અનકન્ડિશનલ, વિજાતીય છતાં પવિત્ર સંબંધની વાત...

11 Apr, 2017
09:08 AM

જ્યોતિ ઉનડકટ

PC: enpareja.com

લેખની શરુઆત ઘણી વખત સાંભળેલી વાતથી કરવી છે. દીકરો કદાચ લગ્ન બાદ વહુનો થઈ જશે. પણ પારકે ઘરે ગયેલી દીકરી તો આજીવન તમારી દીકરી જ રહેવાની છે. દીકરી ઘરનો તુલસીક્યારો અને દીકરી ઘરનો દીવો એવી કોઈ વાત નથી કરવી. એકસાથે બનેલી બે-ત્રણ ઘટનાઓએ બાદ આ વાત શબ્દો દ્વારા વ્યક્ત કરવાનું મન થયું છે. 

બે અઠવાડિયા પહેલાં એક વાચકનો લંડનથી ઇ-મેઇલ આવ્યો. એનું નામ દેવાંશી મેહુલ વર્મા. દેવાંશી લખે છે, હું મારા પપ્પાને બહુ મીસ કરું છું. મને એક જ વાતનો અફસોસ છે કે, એમણે વિદાય લીધી ત્યારે હું એમની પાસે નહોતી. એમની અંતિમવિધિ પૂરી થઈ ગઈ પછી બીજે દિવસે પહોંચી. પાંચ ઓક્ટોબર, 2016ના મારા પિતાએ વિદાય લીધી. મમ્મી બહુ મજબૂત છે. એમની પાસે હું રડી પડી ત્યારે એમણે મને કહ્યું કે, જે થાય એ સારા માટે જ થાય છે. તું હાજર હોત તો તું અને તારા પપ્પા બંને એકબીજાંને છોડી ન શકત. એનો જીવ તારામાં જ હતો. હજુ પણ તું એવું જ માન કે તારા પપ્પા તારી સાથે જ છે.’

9મી એપ્રિલે ભાવનગરમાં એક સરસ પુસ્તકનું વિમોચન થયું. ભાવનગરના શેઠ બ્રધર્સના સ્થાપક રસિકભાઈ શેઠના સંઘર્ષ, સફળતા અને પરિવારના સંબંધો ઉપરનું પુસ્તક છલાંગ પ્રકાશિત થયું. વળી, આ પુસ્તક એમની દીકરી કૌશિકાએ પતિ પ્રદીપ મહેતા સાથે મળીને લખ્યું છે. આ વિમોચન સમયે ગોસ્વામી આનંદબાવાશ્રીએ બહુ જ સ્પર્શી જાય એવી વાતો કહી. એમણે કહ્યું કે, પિતા ગમે એટલો મોટો થઈ જાયને તો પણ એ દીકરીથી કંઈ છૂપાવી શકતો નથી. દીકરો મોટો થઈને એવી રાહ જોતો રહે છે કે, પિતા ક્યારે વિશ્વાસ મૂકશે અને ક્યારે મને એમના અમુક સિક્રેટ્સ કહેશે. જ્યારે દીકરી એના સ્નેહથી અને પ્રેમથી એ વિશ્ર્વાસ છીનવી લેશે.’ સહેજ હળવા સૂરમાં ગોસ્વામી આનંદબાવાશ્રી કહે છે, ‘કોઈ વ્યક્તિએ પોતાના ઉપર કોઈ પુસ્તક લખાવવું હોય તો દીકરી પાસે ન લખાવાય. કેમકે દીકરી છેને, એ તમારા દિલમાં સીધી ઘૂસી જાય છે. દીકરો તમારી આંખો નહીં વાંચી શકે. પણ દીકરીથી તમારી આંખો કંઈ જ નહીં છૂપાવી શકે. મારો જ કિસ્સો કહું. અમે લોકો અમારાં બધાં શાળાના સર્ટિફિકેટ્સ અને માર્કશીટ વગેરે એક બેગમાં રાખીએ છીએ. એ બેગમાં મેં કોમ્બીનેશન લોક રાખેલું છે. મારે બે દીકરીઓ છે. મોટી દીકરી મતલબ કે બેટીજીએ પૂછ્યું, આપ આ બેગમાં બધાં અગત્યના સર્ટિફિકેટ્સને બધું રાખો છોને! મને થયું કે, બેટીજીને ક્યાંથી ખબર આ વાતની? મજાની વાત એ છે કે, એને કોમ્બીનેશન લોક પણ ખબર હતી. મતલબ કે દીકરીથી કંઈ છૂપું નથી. દીકરો હશે તો ક્યાંક કમ્પિટીશનનો ભાવ આવી જ જશે. ભલે એ દીકરો તમારા કરતાં આગળ વધે તો તમે જ રાજી થાવ. પણ બાપ-દીકરા કરતાં બાપ-દીકરીની લાગણી અને વાતો કંઈક જુદી જ છે એ હકીકત હું પોતે અનુભવું છું.’ દીકરી અને એની સાથેના પિતાના સંબંધની અનુભૂતિની અનેક વાતો કરીને એમના શબ્દોએ વિચારતી કરી મૂકી. 

મને હંમેશાં એવું લાગ્યું છે કે, દરેક દીકરીનો પહેલું વિજાતીય આકર્ષણ એટલે એના પિતા. દરેક દીકરી માટે એનો પિતા એની જિંદગીનો પહેલો હીરો હોય છે. ત્યાં સુધી કે, પરણીને સાસરે જાય તો પણ એ પતિમાં ફાધર ફીગર- વ્યક્તિત્ત્વ શોધતી રહે છે. સમજદાર અને લાગણીશીલ દીકરી માટે દુનિયાનો સૌથી શ્રેષ્ઠ પુરુષ એટલે એનો પિતા. કોઈ પુરુષમાં ક્યારેક લાગણીશૂન્યતા જોઉં ત્યારે મારા મનમાં હંમેશાં એક વિચાર આવે કે, આ માણસને એક દીકરી હોતને તો એ જુદો હોત. તમારી અંદર જિંદગીને ધબકતી રાખે એ દીકરી. દીકરા-દીકરીમાં ફરક ન કરવો જોઈએ એ વાત સાથે હું સંમત છું. પણ દીકરીની પિતા પ્રત્યેની લાગણીમાં ઝાકળની ભીનાશ ક્યાંક છૂપાયેલી રહે છે. એનો મતલબ એવો જરાય નથી કે, દીકરાને પિતા પ્રત્યે ઓછી લાગણી હોય છે કે દીકરી ન હોય એ વ્યક્તિ કમનસીબ છે. દીકરી અને પિતા એક એવી લાગણી છે જે વર્તમાનને ધબકતું રાખે છે. દીકરીની જિંદગીમાં નવા પાત્રો આવે છતાંય એક ખૂણો એવો છે જ્યાં કોઈનું એન્ક્રોચમેન્ટ નથી થઈ શકતું. 

પિતા સાથેના સંસ્મરણો કૌશિકાબહેન મહેતાએ પુસ્તકમાં લખ્યાં છે. લગ્ન બાદ દીકરીને સંબોધીને રસિકભાઈએ એક કાગળ લખ્યો હતો.

‘બેટી, તારા લગ્ન પછી હું ઘણા સમય સુધી મૂંઝવણમાં રહ્યો. ઘરમાં તારી મમ્મી અને બે દીકરાઓ હોવા છતાં હું મારી જાતને એકલો મહેસૂસ કરી રહ્યો હતો. મને લાગે છે કે, દરેક પિતા એની દીકરીના લગ્ન પછી એકલતાની લાગણી અનુભવતો હશે. માતા તો પોતાની લાગણી અશ્રુઓ દ્વારા વ્યક્ત કરી શકે છે, પરંતુ પિતા એક પુરુષ હોવાથી આંસુ સારીને પણ પોતાનું હૈયું ઠાલવી શકતા નથી. પુરુષની કદાચ આ મર્યાદા હશે. લગ્ન પહેલાં જે દીકરીની સંપૂણ કાળજી પોતાના પિતા તરફ જ હતી તે હવે પછી તેના મનના માણીગર પતિ તરફ ફંટાઈ જશે તે વાત કોઈ પિતાને કદાચ ન ગમે એ સ્વાભાવિક છે. 

ટીના, (કૌશિકાબહેનનું ઘરનું નામ) તારા લગ્ન પછી મારામાં કલ્પના બહારનું પરિવર્તન આવ્યું. મારે હવે પિતા તરીકે તારા પ્રત્યે મારી જવાબદારી પૂરી કરવાની એટલે કે દીકરીની લાગણીઓને સંતોષવાની હતી. મારા જીવનમાં દરેક પરિબળના માપદંડોની ઊંચાઈ વધતી જ ગઈ. લોકો સાથેનો મારો વ્યવહાર વધુ સજ્જનતાભર્યો બન્યો હતો. મારું વર્તન દરેક વ્યક્તિની સાથે આત્મીય, શાલીનતાપૂર્ણ અને વધુ પરિપક્વ થવા લાગ્યું. એક શ્રેષ્ઠ પિતા બનવાની મારી કોશિશ એ જ મારા જીવનનો મુખ્ય ઉદેશ રહ્યો.

આ લેટરની વાત વાંચીને કૌશિકાબહેન સાથે વાત થઈ. પુસ્તકમાં જે વાતોનો ઉલ્લેખ નથી એ વાત એમણે કરી. લંડનથી ઇ-મેઇલ કરનાર દેવાંશીના સવાલ અને વ્યથાનો જવાબ કૌશિકાબહેનની વાતમાં છે. 

કૌશિકા પ્રદીપ મહેતા કહે છે,’ લગ્નના દિવસે મારી વિદાય સવારે સાડા અગિયાર વાગે થઈ ગઈ હતી. મારી વિદાય વખતે ઘણાં બધાં પરિવારજનો અને સંબંધીઓની હાજરીમાં ભાઈ છૂટાં મોંએ રડી નહોતા શક્યાં. પણ એ પછી મને જે કોઈ મળ્યું એમણે એવું કહ્યું કે, તેં માંડવામાંથી વિદાય લીધી. બધાં લોકો પોતપોતાના કામે વળગ્યાં. લગ્નસ્થળ ઉપર લગભગ કોઈ ન હતું. પણ રસિકભાઈ એકલાં માંડવામાં બેઠા હતાં. અને ધ્રૂસકે ધ્રૂસકે રડતા હતા.’ એ વાત આજે પણ યાદ કરીને કૌશિકાબહેન રડી પડ્યાં. 

એ કહે છે, ‘મને એવો વિચાર આવે છે કે એમને શું થતું હશે? એ શું અનુભવતા હશે? એમને એવી કેવી પીડા-દુઃખ થતું હશે? લાગણીનો બંધ આંસુઓ વાટે વહી ગયો એ પછી ભાઈને દર રવિવારે એવું થાય કે ટીનાને મળવા જાઉં. એ જમાનામાં ફોન તો હતાં નહીં. આથી ભાઈ રવિવારની સાંજે મારા ઘરે આવી જાય. કેટલાંય સમય સુધી એવું બન્યું કે, ભાઈ મારા ઘરે આવ્યા હોય અને એ જ સમયે હું એમને મળવા પિયર પહોંચી ગઈ હોઉં. બંને ક્રોસ થઈએ. અમારી ટેલિપથી એટલી ઊંડી હતી કે સમય પણ એકસરખો રહેતો. આ વાત યાદ કરીને આજે પણ મારા રુંવાડા ઉભા થઈ જાય છે. 

એક વાત વારંવાર યાદ આવે છે. માર દીકરો કિલોન મારા પેટમાં હતો ત્યારે હું પિયર આવી ગયેલી. ભાઈએ મારું મારી માની માફક ધ્યાન રાખ્યું છે. હીંચકે બેસીને ભાઈના ખોળામાં માથું નાખીને હું સૂઈ જતી. ભાઈ મને સારી સારી વાતો કરે. આવનારા સંતાન વિશે મારી સાથે સપનાંઓ જોતાં. મને ઊંઘ આવે એ માટે સ્નેહથી મારી માથે હાથ ફેરવે અને એમના ગમતા ગાયક કે.એલ. સાયગલનું ગીત ગાય સો જા રાજકુમારી સો જા.... ગર્ભમાં દીકરો કીક મારતો હોય પણ મને પપ્પાના ખોળામાં એકદમ ગાઢ નીંદર આવી જતી. 

જો કે, એક વાતનો રંજ હજુ પણ નથી જતો. ભાઈ સુડતાલીસ વર્ષની વયે જ અમને મૂકીને ચાલી નીકળ્યાં. એમની વિદાયના બે દિવસ પહેલાં મારા પડોશના નંબર ઉપર એમનો એક જ દિવસમાં અલગ અલગ સમયે બે વાર ફોન આવ્યો કે, બેન મળવા આવને. તું અહીં મારી સાથે જ જમી લેજે. 

પહેલી વખત ફોન આવ્યો ત્યારે ઘરની જવાબદારીઓ અને કામ પૂરું કરવામાં ન જઈ શકી. બીજીવાર ફોન આવ્યો ત્યારે હું પિયર પહોંચી ત્યાં ભાઈ ઓફિસે જવા નીકળી ગયેલાં. એ જ રાત્રે એમણે દેહત્યાગ કર્યો...’ 

થોડીક સેકન્ડના મૌન પછી કૌશિકાબહેન કહે છે,’પિતાની વાત આવે ત્યારે હું નહીં દરેક દીકરીએ એની પ્રાયોરિટીને બાજુ પર મૂકીને પિતાને મહત્ત્વ આપવું જોઈએ. દેવાંશી દૂર હોવાને કારણે એના પિતાને ન મળી શકી એ સંજોગો જુદાં હતાં. પણ જ્યારે તમારા હાથની વાત હોય ત્યારે બીજા તમામ સંબંધોને બાજુ પર મૂકીને પિતાની લાગણીને ટોચ ઉપર મૂકીને તમારાથી બનતું હોય એ કરી છૂટવું જોઈએ.’

આ લાગણીસભર કિસ્સાઓ આંખોના ખૂણા ભીના કરી જાય એવાં છે. કપૂર એન્ડ સન્સમાં આલિયા ભટ્ટ જે અફસોસ કરે છે કે, મારો જન્મદિવસ હતો અને મેં મારા મા-બાપ સાથે સરખી રીતે વાત સુદ્ધાં નહોતી કરી. મારે આમ ન કરવું જોઈએ.’

આપણી પાસે પોતાની વ્યક્તિ હોય ત્યારે કદાચ એની લાગણી અને પ્રેમને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ. ભૂતકાળનો ભાર અને આવતી કાલની ચિંતામાં આપણે આજને વેડફી દઈએ છીએ. વર્તમાનમાં જીવાતી અને ધબકતી પળોને એવી માણો કે જાણે એ છેલ્લી જ વખત માણી રહ્યાં હોય. વ્યક્તિની વિદાય થઈ જાય પછી ફક્ત સમય પસાર થતો હોય છે. માણવા જેવી પળો માણી ન શક્યાનો ભાર જીરવવો અઘરો છે. સૌથી શ્રેષ્ઠ પળ જે છે તે આ જ ઘડી છે. એનાથી વધુ કંઈ જ નથી. આ રીતે જીવીએ અને સમય-સંજોગો પ્રમાણે આપણી પ્રાયોરિટીને સમજીએ તો દરેક સંબંધ બંધ હાથની મુઠ્ઠીમાં ઝીલેલાં તાજાં ફૂલ જેવો જ રહેશે....

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.