અલ્લાહ ઝીલાઈ બાઈ: 'કેસરીયા બાલમ' બન્યું રાજસ્થાનનું ઈન્વીટેશન કાર્ડ

04 Feb, 2018
07:01 AM

સૈયદ શકીલ

PC: khabarchhe.com

આજે ગઝલાઈયાઁમાં લખવાની ઈચ્છા થઈ છે રાજસ્થાનના પોપ્યુલર લોક ગીત કેસરીયા બાલમ વિશે. આમ તો અલ્લાહ ઝીલાઈ બાઈની જન્મ જયંતિ પહેલી ફેબ્રુઆરીએ ગઈ. અલ્લાહ ઝીલાઈ બાઈ વિશે બહુ ઓછાને ખબર હશે કે આ બાઈનું રાજસ્થાની લોક ગીત અને લોકસંગીતમાં શું પ્રદાન છે?

રાજસ્થાન એટલે ગુજરાતનું પડોશી રાજ્ય છે. રણ પ્રદેશની રણભેરી સાથે સતત નવાંગતુકો માટે રાહ જોતાં ગળામાં ઘંટ બાંઘેલા ઉંટો જોવા મળે છે. ક્યારેક દાલ બાટી ચૂરમા રાજસ્થાની મિષ્ટાન્નની ઓળખ બની ગયા છે. આ ઉપરાંત રાજસ્થાનને બલિદાન, શૌર્ય અને અદમ્ય સાહસ અને રંગ-રંગીલી સંસ્કૃતિ માટે પણ યાદ કરવામાં આવે છે. 

રાજસ્થાનની વાત નીકળે તો કેસરીયા બાલમ ગીત હવે તેનું પર્યાય બની ગયું છે. ઢોલા-મારુની પ્રેમ કથાથી જોડાયેલું આ લોકગીત ન જાણે કેટલીય સદીઓથી રાજસ્થાનની માટીની રજે રજમાં વ્યાપ્ત છે. આ ગીતને સન્માનના ઉચ્ચ શિખરે પહોંચાડનારી મહિલાનું નામ હતું અલ્લાહ ઝીલાઈ બાઈ. અલ્લાહ ઝીલાઈ બાઈને આખુંય જગ  મરુ કોકીલા અને બાઈજીના નામે ઓળખે છે. અલ્લાહ ઝીલાઈ બાઈના ભીના ભીના સ્વર રેતાળ રાજસ્થાનમાં વરસાદના અભાવને દુર કરી દેનારા હતા. કહેવાય છે કે મરુથલની આ દિકરીના મુલાયમ સ્વર જ્યારે સન્નાટેદાર રણ પ્રદેશમાં ગૂંજતા તો સૂક્કીભઠ્ઠ ધરાના હોઠને તૃપ્તિનો અદકેરો અનુભવ થતો હતો.

અલ્લાહ ઝીલાઈ બાઈએ કેસરીયા બાલમ ગીતને બિકાનેરના મહારાજા ગંગાસિંહના દરબારમાં ગાયું હતું. આ એ જ ગંગાસિંહ છે જેમણે પ્રથમ વિશ્વયુધ્ધમાં અંગ્રજી લશ્કર સાથે જોડાયા અને ગંગા રી શાલા નામથી ઉંટોનું લશ્કર બનાવ્યું હતું. તેમના આ પરાક્રમના કારણે પ્રથમ અને દ્વિતીય વિશ્વ યુધ્ધ બાદ ઉંટોને ભારતીય લશ્કરમાં સામેલ કરવામાં આવ્યા.

મહારાજા ગંગાસિંહે પોતાના શાસનકાળ દરમિયાન લોક કલ્યાણના અનેક કાર્યો કર્યા હતા. તેમના બે અવિસ્મરણીય યોગદાન માટે રણ પ્રદેશ હંમેશ તેમનું ઋણી રહેશે. 1927માં મહારાજા ગંગાસિંહે પોતાના નામને સાર્થક કરતી પંજાબથી લઈને રાજસ્થાન સુધીની ગંગ નહેર બનાવી હતી. ગંગ નહેર ઉપરાંત મહારાજાએ બીજી ભેટ આપી હતી તે અલ્લાહ ઝીલાઈ બાઈની હતી.

બાઈજીના હૂનરને મહારાજાએ ઓળખી લીધો હતો. જ્યારે બાઈજી 10 વર્ષના હતા તો તેમણે બાઈજીની સંગીત તાલીમ માટે દરબારમાં ઉસ્તાદ હુસૈન બખ્શ અને ત્યાર બાદ અચ્છન મહારાજાની નિમણૂંક કરી હતી. બહુ ટૂંકા સમયમાં અલ્લાહ ઝીલાઈ બાઈ પોતાન હૂનરમાં માહેર થઈ ગઈ. ઉસ્તાદો પાસેથી માંડ, ઠુમરી, ખ્યાલ અને દાદાર જેવી તમામ શૈલીમાં ગાવાનું શીખી લીધું.

કેસરીયા બાલમ આવો ની,

પધારો મારે દેશ..

કઈ ઘને પ્યારો પરદેશ જી,

કેસરીયા બાલમ ની, પધારો મારે દેશ...

કજરા લાગે કિર કરા ઔર સુરમા સહા ના જાયે

આ કજરા લાગે કિર કરા ઔર સુરમા સહા ના જાયે,

ઓ-ઓ, જિન્હોને ના મેં પિયા, બસે તો દુજે કૌન સમાયે જી,

પધારો મારે દેશ....

કેસરીયા બાલમ આવો ની, પધારો મારે દેશ...

કેસર સે પગ ઢોંગી કે ઘર પધારો પીર,

ઔર બધાઈ મેં ક્યા દું મેં, થા પર વારો જી,

કેસરીયા બાલમ, આવો ની, પધારો મારે દેશ...

પધારો મારે દેશ...

પોતાના જીવન કાળ દરમિયાન બાઈજીએ અનેક ગીતો ગાયાં હતાં પરંતુ માંડ શૈલીમાં ગાયેલા કેસરીયા બાલમને લોકોનો ભરપૂર પ્રેમ મળ્યો. લોકોનો પ્રેમ કેમ ન મળે. રાજસ્થાનની આ દિકરીએ આ ગીતને ગાયું જ છે નિરાલા અંદાજમાં. વીરતા અને પરાક્રમનાં પ્રતીક સમું આ ગીત બાઈજીનાં કંઠે વસીને વધુને વધુ ખીલી ગયું.

કેસરીયા હોય કે મમૂલ કે પાણીહારિન કે પછી ગોરબંધનું ગીત હોય, ભક્તિ અને સૂફી કાળથી ચાલી આવતી રાજસ્થાનની ભવ્ય લોક વિરાસતને બાઈજીએ પ્રસ્તુત કરી છે. મીરા બાઈ, દાદુ અને અજમેરના ખ્વાજા જેવા સંત-ફકીરોએ સિંચેલી ગંગા-જમની સંસ્કારો ધરાવતી સંસ્કૃતિની વારસદાર હતી. ગંગા-જમની સંસ્કારોનો જ કમાલ છે કે ઈસ્લામ સાથે સંબંધ રાખનારી બાઈજીનું સ્વર પામી હિન્દુ કેસરીયા ગીત વધુ લોકભોગ્ય બની ગયું. શાહી પરિવારના તમામ આનંદ કે લગ્ન પ્રસંગોમાં બાઈજીનું ગીત હિન્દુ રસમ સાથે જોડાઈ ગયું હતું.

અલ્લાહ ઝીલાઈ બાઈનાં કંઠે ગવાયેલું કેસરીયા બાલમ સાંભળો...

મહારાજા ગંગાસિંહના અવસાન બાદ બાઈજીએ સમગ્ર દેશ માટે ઓલ ઈન્ડીયા રેડીયોના માધ્યમથી ગીતને ગાવા માંડ્યું. રાજસ્થાનની રંગીલી સંસ્કૃતિની ઓળખ સમાન બાઈજીને સંગીત ક્ષેત્રના અદ્વિતીય યોગદાન બદલ ભારત સરકારે  1982માં તેમને પદ્મશ્રી ઓવોર્ડથી વિભૂષિત કર્યા હતા.

કેસરીચંદ એવા માણસ છે જેમણે અલ્લાબ ઝીલાઈ બાઈનાં લુપ્ત થયેલા ગીતોને એકત્ર કરી દુનિયાની સમક્ષ મૂકવાનું કાર્ય કર્યું છે. આવું કામ તો કોઈ સગો પણ કરે નહી, પણ કેસરીચંદે આ કાર્ય કરી દેખાડયું છે. કેસરીચંદ પદ્મશ્રી એવોર્ડ દરમિયાનના સફરમાં બાઈજી સાથે રહ્યા હતા. કેસરીચંદ કહે છે કે તે દિવસોમાં કળાનું રાજકીયકરણ કરાતું ન હતું. સંગીતને આરાધના સમજવામાં આવતી હતી અને તેમાં શિવથી લઈ કૃષ્ણ સુધીની પ્રશસ્તિ કરવામાં આવતી હતી. ગણગૌર હોય, તીજ હોય કે મુસ્લિમ કલાકારો. હોય, તમામ લોકો તહેવારોને પોતાના સમજીને જ ઉજવતા હતા.

અલ્લાહ ઝીલાઈ બાઈએ એક ડઝન કરતાં પણ વધારે પ્રકારે કેસરીયા બાલમ ગાયું છે. રાજપરિવારનાં શૂભ પ્રસંગો કે જાનનાં સ્વાગતમાં કેસરીયા બાલને બાઈજી પાસે અચૂક ગવડાવવામાં આવતું હતું. તેઓ બિકાનેર દરબારના અભિન્ન અંગ હતા.

અલ્લાહ ઝીલાઈ બાઈએ મોટાભાગે રેડીયો માટે ગીતો ગાયા હતા તો આવનાર પેઢીને તેમના પ્રદાનથી અવગત કરાવવા માટે કેસરીચંદ માલુએ ગાંઠ વાળી લીધી. બાઈજીના રેકોર્ડીંગ શોધવાના શરૂ કર્યા તો રાજસ્થાનના આઈએએસ અધિકારી ભીમસિંહ પાસે બાઈજીના ગીતોના કલેક્શન હોવાની ખબર પડી. કેસરીચંદે ભીમસિંહ પાસે રેકોર્ડીંગ માંગ્યા પણ ભીમસિંહે રોકોર્ડીંગ આપ્યા નહી. અંતે ભીમસિંહનો દેહાંત થયો અને તેમના દિકરાએ કેસરીચંદના રાજસ્થાન પ્રત્યેના અતૂટ પ્રેમને જોઈ તમામ રેકોર્ડીંગ આપ્યા. ટેકનિકલી રેકોર્ડીંગ સારી ક્વોલિટીના ન હતા તેમને દુરસ્ત કરવામાં આવ્યા અને ડિજીટાઈઝેશન કરી સીડી મારફત લોકો સુધી પહોંચાડવામાં આવ્યા.

પહેલી ફેબ્રુઆરી 1902માં જન્મેલા અલ્લાહ ઝીલાઈ બાઈનું 3 નવેમ્બર 1992માં દેહાંત થયો. અનેક અપ એન્ડ ડાઉન જોયા પણ સંગીતને કદી છોડ્યું નહી, બાઈજી આજે સદેહ આપણી વચ્ચે નથી પરંતુ આજે પણ સમગ્ર જગતને કહે છે કે પધારો, આવોની મ્હારે દેશ.

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.