તમારી અંદર નવું શું જીવાડવાનાં?
દરેક નવી સવાર એક નવી આશા લઈને આવે છે. દરેક નવી શરુઆત કંઈક પોઝિટીવ વિચાર લઈને આવતી હોય છે. કંઈક નવું હોય એ સતત આપણી અંદર ખીલેલું રહે છે. આપણને જીવાડતું રહે છે. આપણને ધબકતું રાખે છે. આપણાં મૂડના અપ-ડાઉન્સ આવતા રહે તેમ તેમ એ જે આપણી અંદર ખીલેલું હોય છે એ કેમ મૂરઝાવા લાગે છે?
બધાં જ દિવસો એક સરખાં નથી રહેવાના. મન કદીક અપસેટ રહેશે, મન કદીક ખુશ હશે. એમ છતાંય અંતે તો આપણે આપણી જાત ભણી જ પરત ફરવાના છીએ. છેવટે તો આપણે જેવા છીએ એવાને એવા જ રહેવાના છીએ. મનની વાત આવે ત્યારે અનેક વિચારો ધસમસતા આવવાના છે. પોતાના મન સુધીની જાત્રા પણ કઠિન લાગવા માંડે છે. હકીકતે આપણે પોતાના જ નહીં પણ આપણી આસપાસના, ખાસ તો આપણાં દિલમાં વસતા લોકોના મન સુધી પણ યાત્રા કરવાની હોય છે. એકમેકનાં મન સુધીની આ શબ્દયાત્રા કંઈક આવું જ કરવાનો પ્રયાસ છે. એકમેકનાં મન સુધી પહોંચીને કંઈ માપ્યા વગર પામ્યાની અનુભૂતિ થાય એ સૌથી વધુ મહત્ત્વનું છે.
નવું વર્ષ શરુ થઈ ચૂક્યું છે. ઘણાં બધાં લોકોએ એક નહીં નેક સંકલ્પો કર્યા હશે. આ વર્ષે આપણે એક સંકલ્પ કરીએ કે, આપણે આપણી અંદર કંઈક દિલને ગમે એવું જીવાડીશું. સમય- સંજોગોના કારણે આપણી જિદંગીની પ્રાયોરિટીઝ બદલાતી રહેતી હોય છે. એમાંય સ્ત્રીની જિંદગીમાં તો આવો મુકામ એક નહીં અનેક વખત આવતો હોય છે. મૂળ સોતાં ઉખડીને ફરીથી ક્યાંક ધબકવાનું અને લીલુંછમ્મ વિસ્તરવાનું. મનમાં કંઈ કેટલીય આશા, સપનાં ભરીને સૌને વહાલા પણ થવાનું. જીવાતી જિંદગીમાં ક્યાંક આપણે આપણી જાતને એટલી ખૂંપાવી દઈએ છીએ કે આપણે આપણને જ મળતા નથી.
એક યુવકની વાત છે. નવા વર્ષની ઉજવણી માટે એ એક આશ્રમમાં રહેવા ગયો. એની પત્ની પણ સાથે જ હતી. જરા અલગ વિચારસરણી ધરાવતો એ યુવક આત્માની શાંતિ અને નિજાનંદને વધુ મહત્ત્વ આપે છે. લગ્ન બાદ અવઢવ વચ્ચે જીવતા આ યુવકે પોતાના ગુરુને મનની વાત કહી, ‘લગ્ન પછી મારી જિંદગી સાવ બદલાઈ ગઈ છે. જે ક્રમમાં હું જિંદગી જીવતો હતો એ ક્રમ ઉંધોચત્તો થઈ ગયો છે. હું મારી જાતને આ નવી પરિસ્થિતિમાં ગોઠવવાની કોશિશ કરું છું. પરંતુ, મને બહુ અઘરું લાગે છે. નવા સંબંધો અને એક નવી વ્યક્તિનું જિંદગીમાં આગમન એકદમ પ્લાનિંગ સાથે થયું છે. કોઈએ મારી માથે કંઈ ધરાર ઠોકી નથી બેસાડ્યું. લગ્ન પહેલાં રોજ મને મારા માટે સમય મળી રહેતો. યોગ કરવાનો, ડાયરી લખવાનો, ન્યૂઝ જોવાનો, ઘરમાં મમ્મીને મદદ કરવાનો… આ અને આવાં અનેક કામો મારા માટે એકદમ સહજ હતા. પત્ની સાથે નવી જિંદગી ધીમે ધીમે સેટ થઈ રહી છે. પણ હવે હું પહેલાની જેમ મારું શેડ્યુલ નથી જાળવી શકતો. મારી અંદર કંઈક સતત જીવતું રહેતું હતું એ મારાથી દૂર થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. મને એ જ નથી સમજાતું કે, મારે શું કરવું જોઈએ?’
મનની વ્યથા ગુરુને કહીને એ શાંતિથી બેઠો. ગુરુએ એની પત્નીને પૂછ્યું કે, ‘શું આ સવાલો અને વ્યથા એણે તારી સાથે શેર કરી છે? શું તને ખબર છે લગ્ન બાદ એ કોઈ અવઢવમાંથી પસાર થઈ રહ્યો છે?’
પતિએ ગુરુજીને પોતાની વાત કહી એ સાંભળીને એ યુવકની પત્ની એકદમ ડઘાઈ ગઈ. એણે પોતાની વાત કહી કે, ‘હું પણ નવી જગ્યાએ અને નવા પરિવાર સાથે પોતાની જાતને ગોઠવવાની કોશિશ કરી રહી છું. મને પણ ઘણી તકલીફ પડી રહી છે. જો કે મને કોઈ ફરિયાદ નથી.’
ગુરુજીએ બંને સામે જોઈને જરા અમથું સ્માઈલ કર્યું અને કહ્યું કે, ‘ આ વાત મારી પાસે લઈ આવ્યાં એ પહેલાં બંનેએ એકબીજા સાથે ચર્ચી હોત તો ક્યારનુંય આ વાત-સવાલ-વ્યથા-અવઢવનું પરિણામ આવી ગયું હોત. એની વે, સૌથી પહેલાં તો તમે બંને એકબીજાંના મન સુધી પહોંચો. એકમેકને સમજો અને સ્વીકારવાની કોશિશ કરો. જો એકબીજા ઉપર સ્નેહ હશે તો સ્વીકાર અઘરો નહીં સહજ બની રહેશે.
પરિવર્તન જિંદગીનો નિયમ છે. માણસ કોઈ દિવસ એકલો નથી જીવી શકવાનો. હંમેશાં એ કોઈને ઝંખતો રહે છે. કંઈક પામવાની અને મેળવવાની ઝંખના એને જીવાડતી રહે છે. તમારી અંદર આ ભાવનાને જીવાડવાની કોશિશ કરશો એ જ સૌથી મોટી સમજદારી હશે. સમર્પણ, સ્વીકારની સાથોસાથ સમજણ પણ એટલી જ મહત્ત્વની છે. જિંદગીમાં કેટલાક બંધનો અણગમા સાથે આવતા હોય છે તો કેટલાક સહજ હોય છે. કેટલીક વાતો અને બંધનો સ્વીકાર્યા સિવાય કોઈ રસ્તો નથી હોતો ત્યારે એકમેકનાં મનને મોકળાશ આપશો તો રસ્તાઓ ખુલી જશે.’
બસ, એકમેકનાં મન સુધી આવો જ એક નમ્ર પ્રયાસ છે. આ વાચકોનો ચોતરો છે. તમારા મનની વ્યથા, કથા, આનંદ, ઉત્સાહ, ઉમંગ, સવાલોને દિલથી આવકાર છે. આપની વાત અમને લખી મોકલાવો કેમકે આપણે એકમેકનાં મનની અંદર હંમેશાં કંઈક જીવાડવું છે અને ધબકતું રાખવું છે. અને ક્યારેય પાછા નથી પડવું, ક્યારેય એકલા નથી જીવવું અને ક્યારેય મૂંઝાઈ નથી મરવું...
jyotiu@gmail.com
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર