મમ્મી-પપ્પા અને સંતાનોનું સોશિયલ મીડિયા

15 Aug, 2017
12:01 AM

જ્યોતિ ઉનડકટ

PC: fibroids.co.in

સોશિયલ મીડિયા પર મમ્મી-પપ્પાને ફ્રેન્ડઝ બનાવવા કે નહીં. બાળકોને મમ્મી-પપ્પા ફોલો કરે કે બાળકો એમને ફોલો કરે તો કેવાં કેવાં સવાલો અને સમસ્યાઓ ખડાં થાય છે. કોણ કોને સમજાવે અને કોણ કોને સમજે એવી વાત દલીલોમાં પલટાઈ જાય ત્યારે એનો અંત કેવો હોય?

સોશિયલ મીડિયા દરેક જનરેશન સાથે એવું જોડાઈ ગયું છે કે, કોઈ એનાથી બચી શકે તેમ નથી. બાળકોને કઈ ઉંમરે મોબાઇલ ફોન આપવો જોઈએ એ વાત તો દૂરની છે પણ મા-બાપ અને બાળકો વચ્ચે સોશિયલ મિડીયાને લઈને ઘરમાં દલીલો અને મતભેદો થવા લાગ્યા છે. મોટાભાગના ઓલ્ડ એજના વડીલો મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયા પોતાનો સમય પસાર કરવા માટે વાપરે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિડીયો ક્લિપ્સ, ફની પિક્ચર્સ કે પછી ફોરવર્ડેડ મેસેજીસથી એમનો થોડોઘણો સમય આનંદમાં વીતે છે. ઘણીવખત આવા વિડીયો ક્લિપ્સ કે ફોરવર્ડસ વિચારોમાં થોડી તાજગી પણ ભરી દે છે. કોઈ વાતે ટેન્શનમાં હોવ અને ફની વિડીયો ક્લિપ આવે તો મન એ તણાવથી થોડો સમય દૂર જતું રહે છે. જો કે, બે પેઢીઓ વચ્ચે અહીં પણ ક્લેશ ઓછો નથી થતો. કોઈ વાત સમજાય નહીં અને બીજી પેઢીએ જૂની પેઢીને એ વાત વારંવાર શીખવવી પડે તો એ નવી પેઢી થોડી ઇરીટેટ થઈ જાય છે. આ તો બહુ સાહજિક વાત છે. પણ સમસ્યા ત્યારે આવે છે જ્યારે મા-બાપ કે સંતાનો એકબીજાંના ફોલોઅર્સ કે ફ્રેન્ડ બને. 

ટીન એજ એવી વય છે કે, એમાં મા-બાપ એક હદથી વધુ કંઈ કહે તો પણ બાળકને એની પ્રાઇવસીમાં એન્ક્રોચમેન્ટ લાગે છે. ઘરમાં તો તડને ફડ કદાચ બોલી શકાય પણ સોશિયલ મીડિયા પર મા-બાપને કેમ રોકવા? અથવા તો સોશિયલ મીડિયા પર સંતાનો ઉપર મા-બાપ કેવી રીતે કંટ્રોલ રાખી શકે? કેટલાંક મા-બાપ તો એવા પણ છે કે, તેઓ સંતાનો ઉપર નજર રાખવા કે પછી સંતાનો કેવી કેવી પોસ્ટ કરે છે એ જોવા માટે સોશિયલ મીડિયા ઉપર પોતાના એકાઉન્ટ બનાવે છે. 

સોશિયલ મીડિયા ઉપર મા-બાપ અને સંતાનો વચ્ચેની મજાકના જોક્સની કંઈ કમી નથી. ઘણાં મા-બાપને સોશિયલ મીડિયા હેન્ડલ કરતાં ન આવડે ત્યારે થતી ચણભણ જોવા જેવી હોય છે. દરેક જનરેશનને એમ હોય છે કે, એ મા-બાપથી વધુ હોશિયાર છે. દરેક મા-બાપ હંમેશાં એવું સમજે છે કે, એમના રડારમાંથી સંતાનો ક્યારેય છટકી ન શકે. સંતાનો છટકબારી શોધી લે છે તો મા-બાપ એને કેમ પકડી પાડવું એ પણ શોધી લે છે. સંતાનોના ફોનને ફોલો કરવો કે સ્પાય ઍપ્લિકેશનથી એની ઉપર કેવી રીતે નજર રાખવી એ પણ મા-બાપ કરતાં અચકાતાં નથી. કોણ વધુ સ્માર્ટ એ નક્કી કરવું અઘરું પડી જાય છે. 

એક ટીન એજ દીકરીની વાત છે. તેનું નામ ગીરા. ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર, ફેસબુકથી માંડીને તમામ જગ્યાએ તેના એકાઉન્ટ્સ છે. એ બ્લોગ પણ લખે છે. વાત એમ બની કે, કૉલેજમાં કંઈ ચર્ચા થયેલી. તેના ઉપર ગીરાએ બહુ બિનધાસ્ત રીતે પોતાના વિચારો રજૂ કરતો બ્લોગ લખ્યો. લગ્ન પહેલાં અફેર્સ કે શારીરિક સંબંધો હોવા જોઈએ કે નહીં એ વિશે ગીરાએ પોતાના વિચારો લખ્યાં. દીકરીને એની મમ્મી ખોટા નામ સાથે ફોલો કરતી હતી. દીકરીના દરેક એકાઉન્ટ ઉપર અને દરેક પોસ્ટ ઉપર એની મમ્મીની નજર હતી. કૉલેજની કેન્ટીનમાં બેસીને ગીરાએ પોતાની વાત લખી નાખી હતી. એમાં એના ફોલોઅર્સ અને મિત્રોએ એની બોલ્ડનેસને બિરદાવી હતી. ગીરા તો પોતાની મસ્તીમાં જ કૉલેજથી ઘરે આવી. 

રોજના સમયે એ જમવા બેઠી એટલે ડાઇનીંગ ટેબલ પર જ એની મમ્મીનું મોઢું થોડું ચડેલું હતું. ગીરાએ પૂછયું તો એની મમ્મીનો ધાણીફૂટ ગોળીબાર શરૂ થયો. તું સંબંધોની બાબતમાં કેવું વિચારે છે? લગ્ન પહેલાં તને શારીરિક સંબંધમાં કોઈ વાંધો નથી... આવું બધું છીછરું વિચારે છે? તને આવા બધાં વિચારો ક્યાંથી આવે છે? તું કોની સોબતમાં આ બધું શીખી લાવે છે? તને અમારો કંઈ વિચાર જ નથી આવતો? તારા વિચારો કેમ આવા છે? 

હમણાં તેં ટ્વીટ કરેલું એ ટ્વીટ પણ મને ગળે ન ઊતરી. આ અને આવી અનેક વાતો કહીને ગીરાની મમ્મીએ શ્વાસ લીધો. ડાઇનીંગ ટેબલ પર આરામથી જમી રહેલી ગીરાને જોઈને એની મમ્મી વધુ અકળાઈ. એણે કહ્યું કે, હું આ બોલું છું અને તને કંઈ અસર નથી થતી? 

ગીરાએ જમવાનું પૂરું કર્યું અને હાથ ધોઈને એ મમ્મી પાસે આવી. કમર ઉપર બે હાથ મૂકીને જરા વિચાર કર્યો. પછી મમ્મીના ખભે પોતાના બે હાથ મૂકીને ભાર દઈને કહ્યું કે, મોમ, જસ્ટ ચીલ. આઈ નૉ કે તું મને ખોટાં નામે ફોલો કરે છે. ખોટાં નામથી તું મારી ફ્રેન્ડ પણ છે. હું જે વિચારું છું એ જ લખું છું એ જ ટ્વીટ કરું છું. મારા વિચારો સાથે તું સહમત થાય એ જરૂરી તો નથીને? મમ્મી તું મને કંટ્રોલ કરી શકે. પણ તું મારા વિચારો ઉપર કંટ્રોલ ન મેળવી શકે. હું તારું સંતાન છું એટલે તને દાદાગીરી કરવાનો કોઈ અધિકાર નથી. 

દીકરીનો જવાબ સાંભળીને એ મમ્મી એકદમ હબક ખાઈ ગઈ. એણે એટલું જ કહ્યું કે, આ વિદેશ નથી આ ઇન્ડિયા છે. હું આવું નહીં ચલાવી લઉં. ચાલ તારો બ્લોગ ખોલ અને એ લેખ ડિલીટ કર. ગીરાએ ચોખ્ખી ના પાડી દીધી અને પોતાના રૂમમાં વાંચવા ચાલી ગઈ. 

આવું કદાચ બીજાં ઘરોમાં પણ થતું હશે. મા-બાપ અને સંતાનો વચ્ચે સોશિયલ મીડિયા માટે ચણભણ થતી હશે. એક બહેનપણી એના દીકરાની ફેસબુક ફ્રેન્ડ છે. એના ફોટોની કૉમેન્ટમાં એક છોકરાએ ગાળ લખી હતી તો એક છોકરીએ પણ મસ્તીભરી કૉમેન્ટ કરી હતી. એ બહેનપણીએ દીકરાના બંને ફ્રેન્ડને મેસન્જરમાં જઈને પર્સનલ મેસેજ કરીને પોતાની કૉમેન્ટ્સ ડીલીટ કરવા કહ્યું. કૉલેજવયની મસ્તીમાં આ બંને મિત્રોએ કૉમેન્ટ્સ કરેલી. એમાં એ બંનેની આ બહેનપણીએ ધૂળ કાઢી નાખી. 

સંતાનો સાથે સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ થવું કે નહીં? એ લોકોને ફોલો કરવા કે નહીં? 

 

આ બહુ જ અઘરો અને ચર્ચા માગી લે તેવો સવાલ છે. સાચી વાત એ છે કે, મા-બાપને એવું થાય છે કે, સંતાનો જે વસ્તુ કરે એમાં જો એ ઇન્વોલ્વ થાય કે એવું કરે તો સંતાનોની વધુ નજીક જવાય. સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ બનીને કે એમને ફોલો કરીને સંતાનોની નજીક જવાય એવી વાત જો તમે માનતા હોવ તો એ સાવ ખોટી વાત છે. સંતાનો સાથેની વિશ્વાસભરી સંવાદિતા જ તમને તમારા સંતાનની નજીક લાવે છે. એની ઉપર નજર રાખવી છે કે, એની નજરનો ભરોસો જીતવો છે એ તમારે નક્કી કરવાનું છે. નજીક જવાના પ્રયાસ કોઈકવાર બૂમરેંગ પણ સાબિત થતાં હોય છે. સોશિયલ મીડિયાને જાસૂસીનું સાધન બનાવવું એ કોઈ પણ રીતે યોગ્ય ન ગણી શકાય. ઘણી વખત આ પ્રકારનું વર્તન કે પ્રવૃત્તિ તમને એકબીજાંની નજીક લાવવાને બદલે દૂર કરી દે છે. કોણે કેટલી મર્યાદા રાખવી કે કોણે કોની પ્રાઇવસીનો આદર કરવો એ સમજદારી ઉપર જ નક્કી થઈ શકે. સોશિયલ મીડિયા ઉપર સંતાનની નજીક જવાને બદલે ઘરમાં જ તેની નજીક હોવ એ વધુ જરૂરી છે. હૂંફાળા સંબંધો સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશીપ કે સંતાનોને ફોલો કરવાથી નથી બનતાં. આજ સુધી કોઈ એવું ડિજિટલ મીડિયા નથી બન્યું જે મા-બાપની હૂંફનો, લાગણીનો કે પ્રેમનો પર્યાય બની શકે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.