વૃદ્ધાશ્રમમાં માતાઓ નહીં સાસુઓ છે... ખરેખર?
બે અઠવાડિયા પહેલાં લેખ લખ્યો હતો કે, અપરણિત દીકરાના મા-બાપ કેમ વૃદ્ધાશ્રમમાં નથી હોતાં? એ લેખના સંદર્ભે એક સૌથી વધુ કોમન પ્રતિભાવ એ આવ્યો કે, વૃદ્ધાશ્રમમાં માતાઓ નથી સાસુઓ છે. આગળની લાઇનમાં લખ્યું હતું કે, વિચાર માગી લે તેવી વાત છે. આ વિષય પર લખજો.
બંને વાત સાચી છે કે, વૃદ્ધાશ્રમમાં અપરિણત દીકરાના મા-બાપ નથી હોતાં અને વૃદ્ધાશ્રમમાં મા નહીં સાસુઓ છે. એમાં વળી, ગયા અઠવાડિયે મધર્સ ડે ગયો. પછી સોશિયલ મિડીયા પર એક મેસેજ એ પણ બહુ ચાલ્યો કે, મધર્સ ડેની શુભેચ્છાઓનું પૂર જોઈને મનમાં સવાલ થાય છે કે, તો પછી વૃદ્ધાશ્રમમાં બધી વૃદ્ધાઓ છે એ કોની માતાઓ છે? આ વાત પણ વિચાર માગી લે તેવી છે.
વડીલો જ વાંકમાં છે એવું તો લખવાનો કે વિચારવાનો કોઈ સવાલ જ નથી ઉઠતો. સમાજના જે વણલખેલાં નિયમો ઘડાયા છે એની વિરુદ્ધનું કંઈ થાય તો એમાં વાંક કોઈ એક વ્યક્તિ કે સંજોગોનો હોઈ જ ન શકે. દીકરાની મા વહુ આવ્યા પછી સાસુ બને અને એ સંબંધમાં ખટાશ આવે એટલે વહુની સાસુ અને દીકરાની મા મતલબ કે સાસુમા અળખામણી બની જાય છે. કંઈકેટલાય પ્રસંગો ઘરમાં અને રોજિંદી જિંદગીમાં બને છે કે, સગો દીકરો પણ માને વાંકમાં જોતો થઈ જાય છે. સતત એકની એક વાતો માથે ઠોકી બેસાડવામાં આવે એટલે કોઈપણ વ્યક્તિ એક તબક્કે એ વાતને સાચી માનવા માંડે છે.
હવે મા-બાપના ગોઠવાયેલા લગ્નો તો બહુ ઓછાં થાય છે. મોટાભાગે યુવક-યુવતી પોતાની પસંદગી શોધી લે છે. ગોઠવાયેલાં લગ્ન કરવાના હોય અને મેટ્રો સિટીમાં જો યુવક યુવતીને જોવા ગયો હોય તો કેટલાંય કિસ્સાઓમાં યુવતી એ યુવકને એવું પૂછે છે કે, તારા ઘરમાં ડસ્ટબિન કેટલાં છે? આજની પેઢી પહેલેથી જ એવું માની લે છે કે, સામેવાળાના ઘરે જે વડીલો છે એ નકામા જ છે. શું એ ડસ્ટબિન એના ઘરમાં નથી? વળી, આવું બોલવામાં કંઈ અજુગતું ન લાગે એ પણ નવાઈ લાગે છે. હકીકત એ પણ છે કે, એ યુવતી કે યુવક એવું નથી વિચારતા કે એમની યુવાની આવીને જતી રહેવાની નથી. એ પણ ક્યારેક કોઈના માટે ડસ્ટબિન બનવાના છે. તમારે ડસ્ટબિન ન બનવું હોય તો તમારા ઘરમાં જેને ડસ્ટબિન માનો છો એમને સાચવવા જરૂરી છે.
એ ડસ્ટબિન નહીં પણ જીવતી જાગતી સંવેદના છે. વૃદ્ધત્વ કોને નથી આવવાનું? ઉંમર કોઈ દિવસ કોઈને નથી છોડવાની. વૃદ્ધ એટલે નકામા છે એવું માનીને ઘરમાં જીવવું એ એક કૃશ વિચારસરણીને પાણી પીવડાવવા જેવું કામ છે.
એક કિસ્સો અહીં ટાંકવાનું મન થાય છે. વડીલોના અને ખાસ તો સાસુઓના સો વાંક કાઢતી વહુ માટે આ કિસ્સો વાંચવો બહુ જરૂરી છે. એક પરિવારમાં બે પુત્રવધૂઓ છે. પુત્રવધૂઓ ઘરને સાચવે છે. બંને હોમમેકર છે. બે દીકરા અને બંને દીકરાના બે-બે સંતાનો છે. ઘરમાં ચાર બાળકો ઉછરી રહ્યાં છે. ચારેયની ઉંમર સાત વર્ષથી માંડીને અઢાર વર્ષની વચ્ચે આવી જાય છે. પરિવારમાં સાસુ-સસરા બંને વડીલો છે. બંને સરકારી નોકરિયાત હતાં. એટલે બંનેનું પેન્શન તગડું આવે છે. બંને દીકરાઓ ખાનગી કંપનીમાં માતા-પિતાના પેન્શનની રકમના ટોટલ કરતાં પણ ઓછું કમાઈને લાવે છે. ટૂંકમાં આ પૌત્ર-પૌત્રીઓની ઘણીખરી જરૂરિયાતો બા-દાદાના પેન્શનમાંથી પૂરી થાય છે.
આ બાજુ હકીકત એ છે કે, બંને વહુઓને સાસુ સાથે ઊભું બનતું નથી. ઘરને સાચવવાની રીતભાતથી માંડીને રસોઈમાં શું બનાવવું કેવું બનાવવું એ વિશેના મતભેદોનો પાર નથી. બંને વહુઓ સાસુની સામે કોઈવાર બોલી દે છે. જે નથી બોલી શકતી એ વાતો પોતાની રુમમાં જઈને પોતપોતાના પતિઓને કહે છે, સંભળાવે છે. તારી મા.... તારી મા... કહીને જ સીધું ખરાબ બોલવાનું શરુ કરે છે. સાસુ-સસરાને ક્યારે મોત આવશે એ વિશે પણ નબળી વાતો કરવાનું ચૂકતી નથી. બેમાંથી એક પણ પુત્રવધૂને એટલો અંદાજ નથી કે, બંનેના સંતાનો એની સામે આ વર્તન જુએ છે.
સૌથી મોટો સત્તર વર્ષનો દીકરો છે. એ કોલેજના પહેલા વર્ષમાં ભણે છે. એણે પોતાની માતા એની જ દાદીને સતત કોસતી રહે છે એ જ જોયું છે. એણે એક દિવસ એની મમ્મીને કહ્યું કે, ‘મમ્મી તું માને છે, પણ દાદીમા એટલાં ખરાબ નથી. જ્યારે હું મોટો થઈશને ત્યારે હું મારી વાઇફને તારી સાથે રાખીશ જ નહીં. તું તો જો કેટલું ગંદુ બોલે છે. મારી વાઇફ તારું ખરાબ બોલશે એ તો મને નહીં ગમે. એટલે તમારાં બંને વચ્ચે વિખવાદો થાય એવી પરિસ્થિતિ ન આવે એવી કોશિશ કરીશ.’
સત્તર વર્ષના દીકરાની વાત સાંભળીને એ પિસ્તાલીસ વર્ષની માતાએ કહ્યું કે, પણ હું તારી દાદી જેવી સાસુ નહીં બનું. હું તો સારી સાસુ બનીશ.
એ દીકરાએ તરત કહ્યું કે, મમ્મી અત્યારે તું વહુ છેને, સારી વહુ બનવાની કોશિશ કરને....
આ કિસ્સો વાંચીને આપણને એમ થાય કે, દીકરાને જે વાતની સમજણ પડે છે એ વાત એની મમ્મીને કેમ સમજાતી નથી? સાચી વાત તો એ છે કે, સાસુ એટલે ખરાબ જ સ્વભાવની અને વહુને પરેશાન કરે એવી જ વ્યક્તિ નથી હોતી. કોઈ વખત સાસુના એંગલથી કે એના પોઇન્ટ ઓફ વ્યૂથી પણ વિચારવું જરૂરી છે. હું જ સૌથી મહત્ત્વની અને હું જ સાચી, હું કહું એમ જ થવું જોઈએ એવી જિદ્ અને માનસિકતા છોડવી જરૂરી છે. તડ ને ફડ બોલી દેતી વહુઓ સામે કોઈ વખત બોલતી અને કોઈ વખત સમસમીને અપમાન સહન કરતી સાસુ પણ માણસ છે એવું વિચારવું મહત્ત્વનું છે.
આપણે જો પોતાની માતાનો વાંક ન જોઈ શકતા હોઈએ તો પતિની માનો વાંક પતિને દેખાવો જોઈએ એવો આગ્રહ આપણે કેમ રાખીએ છીએ? વળી, પાછું પતિની માતાનો વાંક છે સાબિત કરવા કેટલીય પત્નીઓ મથતી રહે છે. આ પ્રકારના કિસ્સાઓમાં પતિની હાલત એટલી કફોડી થઈ જાય છે કે, એ રોજરોજની માથાકૂટમાંથી બચવા માટે માતા માટે કોઈ આકરો નિર્ણય લઈ લે છે.
હકીકત એ છે કે, આપણે આપણાં વડીલોને બદલવાની કોશિશ કરીએ છીએ. એમની માનસિકતા થોડીઘણી બદલાય એવો આપણે આગ્રહ રાખીએ છીએ. હકીકત એ છે કે, આપણે કોઈ દિવસ કોઈની માનસિતા કે વિચારોને બદલી નથી શકવાનાં. અમુક માન્યતાઓ કે વિચારો માટે બદલાવ હૈયામાંથી ઉગવો જરૂરી છે. આપણી સામે સતત આક્ષેપો, વિરોધ, અપમાન, અણગમો વધી રહ્યાં હોય તો આપણે જ આપણું સેલ્ફ એનાલિસિસ કરવું જોઈએ. ઘણી વખત એવું બને કે, આપણે પોતાની જાતને અને આપણી માનસિકતાને કોઈ દિવસ મેચ જ ન કરી હોય. જાતનો અરીસો હંમેશાં સાફ રાખવો જરૂરી છે. નવી વ્યક્તિ ઘરમાં કે પરિવારમાં આવે ત્યારે એનાં પ્રત્યેની પહેલા દિવસની લાગણી અને ધીમેધીમે એમાં આવી રહેલી ઓટમાં ક્યાંક આપણે તો જવાબદાર નથીને એવું પણ વિચારવું જોઈએ. ઘણીવખત એવું હોય કે, વિચારોના પડણ આપણાં મનમાં હોય અને આપણે ફક્ત અરીસાને સાફ કરતાં રહીએ છીએ. પોતાના મનની અંદર ઝાંખી કરવાની કોશિશ પણ ઘણાં સંબંધોને બચાવી શકે છે. ઘણાં ઘરો તૂટતાં રોકી શકે છે. થોડીથોડી સમજદારી બંને પક્ષે કેળવાય અને જીવાય તો ‘ડસ્ટબિન’ શબ્દ ખરાબ રીતે વપરાશે નહીં અને વૃદ્ધાશ્રમોમાં સાસુઓની સંખ્યા ઓછી પણ થશે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર