લગ્ન માટે જ સવાલો થાય છે, એટલે...

21 Feb, 2017
12:00 AM

જ્યોતિ ઉનડકટ

PC: blacknaija.com

સોળ સંસ્કારોમાં એક એટલે લગ્ન સંસ્કાર. આપણે ત્યાં બે વ્યક્તિઓ પરણે ત્યારે પણ લગ્નસૂત્રમાં બંધાયા એવું કહેવામાં આવે છે. લગ્ન માટે બહુ જ હાઈ લેવલની વાતો કરવી સરળ હશે. પણ એક વખત આ જ લગ્નને સંસ્કાર માનીને જીવી રહેલો વ્યક્તિ બંધનમાં બહુ ખરાબ રીતે હેરાન થાય ત્યારે એને આ લગ્ન સંસ્કાર કે બંધન વિશે પૂછી જોજો. ખરેખર તો લગ્ન માટે કહેવાયું છે એ ખરું જ છે કે, લગ્ન નામનો લાડુ ખાય એ પણ પસ્તાય અને ન ખાય એ પણ પસ્તાય.

લગ્નના તાંતણે બંધાતા તમામ લોકો પાત્રો એકબીજાં સાથે દુઃખી જ થાય છે કે સુખી જ થાય છે એવું નથી કહેતી. ઘણાં કિસ્સાઓમાં તો પહેલાં પાત્ર સાથે દુઃખી થયાં હોય અને બીજાં પાત્ર સાથે સુખી થયાં હોય. કોઈ વખત દરેકે દરેક સંબંધમાં દુઃખી જ દુઃખી થયાં હોય એવું પણ બને. આવા કિસ્સાઓ બનતા રહે ત્યારે લોકોનો લગ્ન પરથી વિશ્ર્વાસ નથી ઉઠી જતો. દુઃખી લગ્ન જીવન જીવ્યા હોય એ લોકો પણ લગ્ન ન કરવાની સલાહ નથી આપતા. જે મા-બાપનું લગ્ન જીવન ખોરવાઈ ગયું હોય એ મા-બાપ પણ પોતાના સંતાનોને એમ નથી કહેતા કે, લગ્ન નહીં કરતા. હેરાન થઈ જશો.

આ તમામ વાતો પરથી એક વાત તો નક્કી થઈ જ શકે કે, લગ્ન કરવામાં કંઈ જ ખોટું નથી. તમે કેવી રીતે જીવો છો, એકમેકને કેવી રીતે સમજો છો, તમારો એકમેક સાથે તાલમેલ કેવો રહે છે એના ઉપર લગ્નજીવનની સફળતા અને સુખનો આધાર રહેલો છે. કોઈ એક લગ્નજીવનનું સુખદ પરિણામ કે દુઃખદ પરિણામ તમામને લાગુ ન પડે. કોઈના બે જીવ મળેલાં પણ રહી શકે અને બળેલાં પણ થઈ શકે. કોઈનો દાખલો પ્લસમાં હોય તો કોઈનો માઈનસમાં હોય તો કોઈના સંબંધનો ભાગાકાર પણ થઈ શકે. બે વ્યક્તિઓના સ્વભાવ અને મનના મેળ પ્રમાણે જિંદગી જીવાતી હોય છે.

છતાંય આજની પેઢીને જો લગ્ન કરતા પહેલા સવાલો થાય એ સ્વભાવિક વાત છે. વેલેન્ટાઈન ડેની વાત છે. એ દિવસે એક યુવકે નવી જિંદગી શરુ કરી. નવી પેઢી માટે પ્રેમનો એકરાર કરવાનો દિવસ. સંસ્કૃતિ ભલેને આપણી જીવતા હોઈએ પણ પશ્ચિમની સંસ્કૃતિ અમુક કામ આસાન કરી દેતી હોય તો એને અપનાવવામાં ખોટું શું છે? આવી જ વિચારસરણીમાં માનતો મોનિલ નામનો યુવક લગ્ન કરવા કે ન કરવા એ અંગે અવઢવમાંથી પસાર થઈ રહ્યો છે. એણે વચ્ચેનો રસ્તો કાઢ્યો છે. એને જે યુવતી ગમે છે- પ્રેમ છે તેની સાથે એણે વેલેન્ટાઈન ડેથી લીવ ઈનમાં રહેવાનું શરુ કર્યું.  

મોનિલ પોતે એક પ્રાઈવેટ ફર્મમાં સારા પગારની નોકરી કરે છે. એ જે યુવતીને પસંદ કરે છે એ યુવતી વ્યવસાયે યોગા ટીચર છે. મોનિલ યોગ શીખવા ગયો ત્યારે જ એની આંખો આ યોગ શિક્ષક સારિકા સાથે મળી ગઈ. સારિકાના પિતા એક અકસ્માતમાં ન બચી શક્યા. સારિકા અને એની મમ્મી મામાના ઘરે રહ્યા. સતત અવહેલના અને અભાવ વચ્ચે સારિકાનો ઉછેર થયો. સારિકા પોતે પારિવારિક સંબંધો અંગે અનેક સવાલો વચ્ચે ઘેરાયેલી છે. મામીનો મમ્મી સાથેનો ખરાબ વ્યવહાર એ સહન નહોતી કરી શકતી. સારિકાની મમ્મી પોતાની રીતે પગભર થઈ શકે તેમ નહોતી. પતિ કંઈ મૂકીને નહોતા ગયા આથી ભાઈના આશરે જીવવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. ભાઈ પણ પત્નીના દબાવમાં ભાણેજ અને બહેનને ચાહવા છતાંય સરખી રીતે ન સાચવી શક્યો. અનેક નેગેટીવ વિચારોએ સારિકાના મમ્મીને ઘેરી લીધાં. એક દિવસ સારિકાની મમ્મીએ આપઘાત કરીને જીવન ટૂંકાવી નાખ્યું. એ દિવસથી સારિકા સાવ નિરાધાર થઈ ગઈ. મામાની રજા લઈને એ મોટા શહેરમાં આવી. પોતાની આવડતને જરા નીખારી અને હવે એ માનભેર બહુ જ સારી રકમ કમાઈને પોતાની જિંદગી સરસ રીતે જીવી રહી છે.

આ બાજુ મોનિલની વાત કરીએ. મોનિલના મમ્મી-પપ્પા બે અલગ-અલગ ધ્રુવની વ્યક્તિઓ હોય એ રીતે સતતને સતત લડતાં રહેતાં. કોઈ એક મુદ્દે એક થવાના તો જાણે એમણે સોગંદ લીધા હોય એવું લાગે. લગ્ન નીભાવવા ખાતર આ યુગલનું ગાડું ચાલી રહ્યું હતું. મોનિલ કુમળી વયનો હતો ત્યારથી માંડીને મોટો થયો ત્યાં સુધી એણે એના મા-બાપને ભાગ્યે જ પ્રેમથી વાતો કરતાં જોયા હશે. કૉલેજનો અભ્યાસ પૂરો થયો એ પછી મોનિલને મોટા શહેરમાં નોકરી મળી ત્યારે જાણે એને હાશકારો થયો હોય એવું લાગ્યું.

સંબંધોમાં દુઃખી થયેલી બે વ્યક્તિઓને લગ્ન અને બંધનમાં બંધાવા અંગે સવાલો થાય એ સ્વભાવિક વાત છે. અગેઈન આમાં એવું પણ કહી શકાય કે, ડીએનએમાં મળેલાં સંબંધોમાં દુઃખી થયાં હોય એ લાગણીના સંબંધમાં પણ દુઃખી જ થાય એવું જરુરી નથી. ઘણી વખત તો સતત તણાયેલાં સંબંધોમાં જીવેલો વ્યક્તિ એની જિંદગીમાં આવનારી વ્યક્તિ સાથે સંબંધોના સુખનું ચણતર સફળતાપૂર્વક કરી શકે છે. સંબંધો અને લગ્નજીવનની બાબતમાં રિપીટ દાખલાનો જવાબ જુદો આવી પણ શકે. કોઈ વખત એ સંબંધમાં આંકડાની આગળ ઝીરો લાગે તો કોઈ વખત સાચા જવાબની પાછળ પણ ઝીરો લાગી શકે. સંબંધની બાબતમાં એક જ દાખલો દરેક વ્યક્તિ અલગ-અલગ રીતે ગણવાની પોતાની રીત ડેવલપ કરી શકે છે.

મોનિલ અને સારિકા સંબંધોની બાબતમાં એટલાં બધાં ગૂંચવાયેલાં, છેડાયેલાં અને છેતરાયેલાં છે કે, એ બંનેની લાગણી સાચી છે છતાં પણ એક કમિટમેન્ટ સાથે સંબંધને શરુ કરવાની હિંમત નથી ભેગી કરી શકતાં.  બેફિક્રે, ઓકે જાનુથી માંડીને બીજી કેટલીય ફિલ્મોમાં લીવ ઈન રીલેશનશીપને બિન્ધાસ્ત બતાવવામાં આવે છે. જો કે, આ ફિલ્મોમાં પણ લીવ ઈન રીલેશનશીપ બાદ યુગલ લગ્ન તરફ જ આગળ વધે છે. એકબીજાંને અજમાવીને, ટપારીને આગળ વધવું એ માનસિકતા સાથે જ કદાચ આ જિંદગી શરુ થતી હશે. આપણો સમાજ હજુ આ પ્રકારના સંબંધ માટે તૈયાર નથી. આ પ્રકારના સંબંધનો સ્વીકાર પણ એટલો સહજ બન્યો નથી.

મોનિલ એવી માનસિકતા સાથે લીવ ઈન રીલેશનશીપ બાંધે છે કે, એક-બે વર્ષ પછી ન ફાવે તો સામેની વ્યક્તિને આસાનીથી બાય કહી શકાય. સારિકા લગ્ન સુધી સંબંધ આગળ વધે એ હેતુથી જ મોનિલ સાથે વેલેન્ટાઈન ડેથી રહેવાની છે. એ કહે છે, મોનિલને લગ્ન એ બંધન નથી અને લગ્નમાં જ જીવન છે એવું ગળે ઉતરાવવામાં થોડો સમય લાગશે.

સંબંધો બાંધવા અંગે સવાલો થાય પણ એ માટે સંબંધોને કસોટીએ ન ચડાવાય. બધું જ આપણે જોયું હોય અને જાણ્યું હોય એ કરતાં જિંદગી જુદી જ નીકળે એવું પણ બની શકે. જે જેવું છે તેવું સ્વીકારીને પણ જિંદગી તરફનો નજરિયો તો બદલી શકાય ને? પોતાના મા-બાપનું લગ્નજીવન સફળ ન હતું એટલે પોતાનું પણ સફળ નહીં રહે એ વિચારસરણી જ ખોટી છે. ક્યા આધારે તમે સહજીવન માણ્યા વગર પરિણામ સુધી પહોંચી શકો? સફર ખેડ્યાં પહેલાં જ મંઝિલ વિશે સ્પષ્ટ નિર્ણય આપી દેવો એ યોગ્ય તો નથી જ. દરેક જિંદગી અને દરેક સહજીવન એક સરપ્રાઈઝ ક્વેશ્ચન પેપર જેવું જ છે. તમે એ સવાલોને કેવી રીતે લો છો, તમે એ સવાલોનો જવાબ કેવી રીતે શોધો છો એના ઉપર જ તમારાં સુખનો આધાર રહેલો છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.