હા, આ મારી દીકરીએ અપાવ્યું છે...

01 Aug, 2017
12:01 AM

જ્યોતિ ઉનડકટ

PC: Smiling Diaries.com

દીકરા-દીકરીનો ઉછેર એકસરખો કર્યો હોય એવા મા-બાપ પણ પોતાની દીકરીની કમાણીને હાથ અડાડવાનું પસંદ નથી કરતા. દીકરીઓએ તો મા-બાપને આપવું હોય છે પણ મા-બાપ જો ના પાડે તો એ દીકરી ગિફ્ટ સ્વરૂપે મા-બાપને કંઈકને કંઈક અપાવવાનું પસંદ કરે છે. 

દીકરીની કમાણીનું ખાઈએ તો પાપમાં પડીએ. 

દીકરીના સાસરે રોકાઈએ તો ખરા પણ એના ઘરનું પાણી પણ અમે ન પીએ. 

દીકરીના ઘરે જઈએ તો પણ એને જે ખર્ચ થયો હોય એનું બમણું એને ગિફ્ટ સ્વરૂપે આપી દઈએ. 

ઉપર લખ્યું છે એ વણલખેલાં નિયમો કેટલાંય મા-બાપ માને છે અને પાળે છે. જો કે આજની પેઢીની દીકરીઓ આ નિયમની વાતો સાંભળીને થોડી અકળાઈ જાય છે. તોતિંગ ફી ભરીને બાળકોને ભણાવ્યા હોય. કેટલાંક મા-બાપ તો સંતાનોની કરિયર માટે પોતાની મરણમૂડી વાપરી નાખતા પણ ખચકાતાં નથી. વિદેશ ભણવાનો ચાન્સ મેરિટ પ્રમાણે લાગે અને સંતાનને વિદેશ મોકલવા માટે પૂરતાં રૂપિયા ન હોય ત્યારે મા-બાપ લોન લઈને દીકરી કે દીકરાને ભણવા પણ મોકલે છે.

અગાઉના સમયમાં સંતાનોથી મા-બાપનો સંઘર્ષ અજાણ્યો રહેતો. પણ આજની પેઢીથી મા-બાપની સ્ટ્રગલ અજાણી નથી રહી શકતી. ઓફિસમાં ટેન્શન હોય કે પછી નોકરીનું જોખમ હોય લગભગ તમામ વાતો બાળકોને ઓછેવત્તે અંશે ખબર જ હોય છે. મા-બાપ કહે નહીં તો પણ સંતાનો માતા-પિતાની બોડી લેંગ્વેજથી માંડીને વાતચીત પરથી ઘણું ખરું સમજી જાય છે. 

પોતાના મા-બાપના ટેન્શન, સંઘર્ષ જોયા હોય એ દીકરી પોતે કમાવવા માંડે ત્યારે તો નોકરી કરતાં મા-બાપની હાલત બખૂબી સમજવા માંડે છે. પોતાને જવાબ દેવાનો આવે કે પોતાને ખખડાવવામાં આવે ત્યારે એ દીકરીને કે દીકરાને નોકરી કરતાં મા-બાપનો પણ ખયાલ આવી જ જાય છે. આ દીકરા કે દીકરીની કમાણી ઘરમાં જરૂર નહીં વાપરવાની એવું પણ અનેક પરિવારમાં થતું હોય છે. 

આપણે ત્યાં હજુ પણ એ વાતને જ સાચી ગણવામાં આવે છે કે, કમાતા દીકરાના રૂપિયા ઉપર મા-બાપનો અધિકાર છે. પણ કમાતી દીકરીના રૂપિયા તો એના જ ગણાય. પોતાની સામે પાઈ પાઈનો હિસાબ કરતી માને જોઈને કમાતી દીકરીને સહેજે વિચાર આવી જાય કે, મારા રૂપિયા બેંકમાં પડ્યા છે અને મમ્મી-પપ્પા અહીં ઘરખર્ચમાં શું ધ્યાન રાખીએ તો બચત થાય એવું વિચારે છે. આ દીકરીનો જીવ પણ બળવાનો જ છે. માની સાથે શોપીંગમાં જતી વખતે એ બિલની ચુકવણી કરવા ચાહે તો પણ એની મમ્મી કે પપ્પા વઢીને એનું પાકીટ અંદર મૂકાવી દે છે.

એક પરિવારમાં તો નોકરીએ જતી દીકરી પાસે મમ્મી જો કંઈ વસ્તુઓ મંગાવે તો એના પૂરેપૂરાં રૂપિયા એ દીકરીને હાથમાં આપી દે. તારા રૂપિયાની કોથમરી પણ ઘરમાં ન આવવી જોઈએ. તારી કમાણી થોડી ખવાય? તું કમાય એ તો તારા લગ્નમાં કામ લાગશે. તારા માટે જ આપણે વાપરવાના છીએ. ક્યાં બીજા કોઈને આપણે આપવાના છીએ?

હવે, એક દીકરીની વાત લઈ લો. એના માતા-પિતાની મેરેજ લાઇફ બહુ જ સરળ રહી. મોટી બહેન સાસરેથી પાછી આવી. નાનો ભાઈ અકસ્માતે ગૂજરી ગયો. એ ભાઈની પરણેતર તથા એના બે સંતાનો સહિત ઘરમાં આઠ લોકો રહે. મોટીબહેનના લગ્ન કર્યાં એ બનેવી તથા તેના પરિવારે બહેનને હેરાન કરવામાં કંઈ બાકી ન રાખ્યું. યુવાન વયનો દીકરો ગૂજરી ગયો એનો આઘાત માતા-પિતાને બહુ લાગ્યો એટલે માતા-પિતા અલમોસ્ટ ડીપ્રેશનમાં જ જીવે છે. પાછી આવેલી બહેન અને વિધવા ભાભી આ બંને સ્ત્રી પાત્રોની માનસિક હાલત ક્યારેક ડામાડોળ હોય ત્યારે એ દીકરી બહુ ડિસ્ટર્બ થઈ જાય છે. આ ઘરમાં મોટીબહેન તથા ભાભી પણ પોતાના જોગું કમાઈ લે છે. પણ એમાંથી સવલતો સાથે જિંદગી ન જીવી શકાય. મોટીબહેનના રૂપિયા તથા આ દીકરીના રૂપિયાને તો મમ્મી-પપ્પા હાથ નથી લગાવતાં. ભાભીની કમાણી એના સંતાનો ઉપર જ ખર્ચ થઈ જાય છે. ઘરની વહુની કમાણી પણ આ મા-બાપ લેતા નથી. સરવાળે રિટાયર થઈને પેન્શન તથા ગ્રેચ્યુઇટીના રૂપિયામાંથી આ પરિવારનું ગુજરાન ચાલે છે.

એ યુવાનવયની દીકરીને પરણવું નથી. સાસરેથી પાછી આવેલી બહેનની કમાણી પણ બેંકમાં જમા થાય છે. ઘરમાં એક સાંધો અને તેર તૂટે એવી હાલત કોઈવાર થઈ જાય ત્યારે આ બંને બહેનો મા-બાપને કરગરવા માંડે છે કે, તમે અમારી કમાણી અમને ઘર માટે વાપરવાની છૂટ આપો. પણ એ મા-બાપ ટસના મસ નથી થતાં.

આ બંને બહેનોએ ભાભી સાથે મળીને એક નાનકડી નિર્દોષ રમત શરૂ કરી છે. રસોડામાં ભાભીને જે કંઈ કરિયાણું જોઈતું હોય કે પછી શાકભાજી જોઈતાં હોય એ બંને બહેનો પોતાની રીતે સમજીને ઓનલાઇન ઑર્ડર કરી દે છે. કોઈ વખત ઓફિસેથી ઘરે આવતી વખતે પણ લઈ આવે છે. પોતાને ઓફિસમાંથી કોઈને કોઈ કૂપન આવી છે કે ગિફ્ટ આવી છે એવું બહાનું કરીને મમ્મીને પટાવી લે છે.

ઘરના વડીલની સાંઠમી વર્ષ ગાંઠ આવી. ઘરમાં દીકરાના સંતાનો નાના એટલે એ કોઈને ત્યાં જો વર્ષગાંઠની ઉજવણીમાં જાય તો એમને રિટર્ન ગિફ્ટ મળે. આ વળતી ભેટને આ બંને દીકરીઓએ ધ્યાનમાં રાખી. પપ્પાની વર્ષ ગાંઠ આ બંને દીકરીઓએ સરસ રીતે ઉજવી. રાત્રે આખો પરિવાર પાર્ટીની વાતો કરતો ડ્રોઇંગ રૂમમાં બેઠો હતો. વળી, આ પરિવારે કોઈને પણ ગિફ્ટ લઈને નહીં આવવાની સૂચના આપી દીધી હતી. છતાંય કેટલાંક લોકો પુસ્તકો ભેટ સ્વરૂપે લાવ્યા. આ બધી વાતોમાં જ બંને દીકરીઓએ પપ્પાને કહ્યું કે, પપ્પા અમને રિટર્ન ગિફ્ટ જોઈએ છે.

ત્રેવીસ અને સત્તાવીસ વર્ષની બંને બહેનોએ પપ્પાને વાતોમાં બરાબરના લપેટ્યાં. પપ્પાને ફોર વ્હીલરનો જબરો શોખ. એટલે આ દીકરીઓએ સાડા ચાર લાખની એક સરસ મજાની નાનકડી કાર લીધી. અલબત્ત બંનેએ એ કાર લેવા માટે થોડી રકમની લોન લીધી. હીંચકા ઉપર બેઠેલાં પપ્પાની બાજુમાં જઈને નાનકડી દીકરીએ કહ્યું, પપ્પા આંખો બંધ કરો અને હાથ આગળ કરો. એ દીકરીએ પપ્પાના હાથમાં કારની ચાવી થમાવી દીધી. એ ચાવીનો સ્પર્શ કરીને એ પિતા ગળગળા થઈ ગયાં. તરત જ બોલી ઊઠ્યાં કે બેટા તમારી કમાઈની આટલી મોંઘી ગિફ્ટ મને પાપમાં પાડશે. આ મારાથી ન લેવાય.

એ દીકરીઓએ કહ્યું કે, પપ્પા હવે આ કાર તો આવી ગઈ. અમે ખરીદી લીધી છે. એટલે એ પાછી તો જવાની નથી. હા, તમારાથી જો આટલી મોંઘી ગિફ્ટ ન લેવાઈ શકાય તો તમે અમને રિટર્ન ગિફ્ટ આપો. પોતાના જન્મદિને એમના મોઢેથી ના નહીં જ નીકળે એમ માનીને આ બંને દીકરીઓએ કહ્યું કે, પપ્પા હવે તમે ઘરની જવાબદારી અમને સોંપી દો. હવે તમે અમારી ઉપર બધું છોડી દો. આર્થિક રીતે તમારે કંઈ જ નહીં જોવાનું એવી છૂટ અમને આપી દો. બસ એ જ તમારા તરફથી અમને રિટર્ન ગિફ્ટ હશે.

બહુ જ વાતો, વિચારો, ચર્ચા, દલીલો પછી એ દીકરીઓના પિતા એગ્રી થયા. બંને દીકરીઓએ કહ્યું કે, આપણે ત્યાં જનરલી એવું કહેવાય છે કે, દીકરાને માથે બધું નાખી દેવું. અમે દીકરીઓ છીએ પણ પપ્પા-મમ્મીની હાલત અને જવાબદારીઓથી જરાપણ અજાણ નથી. ઘરમાં સવલતો વગર જીવવું અઘરું લાગે ત્યારે બેંકમાં પડેલાં અમારા પગાર અમને સાવ નકામાં જ લાગે. આમ લાગણીઓનો ગુણાકાર થવા જ લાગ્યો એટલે પછી ઇમોશનલ બ્લેકમેલ કરીને પપ્પાને મનાવવા પડ્યાં.

આડોશી-પાડોશી અને પોતાના જૂના સહકર્મચારીઓના વોટ્સએપ ગ્રૂપમાં તેમજ સગા-સંબંધીઓને ઢંઢેરો પીટીને આ પિતાએ બહુ ગૌરવભેર કહ્યું કે, આ મારી દીકરીએ લઈ આપ્યું છે. યુવાનવયના દીકરાને ખોઈ બેસેલાં પિતાને જાણે એક જીવતદાન મળ્યું એવું આ બંને દીકરીઓને લાગ્યું. આ બાજુ કાર ગિફ્ટમાં મળી એને બીજે જ દિવસે એ પિતા કારની વિન્ડ શિલ્ડમાં લખાવી આવ્યાં કે, અ ગિફ્ટ ફ્રોમ ડોટર્સ ટુ અ ફાધર... 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.