તમે દીકરા દીકરીને સમાન સંપત્તિ આપશો?
સુપર સ્ટાર અમિતાભ બચ્ચને એક સાઈનબોર્ડ સાથે તસવીર ખેંચીને સોશિયલ મિડીયામાં વહેતી કરી. તેમણે એવું કહ્યું કે, મારા મૃત્યુ પછી મારી સંપતિના બે હિસ્સા થશે. પચાસ ટકા સંપતિ દીકરા અભિષેકને અને પચાસ ટકા સંપતિ દીકરી શ્ર્વેતાને મળશે. મોટા લોકોની મોટી વાતો બધાંએ બહુ વખાણી. પણ એ વાતમાંથી પ્રેરણા બહુ ઓછાં લોકો લે છે.
આજે પણ એવાં સેંકડો પૈસાદાર પરિવાર છે જેમના મોભી વસિયત બનાવવાની બાબતે અમિતાભ બચ્ચન જેટલાં સજાગ નથી. બધાં એવું જ માને છે કે, એમ કંઈ થોડું થઈ જવાનું છે? અચાનક કંઈક થઈ જાય અને પછી એમની સંપતિ માટે પરિવારજનો એકબીજાં સાથે કોર્ટમાં બાખડે ત્યારે એ વ્યક્તિનો આત્મા તો કકળતો જ હશે. સંપતિ અંગે જીવતેજીવ ક્લિયર કરી દેવામાં કે કહી દેવામાં કે લખી દેવાની ફિલોસોફી આપણે ત્યાં કોઈને ગળે જ નથી ઉતરતી.
મોટા શહેરમાં રહેતા એક પરિવારની વાત છે. એ પરિવારનો મોભી પોતાની મહેનતે આગળ આવ્યો છે. શૂન્યમાંથી સર્જન કરીને એ કરોડપતિ બન્યો છે. એને બે દીકરા અને બે દીકરીઓ છે. એ પિતા પણ દીકરા- દીકરી સમાનની ફિલોસોફીમાં માનનારા છે. પરિવારનો મેળાવડો હોય કે કોઈ પ્રસંગે કે કોઈના ખાસ દિવસો બર્થ ડે કે એનિવર્સરીનું સેલિબ્રેશન હોય ત્યારે સાસરે ગયેલી બંને બહેનો પિયર આવે.
એ પરિવારના મોભી અને એમના પત્નીની તબિયત બહુ જ સરસ રહે છે. બંને પંચોતેર પ્લસ છે. બંનેની તબિયત એકદમ સરસ રહે છે. આ પરિવારમાં એક વખત બધાં એકઠાં થયેલાં અને બંગલાના ગાર્ડનમાં બેસીને વાતો કરતાં હતાં. અચાનક જ પિતાની પ્રોપર્ટીની વાત નીકળી. એ વડીલે એવું કહ્યું કે, ‘મારી પ્રોપર્ટીના ચાર ભાગ પડશે. મારી બંને દીકરીઓ પણ એમાં સરખા હિસ્સાની ભાગીદાર રહેશે.’ આ પરિવારમાં આમ બહુ નિખાલસ વાતાવરણ રહે. કોઈને કંઈ ખરાબ લાગશે કે કોઈનું મોઢું ચડી જાય એવું બહુ બને નહીં. મહિનામાં એક વખત તો બધાં દીકરી-જમાઈ, દીકરો-વહુ અને મા-બાપ એક ડિનર માટે એકઠાં થાય જ.
આ સાંભળીને સૌથી મોટી બહેન રમાએ પોતાના મનની વાત કહી. રમાએ પપ્પા સામે જોઈને કહ્યું, ‘પપ્પા તમારી કરોડોની પ્રોપર્ટીના અમને વારસદાર ગણાવો છો એ અમને ગમે બહુ સ્વભાવિક વાત છે. પણ તમે અમને તમારી જવાબદારીઓમાં પણ સરખે ભાગે હિસ્સેદારી આપો તો અમને વધુ ગમે. તમે અને મમ્મી હવે મોટાભાગે ઘરે જ રહો છો. તમે બંને બહુ પ્રવાસ કરો છો. તેમ છતાંય ક્યારેક માંદે-સાજે તમે અમને તમારી સેવા કરવાનો મોકો આપો. બંને ભાભીઓ કંઈ બોલતી નથી. પણ એમનેય બ્રેક મળવો જોઈએ એવું હું તથા નાની બહેન બંને માનીએ છીએ. કેમકે અમે પણ કોઈ પરિવારની પુત્રવધૂ છીએ. ત્યાં અમને પણ સાસુ-સસરાની જવાબદારીમાંથી થોડો બ્રેક મળે તો સારું લાગે છે. બીમાર પડો ત્યારે અમે મહેમાનની જેમ ખબર પૂછીને નીકળી જઈએ. હવે એવું નહીં ચાલે. તમે અમારા બંનેના ઘરે વરસના અમુક દિવસો રોકાવા આવશો તો જ અમે તમારી વાત માનીશું. રુપિયાની હિસ્સેદારી બધી દીકરીઓને લેવી હોય છે. પણ મા-બાપની સારસંભાળની વાત આવે એટલે એ જ હિસ્સામાં હક જતાવતી દીકરી એવું કહી દે કે, હું તો સાસરે છું. મારા સાસરે મા-બાપ આવે તો લોકો શું કહેશે? આ લોકો શું કહેશેને એની પળોજણમાં હું અને નાની બહેન નથી પડવા માંગતા. આપણે સૌ બેઠાં છીએ અને બહુ સહજતાથી વાત નીકળી એટલે મેં મારા મનની વાત કહી દીધી. મજાની વાત એ છે કે, આ વાત વ્યક્ત કરવા કે આવો વિચાર રજૂ કરવા માટે મેં મારા પતિને કંઈ કહ્યું પણ નથી અને પૂછ્યું પણ નથી. કેમકે મને એવું લાગે છે કે, દીકરી-દીકરા એકસમાનનું ગીત ગાવાથી કંઈ જ ભલીવાર થવાની નથી. એ પ્રમાણે તમારે વર્તન પણ કરવું પડે. એ મુજબ તમારે જીવવું પણ જોઈએ. અમે ચારેય ભાઈ-બહેન છીએ. એમના બે-બે સંતાનો મળીને કુલ આઠ સંતાનો છે. એ પેઢીને પણ મા-બાપમાંથી ગ્રહણ કરવાની ખબર પડે એવું વર્તન અમારાંથી થવું જોઈએ.’
આખું ઘર મોટીબહેનની વાત શાંતિથી સાંભળતું હતું. એમની વાત પૂરી થઈ કે, નાનકડાં દીકરાની વહુ ઊભી થઈ એને એણે નણંદની વાતને તાળીઓથી વધાવી લીધી. એ કહે છે, ‘મોટીબહેન તમારા જેવી વિચારસરણી બધાંમાં હોય તો કોઈ પ્રશ્ર્નો જ ન ઉભા થાય. તમે તો અમને સાવ હળવા કરી દીધાં. આ પપ્પાજીના સંસ્કાર જ છે જે તમારા મોઢેથી વાત બનીને નીકળી રહ્યાં છે. તમારામાંથી મને અને મોટાભાભીને પણ શીખવા મળ્યું કે, વહુ બનીને જાવ એટલે પિયરમાંથી સંપતિમાં હિસ્સો લેવા પૂરતો જ સંબંધ ન રાખવાનો હોય બીજા સંબંધો અને એની જવાબદારીને પણ જીવવાના હોય.’
બીજા એક પરિવારની વાત છે. એ પરિવારમાં ચાર દીકરીઓ છે. એક દીકરીએ પોતાની પસંદગીની વ્યક્તિ સાથે જીવન વીતાવવાનું પસંદ કર્યું. એ ઘટનાને આજે સોળ વર્ષ થઈ ગયાં છે એ ઘરની એકપણ સભ્યએ પોતાની પસંદગીની વ્યક્તિ સાથે જીવન વીતાવનાર દીકરી સાથે સંબંધ નથી રાખ્યો. એ યુવતીના પિતાએ વિદાય લીધી. અલબત્ત એ વસિયત બનાવીને ગયાં છે. જેમાં એમણે ચારેય દીકરીઓના નામ લખ્યાં છે અને એવું લખ્યું છે કે, મારી સંપતિના પાંચ હિસ્સા છે. ચાર દીકરી અને એક હિસ્સો મારી પત્નીનો. હવે, અબોલા છે એ દીકરીના નામ ઉપર ચેકો મૂક્યો છે. અને એના ઉપર સહી કરી નથી. આથી કોઈપણ સંજોગોમાં એ વસિયત કાયદાની વ્યાખ્યામાં વેલિડ ન ગણાય. બધી જ બહેનોને પ્રોપર્ટીમાંથી એ એક બહેનને ભાગ નથી આપવો. એટલે કોઈને કંઈ ખબર જ નથી એમ જિદંગીને વહેવા દે છે. દીકરા-દીકરી સમાનની વાત તો પછી આવે છે અહીં એક બહેન બીજી બહેનને એના હકનો હિસ્સો આપવા પણ રાજી નથી.
તો વળી, મુંબઈમાં રહેતા એક પરિવારની વાત જ સાવ જુદી છે. એ પરિવારમાં બે દીકરીઓ અને એક જ દીકરો. મા-બાપને ઠીકઠીક કહી શકાય એવી પ્રોપર્ટી છે. દીકરાને મા-બાપ સાથે ફાવતું નથી અને મા-બાપને પણ પુત્રવધૂ દીઠી ગમતી નથી. બંને દીકરીઓ સાસરે છે. મા-બાપનું ધ્યાન રાખવાનું હોય કે, દવાઓ કે હેલ્થ ચેક અપનું ફોલો અપ હોય, કામવાળાનો પ્રોબ્લેમ હોય કે પછી ઘરના વોશિંગ મશીનનો પ્રોબ્લેમ હોય બેમાંથી એક દીકરી મા-બાપ પાસે એ પ્રોબ્લેમ સોલ્વ કરવા પહોંચી જ જાય. હવે મા-બાપની ઉંમર થઈ છે. એટલે કોઈપણ એક દીકરી તો અડધો દિવસ એમની સાથે રહેવાનું પસંદ કરે જ છે. સામી બાજુ દીકરો અને વહુ એના કામમાં બિઝી હોવાનું બહાનું કરીને મા-બાપની સારસંભાળ લેવાનું ટાળે છે.
હવે વાત આવે છે મુદ્દાની. પ્રોપર્ટીની વાત નીકળે ત્યારે એ પુત્રવધૂ સાસુને ટકોર કરે કે, ‘તમારી પ્રોપર્ટી ઉપર દીકરીઓનો કોઈ અધિકાર નથી. તમારે બધું અમને જ આપીને જવાનું છે.’
તેની સામે ભાઈ એવી અપેક્ષા રાખે છે કે, બંને બહેનો સામેથી કહે કે, એમને પ્રોપર્ટીમાં કંઈ જોઈતું જ નથી. તો વળી, પિતાને તો બધી જ પ્રોપર્ટીનું કોઈ ટ્રસ્ટ બનાવીને ધર્માદામાં આપી દેવું છે. જ્યારે હકીકત એ છે કે, મા-બાપની સેવા કરતી દીકરીઓ વેલસેટ છે. એમને મા-બાપની પ્રોપર્ટીમાં કોઈ રસ નથી. પણ ભાઈ-ભાભીનું મા-બાપ ઉપરનું પ્રોપર્ટી માટેનું ટોર્ચર એમનાથી સહન નથી થતું. એ બંને કહે છે, ‘મમ્મી-પપ્પાને જેમ કરવું હોય એમ કરે. આપે તો ઠીક છે ન આપે તો અમને કોઈ વાંધો નથી. પણ સેવા ન કરવી અને માવની આશા રાખવી એ વધુ પડતું છે. જવાબદારી ન નીભાવવી પણ જરમાં ભાગ જોઈએ એ તો કેમ ચાલે?’
આટલાં કિસ્સાઓ પછી આપણે એટલું તો કહી શકીએ કે, બધાં લોકો અમિતાભ બચ્ચનની જેમ સમજે એવાં હોય તો કેવું સારું. સંતાનો પણ સંપતિમાં ભાગની આશા રાખે એ કરતાં સ્નેહના ભાગની આશા કેમ ન રાખી શકે?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર