ઘરની ચાર દિવાલો વચ્ચેના બંધનો અને ફતવાઓનું શું?
આસામની સોળ વર્ષની નાહિદા આફરીન સામે છેતાલીસ મૌલવીઓએ ફતવો બહાર પાડ્યો છે. ઈન્ડિયન આઈડોલ 2015મા રનર અપ રહેલી નાહિદા આસામમાં એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેવાની છે. તેની સામે ફતવો બહાર પાડવામાં આવ્યો છે. નાહિદાએ તો કહી દીધું છે કે, હવે એ ચૂપ નહીં રહે.
નાહિદા બોલી શકી. વ્યક્ત થઈ શકી. પણ એવા કેટલાંય નિયમો અને બંધનો ઘરની સ્ત્રીઓ ઉપર ઠોકી બેસાડાતાં હોય છે અને એ નથી બોલી શકતી હોતી. આ વાંચીને તમે જ વિચાર કરજો કે, ઘરના એવાં કેટલાં નિયમો છે જે લખેલા નથી પણ તમારે પાળવા પડે છે. એ નિયમો કે બંધનોની સામે એક આંખ પણ ઊંચી નથી કરી શકાતી. વિરોધ તો બહુ દૂરની વાત છે.
કેટલાંક બંધનો સ્વીકારાયેલાં હોય છે. કેટલાંક બંધનો લદાયેલાં હોય છે. સ્વીકારાયેલાં બંધનો કરતાં લદાયેલાં બંધનોનો બોજો વધુ વજનદાર લાગતો હોય છે. સ્વીકારની સાથે સહજતા ભળી જાય છે એટલે એ નિયમ કે બંધન પાળવું અઘરું નથી લાગતું. દિલથી સ્વીકાર ન હોય એ બંધન માથે ઠોકી બેસાડાયેલું હોય છે. જેને જીવવાનો ભાર વધુ લાગે છે. એમ કહોને કે એ વેંઢારવું પડતું હોય છે. આવાં કેટલાંય ડૂસકાંઓ ઘરની ચાર દિવાલો વચ્ચે શમી જાય છે. ક્યાંક વાંચેલું હતું કે, આંસુઓનો રંગ હોત તો કેટલાંય ઓશિકાંના કવરનો રંગ સવારે બદલાઈ જાત.
આપણી પુરુષપ્રધાન સમાજ રચના છે. એની સામે કોઈ વાંધો પણ નથી અને આ લેખ આ સમાજ રચના સામે શીંગડા ભરાવવા માટે પણ નથી લખ્યો. પોતાની જાત માટે સહેજ વિચાર કરવા માટેની જ વાત લખી છે.
આપણી સમાજ રચનામાં- ઘરોમાં મોટાભાગે પુરુષો જ કમાઈને લાવે છે અને એ ઘરની સ્ત્રીઓ એ કમાણીમાંથી ઘરને ચલાવે છે. હવેના સમયમાં મહિલાઓ પણ કમાય છે. પણ એની ટકાવારી બહુ જ ઓછી છે. વળી, જે સ્ત્રી કમાય છે તેની પોતાની કમાણી ઉપર પણ તેનો અધિકાર હોતો નથી. બહુ ઓછાં કિસ્સાઓ એવા હોય છે કે, કમાઈને લાવતી સ્ત્રી એની આવક ક્યાં અને કેવી રીતે વાપરવી એ નક્કી કરી શકે છે.
અંધારું થાય એ પહેલાં ઘરમાં આવી જવાનું, છોકરાઓ સાથે દોસ્તી નહીં રાખવાની, દીકરી માટે તો ટીચરની નોકરી જ સૌથી વધુ સેફ ગણાય. આ નોકરી જ કરવાની. પપ્પા સામે ઉંચા અવાજે નહીં બોલવાનું. જે કંઈ શોખ હોય એ સાસરે જઈને પૂરાં કરવાના. સાસુની સામે નહીં થવાનું. ઘરના વડીલો કહે એમ જ જીવવાનું. સ્લીવલેસ કપડાં નહીં પહેરવાના. ટૂંકી ચડ્ડી પહેરીને ઘરની બહાર નહીં જવાનું. રાત્રે મિત્રો સાથે પાર્ટીમાં જવાનું તો પૂછવાનું જ નહીં. લગ્ન પહેલાં કોઈની સાથે સંબંધ ન હોવો જોઈએ. બહાર જાય તો વોટ્સ એપ પર હંમેશાં અવેલેબલ રહેવાનું. હોસ્ટેલની રુમમાં આવી જાય એટલે વિડીયો કૉલ કરવાનો. વાપરવા આપેલાં રુપિયાનો પાઈએ પાઈનો હિસાબ આપવાનો... આ લિસ્ટ કોઈ અંત વગરનું પણ બની શકે તેમ છે.
દીકરી ઉપર જ બંધનો હોય છે એવું નથી લખવા માગતી. દીકરા ઉપર પણ કંઈ ઓછાં બંધનો નથી હોતાં. ઘરની અંદર બાળકોના ઉછેર દરમિયાન રોજેરોજ એક નવો ફતવો બહાર પડતો હોય છે. તેની સામે ભાગ્યે જ અવાજ ઊઠતો હોય છે. અવાજ ઊઠે ત્યારે ઘણુંબધું ખળભળી જતું હોય છે. પોતાનું અસ્તિત્વ જ જ્યાં ધ્રૂજતું હોય ત્યાં ઘરની શાંતિ ખળભળી ઊઠે એ કોઈ નવાઈની વાત નથી. કોઈના ઉપર આધારિત જિંદગીનો ભાર અને પોતાની રીતે વિચારી નહીં શકવાની આદત સૌથી વધુ મહત્ત્વનું પાસું છે. કોઈ દોરે એમ દોરવાઈ જવામાં આપણને કંઈ જ કોઈ દિવસ ખોટું નથી લાગતું. તમારી પોતાની વ્યક્તિ તમને દોરતી હોય તો એ સદાય સાચાં રસ્તે જ હોય એવું જરુરી નથી. દરેક પોતાની વિચારસરણી અને બુદ્ધિમતા પ્રમાણે જિંદગીને દોરે કે જીવે છે.
આ બધું લખીને એવું નથી કહેવું કે, ઘરની જ વ્યક્તિઓની સામા થવું જોઈએ. જસ્ટ એક જ વાત વ્યક્ત કરવી છે કે, પોતાના અસ્તિત્વ માટે સેલ્ફ એનાલિસિસ કે પોતાની જાતનું પૃથ્થકરણ કરવાનો સમય કાઢો. દિલ ન સ્વીકારે એ વાત ખોટી હોવાના ચાન્સીસ સૌથી વધુ છે. ઘણી વખત તો નહીં પણ મોટાભાગે જિંદગી જેમ બીજાં લોકો દોરતા હોય છે એમ દોરવાતી હોય છે. આમાં સ્વાર્થી થઈ જવાની વાત નથી. સાચું શું અને ખોટું શું એ સમજવાની અને સમજીને સ્વીકારવું કે નહીં એ વિશેની વાત છે.
સૌથી મોટો સવાલ કે માનો કે આપણી સાથે કંઈ ખોટું થઈ રહ્યું છે તો એનો ઉપાય શું?
આ સવાલ એટલે થાય છે કેમકે આપણી વિચારસરણી સ્વતંત્ર રીતે ખીલી જ નથી હોતી. આપણો ઉછેર જ એવી રીતે થયો હોય છે કે, સતત એડજસ્ટ થઈને રહેવાનું, કોઈની સામું નહીં થવાનું એ જ તો સંસ્કાર છે. આ ‘સો કોલ્ડ સંસ્કાર’ની વાડમાંથી બહાર નીકળતાં આપણને બહુ વાર લાગે છે.
એવો મતલબ નથી કે, બધાં જ લોકો દબાઈને- રિબાઈને કે મરી મરીને જિંદગી જીવે છે. વાત ફક્ત એટલી જ કરવાની છે કે, એક વખત પોતાની જાત વિશે અને પોતાની સાથે જે થઈ રહ્યું છે એના વિશે વિચારો. પોતાની સાથે જ દલીલો કરો. થોડી મિનિટો પોતાની સાથે રહો અને વિચારો. અસ્તિત્વ સાથેનું એકાંત ઘણીવખત અલગ રસ્તે જતું હોય છે.
જો આ એકાંતમાં તમારું મન તમારી સાથે જે થઈ રહ્યું છે એની સામે બળવો પોકારતું હોય તે દિલ ડહોળાતું હોય કે પછી મન કોચવાતું હોય તો એ અવાજને દબાવી ન દેતાં. હા, પોતાનો અવાજ જે કાઢે છે એને ભોગવવું પડતું હોય છે. તમારી ઉપર જે બંધનો કે ફતવાઓ લદાયેલાં હોય છે એનો માલિક પોતાનો માલિકીભાવ બતાવશે જ. કદાચ કંઈક અત્યાચાર પણ સહન કરવો પડે. આ બધું થયાં પછી એક સંતોષ તો હશે જ કે, તમે તમારી જાત સાથે કંઈ ખોટું નથી થવા દીધું. એક પેઢી જો પોતાનો અવાજ સ્પષ્ટ કરેને તો એની પોતાની આસપાસ જીવતી જિંદગીઓ તેમજ આગળની તમામ પેઢી માટે એ બહુ જ સકારાત્મક અને ગ્રહણ કરવા જેવી વાત બની જાય છે. કોઈની સાથે અન્યાય કે ખોટું કરવું એ તો પાપ છે જ પણ પોતાની સાથે અન્યાય થતો હોય એ સહન કરવું પણ ખોટું જ કૃત્ય છે. લદાયેલાં બંધનોનો સ્વીકાર ન થાય ત્યાં બળવો જ કરવો જોઈએ એવું કહેવાનો કોઈ જ મતલબ નથી કેમકે દરેક વખતે પરિસ્થિતિ આપણી તરફેણમાં જ હોય એવું જરુરી નથી હોતું. પરિસ્થિતિ ન બદલી શકે એમ હોય તો પણ પોતાની જાત સાથે વાત કરવાનું તો ન જ ચૂકવું જોઈએ. જાત સાથેનો સંવાદ દુનિયાનો સૌથી બેસ્ટ સંવાદ હોય છે. આવું લખવું સહેલું છે અમલમાં મૂકવું અઘરું છે એવું તો બિલકુલ ન વિચારતાં. કેમકે, ક્યારેક તો આવા વિચારો મનને ઘેરી વળે છે ત્યારે આપણે એને ખંખેરવાની કોશિશ કરીએ છીએ. હકીકતે જે ઘેરી વળે છે એ તમારાં અસ્તિત્વને ગૂંગળાવે એ પહેલાં તમારાં શ્ર્વાસને તેમાંથી બચાવી લો. રુંધામણ તમને કોઠે પડી જાય એ પહેલાં દિલના અવાજને અનુસરો તો ખરાં! ખુલ્લા આકાશમાં હળવા હૈયે ઉડવાની મજા જ કંઈ ઓર છે. એટલિસ્ટ, અરીસોમાં તમે તમારો જ ચહેરો જોશો ત્યારે એ આંખો સાથે નજર તો મેળવી શકશો.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર