કમાતી સ્ત્રી પિયરિયાને પગાર આપી શકે?

20 Jun, 2017
12:00 AM

જ્યોતિ ઉનડકટ

PC: india.com

ઘરમાં આવતી નવીસવી પણ કમાતી વહુની કમાણી ઉપર કોનો અધિકાર હોય? 

તમારા ઘરમાં કોઈ સ્ત્રી જો કમાતી હોય તો એની કમાણીને ટેકન ફોર ગ્રાન્ટડ લેવાય છે  કે પછી એ સ્ત્રી એની કમાણીનું શું કરવું એનો નિર્ણય કરી શકે છે? 

બહુ જ નાજુક પણ મહત્ત્વના સવાલની આજે વાત કરવી છે. આપણે ત્યાં લગ્ન થાય એ સમયે ભાગ્યે જ બે પાત્રો અને બે પરિવારો વચ્ચે અમુક પ્રકારની ચોખવટ થતી હોય છે. એ ચોખવટમાં આ એક વાત કોઈ નથી ચર્ચતું કે, પરણીને સાસરે જનારી સ્ત્રીની કમાણી કોની રહેશે?  એવું જ માની લેવામાં આવે છે કે, એ કમાણી ઉપર એના પતિનો અને સાસરિયાનો અધિકાર જ હોય ને!  સાથોસાથ એને એવું પણ નથી પૂછવામાં આવતું કે, તું પિયરમાં હતી ત્યારે તારી કમાણીનું શું કરતાં હતાં? આપણે ત્યાં તો, પિયરમાં કમાતી દીકરીની કમાણી ઉપર પિતા એનો અધિકાર સમજતાં જ નથી. કેમકે, દીકરીની કમાણી ખાઈએ તો પાપમાં પડીએ. પહેલેથી ઠોકી બેસાડવામાં આવેલી માન્યતા તોડવાની હિંમત બહુ ઓછા પરિવારોમાં થાય છે. 

અરે! કેટલાક કિસ્સાઓમાં તો પિતાની લિમિટેડ આવક હોય. દીકરી બહુ સરસ કમાતી હોય. ઘરના છેડા માંડમાંડ ભેગાં થતાં હોય તો પણ દીકરીના રૂપિયા નહીં લેવાના એટલે નહીં લેવાના! વળી, જો દીકરી ઘર માટે કોઈ નાનીમોટી ચીજ લઈ આવે તો એને એ રૂપિયા પરત કરી દેનારી મમ્મીઓની પણ કમી નથી. 

એક કિસ્સો મને યાદ છે. એક દીકરીને એના પિતાએ લોન લઈને ડૉક્ટર બનાવી. જમાઈ પણ ડૉક્ટર જ શોધ્યો. બીજી દીકરીને પરણાવી દીધી. એકનો એક દીકરો જે બુઢાપાનો સહારો બનવાનો હતો એ અકસ્માતમાં ગૂજરી ગયો. બંને દીકરીઓ બહારગામ સાસરે રહેતી. દીકરો અકાળે ચાલ્યો ગયો એ આઘાતમાંથી એ મા-બાપ બહાર જ ન આવી શક્યાં. એમાં એ પિતા જ્યાં નોકરી કરતાં હતાં ત્યાં એમને પેન્શનેબલ જોબ હોવા છતાં પેન્શન આવવામાં છ મહિના જેટલો સમય લાગ્યો. એ દિવસોમાં પતિ-પત્ની બંનેને નાની-મોટી બીમારી આવી. પિતા હજુ દીકરીની લોનમાંથી બહાર આવ્યાં ત્યાં દીકરાના અકસ્માત બાદ એની સારવારનો તોતિંગ ખર્ચ એમને આવી ગયો. માનસિક અને આર્થિક તકલીફમાં આ માતા-પિતા એવા ફસાઈ ગયા છે કે, એ કોઈને પોતાની વ્યથા કહી નથી શકતા. આ બાજુ બંને દીકરીઓ એટલી બધી વેલ ટુ ડુ ફેમિલીમાં જીવે છે કે, એ લોકોને ખુદના મા-બાપનો થોડો ખર્ચ પણ ભારે પડે તેમ નથી. ડૉક્ટર પરિવારમાં પરણેલી દીકરીને વારંવાર વિચાર આવે છે કે, એ પિતાને મદદ કરે. પણ પતિના હાથમાં તમામ આર્થિક વહેવારો હોવાથી એ કંઈ કરી નથી શકતી. વળી, સાસરે એ ડૉક્ટર હોવા છતાં એ નોટ છાપવાના મશીનથી વધારે કંઈ નથી એવું એને લાગે છે. છૂપાઈને મદદ કરે તો એના પિતા એ સ્વીકારવા રાજી ન થાય એવો એમનો સ્વભાવ છે. 

આ વાંચીને તરત  જ એવો વિચાર આવે કે એ દીકરી અને જમાઈએ સ્ટેન્ડ લેવું જોઈએ. આપણાં સમાજમાં સમસ્યા એ છે કે, સમજતાં બધું જ હોય છતાંય આંખ આડા કાન કરવા બધાંને ગમતાં હોય છે. વળી, એવા લોકો પણ આપણા સમાજમાં જીવે છે જે એવું વિચારે છે કે, વહુના પિયરિયા આવી આશા પણ કેવી રીતે રાખી શકે?

આ વાત કરવાનો એટલે વિચાર આવ્યો કે, એક ઇ મેલ આવ્યો છે. જેમાં એક યુવકે પૂછ્યું છે કે, મારી પત્ની લગ્ન પછી એનો અડધો પગાર એના મા-બાપને આપવા માગે છે. શું એને એ આપવા દેવો જોઈએ. હવે, આ કિસ્સામાં વાત એવી છે કે, હાયર સ્ટ્ડીઝ માટે આ યુવતીનો ભાઈ વિદેશ ભણે છે. એનાથી નાનો ભાઈ હજુ બારમા ધોરણમાં ભણે છે. પિતાનો પગાર ટૂંકો છે. લગ્ન પહેલાં એ દીકરીના પગારમાંથી ઘણીખરી રકમ એ દીકરી પોતે જ પરિવાર માટે અને ભાઈઓ માટે વાપરતી. લગ્ન બાદ એ યુવતીએ પતિને કહ્યું કે, પિતા આર્થિક રીતે પહોંચી વળે એમ નથી આથી એ મદદ કરવા માગે છે. 

એ યુવકે તરત જ કહ્યું કે, તો પછી હું પણ મારા મા-બાપને મારા પગારની થોડી રકમ આપતો હતો એ હું ચાલુ રાખીશ. આપણાં બેયના બચેલાં પગારમાંથી આપણે ઘરનું પૂરું કરવું પડશે. પેલી યુવતીએ કહ્યું કે, તારા મમ્મી-પપ્પા બંને સરકારી નોકરી કરતાં હતા. બંનેનું સારું એવું પેન્શન આવે છે. હવે શું રૂપિયા આપવાની જરૂર છે?

પેલા યુવકે બહુ પ્રેમથી કહ્યું કે, એમનો હું એકનો એક દીકરો છું. એમણે આપણાં લગ્નમાં એક પણ ખર્ચનો વિચાર નથી કર્યો. એમના માટે હું જ બધું છું. હા, એમને મારા રૂપિયાની જરુર નથી. એમને મારી ઉપર આશા પણ નથી. તેમ છતાંય મારે એમને રૂપિયા આપવા છે. બીજી વાત એ બંનેને પણ હું એ વાત સ્પષ્ટ કહી દેવાનો છું કે, તું તારો અડધો પગાર તારા મમ્મી-પપ્પાને આપવા માગે છે. મને એમાં કંઈ ખોટું નથી લાગતું અને હું મારા મા-બાપને કંઈ આપું એમાં તને કોઈ વાંધો પણ ન હોવો જોઈએ. હજુ એ આપણી સાથે નથી રહેતાં. સાથે રહેતાં હોત તો હું તો મારો બધો જ આર્થિક વહેવાર એમને જ આપી દેત. ભવિષ્યમાં પણ એ કદાચ આપણી સાથે રહે તો એમને પાંચ રુપિયા પણ માગવા ન પડે એવું તો હું ઈચ્છું જ. 

સાચી વાત એ છે કે, લગ્ન પછી પતિ-પત્ની બંનેની કમાણી ઉપર કોનો અધિકાર એ વાતનો નિર્ણય તો એ બંને પાત્રોએ જ કરવો જોઈએ. સ્ત્રી કમાતી હોય અને મા-બાપની આર્થિક પરિસ્થિતિ બરોબર ન હોય તો એ સ્ત્રી મદદ કરે એમાં કોઈએ નબળી વાત ન કરવી જોઈએ. આજે જમાનો એવો છે કે, દીકરી હોય કે દીકરો એના ઉછેરમાં કે કેળવણીમાં બહુ ફરક ન કરાતો હોય તો પછી એની કમાણીમાં કેમ આપણે જેન્ડર બાયસ રાખીએ છીએ? દીકરાની કમાણી ઉપર મા-બાપ કે એ દીકરાની પત્ની એનો અબાધિત અધિકાર માની લે છે. તો દીકરી જો એની કમાણી એના પિતાને આપવા માગતી હોય તો એમાં ખોટું શું છે? 

સાચી વાત તો એ છે કે, જેમ જેમ કમાતી દીકરીઓની સંખ્યા વધતી રહે છે તેમ તેમ અનેક રુઢીઓમાં બદલાવ આવી રહ્યો છે. તો પછી આ એક નવી પરંપરા શરુ કરવામાં કોઈને શા માટે વાંધો હોવો જોઈએ. દીકરીઓએ પોતે જ પોતાના મા-બાપ અને સાસરિયાને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દેવું જોઈએ કે, મારી કમાણીનો થોડો હિસ્સો હું મારા મા-બાપને આપીશ. સૌથી મહત્ત્તવની વાત એ છે કે, કોઈ તમને તમારી કમાણીનું રોકાણ ક્યાં કરવું એની સલાહ આપી શકે પણ તમારા રુપિયાનું તમારે શું કરવું એ તો તમારે જ નક્કી કરવું પડે. એમાં કોઈ એનો અધિકાર ન હોય તો પણ અતિક્રમણ કરે તો એ અતિક્રમણ સામે તમારે જ લડવું પડે અને પોતે શું કરવું છે એ નક્કી કરી લેવું પડે. આ વાત લગ્ન પછી વિવાદ સ્વરુપે આવે એ કરતાં પહેલેથી બે પાત્રો એમની રીતે નક્કી કરે એ જ સૌથી વધુ સમજણભરી વાત છે. એ દીકરી સ્ટેન્ડ લેવામાં જરા અચકાતી હોય તો એના સાસરિયાએ સામેથી આ પ્રેક્ટિકલ વાત કરવાની પહેલ કરવી જોઈએ. 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.