ઘરમાં કેવા વડીલો હોય તો તમને ગમે?

06 Jun, 2017
12:00 AM

જ્યોતિ ઉનડકટ

PC: hindustantimes.com

છેલ્લા કેટલાક અઠવાડિયાથી એકમેકનાં મન સુધીમાં આપણે ઘરનાં વડીલો અને આજની પેઢીની વાતો કરી રહ્યાં છીએ. આ સિરીઝ વાંચીને એક વાચકે કહ્યું, તમે એવું કેમ નથી લખતાં કે, ઘરમાં જે વડીલો રહે છે એ કેવા હોવા જોઈએ? એમણે કેવું વર્તન કરવું જોઈએ? સંતાનોએ એમના સંતાનો સાથે કેવી રીતે જીવવું જોઈએ? વડીલો બધા સભ્યોમાં બદલાવ ચાહે છે પણ એ વડીલો ખુદ બદલે કે સાથે જીવતાં લોકોને મજા આવે એ રીતે સ્પેસ આપે તો ઘણાં બધાં પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ જાય. 

ઘરમાં બે-ત્રણ જનરેશન જીવતી હોય, સાથે રહેતી હોય એટલે કેટલીક સમસ્યાઓ સામાન્યરીતે ઉદભવતી જ હોય છે. એ સમસ્યાઓનું સમાધાન દર વખતે થાય પણ નહીં. આવું થાય ત્યારે સમસ્યા વકરે છે. ઘરમાં એક છત નીચે રહેતા લોકોના મતભેદ બહુ જલદી મનભેદમાં પલટાઈ જાય છે. કોઈપણ ઘરમાં ક્યારેય પણ એક સંબંધમાં તકરાર થાય ત્યારે વાંક એક તરફી હોય જ ન શકે. હું જ સાચો કે હું જ સાચી એનો કક્કો ઘૂંટ્યે રાખવો એ વાતને વધુ વણસાવે છે.

લેખની શરુઆતમાં વાચકે પૂછેલાં સવાલો મેં ઘણાં બધાં લોકોને પૂછ્યાં. અલગ-અલગ જવાબો આવ્યાં. થોડીક વાતો અહીં સૌ સાથે શેર કરી રહી છું. એક વાચક લખે છે, મારા લગ્નને પચીસ વર્ષ થવા આવ્યાં. સાસુ સાથે રહે છે. સસરા ગૂજરી ગયાં છે. એ એવું જ માને છે કે, એમના દીકરાને એ સૌથી વધુ સારી રીતે ઓળખે છે. આખો દિવસ હું કામ કરું, નવરી થઈને બેસું. સાંજ પડે પતિ ઘરે આવે ત્યારે જ મારા સાસુ કામ કાઢે. દીકરાની સામે બઘું નાનું-મોટું કામ કરે રાખે. આમાં એમના દીકરાને તો એમ જ થાય છે કે મા જ ઘરનું કામ સંભાળે છે. વળી, લગ્નના પચીસ વર્ષમાં અમે હનીમૂન સિવાય ક્યાંય એકલા ફરવા નથી ગયાં. ઘરનું નાનામાં નાનું કામ હોય, રોજે રોજ કરવાનું હોય તો પણ રોજ એકની એક વાત કહે. આપણે જે કામ રોજ સહજતાથી કરતા હોઈએને તો પણ એ યાદ અપાવે જ છૂટકો કરે. 

વળી, બાળકોના ઉછેરની બાબતમાં પણ મતભેદ થયે રાખે. મારાં જ સંતાનોની સામે મને એવી ઉતારી પાડે કે છોકરાંવ પણ મારું માન નથી જાળવતા. જાણે સંતાન ઉછેરતા એમને જ આવડતા હોય એ રીતે મારી માથે હાવી થઈને એ રહે છે. મારાં છોકરાંવને હું કોઈ વાતે રોકું કે ટોકું કે કંઈ શીખવાડું એટલે એ એમનું જ્ઞાન પીરસવાનું શરૂ કરી દે. એવી રીતે વાત કરે જે જાણે એ જ સર્વગુણ સંપન્ન છે. મને પોતાને સ્વતંત્રતા નથી મળતી અને મારાં છોકરાઓ પણ મને સમજતા નથી. કોઈને કંઈ કહી શકતી નથી. હાલત એ છે કે, મારાં જ બાળકો મને હિટલર સમજે છે અને દાદીમાને બહુ લાગણીશીલ સમજે છે. હું પોતે પચાસ વર્ષ ઉપરની થઈ છું. સાસુ પંચોતેરના છે. પણ હજુ સુધી એમણે ઘરની નાનામાં નાની વાતમાં માથું મારવાનું મૂક્યું નથી. એમને એમ  જ લાગે છે કે, હું હજુ મોટી જ નથી થઈ. 

સતત આ પ્રકારના એમનાં વર્તનને કારણે મારી અંદર એટલી નેગેટિવિટી ભરાઈ ગઈ છે કે, મેં તો એવું નક્કી કર્યું છે કે, મારા બંને દીકરા કમાતા થશે અને પરણી જશે એટલે એમને જુદા જ કરી દઈશ. મારે મારી સાસુ જેવું નથી થવું. હું સતત એમને અણગમાથી જ જોઉં છું એવું મારી વહુ મારી સાથે કરે તો મને ન જ ગમે. મારાં સાસુમાંથી હું એટલું શીખી છું કે, હું વૃદ્ધ થઈશ ત્યારે એમની જેમ કચકચ નહીં કરું, છોકરાઓને એમની રીતે જીવવા દઈશ. મને સહજ લાગશે ત્યાં પણ મારી વાત વ્યક્ત કરતા પહેલાં હું સો વાર વિચાર કરીશ. મારે મારાં જ પોતાના લોકોમાં અણગમો કે અનવોન્ટેડ પર્સન નથી બનવું. જે મને નથી મળ્યું કે જે લાગણીઓનો  મને વસવસો છે એ મારાં પરિવારની બંને વહુઓને ન રહે એની હું દરકાર કરીશ. 

એક એનઆરઆઈ વાચક લખે છે કે, ગમે તે કહો ઘરની અંદર બે પેઢી જીવતી હોય એટલે જનરેશન ગેપ તો રહેવાનો જ છે. આ બે પેઢી એમની વચ્ચેના ગેપને ખાઈ બનાવે છે કે એ ગેપ ઉપર બ્રિજ બનાવે છે. એ યુવક લખે છે કે, મારી મમ્મીને એમ છે કે, એમણે મને ઉછેર્યો છે એટલે એમનો મારા ઉપર વધુ અધિકાર છે. પત્ની એમ કહે છે કે, હું મારું પિયર અને મારાં બધાં જ સગાંઓને મૂકીને અહીં આવી છું. તારી ઉપર મારો અધિકાર વધુ જ હોવો જોઈએ. વળી, વિદેશમાં દર વીક એન્ડ્ઝમાં પોતપોતાના ગ્રુપ સાથે બધાં ફરવા જાય. ત્યાં બધા યુગલો એકલા જ હોય અથવા તો એમની સાથે એમનાં બાળકો હોય. હવે, મારે સમસ્યા એ થાય છે કે, મમ્મી ધોખો કરે છે કે, તમે મને તમારી સાથે ફરવા નથી લઈ જતાં. બાળકો ટીનેજર છે એમને પોતાની રીતે ફરવું હોય છે. અમે બંને અમારાં મિત્રો સાથે હોઈએ છીએ. આમાં મારે કરવું તો શું કરવું? મને તો સમજાતું  જ નથી. પછી એક સગવડીયું સમાધાન શોધ્યું છે કે, મમ્મીને દેશમાં એ કહે ત્યાં એટલાં દિવસ સુધી ફરવા લઈ જઈશ. એકલો દીકરો પોતાના સંતાનોનું, પોતાની મમ્મીનું કે પોતાની પત્નીનું કોનું અને કેટલું સાચવે? વળી આ તમામ પાત્રો મને પોતપોતાની સમજ મુજબ માપતાં રહે છે. આમાં હું કંઈ પામું છું કે નહીં એ મને હજુ સુધી સમજાતું નથી. 

આમાં ખરી સેન્ડવીચ તો એ યુવાનની જ છે. વાંચનારા તમામ આ વાતને અનુભવતા હશે. સામી બાજુ જે વડીલો ઘરમાં છે એ પણ વિચારતા હશે કે, એ દીકરાની મા સાચી છે. બધા પોતપોતાને સુસંગત વાતોમાં પોતાનું બીબું ઢાળી દે છે. 

હકીકત એ છે કે, આપણે ત્યાં પરિવારની ભાવના જન્મથી જ આપણી અંદર જીવતી હોય છે. વળી, સો કોલ્ડ સોસાયટીની વાત પણ મન પર હાવી હોય છે  કે, મા-બાપ સાથે કંઈ પણ કરશું તો તેની નોંધ લેવાશે. આ ડર જ્યાં સુધી હાવી રહેશેને ત્યાં સુધી દિલમાંથી જે થવું જોઈએને એ થવાનું જ નથી. કોણ શું કહેશે એ કરતાં આપણે એવું વિચારીએને કે, આવું કરીશ  મારું દિલ શું કહેશે ? અને એ વાત જ સમજીએને તો દરેક પેઢીના એંસી ટકા સવાલોનો જવાબ એમને પોતાને જ મળી જાય. કોઈએ શું કરવું જોઈએ એની સલાહ આપણે આસાનીથી આપી દઈએ છીએ. આપણે આપણી વાત કે વાંક માટે વકીલ હોઈએ છીએ પણ સામેવાળા માટે આપણે જજ બની જતાં અચકાતા નથી. સૌથી પહેલાં તો આપણે આપણાં મનના અને વિચારોના જજ બનવું પડે પછી કોઈની તરફેણ કે વિરોધ કરી શકીએ.  સલાહ આપીને આદર્શ પરિસ્થિતિ ક્યારેય નથી આવતી. આપણી સમજણ જ આપણે કોઈને પસંદ છીએ કે નહીં, આપણે કોઈને માટે ઇરિટેટીંગ પર્સનાલિટી છીએ કે નહીં એ સમજાવતી હોય છે. ઘરમાં કેવા વડીલો હોય તો ગમે? એ કરતા તમારે કેવા વડીલ થવું છે એ તમારે નક્કી કરવાનું છે. 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.