અપરણિત દીકરાના મા-બાપ વૃદ્ધાશ્રમમાં કેમ નથી હોતાં?
આ વખતે લેખની શરૂઆત ભાવનગરના એડવોકેટ અને ‘સ્ત્રીઆર્થ’ ભાગ એક અને બે એમ પુસ્તકના સંપાદક પ્રતિભા ઠક્કરની વાર્તાથી કરીએ. આ વાર્તા એમના પુસ્તક ‘પઝલનો માણસ’માં છપાઈ છે. થોડાં દિવસો પહેલાં પ્રતિભાબહેન સાથે એક પારિવારિક મેળાવડાંમાં મુલાકાત થઈ. તેમાં અનેક મુદ્દાઓ ઉપર અમે વાતો કરી. એમાંથી એક મુદ્દે આજે વાત કરવી છે.
એ વાર્તા કંઈક આવી છે.
શાંતિ છાપાનો ફેરિયો હતો. સાયકલ તેના જીવનભરનો સથવારો બની ગઈ હતી. આજે તો પ્રયત્નપૂર્વક પેડલ મારી સાયકલ ચલાવતો હતો. રસ્તા પર વધુ ભીડ હતી. તેમાંથી તે નીકળવાનો પ્રયત્ન કરતો હતો. પણ તેને ઊભું રહેવું પડ્યું.
સામેથી સ્ત્રી શક્તિના સૂત્રો પોકારતું એક ટોળું આવી રહ્યું હતું. ટોળામાંની સ્ત્રીઓ કેમેરામાં ઝીલાઈ જવા માટે વધુને વધુ જોશથી સૂત્રો પોકારવા લાગી. અને નારાબાજી કરવા લાગી.
નવી સવી પત્રકાર એક સ્ત્રી નેતાનો ઈન્ટરવ્યૂ લઈ ટોળા આસપાસ ઊભેલી પબ્લીક તરફ ફરી. તેને પબ્લીક ઓપિનિયન લેવો હતો. શાંતિ તરફ માઈક ધરાયું.
‘કેવો લાગ્યો મહિલાઓને પ્રયત્ન? ‘
શાંતિ બાઘો બની ગયો. તે કંઈ સમજ્યા વગર જાણે બોલ્યો, ‘સારો’
પત્રકારે વધુ આગળ પૂછ્યું, ‘તમારું શું માનવું છે? બહેનો આગળ આવે, સ્વતંત્ર રીતે રહે તે અંગે તમારું શું માનવું છે?’
શાંતિનો હાથ પોતાના ખિસ્સા તરફ ગયો. તે છાપાના એજન્ટને ત્યાં ફેરિયો હતો. આજે મહિનાના પહેલા અઠવાડિયામાં તેને મળેલાં પગારના પૈસા હજુ થોડી મિનિટો પહેલાં જ પોતાની પત્નીના ભરણપોષણ પેટે ભરી દેવા પડ્યા હતા. બીમાર માના રિપોર્ટ કરાવવામાં મુદ્દત નાખીને...
શાંતિની પત્નીને શાંતિ સાથે કંઈ વાંધો ન હતો. વાંધો હતો માત્ર લાચાર અને પથારીવશ મા સામે. ટીવી સિરિયલો જોવાની શોખીન અને એ પાત્રોમાં પોતાની જાતને જોવા મથતી આ સ્ત્રી શાંતિથી છૂટી પડી ગઈ હતી. અવારનવારના ઝઘડાથી કંટાળીને શાંતિએ પણ તેને જવા દીધી હતી. તેની નજર સમક્ષ આ દૃશ્યો તરવા લાગ્યાં. કોર્ટના ધક્કા ખાઈને ત્રસ્ત શાંતિએ કંઇ જવાબ ન આપતા પત્રકાર ટોળામાં બીજી વ્યક્તિ તરફ ફરીને પ્રશ્ર્નો પૂછવા લાગી.
તેને ક્યાં ખબર હતી કે, પોતે મા તરફ ફરજ બજાવવા જતાં પત્નીએ માત્ર અધિકાર ભોગવવા કાયદાનો સહારો લીધો હતો. અને સ્વતંત્ર થઈ ગઈ હતી. પણ પોતે કાયદાની ચુંગાલમાં પરતંત્ર બની ગયો હતો. બે સ્ત્રી વચ્ચેના જીવનમાં પુરુષ ક્યાં હતો?
આ વાર્તા એક સત્યઘટના આધારિત છે. પ્રતિભાબહેન કહે છે, ‘ આ કેસ મારી પાસે આવ્યો હતો. માંદી સાસુ એ વહુને ઘરમાં નહોતી જોઈતી. પતિની સાવ સામાન્ય કમાણી. પતિ મને દર વખતે કહેતો કે, બેન મારી મા છે એને એમ કેમ ક્યાંય મૂકી આવું? ‘ એની આંખોની વેદનાભરી ટીસ સામે હું જોઈ રહેતી.
પ્રતિભાબહેન કહે છે,’ એ સ્ત્રી સાથે પણ મારે પરિચય હતો. મેં એને કહ્યું કે, તું આવી જિદ્દ મૂકી દેને. ક્યાં તને તારી સાસુ નડે છે? એકનો એક દીકરો છે. એમ માને ક્યાંય મૂકી શકે તેમ નથી. વૃદ્ધાશ્રમનો ખર્ચ પણ એને પોસાય તેમ નથી. એની આંગળીએ વળગેલાં દીકરા સામે જોઈને એની આંખોમાં આંખ પરોવીને પૂછયું કે, આની વહુ કાલે સવારે આવશે એ તને કાઢી મૂકવાની વાત કરશે તો? એની પાછળ એના મા-બાપ અને નાનો ભાઈ ઊભા હતાં. એમની સામે જોઈને કહ્યું, આ તારા ભાઈના લગ્ન થશે અને એ ભાભી તારા મા-બાપ સાથે આવું વર્તન કરશે તો?’
એ સ્ત્રી એટલી કોરી હતી કે, એને મારી લાગણીભરી વાતો કે પતિની લાચારી સમાજાતી જ ન હતી. એણે એટલું જ કહ્યું, ‘ઈ હું કાંઈ ના જાણું. મને એની મા હારે નથી રે’વું બસ.’
આ અને આવા અનેક કિસ્સાઓ આપણી આસપાસ બનતાં જ રહે છે. આપણે એમાંથી કંઈ શીખતાં નથી ઉલટું એ વાતને એટલી સહજતાથી લઈ લઈએ છીએ કે આવું તો થાય.
વરસો પહેલાં ક્યાં વૃદ્ધાશ્રમો હતાં? બહુ અઘરી અને સહી ન શકાય એવી પરિસ્થિતિમાં જ મા-બાપને અને પરણેલો દીકરો છૂટાં પડતાં. દીકરો ઘરની બહાર કાઢી મૂકે તો એ દીકરા ઉપર આજે પણ સમાજ થૂ થૂ કરે છે. આજકાલ સંયુક્ત પરિવારો તૂટી રહ્યાં છે. બાળકોને સાચવનારી આયાઓની સંખ્યા વધી રહી છે અને પતિના મા-બાપ સાથેની માયા ઘટી રહી છે. કુટુંબો તૂટી રહ્યાં છે.
ક્યાં શું ખૂટે છે? એ દરેકે દરેક કેસમાં અલગ અલગ હોય શકે. હકીકત એ છે કે, આપણાં મગજમાં નાનપણથી એવું જ ફીટ કરી દેવાયું છે કે, સાસુ એટલે બહુ આકરું અને અઘરું વ્યક્તિત્વ. સાસુને માથે જાણે બે શીંગડાં હોયને એવું આપણને લાગવા માંડે છે. સાસુ પણ આખરે કોઈની મા તો હોવાની જને?
નવી પેઢીની દીકરી હોય કે દીકરો એમની સમજશક્તિ અને સહનશક્તિ ધીમે ધીમે ઘટી રહી છે. નવી પેઢી બહુ ક્લિયર છે પણ એમની અમુક પ્રકારની સ્પષ્ટતા જીવનમાં અઘરી પડે તેવી હોય છે. પોતાની મા જેટલી સહજ આપણને સાસુમા કોઈ દિવસ નથી લાગવાની. હું એવું સ્પષ્ટપણે માનું છું કે, મા અને સાસુ આ બંને સંબંધોને એની જગ્યાએ જ રહેવા દેવા જોઈએ. મા મા જ રહેવાની છે અને સાસુ ગમે તેટલી સારી હોય તો પણ કોઈ દિવસ તમારી સગી માની તોલે નથી આવવાની. બહુ ઓછાં કિસ્સાઓમાં સાસુ-વહુ વચ્ચે પ્રેમભર્યાં સંબંધો જોવા મળે છે.
એક મેસેજ થોડાં દિવસ પહેલાં આવ્યો. જેમાં એવું હતું કે, દીકરો જ્યાં સુધી અપરણિત રહે ત્યાં સુધી કેમ કોઈ મા-બાપ વૃદ્ધાશ્રમમાં નથી આવતાં? વહુ આવે પછી જ કેમ પ્રશ્નો થાય છે? એવું તે શું બની જાય છે કે, અને સગાં મા-બાપને દીકરો વૃદ્ધાશ્રમમાં મૂકી આવવા મજબૂર બની જાય છે.
આનો અર્થ તો એ થયો કે, ક્યાંક મા-બાપની ચૂક થાય છે એક દીકરીને સંસ્કાર અને કેળવણી આપવામાં. ક્યાં કંઈક અધૂરું રહી જાય છે કે, કોઈ પરિવારની દીકરીને પતિના મા-બાપને સહન કરવા, સાચવવા આકરાં પડે છે.
દર વખતે અને દરેક કિસ્સામાં વહુઓનો જ વાંક હોય છે એવું કહેવાનો જરાપણ મતલબ નથી. ક્યાંક દીકરાના મા-બાપનો પણ વાંક હોય છે. ઉંમરને કારણે કેટલીક વખત જતું ન કરી શકવાનો સ્વભાવ પણ નડી જતો હોય છે. કીચન પોલિટિક્સ અને એકબીજાંને ટક્કર દેવાની આદત પણ ઘણાં ઘરોને મકાન બનાવી દે છે. એ મકાનોમાં જિંદગી અને સંબંધો બંને ઢસડાતાં હોય છે.
મનોચિકિત્સકો અને સમાજશાસ્ત્રીઓનો અભ્યાસ અને કાઉન્સેલીંગ પણ ઘણીવાર ઓછું પડે છે આ ગેરસમજણને દૂર કરવા માટે. લગ્નની શરૂઆતના દિવસોમાં પતિના મા-બાપ સંપૂર્ણ લાગતાં હોય છે. પછી જ જેમ જેમ એમની સાથે જિંદગી વીતતી જાય તેમ તેમ અનેક સમસ્યાઓ અને સવાલો આવે છે. એ નાના-મોટાં મતભેદોને તમે કેવી રીતે લો છે, કેવી રીતે સૂલઝાવો છો, કેવી રીતે મૂલવો છો એમાં તમારી સમજદારીની કસોટી થાય છે. કોઈ પણ માણસ ક્યારેય સંપૂર્ણ નથી હોવાનો. સાસુ-વહુનો સંબંધ હોય, સસરા-વહુનો સંબંધ હોય કે, દીકરા સાથે પુત્રવધૂ આવે એ પછી એના મા-બાપનો સંબંધ હોય એમાં સૌને એકમેક સાથે બાંધી રાખતો સેતુ હોય તો એ સમજદારી સાથેનો સ્નેહ જ છે. કોઈપણ સંબંધમાં સમસ્યા થાય ત્યારે જજ બની જવું બહુ સહેલું હોય છે. પણ જતું કરવાની ભાવના, સ્નેહ અને સમજદારી જ દરેક સંબંધને સંપૂર્ણ બનાવે છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર