અમારે તો એને બધી જ છૂટ
ઘરમાં પરિવારમાં દીકરી અને વહુ બંનેને છૂટ આપવાનો અધિકાર કોનો? જે વ્યક્તિ એવું માને કે એને આ પ્રકારની છૂટ આપવી જોઈએ કે નહીં આપવી જોઈએ એ અધિકાર નક્કી કરનાર કોણ? તમે છૂટ લઈ લો છો કે છૂટ લેવા માટે પૂછો છો?
અમારે તો દીકરી અને વહુ બંને સરખા.
તમે ચિંતા ન કરો અમે તમારી દીકરીને વહુ નહીં પણ અમારી દીકરીની જેમ જ રાખીશું.
પહેરવા-ઓઢવાની બાબતે અમારા ઘરમાં બધી જ છૂટ છે.
ઉપરના ડાયલોગ્સ દર બીજા ઘરમાં ક્યારેકને ક્યારેક તો બોલાયા જ હશે. મેં-તમે સૌએ નાનપણમાં કે મોટા થયા પછી પણ આ પ્રકારની વાતો સાંભળી જ છે. ઘરની સ્ત્રીઓને કેટલી છૂટ મળવી જોઈએ એનો અધિકાર સદીઓથી સ્ત્રીઓ પાસે નથી. કેટલાંક અપવાદો બનીને પોતાની રીતે છૂટછાટો લઈ લે છે એ વાત અલગ છે. જો કે એ સ્ત્રીઓને એમના મનની મરજીનું વર્તન કરવા માટે કંઈક ચૂકવવું પડતું હોય છે. પોતાની રીતે જિંદગી જીવવા માગતી સ્ત્રીઓએ એ જિંદગીની કોઈ કિમત તો ચૂકવવી જ પડે છે.
ગયા અઠવાડિયે તારે જે કંઈ કરવું હોય એ સાસરે જઈને કરજે એ લેખ એકમેકનાં મન સુધીમાં વાંચીને અમદાવાદના વાચક સોનલ ભીમાણીએ કહ્યું કે, ‘’હું એ લેખની તમામ વાત સાથે સંમત છું. આપણે ત્યાં બધાં કહે છે કે, અમારે તો એને બધી જ છૂટ છે. આવું કહેનારા લોકોને મારો એક સવાલ છે કે, તમે આવું નક્કી કરનારા કોણ? સ્ત્રીએ શું પહેરવું, ઓઢવું, શું કરવું એ એને નક્કી કરવા દોને. પોતાના વિચારો કે વાતો એની માથે શા માટે ઠોકી બેસાડો છો. મારા પતિ પ્રશાંત મનોચિકિત્સક છે. મારે બે દીકરીઓ છે ઉત્સવી અને વૈષ્ણવી. અમારા ઘરમાં અલગ-અલગ ઉંમરની ત્રણેય મહિલાઓને સમભાવથી જ જોવામાં આવે છે. વ્યક્ત થવાની સ્વતંત્રતાથી માંડીને પહેરવા-ઓઢવાની સ્વતંત્રતા સમભાવ હોય એ રીતે જ જીવવામાં આવે છે.
ઘરના પુરુષોને શા માટે સ્ત્રીઓ એવો અધિકાર આપી દે છે કે, એ સ્ત્રીને કંઈ કરવું હોય તો એનો નિર્ણય ઘરનો પુરુષ કરે. પછી એ સંબંધમાં એનો પતિ, ભાઈ, દાદા, કાકા, મામા કે પપ્પા જ કેમ નથી હોતાં. એ કમાઈને લાવતાં હોય કે ન લાવતાં હોય પણ ઘરના પુરુષને વધુ સમજ જ પડે છે એવું માનનારી સ્ત્રીઓની સંખ્યા કંઈ ઓછી નથી.’’
સોનલબેનની વાત સો ટકા સાચી છે. આ વાંચનારા લોકો પણ એ વાત સાથે સહમત થશે કે, જાણે-અજાણે ઘરની સ્ત્રીઓ વિશે કંઈ પણ નક્કી કરવાનો અધિકાર સદીઓથી પુરુષો ભોગવતા આવ્યાં છે. ક્યાંય કોઈએ લખીને નથી આપ્યું કે, આ અધિકાર પુરુષોનો છે. પણ સ્ત્રીઓ એવું જતાવતી નથી કે એમને પણ ઘણીબધી ખબર પડે છે. આમાં સ્ત્રીઓને પુરુષો સામે ભડકાવવાનો કોઈ ઈરાદો નથી. એક વિચાર આવ્યો એને વહેતો મૂકવાની કોશિશ કરી રહી છું. કેટલી બધી સ્ત્રીઓ સમજતી હોય છે, જાણતી હોય છે છતાંય એ વ્યક્ત નથી થઈ શકતી કે એને બધું આવડે પણ છે અને એને ઘણી બધી ખબર પણ પડે છે.
વળી, આપણાં સમાજની રચના પ્રમાણે દીકરીનો જન્મ થાય ત્યારથી એના પિતા, સાથે કદાચ ભાઈ હોયતો ભાઈનું આધિપત્ય હોય છે. લગ્ન પછી પતિ, સસરા, દિયર નજીકના પુરુષો એની જિંદગી સાથે જોડાયેલાં રહે છે. કેટલીક વખત તો એ સ્ત્રી પાત્ર એટલું દબાયેલું જ રહે છે કે, એ ફોન ઓપરેટ કરવામાં કે ઘરનું લાઇટનું બિલ ભરવામાં પણ ગભરાઈ જાય છે. સાચી વાત એ છે કે, પહેલેથી જ ઘરની સ્ત્રીને ઓછી બુદ્ધિવાળી સમજવામાં આવે છે. જેની સામે ભાગ્યે જ કોઈ સ્ત્રી અવાજ ઉઠાવે છે.
શું પહેરવું, કેવું પહેરવું એ પસંદગી કરતી વખતે પણ દીકરીને પિતાનો વિચાર આવી જાય છે અને પરણેલી સ્ત્રીને પતિ તથા સાસરિયાનો વિચાર આવી જ જાય છે. એ પોતાના મનને મારી નાખતા જરાપણ અચકાતી નથી. મન મારીને જીવી જાણે છે. પણ એ મનની વાત ભાગ્યે જ વ્યક્ત કરે છે.
પહેરવા- ઓઢવાની છૂટ હોય પણ વ્યક્ત થવાની આઝાદી ન હોય એ પણ પાછી આખી અલગ વેદના છે. પોતાની વિચારસરણી પ્રમાણે જીવવાની આઝાદી ભાગ્યે જ કોઈ સ્ત્રીને મળે છે.
અર્બન વિસ્તારમાં રહીને આપણને ઘણીવખત એવું લાગે છે કે જમાનો બહુ મોર્ડન થઈ ગયો છે. પણ હકીકતે એવું નથી. જમાનો મોર્ડન થયો છે વિચારસરણી હજુ ત્યાંની ત્યાં જ છે. બહુ ઓછા પરિવારોમાં સ્ત્રી અને પુરુષને સમભાવથી જોવામાં આવે છે. આજે પણ એવાં કેટલાંય પરિવારો છે જ્યાં દીકરી કરતા દીકરાના ભણતર પાછળ અને લાઇફ સ્ટાઇલ પાછળ વધુ ખર્ચ થાય છે. દીકરો ભણીને કંઈ ન ઉકાળતો હોય તો પણ એને મળતી સવલતોમાં કંઈ કમી ન રહે એનું ધ્યાન રાખવામાં આવે છે. દીકરો મન ફાવે એ રીતે વર્તી પણ શકે અને રહી પણ શકે. પણ એ જ ઘરની દીકરીને એવી છૂટછાટો નથી હોતી.
દીકરી અને વહુ પણ જો એકસરખી ઉંમરના હોય તો વહુને માથે પરિવારની મર્યાદાનો ટોપલો એવી રીતે મૂકી દેવામાં આવે છે કે, જાણે એને તો કંઈ છૂટછાટ જ ન હોય. એ પરિવારની દીકરી અમુક પ્રકારના કપડાં પહેરી શકે પણ એ જ ઉંમરની એ વહુ એક હદથી વધારે બોલ્ડ કપડાં ન પહેરી શકે. આવો વણલખેલો નિયમ એને સાનમાં સમજાવી જ દેવાતો હોય છે. પછી આ જ પરિવારના વડીલો એવું બોલતાં અચકાતાં નથી કે, અમારે તો દીકરીને વહુ બંને એકસરખા. બંનેને એકસરખું ખાવાનું મળે એનાથી સમાનતા નથી આવી જતી. સમાનતા તમારા વર્તનમાં અને વાણીમાં અનુભવાતી હોવી જોઈએ.
સ્ત્રીઓની માથે પરિવારના પુરુષોનું આધિપત્ય જ હોય છે એવું પણ કહેવાનો મતલબ નથી. કેમકે મોટાભાગની સ્ત્રીઓ પોતે પણ એ માનસિકતામાંથી બહાર નથી આવતી કે, એ પોતે પણ એક અલગ અને સ્વતંત્ર વ્યક્તિત્વ છે. એની પણ એક ઓળખ છે. એ પછી હોમમેકર હોય, વર્કિંગ વુમન હોય કે બહુ હોંશિયાર ન હોય એવી સ્ત્રી હોય. આપણી માથે કોઈ હાવી ત્યારે જ થઈ જાય જ્યારે આપણે સામેવાળી વ્યક્તિને હાવી થવાની છૂટ આપીએ છીએ. પોતાની સમજની પણ એક ઓળખ હોય એવું દરેક સ્ત્રીને ગળે નથી ઉતરતું. એ જ જો પોતાની જાતને સેકન્ડ સિટિઝન સમજતી હોય તો કોઈ કંઈ ન કરી શકે.
આ વાંચીને એક વાત તો વિચારવી જ રહી કે, તમારી માનસિકતા ઉપર તમારો કબજો છે કે, તમારા પરિવારના પુરુષોની વિચારસરણીનો. જો તમે જરાપણ ગૂંગળામણ કે મૂંઝવણ અનુભવો તો તમે વ્યક્ત થાવ છો કે એ લાગણીને ત્યાંની ત્યાં જ દબાવી દો છો? તમે આ જ રીતે જીવતાં હોય તો પછી તમારા હાથમાં ઉછરતી નવી પેઢી- તમારા બાળકોને તમે શું આપો છો? શું એને પણ તમે તમારા જેવા જ નથી બનાવી રહ્યાંને? દીકરો હોય તો એની માનસિકતા એના પપ્પા જેવી કે દીકરી હોય તો ભાઈ અને પિતાને જ આધીન થઈને એમના જ કંટ્રોલમાં રહે એવી રીતે તો નથી ઉછરી રહીને? તમારી લાગણીનું રિમોટ કંટ્રોલ કોના હાથમાં છે? તમારી માનસિકતામાં પ્લે અને પોઝનું બટન કોણ દબાવે છે? તમારા દિલને કોણ કહે છે કે, સ્ટોપ! આનાથી આગળ નહીં? આખરે તમે અને તમારી નવી પેઢી પર કોની માનસિકતા હરહંમેશ છવાયેલી રહે છે? તમે એક વખતેય તમે કેવી રીતે દોરવાવ છો કે તમે કેવી રીતે જીવો છો એનું સેલ્ફ એનાલિસિસ કર્યું છે? મર્યાદા અને પરિવારની સો કોલ્ડ સોસાયટીમાં ‘’આબરુ’’ જળવાઈ રહે એ માટે તમે બલિદાનની, સમર્પણની દેવી તો નથી બની ગયાને? આ દેવી નતમસ્તક છે કે ઉન્નતમસ્તક એ તો તમારે જ એનેલાઇઝ કરવું બધી જ છૂટ એટલે ફક્ત પહેરવા ઓઢવાની જ નહીં પણ વ્યક્ત થવાની છૂટ પણ હોય એ વાત જરાય ભૂલવા જેવી નથી. જો આ પ્રમાણ તમે અને તમારો પરિવાર સમજતો હોય તો જ બોલજો કે, અમારા ઘરમાં તો બધી જ છૂટ છે....
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર