હમસફર સાથે હોય છતાંય સાથે ન હોય ત્યારે...

17 Jan, 2017
12:00 AM

જ્યોતિ ઉનડકટ

PC: picdn.net

સપ્તપદીના ફેરા ફરતી વખતે એકબીજાને આપેલા વચનો સતત તમને કોઈ યાદ નથી અપાવવાનું. એ વચન પ્રમાણે સોએ સો ટકા જિંદગી જીવાતી પણ નથી હોતી. બે અલગ- અલગ ઘરોમાં જુદી – જુદી વિચારસરણી વચ્ચે ઉછરેલી બે વ્યક્તિ સફળ સંસાર જ ચલાવી શકે એ પણ સત્ય નથી. ઘણાં કિસ્સાઓમાં તો અશક્ય પરિસ્થિતિ પણ જીવાતી હોય છે. તો કેટલાંક કિસ્સાઓમાં હમકદમ બનેલી જિંદગીઓ ઢસડાતી હોય છે. પોતે બાંધેલા જવાબદારીપૂર્વકના સંબંધમાં જિંદગી જ ન રહે એ કદીય કોઈએ વિચાર્યું નથી હોતું. દરેક લગ્ન હંમેશાં સફળ જાય એ હેતુથી જ એ લગ્નસંસ્કાર થતા હોય છે. કોઈ યુગલ કદીય છૂટાછેડા લેવા માટે લગ્ન કરતાં જ નથી હોતાં. વાત આજે છૂટાછેડા વિશે નથી કરવી, અલગ પડી ગયેલાં યુગલ વિશેની વાત પણ નથી. વાત આજે કરવી છે, એક વ્યક્તિ બહુ આગળ વધી ગ છે અને એક વ્યક્તિ ત્યાંની ત્યાં જ જીવે છે એની. અંતર એટલું બધું વધી ગયું છે કે, પરિસ્થિતિ સ્વીકારીને આ જિદંગી જીવાઈ રહી છે. તેમાં કોઈ જીવંતતા નથી રહી.

વાત એક યુગલની છે. આ યુગલનું એરેન્જડ મેરેજ છે. લગ્નને અઢાર વર્ષ થઈ ગયા છે. સોળ અને બાર વર્ષની  ઉંમરના બે દીકરાના મા-બાપ એવાં આ યુગલ વચ્ચે લગભગ દસેક વર્ષથી અંતર થવા લાગ્યું. આ અંતર આજે એટલું બધું વધી ગયું છે કે, એક સમયે મેઈડ ફોર ઈચ અધર કહેવાતાં યુગલને જોઈને આજે લોકો એવું બોલી ઊઠે છે કે, ક્યાં પરેશ અને ક્યાં રીના? જો તો ખરાં!

પરેશ અને રીના બંને એક જ સોસાયટીમાં રહેતાં. સાથે ભણ્યાં અને આગળ વધ્યાં. બંનેના પરિવારો વચ્ચે બહુ જ સરસ સંબંધો હતાં. વેકેશનમાં સાથે ફરવા જવાનું પ્લાનિંગ હોય કે પછી પોતાના સંતાનોનું ક્યાંય સગપણ કરવાનું હોય આ બંને અલગ-અલગ ઘરોમાં જીવતાં લોકો જાણે એક પરિવાર હોય એવું લાગે.

પરેશ અને રીના બારમા ધોરણ સુધી એક જ શાળામાં એક જ કલાસમાં ભણ્યાં. વધુ અભ્યાસ માટે બંને મોટાં શહેરમાં ભણવા ગયા. પરેશ એમબીએ ભણીને એક પ્રાઈવેટ ફર્મમાં કામે લાગ્યો. બહુ નજીવા પગારે એ કંપનીમાં જોડાયેલો પરેશ આજે એ જ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સ્થાન ધરાવે છે. રીના પણ સાયન્સ ગ્રેજ્યુએટ થઈ. થોડો સમય નોકરી કરી પણ લગ્ન પછી એ હોમમેકર તરીકે જિંદગી જીવે છે.

એક જ સોસાયટીમાં રહેતા પરિવારજનોને ખબર હતી કે, પરેશ અને રીનાને એકબીજાં સાથે બહુ બને છે. બંને વચ્ચે સ્નેહભર્યાં સંબંધો છે એ સ્નેહના સંબંધને એ બંનેની સંમતિ સાથે જ પરિણયમાં જોડવાનું નક્કી થયું.

શાળામાં ભણતા ત્યારથી પરેશ રીનાની આવડતથી બહુ જ પ્રભાવિત રહેતો. વકતૃત્વ સ્પર્ધા હોય કે ગરબા રમવાની વાત હોય, કુકિંગ કમ્પિટિશન હોય કે પછી સ્કૂલમાં લીડરશીપ લેવાની વાત હોય રીના આખા કલાસમાં સૌથી આગળ જ હોય. કેટલીય વખત કલાસરૂમના ફ્રી પિરિયડમાં કોઈ રાજકીય મુદ્દે ચર્ચા ચાલતી હોય ત્યારે બધા બોયઝ વચ્ચે રીના એકલી બેન્ચ ઉપર હાથ પછાડી પછાડીને ચર્ચા કરતી હોય. પોતે જે વિચારે છે એ શા માટે સાચું જ છે એની ઉગ્ર દલીલો કરતી હોય. એ ભણતી ત્યારે એવું લાગતું કે, રીના એની જિંદગીમાં કંઈક બનશે.

પરેશ કહે છે, અમારાં બંનેનાં વિચારો કે વિચારો કે પ્રકૃતિ એકસરખા નથી. અમે બંને એકબીજાથી બહુ જ અલગ છીએ. છતાંય અમને બંનેને એકબીજા સાથે બને ખૂબ જ. બંનેનાં વર્તનમાં એકમેક માટે માન પણ એટલું અને અમારા સંબંધમાં મોકળાશ પણ એટલી જ છે.

સ્વભાવિકપણે આપણને સવાલ થાય કે, તો પછી પ્રોબ્લેમ ક્યાં છે?

પરેશ કહે છે, મોટા શહેરમાં મારું પોસ્ટિંગ થયું. એટલે અમે ત્યાં શિફ્ટ થયાં. અમારી જિદંગી શરું થઈ. લગ્નના બે વર્ષમાં મોટો દીકરો અને એ પછી અમે બીજા દીકરાના પણ મા-બાપ બન્યાં. આ બાજુ મારી કંપનીમાં મને કામ કરવાની તકો મળતી ગઈ. પહેલા ગુજરાતમાં અને ત્યાર બાદ આખા દેશમાં અને હવે તો હું વિદેશની કંપનીઓ પણ સંભાળતો થઈ ગયો છું. સતર હજારના પગાર સાથે મેં નોકરી શરું કરેલી ત્યાં આજે હું માલિકની સમકક્ષ પહોંચી ગયો છું. હું મારી કરિયરથી બહુ જ ખુશ છું. મેં ધાર્યું ન હતું એટલી સફળતા મને મળી છે. ઘર તથા પરિવારજનોને બહુ જ સરસ મજાની સવલતો સાથેની જિદંગી આપી શક્યો એનો મને સંતોષ છે. પણ રીના હજુ ત્યાંની ત્યાં જ છે.

લગ્ન કરીને આવ્યા ત્યારે રીનામાં એક થનગનાટ હતો. એને નોકરી કરવાની છૂટ હતી પણ એણે સ્વૈચ્છાએ નોકરી મૂકી દીધી. સંતાનોના જન્મ બાદ તો જાણે એ જ એમની દુનિયા થઈ ગયા છે. એકસમયે હું એની પ્રાયોરિટીમાં ટોચ ઉપર હતો. આજે એની પ્રાયોરિટીઝમાં પહેલા નંબરે મારા બંને દીકરાઓ પછી મારા અને એનાં પેરેન્ટ્સ અને પછી જો સમય મળે તો હું આવું છું. કરિયરની સીડીનો ગ્રાફ સતતને સતત ઉપર ચડી રહ્યો છે. પણ ઘરના મોરચે હું ક્યાંયનો નથી રહ્યો. રીના મને મારી સાથે સતત જોઈતી હતી. બિઝનેસમેનની પારિવારિક પાર્ટીઝ હોય કે પછી અમારા ઘરે કે બીજા કોઈના ઘરે પરિવારજનોનું ગેટ ટુ ગેધર હોય ત્યાં મને રીના સાથે હોય પણ જે રીના સ્કૂલના સમયમાં હતી એ રીના સંસારની પળોજણમાં ક્યાંક ખોવાઈ ગઈ હતી. કેટકેટલીય ચર્ચાઓ ચાલતી હોય ત્યારે મૂંગી બેઠેલી રીનાને જોઈને મને જીવ બળી જાય છે. મારી અંદર રહેલી ઈન્ટેલેક્ચ્યુલ ભૂખને સંતોષે એવી રીના એકમાત્ર વ્યક્તિ છે. ઓફિસનું ટેન્શન હોય કે કોઈ ખુશી આપે એવી વાત હોય લગ્નની શરૂઆતના ગાળામાં રીનાને મારી સાથે બેસાડીને હું એને બધી જ વાત કરતો. સમયાંતરે એ જવાબદારીઓની બેડીમાં એટલી બધી જકડાઈ ગઈ કે હવે એ રીનાને હું શોધતો રહું છું. કેટલીયવાર તો એવું લાગે છે કે, જે રીનાથી હું પ્રભાવિત હતો એ રીના કોઈ સપનું હતી કે શું?

એ રીનાને શોધવા માટે હું શું કરું?

પરેશની જિદંગી એક નહીં અનેક સવાલો વચ્ચે અટવાયેલી છે. વળી, પરણીને આવેલી સ્ત્રી ઉપર જવાબદારીઓ પણ ઓછી નથી હોતી. કેટલીક સ્ત્રીઓ એનામાં રહેલી મલ્ટીટાસ્કિંગ આવડતને બખૂબી જીવી જાણે છે તો કેટલીક સ્ત્રીઓ પોતાની એ આવડતને ભૂલી જતી હોય છે. પરેશ જે રીનાને ચાહતો હતો એ રીના એને હવે મળતી નથી. પોતાના કદમ બહુ આગળ વધી ગયા છે હવે એણે એટલું જ કરવાનું છે કે, રીનાને પોતાની સાથે લઈ આવવા માટે રીનાને સમય આપવાનો છે. કદાચ રીના પણ એવું ચાહતી હોય કે એ પરેશ સાથે અગાઉની જેમ જ જીવે પણ જવાબદારીઓ એને અટકાવતી હોય. જવાબદારીઓ અટકાવતી ન હોય તો કદાચ રીના જેમ જીવાય છે એને જ જિદંગી માની બેઠી હોય એવું પણ બને. આ સંજોગોમાં પરેશે સામેથી જ રીના સાથે વાત કરવી જોઈએ. રીનાના કદમ પાછળ રહી ગયા છે એમાં ક્યાંક પરેશ પણ એટલો જ જવાબદાર છે. ઘર અને પરિવાર  રીનાએ સંભાળી લીધું એટલે જ પરેશ પોતાની કરિયર ઉપર વધુ ધ્યાન આપી શક્યો હોય એવું પણ બને. પરેશે રીના સાથે શાંતિથી બેસીને વાત કરીને આ અસમંજસનો ઉકેલ લઈ લાવવો જોઈએ. ખરેખર તો આમાં રીનાને થોડાં કમ્યુનિકેશનની જ જરૂર છે. પાછર રહી ગયેલાં હમસફરના કદમ થોડાં જ પ્રયત્નોથી હમકદમ બની જશે એ વાતમાં બે મત નથી.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.