પોતાના સંતાનો ઉપર પણ હક ન હોય તો શું કરવું?
‘એકમેકનાં મન સુધી’માં વાત કરી હતી કે, સાસરે ગયેલી દીકરી એના પરિવારને આર્થિક મદદ કરી શકે કે કેમ? આ વાતની ચર્ચામાં એક પ્રતિભાવ આવ્યો એ વિશે આ વખતે વાત કરવી છે. એ પ્રતિભાવ આપનાર વાચકનું નામ છે પ્રતીક.
પ્રતીક વિદેશમાં રહે છે. એ પોતે બહુ મહેનત કરીને આગળ આવેલો યુવક છે. વર્ક પરમિટ ઉપર વિદેશ ગયો. પ્રતીક અને એની પત્ની રીવાને પોતાના સંતાનો માટે પ્રતીકના માતા-પિતા સાથે બહુ જ દલીલો થાય છે. ઓફિસેથી ઘરે આવતો હોય ત્યારે એને રોજ એક જ ટેન્શન હોય છે કે આજે શું નવી માથાકૂટ થવાની હશે?
પ્રતીક લખે છે કે, મહેનત કરીને અહીં ઘરનું ઘર લીધું એ પછી મારા મા-બાપને મેં મારી સાથે રહેવા માટે બોલાવી લીધાં. હું અગિયારમા ધોરણમાં આવ્યો એ પછી ઘરે રહ્યો જ નથી. વધુ સારો અભ્યાસ થાય એ હેતુથી મને બહારગામ મોકલી દેવાયો. વેકેશનમાં હું મમ્મી-પપ્પા સાથે રહેતો. એમ કહોને કે હું ઘરના ઝૂરાપામાં જ જીવ્યો છું. એકનો એક દીકરો હોવા છતાંય મમ્મીએ મને એનાથી દૂર કરીને મારા સારા ભવિષ્ય માટે કાળજું કઠણ કરીને ભણવા મોકલ્યો. એ બંને સરકારી નોકરી કરે અને ટ્રાન્સફર થઈ શકે એવી એમની નોકરી ન હતી. આથી મારે જ વેકેશનમાં આવીને એમની સાથે રહેવાનું બનતું.
ભણવાનું પૂરું થયું એ પછી વિદેશમાં સારો ચાન્સ હતો એટલે હું વિદેશ આવી ગયો. મમ્મી-પપ્પા રિટાયર્ડ થઈ ગયા. વિઝા અને તમામ વિધિઓ પૂરી કરીને મેં એમને મારી પાસે બોલાવી લીધાં. મને થયું કે હવે અમે ત્રણેય સુખેથી સાથે રહીશું. મમ્મીએ વિદેશમાં આવીને મારું ઘર સેટ કર્યું. મેં ઘણું બધું વસાવી લીઘું હતું. પણ મમ્મી આવી પછી મારું મકાન ઘર બન્યું. જો અહીંની વેધર અનુકૂળ આવે તો લાંબો સમય રહેશે એવું નક્કી કરીને મેં એમને મારી સાથે રહેવા બોલાવ્યાં. જતે દહાડે એમને સિટીઝનશીપ પણ મળી ગઈ. વતનનું ઘર એમનું એમ જ રાખ્યું છે. મમ્મી-પપ્પા બંનેને એકબીજાંની કંપની છે આથી વાંધો નથી આવતો. હું એવું પણ વિચારું છું કે, એ બંનેની તબિયત સારી છે, પોતાની રીતે હરી ફરી શકે છે એ બધાં જ દિવસો મારા માટે તો બોનસ જેવા જ છે.
મમ્મી-પપ્પાની મરજીથી અને એમની શોધેલી, વિદેશમાં સ્થાયી થયેલી અમારી જ જ્ઞાતિની રીવા સાથે મેં લગ્ન કર્યાં. લગ્ન જીવન દરમિયાન અમને ટ્વિન્સ દીકરો અને દીકરી આવ્યાં. રીવા અને હું બંને નોકરી કરીએ એટલે નેચરલી બંને બાળકોની મોટાભાગની જવાબદારી મારા મમ્મી-પપ્પા માથે જ છે એવું કહું તો વધુ યોગ્ય ગણાશે.
હવે, વાત એમ છે કે, બાળકોને કેમ ઉછેરવા એ અંગે અમારે સમસ્યા થાય છે. બંને બાળકો સાત વર્ષના થઈ ગયાં છે. અમે બંને કામ કરીએ આથી દિવસના અમે બંને બાળકો સાથે બહુ જ ઓછો સમય ગાળી શકીએ છીએ. એ ઓછા સમયમાં પણ અમારે ચારેયને દલીલો સિવાય કંઈ નથી થતું. બાળકોને શું ખવડાવવું, શું શીખવાડવુંથી માંડીને નાનામાં નાની વાતે અમારો એક મત નથી હોતો. આ બાબતે ઘરમાં રોજ બબાલ થાય છે. એવું નથી કે, મારે જ મમ્મી પપ્પા સાથે મતભેદ થાય છે. રીવાને પણ એવું જ થાય છે. વાત ત્યાં સુધી પહોંચી જાય છે કે મમ્મી તો એવું જ બોલી દે છે કે, અમને બંનેને બાળકોના ઉછેરમાં કંઈ ખબર નથી પડતી.
પપ્પા વળી એમ કહેવા લાગ્યા છે કે, જો અમારું ન ચાલવાનું હોય તો પછી હવે અમે અમારે ઘરે જતાં રહીએ. હું એકપણ વખત એવું નથી બોલ્યો કે પપ્પા મમ્મીને પોતાને ત્યાં જવાનો વિચાર પણ આવે. ઘરમાં અલગ-અલગ સ્વભાવના લોકો હોય તો મતભેદ થવા સ્વભાવિક છે.
અમારા સંતાનોને ઉછેરવા અંગે અમારું કંઈ ન ચાલે એ તો કેવી રીતે સહન થાય?
પ્રતીકની પત્ની રીવાના મતે, બાળકો નહોતાં થયાં ત્યાં સુધી ઘરમાં બધું ઓકે ચાલતું હતું. જેવો બંને બાળકોનો જન્મ થયો કે, મને ફાલતુ જેવી વાતે રોકટોક કરવામાં આવે છે. પહેલાં તો એમ જ બોલી ગયાં કે, ટ્વીન્સ તારાથી નહીં સચવાય. અરે, મારા બાળકો છે એની જવાબદારી હું નહીં નિભાવી શકું તો કોણ નિભાવશે? કેવી રીતે ઉંચકવા, કેવી રીતે નવડાવવાથી માંડીને તમામે તમામ વસ્તુઓ મેં જાણે કોઈ દિવસ જોઈ ન હોય કે શીખી ન હોય એ રીતે મને કહેવામાં આવી. જતું કરી કરીને હું કેટલું જતું કરું? હવે બંને સાત વર્ષના થઈ ગયાં છે. બંને બાળકો સમજે છે કે, એ બંને માટે અમારે ચારેયને માથાકૂટ થાય છે.
ગંભીરતા એ વાતની છે કે, હજુ થોડાં દિવસ પહેલાં એ બંને એવી ચર્ચા કરતાં હતાં કે, આપણે દાદા-દાદી કહે એમ કરવાનું કે મોમ-ડેડ ચાહે એમ? ઘરના વડીલો એમની જગ્યાએ સાચાં હશે પણ એક હદથી વધારે અમારા જ બાળકોની જિંદગીમાં એમની સલાહ અમને બંનેને દખલગીરી લાગે છે. છોકરાંવની સામે જ અમને કહી દે છે, તમને ખબર નહીં પડે!
હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે એક વખત વાતવાતમાં દીકરો પ્રતીકને એવું બોલી ગયો કે, ડેડ આઇ વીલ લર્ન ફ્રોમ દાદુ. લીવ ઇટ. વાત એમ છે કે, પોતાના જ પિતાને એ અન્ડરએસ્ટીમેટ કરે છે. એના મતે દાદાજી સૌથી હોશિયાર વ્યક્તિ છે.
મજાની વાત એ છે કે, આ પરિવારમાંથી કોઈને કોઈનાથી જુદાં નથી થવું. બધાંને રહેવું છે તો સાથે જ. મતભેદ છે પણ એ મનભેદ સુધી નથી પહોંચ્યા. પ્રતીક અને રીવા કંઈ એવા અણસમજુ પણ નથી કે, એમને સંતાન ઉછેરમાં કંઈ ખબર ન પડે. અહીં મા-બાપ વધુ પડતો પોતાનો હક જતાવીને કંઈ જતું જ નથી કરી શકતાં. પોતાના જ મા-બાપ હોવા છતાં અહીં આ યુગલ વધારે પડતો સંયમ દાખવીને કદાચ પોતાના જ સંતાનનું અજાણતા અહિત કરી રહ્યાં છે.
વડીલો હોય એટલે એ સાચાં જ હોય એવું જરુરી નથી. નવા-સવા મા-બાપ બનેલાં યુગલને પણ એના સંતાનોને ઉછેરવાની એમના ઉછેરની ભૂલોમાંથી શીખવાની તક મળવી જોઈએ. કોઈપણ સમજુ યુગલ સંતાનને બહુ વિચારીને પોતાની દુનિયામાં લઈ આવ્યું હોય છે. સંતાનને ઉછેરવાના પોતાના અરમાન પણ હોવાના. એ સેવેલાં સપનાં સાકાર ન થાય ત્યારે દુઃખ તો થવાનું જ છે.
પ્રતીક અને રીવા બંનેએ હવે મોટાં થઈ રહેલાં સંતાનોને ખાતર મા-બાપ સાથે વાત કરવી જોઈએ. દલીલો, ઝઘડાં અને મતભેદની નવી પેઢી જે ઘરમાં ઉછરી રહી છે તેમની ઉપર સૌથી વધુ ખરાબ અસર થવાની છે. વૃદ્ધ થઈ રહેલાં મા-બાપ આખી જિંદગી પૌત્ર-પૌત્રીની સાથે નથી રહેવાનાં. મા-બાપ સાથે પણ એ સંતાનો ક્યાં આખી જિંદગી રહેવાના છે. હજુ કુમળી વયના જ છે ત્યાં થોડી વાતો ક્લિયર થવી બહુ જ જરુરી છે. ઉછરી રહેલાં બાળકોના મનમાં પોતાના જ મા-બાપ માટે આદરની ફીલિંગ ન આવે તે યોગ્ય નથી. અહીં બધાં જ લોકો એ સાત વર્ષના બાળકોને સૌથી સરસ જિંદગી આપવા માગે છે. પણ પોતે સાચાં છે એ ખેંચતાણમાં સરવાળે બગડે છે એ બાળકોનું. કોણ સાચું છે કે કોણ ખોટું એ વાત મહત્ત્વની નથી. પોતાના સંતાનોનો ઉછેર પોતે ચાહે એમ ન થઈ શકે ત્યારે વાત અને સંવાદથી ઉકેલ લાવવો જરૂરી છે. કદાચ અત્યારે મા-બાપને પોતાના મનની વાત પ્રતીક અને રીવા કરશે ત્યારે એમને ખરાબ લાગશે. દુઃખ થશે. પણ આગળની જિંદગીમાં એ બંને માટે જ સફર આસાન થઈ જશે. પોતાની જાતને આખી જિંદગી દોષ આપવા કરતાં એક વખત સ્પષ્ટ થઈ જવામાં ખોટું શું છે?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર