કાયદાથી વિચારધારા બદલાતી નથી

14 Feb, 2017
12:00 AM

જ્યોતિ ઉનડકટ

PC: madmikesamerica.com

એક હતો આદમ. એક હતી ઈવ. કહેવાય છે કે, આ બંને સૃષ્ટિના સૌથી પહેલા સ્ત્રી અને પુરુષ હતા. એ બંનેનો પ્રોફાઈલ શું હતો? કોઈને ખબર નથી. હા, એક સફરજનની વાર્તા આવે છે અને માનવીની ઉત્ક્રાંતિની શરૂઆત થાય છે. આદમ અને ઈવ વચ્ચે ક્યારેય સ્ત્રી અને પુરુષની સમાનતા વિશે ચર્ચા થઈ હશે?  બેમાંથી  કોનું ચાલતું હશે? કોણ કોનું માનતું હશે? કોણ વધુ ડોમિનેટ કરતું હશે? કોણ કોને મનાવતું હશે? બંને વચ્ચેની રીલેશનશીપ કેવી હશે?  કલ્પનાના ઘોડા સાતમા આસમાન સુધી દોડાવી શકાય તેમ છે.

વેલ, વાત સ્ત્રી અને પુરુષની સમાનતા વિશે કરવી છે. આમ તો આ સરખામણી દાયકા કે સદીઓથી નહીં પણ યુગોથી થતી આવી છે. ઈતિહાસ અમુક ઘટનાઓની સાક્ષી પૂરતો હોય છે. વર્તમાન રોજેરોજ જીવાતો હોય છે.

આજે સ્ત્રીની હાલત કેવી છે? અગ્નિની સાક્ષીએ ચાર ફેરાં લીધાં પછી એકસાથે કેટલું ચાલી શકાય છે? કાજીની હાજરીમાં કબૂલ હૈ કહ્યા પછી ખરેખર કેટલું કબૂલ કરાતું હોય છે? જિસસના સાંન્નિધ્યમાં વીંટી પહેરાવી અને ચુંબન કરવાની સાથે આઈ ડુ કહ્યા પછી ખરેખર કેટલો સ્વીકાર થતો હોય છે? એક સમય હતો જ્યારે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ હોય એવું કહેવાતું હતું. અત્યારે પાનીથી થોડી ઉપર ચોક્કસ આવી છે. પણ હજુય દિલની લગોલગ પહોંચી હોય એવો અહેસાસ કેમ થતો નથી? આપણે આઝાદીની વાતો કરીએ છીએ પણ મુક્તિ આપતા નથી, સ્વતંત્રતા આપતા નથી. સ્વતંત્રતા જ્યારે એકપક્ષીય બની જાય ત્યારે આડકતરી ગુલામી લદાતી હોય છે. ઘરમાં નિર્ણય કરતી વખતે એકમત હોય છે કે સહમત?

નવી દિલ્હીની  એક યુનિવર્સિટીમાં હમણાં રિપ્રોડક્ટીવ રાઈટ્સ ઇન ઈન્ડિયન એ વિષય પર એક ચર્ચા યોજવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના જજ એ. કે. સિકરીએ આ ચર્ચામાં જે વાત કરી એ આજના સમાજની થોડીક ખરડાયેલી અને વાસ્તવિક છબી ઉજાગર કરે છે.

વાત કાયદાની હતી. મહિલાઓ માટે આપણે ત્યાં ઘણાં કાયદાઓ છે. મહિલાઓને પુરુષ સરખું સન્માન મળે એ માટે વધુ કાયદાઓ બને એવી પણ માગણીઓ થતી આવે છે. જસ્ટિસ સિકરીએ બહુ સરસ વાત કરી કે, કાયદાઓ બદલતા રહ્યા છે. હજુ પણ બદલાશે. જો કે, કાયદાથી માનસિકતા બદલાતી નથી. કાયદો પરિવર્તન ન લાવી શકે. પરિવર્તન તો વિચારધારાથી જ આવે. આપણે ત્યાં પત્નીની ઓળખાણ આપવામાં આવે ત્યારે એવું કહેવાય છે કે, મીટ માય બેટર હાફ. આપણે બોલી તો દઈએ છીએ પણ ખરેખર એને બેટર હાફનો દરજ્જો મળે છે ખરો? જસ્ટિસ સિકરીએ કહ્યું કે, પત્નીને તમે બેટર હાફ ન બનાવી શકો તો કમસે કમ તેને ઇક્વલ હાફ તો બનાવો.

કેટલા પરિવારો વહુને એવું પૂછતાં હોય છે કે, તને હવે બાળક જોઈએ છે? સ્ત્રીને તો બાળક પેદા કરવાનો પણ આદેશ જ થતો હોય છે. બાળક ક્યારે કરવું એના નિર્ણયમાં સ્ત્રીની કેટલી મરજી ચાલે છે?

એક કિસ્સો યાદ આવે છે, એક સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો. ત્રણ વર્ષ થયા ત્યાં ઘરમાંથી એવો આદેશ છૂટ્યો કે હવે બીજું બાળક ઝડપથી કરી લો. એક સાથે બેય સંતાનો મોટાં થઈ જાય. એ મહિલાની બીજા બાળક માટે જરાયે માનસિક કે શારીરિક તૈયારી ન હતી. એને તો એક જ સંતાન કાફી હતું. ઘરમાંથી સ્પષ્ટપણે કહી દેવાયું કે, એવું ન ચાલે. બે બાળક તો જોઈએ જ. આખરે એ મહિલાએ સાસરિયાની જિદ્ સામે ઝૂકી જવું પડ્યું. આમાં એની મરજી ક્યાં ચાલી?  આમાં બેટર હાફ કે સ્વતંત્રતા ક્યાં આવી?

આજે પણ આપણાં દેશના ઘણાં ઘરોમાં આવી રીતે લદાયેલાં આદેશથી બાળકો જન્મે છે. જમાનો હાઈ ટેક થયો છે. હવે દીકરીને દૂધપીતી કરાતી નથી. પણ પેટમાં જ એનું ગળું ઘોંટી દેવામાં આવે છે.

જસ્ટિસ સિકરીએ કહ્યું કે, બાળક પેદા કરવાના નિર્ણયનો હક માત્ર મહિલાને છે. એણે સંતાનને જન્મ આપવાનો છે. એના શરીર સાથે એ જોડાયેલું છે. હા, બાળક અંગે પતિ ચોક્કસપણે હસ્તક્ષેપ કરી શકે. પણ એ હસ્તક્ષેપ પોઝિટીવ હોવો જોઈએ. જસ્ટિસ સિકરીએ તો ત્યાં સુધી કહી દીધું કે, સમાજની માનસિકતા વિશે હું લાચારી અનુભવું છું. કુરીતિઓ દૂર કરવા ઘણાં કાયદા બને છે. પણ તેમ થઈ શકતું નથી. અમે ચૂકાદા આપી શકીએ પણ માનસિકતા કેવી રીતે બદલી શકીએ?

હવે, સવાલ એ આવે કે માનસિકતા કેવી રીતે બદલાય?  માનસિકતા માત્રને માત્ર માણસ  જ બદલી શકે. આ માણસ એટલે કોણ? તમે, હું અને આપણે બધાં. કોઈકે તો શરુઆત કરવી જ પડશે. સાવ એવું પણ નથી કે, કોઈએ શરુઆત નથી કરી. આરંભ થયો છે પણ એ શરુઆત ઘણી વખત એક પરિવાર સુધી મર્યાદિત થઈ જાય છે. ક્યારેક કોઈ સમાજ પૂરતી બહાર આવી જાય છે. પણ સરવાળે એ સાર્વત્રિક તો બનતી જ નથી.

પરિવર્તનો આવતા હોય છે. એનાં કરતા પણ મહત્વની વાત એ છે કે, પરિવર્તનો લાવવા પડતાં હોય છે. એક સમયે આપણે ત્યાં સતી પ્રથા હતી. એ નાબૂદ થઈ ને? વિધવા વિવાહને પણ પાપ ગણવામાં આવતું હતું, એ પણ બદલાયું ને? તો પછી અત્યારે છે એ કેમ બદલી ન શકાય?

કોઈ દીકરીની વાર્તા સાંભળીને કે કોઈ કવિતા વાંચીને આપણે કહીએ છીએ કે વાહ, ક્યા બાત હૈ! સંવેદનાઓ થોડીક ઝણઝણીને પાછી ઠંડીગાર બની જાય છે. દિવો પ્રજ્વલે છે અને બૂઝાઈ જાય છે. જરુર એક મશાલની હોય છે જે બધાંને જાગૃત કરે.

અગેઈન, એક વાત કરવાનું મન થાય છે કે, વાત લડવાની નથી. વાત કોઈના આધિપત્ય ઉપર તરાપ મારવાની પણ નથી. પણ જેને જે મળવું જોઈએ એ આપવાની છે. આપણો સમાજ કેવો છે? આપણો સમાજ એવો છે કે, એ બહુ આસાનીથી સંતોષ માની લે છે. બહુ સુધારાઓ થઈ ગયા. અમુક દેશોમાં સ્ત્રીઓની દયાજનક હાલત જોઈને આપણે કહીએ છીએ કે, આપણે ત્યાં તો કેટલું બધું સારું વાતાવરણ છે. હા, કદાચ થોડુંક સારું વાતાવરણ છે. પણ આ વાતાવરણ શ્રેષ્ઠ છે ખરું?

આપણે ત્યાં સ્ત્રીઓની હાલત બે એક્સ્ટ્રીમ જેવી છે. અમુક વર્ગ છે જ્યાં મહિલાઓ ખરેખર એક સરખું સ્ટેટસ ધરાવે છે. એનો મત પૂછવામાં આવે છે અને માનવામાં પણ આવે છે. હા, થોડીક સ્ત્રીઓ એવી છે જેના ઉદાહરણો આપવામાં આવે છે. વુમન્સ ડે કે સ્ત્રીઓની ગૌરવગાથા ગાવાનો કોઈ દિવસ હોય ત્યારે એનાં ફોટા છાપવામાં આવે છે. કેટલા ચહેરાઓ હોય છે? એની ગણતરી માંડીએ તો આંગળીના વેઢાં પણ વધી પડે છે. સવાસો કરોડના આ દેશમાં એની ટકાવારી કાઢવા બેસીએ તો ઝીરો પોઈન્ટ સમથીંગ સમથીંગ માંડ થાય. બીજી સ્ત્રીઓએ શું આ એકના એક ચહેરાઓ જોઈને મન મનાવ્યે રાખવાનું? હજુ એક મોટો વર્ગ એવો છે જેને ઘરની બહાર નીકળવા માટે પણ મંજૂરી લેવી પડે છે. ક્યાં સુધી ચાલશે આ બધું? એનો એક જ જવાબ છે જ્યાં સુધી માનસિકતા કે વિચારધારા નહીં બદલાય ત્યાં સુધી.  કાયદો કાયદાનું કામ કરશે. પણ માનસિકતા તો માણસે જ બદલવી પડે. વો સુબહ કભી તો આયેગી...

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.