અવાજ ઉઠાવ્યા બાદના ભવિષ્યનું શું?
એક વિડીયો ક્લિપ સોશિયલ મિડીયા પર આજકાલ બહુ ફોરવર્ડ થઈ રહી છે એને જોવાઈ રહી છે. જેમાં એક બોસ એની નીચે કામ કરતી કર્મચારીને પોતાની આંખોની પ્યાસ બુઝાવવા માટે કોઈને કોઈ કારણોસર કામને બહાને બોલાવે છે. એ યુવતીને ખબર છે કે બોસ એના ઉપર ખરાબ નજર નાખી રહ્યો છે. એનો બોસ એ યુવતીની ફેસબુક પ્રોફાઈલ પરના ફોટોગ્રાફસ જોઈ રહ્યો હોય છે. બોસે કહેલી ફાઈલ શોધતાં શોધતાં એ યુવતી બોસને કહે છે, સાહેબ તમારે મને જોવી છેને? બધી મહિલાઓ પાસે હોય છે એવું જ મારી પાસે છે. એની આ વાત સાંભળીને આખી ઓફિસમાં સન્નાટો છવાઈ જાય છે. એ યુવતી પોતાનું ટોપ ઉતારવાની કોશિશ કરે છે. એ બોસ એટલો બધો ઓઝપાઈ જાય છે કે, યુવતીને સોરી કહેવા માંડે છે.
પોતાનો અવાજ ઉઠાવો એવું કહેવાનો આ એડ ફિલ્મનો મતલબ છે. અન્યાય થઈ રહ્યો હોય તો અવાજ ઉઠાવવો જ જોઈએ એ વાતમાં બેમત નથી. પણ, એ અવાજ ઉઠાવ્યા પછી ભોગવવાનું કોના ભાગે આવે છે? એ યુવતીએ જે કંઈ કર્યું એની ફરિયાદ કોઈને કરે તો યા તો એ યુવતીની નોકરી જાય અથવા તો એ બોસને એક વોર્નિંગ આપવામાં આવે. બોસની નોકરી જવાના ચાન્સીસ ઓછા છે એવું મને લાગે છે. નોકરી કરતી તમામ સ્ત્રીઓ આ વાત સાથે સહમત થશે જ.
અત્યાર સુધી એંસી ટકા કિસ્સાઓમાં એવું જ જોયું છે કે, સ્ત્રીનો વાંક હોય કે ન હોય. સ્ત્રી એની સાથે કામ કરતાં પુરુષોને નચાવતી હોય કે પછી સામેથી આકર્ષતી હોય કે પછી એ સ્ત્રીને આવી કોઈ વાતમાં રસ ન હોય છતાંય પુરુષ એની છેડતી કરી રહ્યો હોય તો એમાં ભોગ તો સ્ત્રીની નોકરીનો કે સ્ત્રીના મનોબળને તોડવાનો જ લેવાય છે. કેટલાંક અને બહુ જૂજ કિસ્સાઓમાં સ્ત્રીઓ પોતાની સાથે કામ કરતાં પુરુષોની નજરમાં આવવા માટે કે પ્રમોશનની લહાયમાં એવું ઘણુંબધું કરતી હોય છે જે પુરુષને ગમતું હોય છે. પુરુષની પ્રકૃતિને નથી બદલી શકવાના આપણે. બધી જ સ્ત્રીઓ આગળ વધવાની લાલચમાં ન કરવાનું કરે છે એવું નથી કહેતી પણ કેટલીક સ્ત્રીઓની પ્રગતિ આવા રસ્તે જ થઈ હોય છે. ભલે એ પ્રગતિ ભલેને બહુ થોડાં સમય માટે દેખાતી હોય પછી એ રસ્તા ક્યાંક અંધારા સુધી જ પહોંચતા હોય છે. જે જોખમી હોય છે એ વાત તો બધાંને ખબર છે પણ સમજ ત્યારે આવે છે જ્યારે ઠોકર વાગે છે. પણ એ પરિસ્થિતિમાંથી પસાર થતી સ્ત્રીને આ સમજાય ત્યારે કદાચ વધુ પડતું મોડું થઈ ગયું હોય છે. પ્રગતિના કેવા-કેવા રસ્તાઓ હોય છે એની વાત નથી કરવી પણ તમારી સાથે કોઈ સતામણી થાય તો શું રસ્તો અપનાવવો જોઈએ એની કડવી વાસ્તવિકતાની વાત કરવી છે.
રુપન દેઓલ બજાજને તેના ઉપરી અધિકારી કે.પી.એસ ગીલે સાથળ ઉપર ટાપલી મારી હતી. રુપન દેઓલ બજાજે એ ઓફિસરને પૂરી ફાઈટ આપી હતી. આખો કેસ બહુ ગાજ્યો હતો. રુપન દેઓલ બજાજનો પણ એક વિડીયો જોયો હતો. જેમાં એ કહે છે, મને મારા પતિનો મજબૂત સાથ હતો. એટલે મારી લડાઈ હું લડી શકી. રુપન દેઓલ બજાજ લકી હતાં કે એમને પતિનો સાથ અને સહકાર મળ્યો. પણ સામાન્ય નારી માટેની નરી વાસ્તવિકતા એ છે કે, એની ફરિયાદને એના પોતાના જ લોકો શંકાથી જોવા માંડે છે.
એક પરિણીત મહિલાની જ વાત છે. પતિ બહુ જ ગણતરીબાજ છે. પાઈએ પાઈનો હિસાબ રાખે છે. લગ્ન પહેલાથી એ પતિની ગણતરી હતી કે, નોકરી કરતી યુવતી જ પસંદ કરવી જેથી ઘર અને બાળકોનો ઉછેર આસાનીથી અને સવલતો સાથે થઈ શકે. આ વિચારસરણી સામે કોઈ જ વાંધો નથી. પત્નીની પીડા એ પૈસા વચ્ચે પીસાતી હોય એ પરિસ્થિતિ કેવી રીતે પરવડે?
વાત જાણે એમ છે કે, પ્રાઈવેટ ફર્મમાં નોકરી કરતી આ મહિલાને એનો બોસ ઘણાં સમયથી આડકતરી રીતે લપેટવાની કોશિશ કરે છે. મહિલા કોઈપણ ઉંમરની હોય એને ભગવાને જે સિક્સ્થ સેન્સ આપી છે એ એને બહુ મદદમાં આવતી હોય છે. આ મહિલાને પણ ખબર પડી ગઈ કે, બોસને મારી આવડત કરતાં મારા સ્ત્રી હોવામાં વધુ રસ છે. એ કંઈ ભાવ નથી આપતી. મનોમન મૂંઝાયે રાખે છે. નોકરી જોખમમાં મૂકવાનો જીવ નથી ચાલતો સાથોસાથ પોતાની જાતને હોમવાનો તો વિચાર સુદ્ધાં એ નથી કરી શકતી. આ હાલતમાં એ કરે તો શું કરે?
બહુ નાનકડી એવી કંપનીમાં મહિલાઓનો અવાજ સાંભળે એવું કોઈ સેલ પણ નથી કે ત્યાં જઈને એ ફરિયાદ કરી શકે. વળી, જો કોઈને આવી વાત કરે તો પોતાને ચાલુ ટાઈપની સ્ત્રી સમજી જશે એવો ડર એના માથે હાવી રહે છે.
એ મહિલા અને એનો પતિ બંનેની કમાણી પર ઘર તથા કારના હપતા કપાય છે. પોતાની એકની એક દીકરીને મોંઘીદાટ સ્કૂલમાં ભણાવી શકે છે. પોતાની કમાણી ઘર અને પરિવારને બહુ મદદરુપ છે એ હકીકતથી આ મહિલા અજાણ નથી. એટલે જ એ કોઈ પગલું ભરતાં પહેલાં બહુ જ વિચાર કરે છે. પતિનો સ્વભાવ થોડો શંકાશીલ પણ છે આથી પતિને એ વાત કરે તો ઉલટું એની સામે જ આક્ષેપો થાય એવી શક્યતા છે.
બીજો એક કિસ્સો પણ ટાંકવા જેવો છે. એક યુવતી સાથે એનો ઉપરી ખુલ્લંમખુલ્લા ફલર્ટ કરતો હતો. એ યુવતીને આ પસંદ ન હતું. એણે પોતાની ઓફિસની કમિટીમાં ફરિયાદ કરી. એ બોસની કંપનીને વધુ જરુર હતી. આ યુવતીની ફરિયાદ બહુ ધ્યાને ન લેવાઈ. એ યુવતીની પનીશમેન્ટ ટ્રાન્સફર કરવામાં આવી. બીજી બ્રાન્ચમાં હવે એ કામ કરે છે. એ તો કદાચ એક બોસથી છૂટકારો મળ્યો એમ માનીને કામે લાગી ગઈ છે. પણ એ બોસ હવે એની જગ્યાએ જે બીજી યુવતી આવી એને પટાવવાની કોશિશ કરે છે.
પોતે કોઈ આવી પરિસ્થિતિમાંથી પસાર થતાં હોય અને કોઈનો સપોર્ટ ન હોય તો શું કરવાનું? ખોટું થઈ રહ્યું હોય પણ કોઈનો સાથ ન હોય ત્યારે લડાઈ વધુ અઘરી બની જતી હોય છે. આ અઘરી લડાઈ એકલાં હાથે લડવાની આવે ત્યારે તો પોતાની વ્યથાનો કોઈ અંત જ નથી દેખાતો હોતો. સહન કરવાની સલાહ તો અયોગ્ય જ છે એ પછી પતિ તરફથી આવેલી સલાહ હોય કે પિતા તરફથી કે પછી ભાઈ તરફથી. પોતે સાચા હોય અને અન્યાય સામે અવાજ ઉઠાવો ત્યારે પીડા તો સહન કરવાની આવે જ પણ પોતાના આત્માને કંઈ ડંખતુ રહે એ ડંખ સાથે જીવવું વધુ અઘરું છે. પોતાનું સ્થાન ડામાડોળ હોય કે પછી કોઈનો સાથ ન હોય ત્યારે પણ પોતાનો અવાજ ઉઠાવવામાં પાછીપાની ન કરવી જોઈએ. પોતાના અસ્તિત્વની પણ એક સચ્ચાઈ હોય છે જેનાથી તમે પોતે નજર નથી ચોરી શકતાં. સામા પૂરે તરવા માટે હિંમત પણ જોઈએ અને કોઈનો સાથ ન હોય ત્યારે બમણી હિંમત અને મજબૂત મનોબળ જરુરી છે. બહારની દુનિયા સાથેનો સંઘર્ષ અઘરો બની રહે પણ પોતાની જાત સાથેનો સંઘર્ષ તમને જીવવા નહીં દે. કોઈને બતાવી દેવા કે પછાડી દેવા માટેની લડાઈ લડવાનું પસંદ કરવા કરતાં પોતાની જાતને પડવા ન દેવી એના માટે તાકાત ભેગી કરવાનું વધુ યોગ્ય છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર