આરમેનિયન-બ્રિટિશ શાયરો : સૂફી સરમદની વાત
તવાયફો,કવિયત્રીઓ અને યુરોપિયન શાયરો અંગે અવગત થયા બાદ આરમેનિયન અને ઇન્ડો બ્રિટિશ શાયરો અંગે જાણકારી મેળવીએ.
આરમેની શાયરોમાં ચાર નામ મહત્વનાં છે. આમ તો લિસ્ટ બહુ લાંબું છે. આરમેનિયનના ચાર શાયરોમાં મિર્ઝા ઝૂલકરનૈન, સૂફી સરમદ,જોહન્સ'સાહબ' અને એરન'જેકબ'ફરહત' છે.
મિર્ઝા ઝૂલકરનૈન 1592માં ભારતમાં જનમ્યા હતા. તેમણે જહાંગીર અને શાહજહાંનો જમાનો જોયો હતો. તેમની તમામ રચનાઓ ફારસીમાં હતી. શાહજહાંની તાજપોશી વખતે તેમણે કેટલાક કસીદા લખ્યા હતા. શાહજહાંએ તેમને ઇનામરૂપે ચાર હજાર રૂપિયા આપ્યા હતા. ઝૂલકરનૈનનો ઉલ્લેખ શાહજહાંએ પણ કર્યો છે. દુઃખદ વાત એ છે કે તેમની રચનાઓ પ્રાપ્ય બની શકી નથી પરંતુ તેમનો ઉલ્લેખ તે સમયના શાયરોની નામાવલીમાં દરેક જગ્યાએ આવે છે. તેઓ ઉસ્તાદ શાયરની હેસિયત રાખતા હતા.
સૂફી સરમદ પણ આર્મનિયન હતા.તેઓ શાહજહાંના શાસનકાળ દરમિયાન ભારત આવ્યા હતા.પાછળથી તેમણે ઇસ્લામ ધર્મનો સ્વીકાર કર્યો હતો. ઇતિહાસ તેમને સૂફી સરમદના નામથી આજે પણ યાદ કરે છે. ઔરંગઝેબે તેમને કત્લ કર્યા હતા. તેમના અનેક સૂફીયાના ચમત્કારો ચર્ચામાં રહે છે.
યા રબ ઝ કરમ બ બખ્શીસ તકસીર મીરા
મકબુલ બકુન નાલા એ શબગીર મીરા
પીરી વ ગુનાહ માજરાઇસ્ત અજબ
લુત્ફે તુ કુંદ ચારાહે તદબીર મીરા
( હે, ઈશ્વર, તું મારી તકસીર-ખતાઓને માફ કરી, મારી પાછલી રાત્રીની પ્રાર્થના-દુઆને કબુલ કર. સાધુત્વ અને ગુના એ અજબ મામલો છે. ગૈબી આનંદનો મનસૂબો પાર પાડવા સુધી લઈ જા)
એવું કહેવાય છે કે સૂફી સરમદને અભેચંદ નામના યુવાન સાથે અનહદ લગાવ હતો. અભેચંદ પ્રત્યેનો પ્રેમ આ પંક્તિમાં જોવા મળે છે.
નમી દાનમ દરીં ચરખે કહન દૈર
ખુદાએ મન અભેચંદ અસ્ત યા ગૈર
(મને ખબર નથી કે આ જરી-પુરાણા બુતખાના સાથે શો ચક્કર છે. ખુદા જાણે છે કે એ અભેચંદ છે કે કોઈ અન્ય)
અભેચંદ સાથે સૂફી સરમદનો લગાવ એટલો બધો હતો કે તેઓ મજનુ બનીને ગલીઓમાં નગ્ન ઘૂમતા હતા. સૂફી સરમદના કલામો સૂફીયાના અને ખુદાશનાશીથી ભરપૂર છે. તેમની રુબાઈ પણ પ્રખ્યાત છે. ખુદા માટે ફના થનારા સરમદ બા-કમાલ શાયર પણ હતા.
તેમની કેટલીક પર્શિયન રુબાઈ જોઈએ.
અબ દહમો ખ્યાલો ફિકર દુનિયા બાગુઝર
ચું બાદે સબા ઝ બાગો સેહરા બાગુઝર
દીવાના મશુ બરંગો બુએ ગુલો મુલ
હોશિયાર બશવાંઝી હવા હા બાગુઝર
(દુનિયાના વિચારો,ભોગવિલાસ વગર જીવવું છે, જેમ રણ અને ઉદ્યાનોમાં હવા વહે છે તેવી રીતે જીવવું છે. દિવાનાને રંગ,ફૂલ,ધૂળની કોઈ પરવા હોતી નથી, તે તો હવાની સાથે સાથે જ વહીને જીવવા માંગે છે)
સરમદ તુ ઝહિચ ખલ્કે યારી મતલબ
અઝ શાખ બરહેના સાયાદારી મતલબ
ઇઝઝત ઝ કનાઅત અસ્ત વ ખ્વારી ઝ તમાઅ
બાઇઝઝત ખવેશ બાશ વ ખ્વારી મતલબ
(સરમદને ફક્ત ઈશ્વરીય યારીથી મતલબ છે. નગ્ન ડાળખીથી શું લેવા-દેવા? છાંયડાથી મતલબ છે. ઈજ્જત-આબરૂ ભલે ખુવાર થતી હોય પણ ખુદામાં મસ્ત રહેવાથી મતલબ છે.)
જહોન્સને શાયરીની દુનિયા 'સાહબ' તરીકે ઓળખે છે. તેઓ મીર વઝીર અલી સબાનાં શિષ્ય હતા. જ્યારે સબા પોતે આતિશના શિષ્ય હતા. સાહબને ઉર્દુ-યુરોપિયન શાયર માનવામાં આવે છે પરંતુ તેઓ આરમેનિયન હોવાનો સૌથી મોટો પુરાવો તેમનું નામ જ છે. તેમનો સમયકાળ 19મી સદીનો આખરી દાયકો છે. તેમણે અનેક ગઝલો કહી પરંતુ એક જ શેર હાથ લાગ્યો છે.
દેખના તોડકે વહેશત મેં નિકલ જાઊંગા
મુઝકો પહેનાતે હો ઝંઝીર પે ઝંઝીર અબસ
જેવી રીતે મિર્ઝા ગાલીબ 'અસદ' અને 'ગાલીબ' એમ બે ઉપનામ રાખતા હતા તેવી જ રીતે એરન જેકબ પણ કદી ફરહત તો કદી એરન ઉપનનામથી ગઝલ લખતા હતા. એરન જેકબ 19મી સદીનાં અંતિમ દાયકાના શાયર છે. કહેવાય છે કે તેઓ રીયાઝ ખૈરાબાદીના શિષ્ય હતા. પરંતુ જે-તે સમયે રીયાઝ ખૈરાબાદીએ આ વાતને ફગાવી દીધી હતી. એરનના ઉસ્તાદ તરીકે હુનર લખનવીનું નામ લેવામાં આવે છે. એરનની શાયરીમાં પાકટતા જોવા મળે છે. ઉર્દુ પર તેમને મહારત હાંસલ હતી. તેમના શેર વાંચીએ.
બહારે ચમન પે ના ઈતરા અય બુલબુલ
તમાશા યે દો રોઝ કા હો રહા હૈ
ઝરા મુસ્કુરાકે છીળક દો નમક તુમ
કે મું ઝખ્મ કા બે-મઝા હો રહા હૈ
ના ચૂકી હશ્ર મેં ભી આંખ ઉન કી
ખુદા કે સામને ભી લે લિયા યે દિલ
.....
વો અપને અકસ સે આઈને મેં આંખેં લળાતે હૈ
ઇલાહી ખૈર કરના વો દોનો ચોંટે હૈ મુકાબિલ કી
વફા દેખો લહદ તક આતી હૈ ફરહત કે
તમન્નાયેં, મુરાદેં, આરઝુ,હસરતેં દિલ કી
ઉર્દુના આરમેનિયન શાયરો ને વાંચ્યા બાદ ઇન્ડો-બ્રિટિશ શાયરો વિશે જાણીએ.
ઇન્ડો-બ્રિટિશ શાયરોમાં જોન થોમસ, એલેક્ઝેન્ડર હેડલી આઝાદ, જનરલ જોસેફ હંસલી'ફના',કર્નલ શેડોલ પ્લોદ, સહિત અનેક નામો સામેલ છે. આ શાયરોએ ઉર્દુ અને ફારસી ઉપરાંત હિન્દીમાં પણ કલમ અજમાવી હતી. તમામે દિલ ખોલીને શાયરી કરી છે પરંતુ કેટલાક અપવાદોને બાદ કરતા ભાષા અને ગઝલનું સૌષ્ઠવ મોટાભાગનાં શાયરોમાં જોવા મળતું નથી.
જોન થોમસ આયર્લેન્ડના વતની હતા. અંદાજે 1780ની આસપાસ તેઓ ભારત આવ્યા હતા. 1787માં બેગમ સમર્દનાં દરબારમાં નોકરી કરતા કરતા ઉચ્ચ હોદ્દાએ પહોંચ્યા હતા. બાદમાં બેગમે થોમસને છોડી એક ફ્રાનસીસીને મહત્વ આપ્યું તો થોમસે 1792માં નોકરી છોડી દીધી. જ્યારે બેગમ વિરુદ્ધ બળવો થયો તો થોમસે બેગમની સાથે રહી યુધ્ધમાં ભાગ લીધો. યુધ્ધ પછી થોમસ ફરી બેગમ સમર્દના વિશ્વાસુ બની ગયા હતા.
નોકરીમાંથી નિવૃત્તિ બાદ તેઓ દિલ્હીમાં સ્થાયી થઇ ગયા હતા. જ્યાં તેમણે શાહ નસીરની ઉસ્તાદી સ્વીકારી ગઝલ લખવાની શરૂ કરી. તેમને 'ખાન સાહબ'થી પણ ઓળખવામાં આવે છે. તેમનો શેર જોઈએ.
સૌંદા હૈ ઝુલ્ફે યુસુફે ષાની કા ઇસ કદર
રોતે હૈ હમ ખળે સરે બાઝાર ઝાર-ઝાર
.....
'તૌકીર' લિખ બ-મિસર-એ થોમસ તુ ગઝલ
અય,આહ ખીંચ દે મ-બાલાનશી પે ખત
{મ-બાલાનાશી- મનનીઊંચાઈ)
પ્રથમ પંક્તિ લુઇલે ગાઇસ'તૌકીર'ની છે. જ્યારે બીજી પંક્તિ થોમસની છે. તૌકીર માટે એવું કહેવાય છે કે તેઓ થોમસના શિષ્ય હતા. થોમસે ફારસીમાં પણ શાયરી કરી હતી.
કર્નલ જોસેફ હંસલી 'ફના'એ પણ એક ગઝલ સંગ્રહ આપ્યો છે. તેમના અવસાન પછી પ્રસિદ્ધ થયો હતો. જોસેફ રિયાસતે અલવરની ફોજમાં નોકરી કરતા હતા. તેઓ 15 ઓક્ટોબર,1846માં જન્મ્યા હતા અને પહેલી નવેમ્બર 1871માં અવસાન પામ્યા. તેમને અલ્વરમાં જ દફનાવવામાં આવ્યા હતા. આજે પણ તેમની કબર છે.
ખુલ્દ કા નકશા ભી આંખો મેં ના જમ સકા
અપને દિલ મેં તો ખ્યાલે કુએ જાનાં હી રહા
....
ખાનાએ દિલ હી હૈ મેરા,તેરે રહેને કી જગા હૈ
અય ગમે યાર કહીં ઔર ના મહેમાં હોના
ટુટેગી આજ તૌબા હઝારો કી દેખના
બિખરી હૈ ઐસી બઝ્મ મેં કુછ જાનજા શરાબ
જોસેફ હંસલી'ફના' માત્ર શાયર જ ન હતા એક અચ્છા સંગીતકાર પણ હતા. તેઓ સિતારવાદન કરતા હતા. તેમણે હિન્દીમાં પણ શાયરી કરી છે. તેઓ સૌન્દર્યના દીવાના હતા પણ અય્યાશ ન હતા. પુષ્કળ ઢીંચણબાજ હતા.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર