ તો ઢીંકણા પર ગયો છે. પણ જો એ જ સંતાન ખરાબ હશે તો એને એનાં જ મા-બાપ કોસતાં રહે છે. ખરાબ વ્યક્તિ કોના પર ગયું છે એની ક્રેડિટ લેવી કદીય કોઈને નથી ગમતી હોતી.
તમારામાંથી તમારી સાથે જીવતાં દરેક લોકો કંઈને કંઈ ગ્રહણ કરતાં હોય છે. એમાંય કુમળી માનસિકતા ધરાવતાં બાળક માટે તો ઘરના લોકો જ એની સમાજ અને સમજની શાળા હોય છે. એમાં જેટલો સાચો અને યોગ્ય કોર્સ હશે એ જ સૌથી વધુ ગ્રહણ થવાનું છે. સારી વાત જેટલી યોગ્ય છે ખરાબ વાત પણ એટલી જ ડેન્જર છે. કુમળી વયના બાળકને છોડ સમાન ગણવામાં આવે છે. એ છોડને જેમ વાળો એમ વળવાનો છે. એ છોડને કાંટાળો બનાવવો કે રંગબેરંગી પુષ્પો સાથે ખીલેલો બનાવવો એ વાતનો આધાર એ જ ઘરમાં એ બાળકોથી મોટી વયના દરેક પરિવારજનની જવાબદારી છે. જેવું વાવશો એવું લણશો એવું એમને એમ તો નહીં જ કહેવાતું હોય. સારી વાતો જેટલી એડપ્ટ થતી હોય છે એવી જ રીતે ખરાબ વાત, વર્તન પણ એડપ્ટ થતાં હોય છે. સંસ્કારની સાથોસાથ કુસંસ્કાર પણ બાળકના માનસપટ પર આવતાં હોય છે. આપણે એટલિસ્ટ આપણી સાથે જોડાયેલાં એક જીવનું પણ જતન આ રીતે કરી શકીએ તો કદાચ આવનારા વરસોમાં સારા વર્તન અને સારા નાગરિક સાથેનું એક સુંદર ચિત્રમાં આપણી પીંછીનો પણ એક છંટકાવ હોય શકે...
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર